ચાંદામામા
ચાંદામામા
ચાંદામામા પર એક ડોશીમા રહે. ડોશીમા દરરોજ રેંટિયો કાંતે... જેટલું રૂ તૈયાર થાય, એટલું કદ ચાંદામામાનું રોજ રાત્રે રહે. દર ૨૯ દિવસ પછી ડોશીમા થાકી જાય અને એક દિવસે રેંટિયો ના કાંતી આરામ કરે. એ રાત્રે ચાંદામામા પણ જોવા ન મળે. વર્ષોથી ડોશીમાનાં જીવનનો આજ નિત્યક્રમ ચાલતો આવે.
એકવાર કંઈક એવુ થયું કે રેંટિયો કાંતતા-કાંતતા ડોશીમાને એક બાળકનાં જોર-જોરથી રડવાનો અવાજ આવ્યો. ડોશી એ ચંદ્ર પર આસ-પાસ જોયું, કોઈ ના દેખાયું. અંતે ડોશીમાની નજર નીચે પૃથ્વી તરફ ગઈ... જોયું તો ૨-૩ વર્ષનું એક બાળક ચંદ્ર સામે જોઈ ખુબ રડી રહ્યું હતું. એ બાળકની માતા અંધારપટ આકાશમાં ચંદ્રનાં અજવાળાથી બાળકને છાનું રાખવાના નિષ્ફ્ળ પ્રયત્નો કરી રહી હતી. ડોશીમાને પોતાનો દીકરો એ બાળકમાં દેખાયો અને તેને છાનું રાખવા ચંદ્ર પર જાત-જાતનાં રમુજીમય હાવભાવ બનાવવા લાગી જે ફક્ત બાળક જ જોઈ શકે. જોત-જોતામાં બાળક છાનું રહી ગયું. હવે જયારે પણ બાળક રડતું, તેની માતાને થતું બાળકને ચાંદામામા ખુબ ગમે છે... જેથી તેણી દરેક વખતે બાળકને છાનું રાખવા ચંદ્ર તરફ આંગળી ચીંધતા અને ડોશીમા ફરી બાળકને હસતું જોવા રમુજી આકૃતિઓ બનાવતા. આ લગભગ દરરોજનો પ્રક્રમ બની ગયો. બાળક જેમ-જેમ મોટુ થવા લાગ્યું એમ-એમ ચંદ્ર તરફ આકર્ષિત થવા લાગ્યું. ૧૦-૧૨ વર્ષનાં બાળકે ચંદ્ર પર ડોશીમા પાસે જવાની અને એમને મળવાની ઝિદ પકડી લીધી. કિશોરાવસ્થા સુધી પહોંચી એ બાળક સમજણું બન્યું. ચન્દ્ર વિશેનાં વિવિધ તથ્યો જાણ્યા. નાનપણનાં ચાંદામામા પર જવું હવે એ બાળકનાં જીવનનું સપનનું અને લક્ષ્ય બની ગયું. થોડા જ વર્ષોમાં અવકાશયાત્રીની તાલીમ લીધા પછી એ બાળક એ પોતાનું નાનપણનું સપનું સાકાર કર્યું અને ચંદ્રની ધરતી પર પગ મુકનાર પ્રથમ વ્યક્તિ બન્યો. જેમને આજે આપણે સૌ નીલ આર્મસ્ટ્રોંગ તરીકે ઓળખીએ છીએ.
બોધ: એક નાના બાળકે ચાંદને પામવા એટલેકે તેના પર જવાની ઈચ્છાને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યુ. જે એ સમયે કોઈ ના કરી શક્યું કે ચાંદ પર જવાનું વિચારી પણ નહીં શક્યું હોય એવા સમયે એ બાળકે પોતાના નાનપણનાં સપનાંને વળગી રહી, સખત મહેનત કરી પોતાના લક્ષ્ય સુધી પહોંચીને રહ્યો. આ દુનિયામાં કંઈપણ અશક્ય નથી. સપનાં જોવાનું સાહસ કરી તો જુઓ...!! બાદમાં એ જ સપનાંને લક્ષ્ય બનાવી વળગી રહેશો, તો સાચી દિશામાં મહેનત દ્વારા આજે નહીં તો કાલે ચોક્કસથી સફળતાનો ભેટો થશે.
