Mariyam Dhupli

Thriller

4.2  

Mariyam Dhupli

Thriller

પેન્ડિંગ

પેન્ડિંગ

2 mins
102


દરવાજો ધીમે રહી ખુલ્યો અને ઓરડામાં આશાની લહેર ઊઠી. ક્યારના બધા એની રાહ જોતા બેઠા હતા. આ વખતે ચોક્કસ એમનું કામ થઈ રહેશે અને દરેકેદરેક પોતાની નિયતિ સુધી પહોંચી જશે. અનિશ્ચિત જીવનમાંથી આજે જરૂર છૂટકારો મળશે એ હકારાત્મક અભિગમ જોડે ગોપાલ, મીરાં, અજિત, રજત, મોહન, દિપુ, લક્ષ્મી, પૂર્ણિમા, સ્નેહલ એકબીજાને તાકતા એની દ્રષ્ટિથી લપાતા છૂપાતા રાહ જોઈ રહ્યા. 

આખરે એ ઓરડામાં પ્રવેશ્યો. અંધકારને દૂર કરવા લાઈટ સળગાવી. ચહેરો અને શરીર થાકથી નિધાળ દેખાઈ રહ્યા હતા. પોતાના અતિપ્રિય ટેબલ ઉપર ગોઠવાયોજ કે મનમાં એક પછી એક ટકોરા પડવા લાગ્યા. કેટલું બધું પેન્ડિંગ કામ પડ્યું છે, ક્યારે પૂરું કરીશ? સમય તો ગમે તેમ કરી કાઢવોજ પડશે નહીંતર બધુજ મગજમાં જો આમ ભમરાતું રહેશે તો...

ગોપાલ તો ક્યારનો ખેતરમાં પહોંચી ગયો છે. વરસાદની આશ એણે હવે છોડીજ દીધી છે. એને સરકાર તરફથી આર્થિક સહાય પહોંચશે કે નહીં? અને જો એ આત્મહત્યા કરી લેશે તો? નહીં, જો એ આત્મહત્યા કરશે તો ધગશ અને મહેનત વડે પસીનો વહાવનારા સુધી ..... 

અને પેલી મીરાંનું શું કરવાનું છે? અજિત પાછળ ઘેલી થઈ એણે રજતને ત્યજી તો દીધો પણ રજત જોડે હવે એને એ ઘરમાંજ રાખવી છે કે ફરીથી અજિતના સાચા પ્રેમની કદર સમજાવી પરત કરવી છે ?

પેલો મોહન પણ તો ક્યારનો અટકી પડ્યો છે ? એના ડિવોર્સ કરાવવાના બાકી છે અને ડિવોર્સ પછી એને માટે અન્ય કોઈ યુવતી પણ તો શોધવી પડશે ને? હવે એ યુવતી શહેરમાંથી શોધવી કે ગામમાંથી?

અરે પેલું નાનું બાળક દીપુ, જે ભૂલથી અલમારીમાં ગોંધાઈ ગયું હતું... એ તો તદ્દન દિમાગની બહારજ નીકળી ગયું. એની અલમારી કોની પાસે ખોલાવવી ? અલમારીની અંદરજ એનો જીવ ઘોંટાય જશે તો પછી શું થશે? 

સૌથી વધુ ચિંતા તો લક્ષ્મીની થાય છે. એને લિંગ પરિવર્તનની પરવાનગી આપું કે નહીં ? મોટું જોખમ છે. લોકો એ સ્વીકારશે ખરા ?

પૂર્ણિમાની ડિલિવરીનો પણ સમય થઈ ગયો છે. દીકરી કે દીકરો ? દીકરી થઈ તો એનું રૂઢિચુસ્ત પરિવાર એના પર કયા ક્યા અત્યાચારો કરશે?

અરે હા, સ્નેહલને અંતરિક્ષમાંથી હવે પૃથ્વી પર પણ તો પરત બોલાવવાની છે. મને પૂરો વિશ્વાસ છે, એના સફળ આગમન થકી સ્ત્રી શક્તિનો સાચો પરિચય લોકોને થશે...

અચાનક ઓરડાનો દરવાજો જોર જોરથી ખટકાયો. દરવાજાની બીજી તરફ જરૂર કોઈ તાત્કાલિક પરિસ્થતિ સર્જાઈ હતી એ સમજતા વાર ન લાગી. ટેબલ છોડી એ શીઘ્ર દરવાજો ખોલવા દોડ્યો. પત્નીના ચહેરા ઉપર પરસેવાના ટીપા ચળકતા દેખાયા.

" તાવ ખુબજ વધી ગયો છે..."

" ચિંતા ન કર. હમણાંજ ડોક્ટર પાસે જતા રહીએ."

પોતાની નાની બાળકીને ડોક્ટર પાસે લઈ જવા એ રીતસર દોડ્યો. ઓરડાની લાઈટ ઓલવાઈ ગઈ અને દરવાજો બહારથી લોક થઈ ગયો.

ઓરડાના કાળા ઘટ્ટ અંધકારમાં ગોપાલ, મીરાં, અજિત, રજત, મોહન, દીપુ, લક્ષ્મી, પૂર્ણિમા, સ્નેહલ બધાજ પાત્રો ફરીથી ઉદાસ ચહેરે પોતાના લેખકની અર્ધી છૂટી ગયેલી જુદી જુદી વાર્તાઓના પરિવેશમાં જઈ ગોઠવાયા....!


Rate this content
Log in

Similar gujarati story from Thriller