Prashant Subhashchandra Salunke

Romance Crime Fantasy

4.5  

Prashant Subhashchandra Salunke

Romance Crime Fantasy

પછી પછી

પછી પછી

8 mins
301


ભોપાલ જતી ટ્રેન પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી ઊપડવાની તૈયારીમાં જ હતી. વેલેન્ટાઇન નિમિત્ત કોઈ મનગમતું મળી જાય એ ઈરાદે ચોમેર નજર ફેરવી રહેલો મનોહર ટ્રેનની સીટી સાંભળી ચોંક્યો. અને પ્લેટફોર્મ પર આવતી જતી સ્ત્રીઓ પરથી નજર હટાવી તેણે ડબ્બા તરફ દોટ લગાવી દીધી. ટ્રેને આખરી સિગ્નલ આપ્યું જ હતું, ત્યાં દૂર બાંકડા પર બેઠેલી યુવતીને જોઇને મનોહરના પગ અટકી ગયા.

મનોહરનો સ્વભાવ કોલેજકાળથી મનચલો રહ્યો હતો. યુવતીઓને બહેલાવી ફોસલાવીને પોતાનો મતલબ સાધી લેવાનો તેનો વર્ષો જુનો શોખ હતો. આ માટે તે વેલેન્ટાઇન જેવા પવિત્ર તહેવારનો ફાયદો લેવાનું પણ ચૂકતો નહોતો. દર વેલેન્ટાઇને તે અવનવી તરકીબો વાપરીને યુવતીઓને પોતાના પ્રેમજાળમાં ફસાવતો. યુવતીઓ તેની મધમીઠી વાતોમાં આવી તેને પોતાનું સર્વસ્વ સોપી દેતી. મનોહર આ વાતનો ફાયદો ઊઠાવી તેના સૌદર્યનું મનભરી રસપાન કરતો. છેવટે એ યુવતીથી મન ભરાઈ જાય એટલે તે તેને તરછોડી બીજી યુવતીની શોધમાં લાગી જતો. આ રીતે તેણે અનેક યુવતીઓની જીંદગી બરબાદ કરી હતી. જોકે રક્ષંદા જોડે લગ્ન થયા બાદ તેના રંગીલા સ્વભાવ પર થોડો બ્રેક લાગ્યો હતો. આ પાછળનું કારણ તેની સજ્જનતા નહીં પરંતુ રક્ષંદાનો આકરો સ્વભાવ હતો. મનોહર વાઘણ જેવી તેની પત્ની અને જમ જેવા સાળાઓથી ખૂબ ડરતો હતો. પરંતુ મોકો મળતા વાંદરો ગુલાંટ મારવાથી ચુકે ખરો ?  

બાંકડા પર બેઠેલી યુવતીને જોઈ મનોહરની આહ અને સિગ્નલ મળતા સ્ટેશન પરથી ટ્રેન બંને એકસાથે નીકળી ગઈ. છેલ્લો ડબ્બો જ્યારે મનોહર પાસેથી પસાર થયો છેક ત્યારે એ હોંશમાં આવ્યો. યુવતી પરથી ધ્યાન હટાવી મનોહરે ટ્રેનની પાછળ દોટ લગાવી. પરંતુ ટ્રેનની ગતિને એ કેવી રીતે આંબી શકે ! ટ્રેન જાણે તેને ચિડવતી હોય તેમ સીટી વગાડતી આંખોથી ઓઝલ થઇ ગઈ. પરંતુ મનોહરને તેનો કોઈ અફસોસ થયો નહીં. તેણે પીઠ પરની બેગને સરખી કરતા વિચાર્યું કે, "ચાલો એક અર્થે સારું થયું કે મારી ટ્રેન છૂટી ગઈ. હવે થોડો વધુ સમય બાંકડે બેઠેલી એ નમણીના સૌંદર્યનું રસપાન કરી શકાશે. જો એ યુવતી મારા જાળમાં ફસાઈ જાય તો પછી... પછી..." આગળનું વિચારી મનોહર રોમાંચિત થઇ ગયો

તેણે તીરછી નજરે બાંકડા તરફ જોયું. પરંતુ આ શું? તેના સઘળા અરમાનો પર પાણી ફરી વળ્યું. બાંકડા પર યુવતીને સ્થાને એક ભિખારી આવીને બેઠો હતો. મનોહર ગુસ્સાથી પગ પછાડતો ભિખારી પાસે ગયો અને રોષભેર તેને હડસેલો મારી દૂર ધકેલતા બોલ્યો, “હરામી, ચાલ ઊઠ અહીંયાથી. તને આખા પ્લેટફોર્મ પર બેસવા માટે બીજી કોઈ જગ્યા નહીં મળી ?”

બીજી ટ્રેન વીસ મિનિટ પછી સ્ટેશન પર આવવાની હતી. સમય પસાર કરવા મનોહર ખાલી થયેલ બાંકડે બેસી પ્લેટફોર્મ પર નજર ફેરવવા લાગ્યો. પરંતુ જાણે એ ગરીબ ભિખારીની બદદુઆ લાગી હોય તેમ પ્લેટફોર્મ પર એકાએક કુદરતી સૌંદર્યની ઉણપ વર્તાઈ રહી.

જેમતેમ કરીને વીસ મિનિટ પસાર થઈ અને પ્લેટફોર્મ પર બીજી ટ્રેન આવીને રોકાઈ. મનોહર કોઈપણ હિસાબે આ ટ્રેનને ગુમાવવા માંગતો નહોતો. ટ્રેનમાં જગ્યા નહીં મળે એ બીકે મનોહરે બેબાકળા બનીને જનરલ ડબ્બા તરફ દોડવાનું શરૂ કર્યું. પરંતુ એ ડબ્બા પાસે પહોંચે તે પહેલા જ તેના બારણા પાસે ગરદી જામી ગઈ. આખરે ભીડને ચીરીને મનોહર ડબ્બામાં પ્રવેશવામાં સફળ થયો. ઝડપથી દોડવાને કારણે તેનો શ્વાસ ફુલાઈ રહ્યો હતો. બીજા મુસાફરો ડબ્બામાં પ્રવેશવા માટે ધક્કામુકી કરી રહ્યા હતા. એવામાં એક ખાલી સીટ પર નજર જતા મનોહરે થાક વિસરી તેની તરફ દોટ લગાવી દીધી. સીટ પર બેસતા જ મનોહરે રાહતનો ઉચ્છવાસ છોડ્યો.

હવે તેણે પીઠ પરથી પોતાની બેગને કાઢીને સીટ નીચે ગોઠવી દીધી. ટ્રેને પ્લેટફોર્મ છોડવાની સીટી વગાડી. કપાળે બાઝેલા પરસેવાને લૂછવા મનોહર ખિસ્સામાંથી રૂમાલ કાઢવા જતો જ હતો ત્યાં તેની નજર સામેની સીટ પર ગઈ. ટ્રેન શરૂ થવાને કારણે મનોહરને આંચકો લાગી ગયો. સીટ પર બેઠેલી છોકરી અપલક નજરે તેના જ ચહેરાને તાકી રહી હતી ! આ જોઈ મનોહરનો વર્ષો જુનો રંગીન મિજાજ પુનઃજાગૃત થયો. છોકરી ઉંમરે નાની પણ દેખાવે ખૂબ સુંદર હતી. કામુક વ્યક્તિની નજરે દરેક સ્ત્રી સમાન હોય છે. તેના મન સ્ત્રી માત્ર ઉપભોગની જ વસ્તુ હોય છે. વળી જેનું આખું જીવન ઐયાશીમાં ગયું હોય તેને વળી શેની શરમ ?

છોકરીના ઘાટીલા દેહને જોઈ મનોહરની અંદરનો વાસનાનો કીડો સળવળ્યો. છોકરીના ગાલ પર છવાયેલી લાલિમા તેને વિચલિત કરી રહી. છોકરીના સુકોમળ દેહને સ્પર્શ કરવા તેના હાથ અધીરા બની રહ્યા. મનોહરે પોતાની છાતીના વાળને સહેલાવતા વિચાર્યું, “જો આ છોકરી હાથમાં આવી તો પછી... પછી...”

છોકરી હજુપણ તેને જ તાકી રહી હતી. મનોહરે કામુક નજરે છોકરી તરફ જોઈ સ્મિત કર્યું. જવાબમાં છોકરીએ તેના તરફથી નજર હટાવી બારીની બહાર જોવાનું શરૂ કર્યું. ઊફ તેની એ અદા મનોહરના દિલને ઘાયલ કરી ગઈ. મનોહર ઘણીવાર સુધી છોકરીને તાકતો રહ્યો પરંતુ છોકરી બારીની બહાર જ જોઈ રહી. આખરે કંટાળીને મનોહરે બેગમાંથી વર્તમાનપત્ર કાઢી વાંચવાનું શરૂ કર્યું. વર્તમાનપત્રોમાં ખૂબ જ રસપ્રદ સમાચાર હતા પરંતુ મનોહરને એ ક્યાંથી ગમે ? તેનું સઘળું ચિત્ત તો એ છોકરીની આસપાસ રમતું હતું. મનોહરે વર્તમાનપત્રની આડમાં છોકરી તરફ જોતા તે મનોમન હરખી ઊઠ્યો. છોકરી એકીટશે તેને જ નિહાળી રહી હતી.

આ જોઈ મનોહરની હિંમત ખુલી ગઈ. તે જાણી ગયો હતો કે આગ બંને તરફ બરાબરની લાગી હતી. મનોહરે વર્તમાનપત્રને પાછું બેગમાં સેરવી દીધું. હવે તે પણ છોકરીને તક મળ્યે જોઈ લેતો. અવારનવાર બન્નેની નજર આપસમાં ટકરાવવા લાગી. એન્જિનની તાલે હવે મનોહરનું હ્રદય ધબકી રહ્યું. તેનો વર્ષો જૂનો રંગીન મિજાજ ફરી એકવાર જાગૃત થયો. છોકરીના નયન બાણ મનોહરના હૈયાને ઘાયલ કરી રહ્યા હતા. આ ઘાને હવે એ છોકરી જ તેના પ્રેમનો મલમ લગાવી ઠીક કરી શકતી હતી. મનોહરને આંખોની આ રમતમાં મજા આવવા લાગી.

આખરે મૌનને તોડતા યુવતીએ કહ્યું, "અંકલ."

"શું કહ્યું અંકલ ?" એક ક્ષણમાં મનોહરના ખ્વાબ પત્તાના મહેલની જેમ વિખરાઈ ગયા.

"હા. અંકલ, પ્લીઝ તમારો મોબાઈલ આપોને. મારે એક કોલ કરવાનો છે."

ટ્રેનના એન્જિનના ધબકારની ગતિ ધીમે ધીમે શાંત પડવા લાગી. કદાચ આગળના સ્ટેશન પર તે રોકાવાની હતી. મનોહરે હતાશાથી ખિસ્સામાં હાથ નાખ્યો અને મોબાઈલ કાઢી છોકરીને આપ્યો. યુવતીએ મોબાઈલ પરના બટનો દબાવી કોલ જોડ્યો અને કોઈ સાંભળે નહીં એટલા ધીમા સ્વરે વાત કરવા લાગી. મનોહર લોલુપ નજરે છોકરીને પગથી માથા સુધી નિહાળી રહ્યો. આખરે ફોન વિચ્છેદ કરી છોકરીએ મનોહરને તેનો મોબાઈલ પાછો આપ્યો. પરંતુ આમ કરવા જતાં અનાયાસે તેની આંગળીઓનો સ્પર્શ મનોહરની હથેળી સાથે થઈ ગયો. એ સાથે મનોહરના અંગેઅંગમાંથી રોમાંચની લહેર પ્રસરી ગઈ.

મનોહરના મનમાં પ્રશ્ન થયો કે, "છોકરીની આંગળીઓનો સ્પર્શ અજાણતામાં થયો હતો કે પછી તેણે જાણીજોઈને કર્યો હતો."

છોકરીના આંગળીઓના સુંવાળા સ્પર્શથી મનોહરના હ્રદયના અરમાનો ફરી એકવાર જાગૃત થયા. ટ્રેનનું એન્જિન ફરી એકવાર પૂરપાટ ઝડપે ધબકવા લાગ્યું. છોકરીને જોતા જોતા મનોહર રંગીન ખ્યાલમાં ખોવાઇ ગયો. તેના કેશુઓમાંથી આવતી સુગંધી તેલની ખુશ્બુ મનોહરને મદહોશ કરી રહી. કલ્પનાઓમાં રાચેલા મનોહરના ધ્યાનમાં જ ન આવ્યું કે ક્યારે તેની આંખ લાગી ગઈ.  

ટ્રેનની તીણી સીટીથી અચાનક મનોહરની આંખ ખુલી ગઈ. “ચાય... ચાય...”ના તીણા સુર ટ્રેન કોઈક પ્લેટફોર્મ પર ઊભી થઇ હોવાની ચાડી ખાઈ રહ્યા હતા. મનોહરે આંખ ચોળીને સામેની સીટ તરફ જોયું તો દંગ થઇ ગયો. ત્યાં કોઈ બેઠું નહોતું ? તેણે ઝડપથી ચોમેર નજર ફેરવી પરંતુ છોકરી ટ્રેનના ડબ્બામાં કશે દેખાઈ નહીં. મનોહર સીટ પરથી ઊઠીને ટ્રેનના દરવાજા પાસે આવીને ઊભો રહ્યો. તેણે દૂર દૂર સુધી પ્લેટફોર્મ પર નજર દોડાવી પણ બધું વ્યર્થ. તે હતાશ થઈને પાછો સીટ પર આવીને બેઠો. છોકરી સ્ટેશન આવતા ક્યારની ઉતરી ગઈ હતી.

"પણ કેમ?"

"તેના મનમાં શું ચાલી રહ્યું હતું એ હવે કેવી રીતે જાણી શકાશે. ઉફ ! હવે હું તેને ક્યાં શોધવા જાઉં ?"

 અસંખ્ય વિચારોનું વમળ મનોહરના મનમસ્તિષ્કમાં સર્જાઈ રહ્યું. ચાનક ટ્રેનના ડબ્બાને આંચકો લાગ્યો. અને જાણે જવાબ આપવા આતુર થયો હોય તેમ મનોહરના ખિસ્સામાંથી તેનો મોબાઈલ ઉછળીને બહાર આવ્યો.

"છોકરીએ તેના મોબાઈલ પરથી કોઈકને કોલ જોડ્યો હતો" આ વાત ધ્યાનમાં આવતા મનોહરની આંગળીઓ મોબાઈલના કીપેડ પર નાચી ઊઠી. બીજી જ ક્ષણે છોકરીએ તેના મોબાઈલ પર ડાયલ કરેલો નંબર મનોહરની આંખ સમક્ષ હતો. મનોહર કોલનું બટન દબાવવા જતો જ હતો ત્યાં તેની આંગળી અટકી ગઈ.

"આખરે કોનો નંબર હશે આ ? છોકરીની પૂછપરછ કરવા બદલ તેના સબંધી રોષે ભરાયાં તો ! વળી આજે વેલેન્ટાઇનનો દિવસ એટલે કોઈને પણ શંકા થાય જ.  વર્તમાનમાં ટેકનોલોજીએ એટલી પ્રગતિ કરી છે કે મોબાઈલ નંબરથી તેના ઘર સુધી પહોંચતા જરાયે વાર લાગે નહીં. લફડા સો કરવાના પણ મામલો ઘર સુધી ક્યારેય પહોંચવો જોઈએ નહીં. મારો હંમેશા આ જ ઉસુલ રહ્યો છે. જો મારી પત્ની રક્ષંદાને આ વાતની જાણ થઇ તો એ મને કાચોને કાચો ખાઈ જશે. વળી તેના જમ જેવા ભાઈઓ મને ઊભો વેતરી નાખશે. છોકરાઓ પણ હવે મોટા થઇ ગયા છે. તેઓ મારી બાબતે શું વિચારશે ? તેમની સામે આ ઉંમરે ફજેતો થાય એ જરાય પાલવે નહીં.”

વિચારોનો પ્રવાહ મનોહરના મસ્તિષ્કમાં અવરિતપણે વહી રહ્યો. મન શાંત કરવા તેણે વર્તમાનપત્ર ઊઠાવ્યું પરંતુ બીજી જ ક્ષણે તેની અંતરઆત્મા પોકારી ઊઠી, “કંઇક હાંસિલ કરવું હોય તો આમ ડરીને કેમ ચાલે ?”

“છોકરીના પરિવારજનો મને ફોન કરવાનું કારણ પૂછશે ત્યારે કહી દઈશ કે તમારી છોકરી જ્યાં બેઠી હતી ત્યાં ૫૦૦ રૂપિયાની નોટ પડી હતી. બસ એ આપવા જ ફોન કર્યો છે. હા આ જ બરાબર છે. ૫૦૦ રૂપિયામાં છોકરીના ઘરનું સરનામું મળતું હોય તો એ કંઈ ઘાટાનો સોદો નથી. એકવાર એ હાથમાં આવે કે પછી... પછી..."

આમ ઘણા મનોમંથન બાદ મનોહરે કોલનું બટન દબાવી દીધું. થોડીવાર રીંગ વાગ્યા બાદ સામે છેડેથી સ્ત્રીનો રુક્ષ સ્વર સંભળાયો, "બોલ."

"જી હલ્લો, મારા આ મોબાઈલ પરથી એક છોકરીએ થોડીવાર પહેલાં કોલ કર્યો હતો."

"હા."

"એ છોકરીને તમે ઓળખો છો?"

"અરે નીચ ! આ એ જ છોકરી અંજલિ છે કે જે ગર્ભમાં હતી ત્યારે તું મને છોડીને ભાગી ગયો હતો."

 મનોહરની હાલત કાપો તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ. ભૂતકાળના પાપ કૃત્યોની ઘટમાળ તેની આંખ સામે તરવરી રહી.

મનોહરે થોથવાતા સ્વરે પૂછ્યું, "કોણ... પ્રિ... પ્રિ... પ્રિયંકા ?"

"હા હું પ્રિયંકા. તારા દ્વારા કલંકિત અને અપમાનિત થયેલી પ્રિયંકા. જેની દીકરી અંજલિને આજે તારા કારણે આખી દુનિયા પાપની નિશાની સમજે છે તે પ્રિયંકા. કેમ શું થયું ? આમ અચાનક જૂની પ્રેમિકા સાથે ભેટ થશે એ સ્વપ્નમાં પણ તેં વિચાર્યું નહોતું ને ?"

"એટલે અંજલિ... અંજલિ મારી દીકરી છે ?"

"તારા ગંદા મોઢે દીકરી શબ્દને ઉચ્ચારી તેને કલંકિત ન કરીશ."

"પણ પ્રિયંકા, મારા ફોનથી કોલ કરીને અંજલિએ તને કહ્યું શું હતું ?"

"કહ્યું હતું કે... મમ્મી, તું જે પાપીને સબક શીખવાડવા વર્ષોથી શોધી રહી હતી આ તેનો જ મોબાઈલ નંબર છે."

"પણ... પણ... અંજલિએ મને ઓળખ્યો કેવી રીતે ? તારી પાસે તો મારા જૂના ફોટા જ હશેને ?"

"કદાચ માત્ર ચહેરાથી તને ઓળખવામાં અંજલિ થાપ ખાઈ ગઈ હોત પરંતુ તારા નીચ સ્વભાવથી તેની સામે છતી થઈ ગઈ તારી ઓળખાણ ! હવે તું બરાબરનો લાગમાં આવ્યો છે. હવે તું અને હું, બીજું શું ?"

સીટી વગાડતી ટ્રેન ભોંયરામાં પ્રવેશતા જ મનોહરની આંખ સામે અંધકાર છવાઈ ગયો.

“હવે મોબાઈલ નંબરથી મારા ઘર સુધી પહોંચતા પ્રિયંકાને જરાયે વાર લાગે નહીં. “પછી... પછી...”


Rate this content
Log in

Similar gujarati story from Romance