Mariyam Dhupli

Drama Crime Thriller

4  

Mariyam Dhupli

Drama Crime Thriller

પેટી

પેટી

3 mins
235


રેહાનાએ ધીમે રહી પેટી ઉઘાડી. એ પેટીની અંદર ડોકિયું કર્યું. પણ આ શું ? પેટીની અંદર પોતાનો ચહેરો, રાબિયાનો ચહેરો અને એમની વચ્ચે થયેલ સંવાદોના દ્રશ્ય એક પછી એક ભજવાઈ રહ્યા.

"અમ્મી, ખબર નહીં એ પેટીમાં એવું તો શું છે? પણ મને તો લાગે છે જરૂર ખુબજ કિંમતી સામાન હશે. એટલેજ તો હમેશા તાળું લટકતું હોય છે એની ઉપર અને એની ચાવી શોએબની અમ્મી પોતાની ઓઢણી જોડે ગાંઠમાં બાંધી સાથે જ ફરે છે. એ જ્યાં હોય ચાવી એમની જોડે ને જોડે. એ ચાવી હાથમાં આવે એ માટે બધા પ્રયાસો કરી જોયા પણ બધાજ પ્રયાસો નિષ્ફ્ળ. ચાવી હાથ લાગે તો ડુપ્લીકેટ ચાવી બનાવી શકાય. "

"તું શોએબને વાત કર. એ ચોક્કસ જાણતો હશે એ પેટીમાં શું છે? શોએબની આગળની પેઢી આમતો ખુબજ ધનવાન હતી. પણ તારા સસરાનું ઇન્તકાલ થયું પછી બધીજ મિલ્કત તારી સાસુને નામેજ છે. ખબર નહીં શું શું છુપાવી રાખ્યું હશે એણે એ પેટીની અંદર. કદાચ કિંમતી દાગીનાઓ... " રેહાનાની વાત સાંભળી રાબિયાની આંખો લાલચમાં અત્યંત પહોળી થઇ ઉઠી.

"એ પેટી સુધી પહોંચવાનો કોઈ તો માર્ગ હશે ને?"

"શોએબ, એકજ માર્ગ છે તારી પાસે. એજ તારી મદદ કરી શકે છે. "રેહાનાની ચતુર બુદ્ધિ ઉપાય સુઝાવી રહી.

"શોએબ ની તો વાતજ જવા દો તમે. એક નમ્બરનો માવળીયો છે. અમ્મી કહે દિવસ તો દિવસ ને અમ્મી કહે રાત તો રાત. એ બિલાડી ના ગળે ઘંટડી બાંધવાથી રહ્યો." રાબિયાનું મોઢું અણગમાથી વાંકુ થયું.

રેહાનાએ પોતાની શાતીર,અનુભવી દ્રષ્ટિ વડે રાબિયાને હકારાતત્મ્ક દિલાસો આપવા પ્રયાસ કર્યો.

"જો રાબિયા, તારે જાણવુંજ છે કે એ એન્ટિક પેટીમાં આખરે શું છુપાયું છે તો એ માટે લાંબી રાહ જોવી ન પડશે. શોએબની અમ્મીનો એક પગ કબરમાં જ લટકી રહ્યો છે. તું તો હજી ૨૬ વર્ષની છે ને તારી સાસુ ૭૮ વટાવી ચુકી છે. બસ ઘરમાંથી મય્યત ઉઠ્યું, ખતમેં કુરાન અને ફાતિહા પત્યા કે તારા ઘરની ચાવી જોડે એ રહસ્યાત્મક પેટીની ચાવી પણ તારા હાથમાં. પછી નિરાંતે બેસી પેટીનું રહસ્ય જાણીશું."

રેહાના અને રાબિયાના હસવાના પડઘા વચ્ચેથી માર્ગ કાઢતો આક્રન્દ રેહાનાના કાનને ઢંઢોળી ગયો.

પેટી ઉપરનો હાથ ડરીને છૂટી ગયો.

પાછળથી કોઈએ ખભા ઉપર હાથ મુક્યો કે રેહાનાને ભાન થયું. કુરાનશરીફના સિપારાની પેટી જે થોડી ક્ષણો પહેલાજ ખોલી હતી એ ફરીથી ખોલી એણે મૈયતમાં સામેલ થયેલ સ્ત્રીને એક સિપારો આપ્યો અને એક સિપારો પોતાના પઢવા માટે હાથમાં લીધો. હાથ રીતસર ધ્રુજવા માંડ્યા. આક્રન્દ હવે શબ્દોમાં ઢળ્યું.

"આ કોઈ ઉંમર હતી જવા માટે. યા અલ્લાહ મારી જુવાન દીકરી જેવી વહુને છોડી મને તારી પાસે બોલાવી લીધી હોત. હવે આ ડોસીને જીવવા માટે શું બચ્યું છે ?"

રેહાનાની નજર રાબિયાના પાર્થિવ શરીર પાસે આક્રંદ કરી રહેલ શોએબની અમ્મી ઉપર પથ્થર જેમ સ્થિર થઇ ગઈ. 

કાર અકસ્માતમાં યુવાન વયે દુનિયા છોડી ગયેલ પોતાની વહુ અને એ કારણસર દીકરાના જીવનમાં વ્યાપી ગયેલ કરુણ એકલતાની વેદના માતૃત્વના એ આક્રન્દમા દયનિય પડઘો પાડી રહી હતી. 

એમની પડખેના ઓરડામાંથી એન્ટિક નક્શીકામવાળી પ્રાચીન પેટી પૃષ્ઠભૂમિમાં ડોકિયું કરી રહી હતી.

એ પેટીનું તાળું ચુસ્ત વાંસેલું હતું અને એની ચાવી આક્રન્દ કરી રહેલ વૃદ્ધાની ઓઢણીના છેડા જોડે સુરક્ષિત બંધાયેલી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Drama