રાજવી
રાજવી
જૂનાગઢ શહેરમાં 15 ઓગસ્ટ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરીજનો માટે ઉત્સવનો માહોલ હતો. સાથે સૌ કોઈ એ જાણવા ખુબ જ ઉત્સુક હતા કે આ વર્ષનું ધ્વજારોહણ કોના હસ્તક થશે. જનમેદનીનાં ચર્ચાના માહોલ વચ્ચે બધાની નજર એક અવાજ પર કેન્દ્રિત થાય છે. "આપ સૌ શહેરીજનોનું કલેક્ટર ઓફિસનાં પ્રાંગણમાં હૃદયપૂર્વક સ્વાગત છે. ડેપ્યુટી કલેક્ટર તરીકે મને ખુશી છે કે મારા શહેરની પ્રજા ધ્વજારોહણ પ્રત્યે જાગૃત છે." બે મહિના પહેલા જૂનાગઢ શહેરનાં ડેપ્યુટી કલેક્ટરનાં પદ પર આવેલી નિત્યા સંપૂર્ણપણે કર્તવ્યનિષ્ઠ અને નીડર ઓફિસર હતી. પોતાના કામને લઈ ખુબજ કડક છતાં સૌમ્ય પ્રકૃતિની હતી.
પોતાની વાત આગળ વધારી શહેરીજનોને સંબોધીત કરતા નિત્યા કહે છે, "જે ક્ષણની આપ સૌ રાહ જોઈ રહ્યા હતા, એ ક્ષણ અંતે આપણી સમક્ષ આવી પહોંચી છે. આ વર્ષનું ધ્વજારોહણ જે વ્યક્તિ થકી થશે, એમનું નામ છે રાજવી જૈન."
આ અજાણ્યા ચહેરાને જોવા સૌ કોઈ આતુર હોય છે. રાજવી ડગમગતા પગલે આગળ વધે છે, કેમ કે આટલું સમ્માનપૂર્વક આપવામાં આવેલ આ તેમનું પ્રથમ આમંત્રણ હોય છે. તે ધીમે ધીમે પોતાનો આત્મ-વિશ્વાસ વધારી ધ્વજ તરફ વધે છે. ત્યાં જ અચાનક વીજળી વેગે તાળીઓનો ગળગળાટ અટકી જાય છે. સન્નાટાની શાંતિમાં રાજવીનાં કદમ રોકાય જાય છે. રાજવી કંઈ સમજે એ પહેલા જ લોકોનાં ટોળામાંથી એક અવાજ બધાનાં કાને પડે છે.
"તો હવે એક કિન્નર પાસે આપણા સમ્માનિત રાષ્ટ્ર્રધ્વજનું ઘ્વજારોહણ થશે ? અમે આ બાબતનાં સખત વિરોધી છીએ."
ધીમે-ધીમે પુરી જનમેદની એક જ સ્વરમાં બોલી ઉઠે છે, "અમારા રાષ્ટ્રઘ્વજનું આવું અપમાન અમે કદી સહન નહીં કરીએ !"
હજારો લોકોની પોકાર પર ફક્ત એક અવાજ ભારી પડે છે. "સૌ શાંતિથી પોતાની જગ્યા પર બેસી મને સાંભળશે. એ પછી પણ જો કોઈ વ્યક્તિ રાજવીનાં ધ્વજારોહણથી સંતુષ્ટ ના હોય તો પોતાનું સ્થાન છોડી જઈ શકે છે." આ વખતે ડેપ્યુટી કલેકર નિત્યાના અવાજમાં સખતાઈ જણાતી હતી. નિત્યાના આદેશનું માન રાખી શહેરીજનો પોતાનું સ્થાન ગ્રહણ કરે છે. ભીડમાં રહેલ લોકો તરફ આંગળી ચીંધી નિત્યા કહે છે,
"કાલે કોકિલાબહેનનાં ઘરે દીકરાનો જન્મ થયો, એક અઠવાડિયાથી કલેક્ટરશ્રી દ્વારા જાહેર થયેલ સર્વે માટે મારે ઘરે ઘર જવાનું થાય છે અને જોગનુજોગ ચાર દિવસ પહેલા જ હું કોકિલાબહેનનાં ઘરે પહોંચી અને ત્યાં જ મને રાજવી મળી. કોકીલાબહેન ખુબ જ હરખથી પોતાના પુત્રનાં નવજાત પુત્રને રાજવી પાસેથી આશીર્વાદ અપાવતા હતા. જબરું નેક પણ આપ્યું હતું હેને કોકિલાબહેન ? બીજો એક કિસ્સો કહું, હજુ કાલની જ વાત છે... રાજવીનાં જ સમાજમાંથી આવતી કુસુમ ભૂખથી તરવરતી હતી, તેની નજીકથી પસાર થયેલ દરેક લોકો સ્પર્શનાં ડરથી તેનાથી પાંચ ફૂટ દૂર ચાલતા હતા. ખોરાક માટે ભીખ માંગતી કુસુમને જોઈ એક નાની પાંચ વર્ષની બાળા પોતાની પાસે રહેલ આઈસ્ક્રીમ કુસુમને આપવા દોટ લગાવે છે. નાની બાળકીને પોતાની તરફ આવતા જોઈ તેણીને વ્હાલ કરવા કુસુમ પોતાનો હાથ લાંબાવે છે. ત્યાં જ બાળકીની માતા તેણીને પકડી કુસુમ પાસે જતા રોકે છે અને કુસુમને કોસતા બોલે છે, 'તારા માઁ-બાપ એ તને જન્મતા સાથે જ મારી નાખી હોત તો આટલુ અપમાન આજે સહન ના કરતી હોત' આ સાંભળતાની સાથે કુસુમ પર જાણે વીજળી તૂટી પડે છે, તે ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગે છે.
કેવું કહેવાય ને, બન્ને કિસ્સાઓમાં કિન્નર જ હતા છતાંય એકનું માન અને બીજાનું અપમાન. ખરેખર આ સૃષ્ટિ પર સૌથી સ્વાર્થી જીવ જો કોઈ હોય તો એ છે મનુષ્ય. આપણે એ મનુષ્ય છીએ જે ભગવાનનાં અર્ધનારેશ્વર સ્વરૂપને પૂજીએ છીએ, પણ એ જ રૂપ માણસમાં જોવા મળે તો તેને અશુભ માનીએ છીએ. સ્ત્રી હોય, પુરુષ હોય કે કિન્નર... દેહ તો બધાનો કુદરત જ ઘડે છે. તો કેમ છોકરી-છોકરાનાં જન્મ પર ખુશી અને કિન્નરનાં જન્મ પર માતમ?? ક્યારેય વિચાર્યું છે, એક નાનું બાળક જેને દુનિયાની પૂરતી સમજ પણ નથી ત્યાં જ પોતાના માઁ-બાપ દ્વારા હડધૂત કરી ત્યજી દેવામાં આવે છે. પુરી જિંદગી તેઓ તાળીઓ પાળી પાળી, ભીખ માંગી વીતાવે છે. આખરે વાંક શું છે આ કિન્નરોનો?? શું એમનામાં લાગણી નથી હોતી?? શું તેઓ આપણા પ્રેમને સમજી નથી શકતા ?
સુપ્રીમકોર્ટે થોડા વર્ષો પહેલા જ કિન્નરોને સામાજિક સ્વીકૃતિ અને દરેક ક્ષેત્રમાં સમોવડા બનવાનો અધિકાર આપ્યો. પરંતુ શું કાગળમાં અપાયેલ મંજૂરી આપણા હૃદય સુધી પહોંચી ખરી ? આજે 15 ઓગસ્ટનાં આ પર્વ પર એક કિન્નરનાં હસ્તે આપણો ત્રિરંગો લહેરાય, એનાથી મોટી સામાજિક સ્વીકૃતિ અને સમ્માનજનક વાત કિન્નર સમાજ માટે બીજી શું હોય શકે?? માટે આજનું ધ્વજારોહણ કિન્નર સમાજનાં મુખ્યા રાજવી જૈનનાં હસ્તે થશે. ઉપરાંત આ ધ્વજારોહણ બાદ અહીં રાખેલ બોક્સમાં આપ સૌ પોતાની ઈચ્છા મુજબ અમુક ધનરાશીનું દાન કરી શકો છો. જેનો ઉપયોગ કિન્નર સમાજ માટે બજાર બનાવામાં થશે. તેઓ પણ અનાજ-કરિયાણા-ફરસાણ-કોસ્મેટિક જેવી દુકાનો દ્વારા પોતાનું ગુજરાન ચલાવશે."
ડેપ્યુટી કલેક્ટરની વાત પુરી થતા ફરી સન્નાટો છવાય છે. રાજવીનાં રોકાઈ ગયેલ પગલાં પાછળ તરફ ખસતા જાય છે, એટલામાં જ ડેપ્યુટી કલેક્ટર નિત્યા તાળીથી રાજવીને નવાજી આગળ વધવા પ્રોત્સાહન આપે છે, થોડી જ ક્ષણોમાં પુરી કલેક્ટર ઓફિસનું પ્રાંગણ તાળીઓનાં ગળગળાટથી ગુંજી ઉઠે છે. વાજતે-ગાજતે રાજવીનાં હસ્તકે ધ્વજારોહણ થાય છે, દિલ ખોલીને લોકો કિન્નર બજારનાં નિર્માણ માટે દાન કરે છે. આ સાથેજ પોતાના શહેરનાં ખરા અર્થમાં વિકાસ માટે ડેપ્યુટી કલેક્ટર નિત્યાનાં સ્વપ્નનું પ્રથમ ચરણ વીજળી વેગે સાકાર થાય છે.
