એક ભારતમાં વસતા બે ભારત
એક ભારતમાં વસતા બે ભારત
વાત છે આજથી લગભગ દસેક વર્ષ પહેલાની. એકવીસ વર્ષીય શ્યામ એન્જિનિયરિંગ કોલેજનાં પ્રથમ વર્ષથી જ પોતાના પિતાનાં હઠાગ્રહથી ગુજરાત સરકારની ક્લાસ 1-2 ઓફિસર બનવા માટેની ભરતી પરીક્ષાની તૈયારી કરતો હોય છે. ત્રણ વર્ષ સતત મહેનત કરવા છતાં તે એકપણ પરીક્ષામાં પાસ થતો નથી. કેમકે તે મહેનત તો કરે છે... પણ શેના માટે મહેનત કરે છે એ બાબત પ્રત્યે તે સભાન હોતો નથી. જોતજોતામાં શ્યામને તેની એન્જિનિયરિંગ કોલેજ કેમ્પસથી જોબ માટે યુકે જવાની તક મળે છે. મોકાનો લાભ ઊઠાવી તે યુકે રવાના થાય છે. નવ દસ વર્ષમાં તે પોતાની કંપની વિકસાવી સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવે છે. 31 વર્ષનો શ્યામ તેના પિતાજીનાં દેહાંતનાં સમાચાર સાંભળી પુરા દસ વર્ષ બાદ પોતાની વ્યસ્તતાભરી બિઝનેસ લાઈફમાંથી સમય આપી કમને ફરી ઇન્ડિયા આવે છે. આલીશન કારમાં ચકાચોન્ધ કરી મૂકે તેવા ઠાઠ-બાઠ અને ભવ્યતા સાથે વિદેશ જઈ કરોડો રૂપિયા કમાવવાનાં રુઆબ સાથે શ્યામ એરપોર્ટથી પોતાના ઘરે જવા પ્રસ્થાન કરે છે. રસ્તામાં તે મોટી-મોટી ઇમારતો અને બાંધકામો જુએ છે, થોડે આગળ જતા એક આલીશાન શાળા જુએ છે જ્યાં બાળકોનાં અમીર માતા-પિતા તેમના બાળકને મોંઘી દાટ કારમાં લેવા-મૂકવા આવતા હોય છે.
આ બધુ જોઈ શ્યામ દસ વર્ષ પહેલાનાં ભારતને યાદ કરે છે. જે દેશને અલ્પવિકસિત ગણી તેણે ભારત છોડી યુકે સ્થાયી થવાનો નિર્ણય લીધો હોય છે, એ જ ભારત દેશની માટી પર આ બધું જોઈ આજે તે ગર્વ અનુભવે છે. ટ્રાફિક જામ વચ્ચે કારની ગતિ ધીમી પડે છે અને આગળ જતા શ્યામનું ધ્યાન એક મકાન પર પડે છે, જેના નળિયા જૂના-પુરાના અને પડવાની તૈયારીમાં હોય છે. આમ છતાં એક નાનો પરિવાર એ મકાનમાં રહેતો હોય છે. થોડે આગળ જતા ફરી એક શાળા આવે છે.... આ શાળા નાની હોય છે. જેમાં પ્રવેશનાર ઘણા બાળકોનાં પગમાં પહેરવા માટે ચપ્પલ પણ નથી હોતા. તેમના માતા-પિતા સાઇકલ પર તેઓને લેવા-મૂકવા આવે છે.
આ બધુ જોઈ શ્યામનાં મનમાં વિચાર આવે છે કે આમ જોવા જઉં તો મારું એક જ ભારત છે, આમ છતાં આ ભારતમાં પણ બે અલગ-અલગ ભારત જીવે છે. હું એવુ શું કરી શકું કે આ બંને ભારત એક થાય ? મારી કરોડોની સંપત્તિનું હું દાન કરું તો પણ આટલી મોટી જનસંખ્યા માટે પૂરી પડશે નહીં... હું એવું શું કરી શકું કે આ ગરીબીનો જડ-મૂળમાંથી નાશ કરી શકું. મારા દેશની માટીને ચો તરફ એકસરખી મહેકતી કરી શકું. આ બધા વિચારો સાથે શ્યામ પોતાના દસ વર્ષ પહેલાનાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી પસાર થાય છે, અને પોતાના સ્વર્ગીય પિતાજીનાં સ્વપ્નને યાદ કરે છે. તે ઘરે પહોંચે છે, ઘરનાં સભ્યોને મળ્યા બાદ શ્યામની માતા તેને એક ચિઠ્ઠી આપે છે, જે અંતિમ શ્વાસ લેતા પહેલા શ્યામનાં પિતાજી એ તેના માટે લખી હોય છે. શ્યામ તે ચિઠ્ઠી વાંચે છે, જેમાં તેના પિતાજી એ લખ્યું હોય છે, "મારું બાળપણ ખુબ ગરીબીમાં વીત્યું, હું જયારે શાળાએ જતો ત્યારે મારા બધા મિત્રોને પાસે આવેલી અમીર બાળકોની શાળાનો વૈભવ જોઈને દુઃખ થતું. પરંતુ મને એ વાતનું દુઃખ થતું કે એ શાળામાં ભણાવવા જતા શિક્ષકો અમારી શાળાનાં શિક્ષકો કરતા ઘણા વધું શિક્ષિત અને જાણકાર હતા. વિદ્યામાં થતો આ ભેદભાવ જોઈ હું ઉકળી ઊઠતો, ગરીબીનાં લીધે મને કોચિંગ જવાનો મોકો ન મળ્યો. હું ઈચ્છતો હતો કે હું કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર બનું અને એક કલ્યાણકારી ભારત બનાવાનાં તમામ જરૂરી પ્રયાસો કરું. પરંતુ કમનસીબે આ શક્ય ન બન્યું અને માટે જ મને હતું, તું મારું આ સપનું પુરુ કરીશ. તારી વિદ્યા, તારા જ્ઞાનનો લાભ તું આપણા દેશની માટીને આપીશ." આ પત્ર વાંચી શ્યામની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. આખી રાતનાં વિચાર-વિમર્શ બાદ સવારે તે પોતાના પિતાજીનાં ફોટો પાસે જાય છે અને પગે લાગી તેમના અધૂરા સ્વપ્નને સાકાર કરવાનો નિર્ણય લે છે. પોતાનો વિદેશી બિઝનેસ તેના નાના ભાઈને સોંપી શ્યામ ફરીથી દસ વર્ષ પહેલા છોડેલા પુસ્તકોને હાથમાં લે છે. દસ વર્ષ પછીના આ શ્યામને હવે ખુબ સારી રીતે ખબર હોય છે કે તે શા માટે કલેકટર બનવા માંગે છે...!
"તમારું લક્ષ્ય શું છે એ મહત્વનું નથી,
એ લક્ષ્ય શા માટે છે એ મહત્વનું છે."
