Leena Vachhrajani

Classics Inspirational

4.5  

Leena Vachhrajani

Classics Inspirational

પાણીકળો

પાણીકળો

4 mins
87


 મા ની સલામત સલ્તનતમાં નિશ્ચિંતપણું અનુભવતા બાળકની જેમ સલામતીની અનુભૂતિ કરતા પહાડોની હારમાળા વચ્ચે લપાઈને પડેલા રામપર પરસૂરજદાદાના પહેલા કિરણની પધરામણી થઈ.

ગામના બસો કાચાં-પાકાં ઘરની ડેલી ખખડાવીને કૂમળા તડકાએ પ્રભાતિયું ગાયું. ફળિયામાં કાથીનો ખાટલો ઢાળીને સૂતેલા વશરામકાકાએ એ સવારની છડીને આળસ મરડીને આવકારી.

મોં ધોયું. આસપાસ નજર કરી. રાધા રોજની જેમ ખેતરે પહોંચી જ ગઈ હશે એમ ખબર જ હતી. ચા બનાવી. ગેસ પર ઉકળતી ચા જોઈને પ્રકાશ યાદ આવ્યો.

આ મારા જેવા પાણીકળાને ત્યાં ગેસની સુવિધા ક્યાં હોય? એ તો દીકરો ભણીગણીને શહેરમાં ગયો તે પાછલી ઉંમરે આ સગવડતા મળી. પ્રકાશની યાદ આવતાં મન પીડામય થઈ ગયું. આંખ સહેજ પાણી-પાણી થઈ પણ વેદનાને ચા ની ચુસ્કીમાં ગટગટાવીને કામે જવા તૈયાર થઈ ગયા. 

આજે હસુભાઈની વાડીએ બોર બનાવવા પાણી કળવાનું હતું. વશરામકાકાએ સમયસર વાડીએ પહોંચીને કામ ચાલુ કર્યુ. પગથી ધરતી થપથપાવવાની ચાલુ કરી જાણે જમીન સાથે વાતો કરતા હોય. ક્યાંક કાન માંડ્યા. ક્યાંક બે ચાર હાથ ખાડા ખોદ્યા. અને લગભગ દોઢ કલાકની સતત ચકાસણી બાદ વાડીના ડાબા ખૂણે આવેલી ઓરડી બતાવીને કહ્યું,“બરાબર આની બાજુમાં કોશ માર. ત્રણસો ફૂટે પાણી જ પાણી છે.”અને બસો ફૂટ પછી તો પહેલા વરસાદ પછી માટીની સુગંધ પ્રસરે એવી ભીની માટીની સોડમ પ્રસરી. હસુભાઈના ચહેરા પર નિરાંતનો ભાવ ફેલાયો. બરાબર બસો સિત્તેર ફૂટે તો જળપ્રવાહ માર્દવભેર બહાર પ્રગટ્યો.

વશરામકાકા નિર્લેપ ભાવે હાથ સાફ કરીને મહેનતાણું લઈને પોતાના ખેતરે જવા નીકળ્યા. રાધા રાહ જ જોતી હતી. સસરાને આવતા જોઈને એણે જમવાની તૈયારી કરી. વશરામકાકાનો એકનો એક દીકરો પ્રકાશ અને પુત્રવધૂ રાધા શહેરમાં રહેતાં. એક કાળમુખી ધડીએ પ્રકાશને અકસ્માત થયો અને એ વિદાય થયો. બસ રાધા ગામમાં સસરા સાથે વસી ગઈ. એના સંસ્કારે એને એકલા પડી ગયેલા સસરાની દીકરી બનીને હૂંફ આપવાનું નક્કી કરાવી દીધું. સવારે વહેલું જમવાનું બનાવીને એ ખેતરે જતી. વશરામકાકા પાણીકળાનું કામ કરતા તે એકાદ કામ હોય એ પતાવીને ખેતરે પહોંચી જતા. બાપ-દીકરી સાથે જમતાં અને સાંજ સુધી કામ કરીને ઘેર પાછાં ફરતાં.

છેલ્લા કેટલાક સમયથી બાજુના ખેતરના માલિક મેરુભાના દીકરા સૂરજે કામ સંભાળી લીધું હતું તે લગભગ હવે એ ખેતરે જ રહેતો. અરસપરસ વાતચીત પણ થયા કરતી. રાધા પણ સૂરજની હાજરીમાં સહેજ સામાન્ય થતી જણાતી. બે વર્ષથી એના ચહેરા પરથી ખોવાઈ ગયેલું સ્મિત હવે ક્યારેક હળવું મરકી જતું.

બધું આમ બરાબર ગોઠવાયેલું હતું પણ વશરામકાકાની પાણીકળાની નજર રાધાની સૂકી આંખમાં ધરબાઈ ગયેલાં સપનાં જરુર પારખી જતી. 

પ્રકાશને ગયે બે વર્ષ થયાં. કોઈ તહેવાર ઉજવાયો નહોતો. જાણે સમય બે વર્ષથી સ્થિર થઈ ગયો હતો. ત્રણ વર્ષ પહેલાં વશરામકાકાના એકના એક મા વગરના દીકરાના લગ્નમાં ધૂમાડાબંધ ગામ જમ્યું હતું. કોઈ વાતે કસર નહોતી રાખી. લગ્ન કરીને પ્રકાશ અને રાધા શહેર રવાના થયાં ત્યારે બંનેએ બાપુને બહુ આગ્રહ કર્યો હતો કે એ પણ સાથે જાય. પણ વશરામકાકાએ કહ્યું હતું કે હજી પોતે કડેધડે છે ત્યાં સુધી ગામમાં રહેવાનું પસંદ કરશે. જાત ઘવાશે ત્યારે ચોક્કસ દીકરા-વહુ પાસે પહોંચી જશે. અને એ સપનાની દૂનિયા એક વર્ષ રહી. પ્રકાશની વિદાય અને રાધાનું ગામઆગમન થયું ત્યારથી આજ સુધી જાણે બાપ દીકરી હસવાનું ભૂલી જ ગયાં હતાં. હા, એકબીજાને દુ:ખ ન થાય માટે પોતે બહુ સ્વસ્થ છે એવો દેખાવ કરી લેતાં.

જમવાનું પૂરું કરીને વશરામકાકા હાથ ધોઈને પોતાની જ ઉંમરના લીમડાના ઘટાદાર ઝાડની છાયામાં પાથરેલ ખાટલા પર આડેપડખે થયા. રાધા માણસોને સૂચના આપતી હતી. એવામાં સૂરજ આવ્યો. વશરામકાકા બેઠા થયા.“આવ આવ.”

“કેમ છો કાકા ?”

“બસ ભાઈ જો ચાલે છે. કેમ આવવું થયું ?”

“કાકા એક વાત કરવા આવ્યો છું. બાપુને પણ ગઈ કાલે રાતે કહ્યું છે. મને બહુ વાળીચોળીને વાત કરતાં આવડતું નથી. હું ખેતરે આવતો થયો ત્યારથી રાધાને જોતો આવ્યો છું. જાણેઅજાણે મને એની સંગત, એની સાદગી, એના વિચાર ગમવા માંડ્યા છે. એનો અતીત મને ખબર છે પણ મને એ રુઢિચુસ્ત વિચાર સાથે કોઈ નિસ્બત નથી. તમારી દીકરીનો હાથ માંગવા આવ્યો છું મા-બાપુને સંકોચ થતો હતો એટલે હું જ આવ્યો.

પળ બે પળ સ્તબ્ધ થઈ ગયેલા વશરામકાકાએ કળ વળતાં કહ્યું,“બેટા તેં બહુ મોટી વાત કરી. અમે મોટેરાં સમાજના ડરથી કે આગળથી ચાલ્યા આવતા રીત-રિવાજોનું ઉલ્લંઘન કરવાની હિંમત નથી કરી શકતા એ તમે આજની પેઢી બહુ સરળતાથી નવા ચિલા ચાતરી લ્યો છો. તું આવ્યો, તેં ખેતર સંભાળી લીધું, તારી સાથે રાધાનો પરિચય થયો, બંનેની આંખમાં રાજીપો પ્રસર્યો આ બધી પળનો હું સાક્ષી છું. મને કેટલાય વખતથી રાધાની જિંદગી કેમ ફરી ગોઠવાય એ વિચાર આવી જ રહ્યો છે. હવે તો ગામડાઓમાં પણ આચાર-વિચારમાં આધૂનિકતા આવી ગઈ છે. મારી વૃધ્ધાવસ્થાનો વિચાર કરીને હું રાધાની જિંદગી બરબાદ કરું એવો સ્વાર્થ કરું તો મને કુદરત માફ ન કરે. પણ કહેવું કેવી રીતે એ જ મુંઝવણ હતી. તેં બે કુળને તારવાની વાત કરીને મને હળવો કરી દીધો.”

બાપુએ દીકરીને બોલાવી. માંડીને વાત કરી. રાધા થોડી અસમંજસ થોડી વિમાસણમાં હતી પણ સૂરજ અને વશરામકાકાની પ્રેમાળ, હૂંફભરી સમજાવટથી પુન:વિવાહ માટે કબૂલ થઈ. બાપુને જિંદગીભર સાચવવાની જવાબદારી સૂરજને કહીને માથે લીધી.

દેવદિવાળીના પ્રથમ શુભ મુહર્તમાં ગોધુલિક માંગલિક વેળાએ વશરામકાકાએ દીકરીનું કન્યાદાન કર્યું. બે ખોરડાં, બે ખેતર અને બે જીવ એક થયા. 

વશરામકાકાએ નવદંપતિને આશિર્વાદ આપતાં કહ્યું,“પાણીકળાનું જીવન ધરતીમાંથી પાણી કળવાનું હોય. આજે મને દીકરીની આંખના પાણી કળવાની તક મળી ત્યારે એ મેં સમયસર ઝડપી એ મારી આથમતી જિંદગીનો સહુથી મોટો સંતોષ રહેશે.”


Rate this content
Log in

Similar gujarati story from Classics