અધૂરું સ્મિત
અધૂરું સ્મિત
ઢળતી સંધ્યા એ કેસરિયા આકાશી આવરણને નિહાળતા અગાશી પર બેસી ધીમહી કલમના માધ્યમથી પોતાના ભાવોની અભિવ્યક્તિ કાગળ પર ઉતારતી હોય છે. એટલામાં જ કોકિલા શાંત છતાં વિચારોના વમળમાં વીટળાયેલ પોતાની દીકરી તરફ જુએ છે અને બોલી ઉઠે છે, "શું આટલું લખ-લખ કરતી હોય છે?"
ધીમહી અચાનક પોતાની સ્વપ્નસૃષ્ટિથી બહાર આવે છે અને જવાબ આપતા કહે છે, "અધૂરું સ્મિત"
"મને આ તારી શાયરાના વાતો કદી નથી સમજાઈ ! સારુ એ બધું મૂક દિવાળીકામ ચાલુ કર્યું છે કાલે તારો રૂમ સાફ કરવાનો છે તો..."
કોકિલા કઈ આગળ બોલે એ પહેલા જ ધીમહી તેણીને રોકે છે અને કહે છે, "જરાય નહીં, મારો રૂમ હું જ સાફ કરીશ મમ્મી. તું મારી વસ્તુઓ આડી-અવળી કરી મૂકે છે પછી તારું મૂકેલું તને જ યાદ રહેતું નથી અને મારે દરેક ચીજ માટે ફાંફા મારવા પડે છે. તું નહીં કરે મારો રૂમ સાફ."
કોકિલા કહે છે "હાશ, મારે એટલું કામ ઓછું !"
બીજી સવારે કોકિલા ધીમહીના રૂમમાં આવી પહોંચે છે, પોતાની આળસુ દીકરી પર વિશ્વાસ હોવાના લીધે કોકિલા જાતે જ ધીમહીનો રૂમ સાફ કરવાની શરૂઆત તેણીના કબાટથી કરે છે, કબાટનો ડ્રોઅર ખોલતાની સાથે જ તેણી આશ્ચર્યચકિત થઇ રસિકભાઈને બૂમ પાડે છે.
બુમા-બુમી વચ્ચે ધીમહી ઊંઘમાંથી જાગી જાય છે અને ગુસ્સે થઇ બોલી ઉઠે છે, "મમ્મી, મે ના કહી હતી ને તને. તે મને પૂછ્યા વગર કેમ મારો કબાટ ખોલ્યો ?"
ત્યાં જ ધીમહીના પપ્પા રૂમમાં દોડી આવે છે અને ડ્રોઅર પર નજર કરે છે, ત્યાં રહેલ ૧૦-૧૨ સર્ટિફિકેટ અને મેડલ જોઈ બન્નેના આશ્ચર્યનો પાર નથી રહેતો. રસિક ભાઈ બધા જ સર્ટિફિકેટ પોતાના હાથમાં લઈ ધીમહીને પૂછે છે, "બેટા, તું આટલી સારી લેખિકા છો ? તને આટલા બધા સર્ટિફિકેટ મળ્યા છે, મેડલ મળ્યા છે, શું છે આ બધું?"
"અધૂરું સ્મિત પપ્પા" ધીમહી કટાક્ષ સ્મિત સાથે જવાબ આપે છે.
ફરીથી આજ શબ્દ સાંભળી કોકિલા લાલ-પીળી થઇ બોલી ઉઠે છે, "શું ક્યારની આ અધૂરું સ્મિત અધૂરું સ્મિત લગાવી રાખ્યું છે ? કંઈક સરખી રીતે જવાબ આપીશ જોગમાયા?"
પ્રશ્નોથી વ્યાકુળ બનેલા પોતાના મમ્મી-પપ્પાને શાંત કરતા ધીમહી જવાબ આપે છે, "પપ્પા આ મેડલ જુઓ છો ? જયારે હું ક્લાસ 1/2 અધિકારી બની જઈશને, ત્યારે સરકાર તરફથી મને આવું જ મેડલ મળશે. હું મારી સાહિત્ય ક્ષેત્રની સફળતાથી પણ ઘણી ખુશ છું, પણ જ્યાં સુધી મારા જીવનના લક્ષ્ય સુધી હું નહીં પહોંચું, ક્લાસ 1/2 અધિકારી નહીં બનું, ત્યાં સુધી મારી અન્ય ક્ષેત્રમાં હાંસિલ કરેલા કેટલા પણ સર્ટિફિકેટ, મેડલો મારા સ્મિતને અધૂરું જ રાખશે."
ધીમહીના પપ્પા તેણીના માથા પર હાથ રાખે છે અને કહે છે, "બેટા, અમારું સંતાન કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવે, અમારા માટે એ ખુશી અધૂરી નહીં હોય"
ધીમહી હકાર પુરાવતા બોલે છે, "હું જાણું છું પપ્પા, પણ તમે આ ડ્રોઅર જુઓ છો ? આ ફક્ત ડ્રોઅર નહીં પણ મારા સ્મિતનો અધૂરો હિસ્સો છે, જેને હું ત્યારે જ તમારી સમક્ષ લાવવા માંગતી હતી જયારે હું સરકારી અધિકારી બની ગઈ હોત. કેમકે ત્યારે આ ડ્રોઅર મારું અધૂરું નહીં પણ પૂર્ણ સ્મિત તરીકે તમારી સામે હોત. આ મેડલ આ સર્ટિફિકેટની ખુશી હું અધિકારી બન્યા પછી જ સાચા અર્થમાં માણી શકીશ. માટે જ હું ઇચ્છતી હતી કે તમે આ ડ્રોઅર એ પછી જ જુઓ જેથી તમારી દીકરી અધૂરા નહીં પણ પૂર્ણ સ્મિત સાથે તમને જોવા મળે"
રસિકભાઈ ઝળઝળીત આંખો સાથે કહે છે, "સારુ બેટા, તને જેમ ઠીક લાગે એમ પણ એક વાત યાદ રાખજે. તારા કોઈપણ ક્ષેત્રની સફળતામાં તારા મમ્મી-પપ્પા હંમેશા ખુશ છે અને નિષ્ફ્ળતામાં તારી સાથે અડીખમ ઉભા છે. હું અને તારી મમ્મી પ્રાર્થના કરીશું કે તારું આ અધૂરું સ્મિત જલ્દી જ પૂર્ણતામાં પરિણમે."
ધીમહી અધૂરા સ્મિત સાથે પોતાના મમ્મી-પપ્પાને ભેટે છે.
