પાણી
પાણી
"આ અગાધ અનંત અને અફાટ એવું બ્રહ્માંડ અને તેની સરખામણીએ તૃણ કરતાં પણ તુચ્છ....એવો આ કાળા માથાળો..." તેની વિચાર તંદ્રા તૂટી જ ન હોત, જો તેનું યાન પૃથ્વી પર ન પ્રવેશ્યું હોત,
પૃથ્વી પર પ્રવેશતાં જ તે અસંખ્ય વિક્રમો તોડી ચૂક્યો હતો જેમાં સૌથી વધુ સમય માટે અંતરીક્ષમાં રહેવા માટેનો વિક્રમ સૌને અચંબિત કરતો હતો
અંતરીક્ષમાંથી પૃથ્વી પર આવ્યા પછી ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા હતી, ઘરે પહોંચવા માટે.. તે તમામ પડાવો પસાર કરી અંતે માદરે વતન પહોંચી ગયો જ્યાં તેનો પરિવાર આતુરતાથી તેની રાહ જોઈ રહ્યો હતો. સૌની આંખોમાંથી ગૌરવ સાથે આનંદ છલકાતો હતો, સૌ તેની એક એક વાત સાંભળવા આતુર હતાં અને તે સંભળાવવા......
રાત્રે વાળું પાણી પત્યાં પછી સૌ આજુ બાજુ વીંટળાય ગયાં અને તેની વાતો સાંભળવા લાગ્યા જાણે કોઈ ભક્ત પોતાના પ્રભુને સમર્પિત હોય...
અચાનક તે શાંત થઈ ગયો, વાતાવરણમાં નીરવ શાંતિ ફેલાઈ ગઈ.
" ટપ..ટપ..." અવાજ સંભળાયો, તેણે તરત જ પૂછ્યું,
" આ શેનો અવાજ છે? "
" રસોડાનો નળ થોડો ટપકે છે." નળ કરતાંય વધુ ટપકતી આંખે મા બોલી.
તેણે સત્વરે નળ બંધ કર્યો અને સ્વગત બોલ્યો, " આ ભેંકાર બ્રહ્માંડમાં જો જીવન છે, હરિયાળી છે તો તે આ જળના કારણે જ છે તેનું એક એક ટીપું બહુમૂલ્ય છે."
બીજા દિવસે સવારે જ્યારે અંધકારના અંતિમ યોદ્ધાને હરાવી સૂર્યનારાયણ તેની સેના લઈને આવ્યા ત્યારે તે પણ ફરી કટિબદ્ધ થયો, ભેંકાર બ્રહ્માંડની શૂન્યતા છોડી, સજીવ ધરાની જીવાદોરી બચાવવા....પાણી
બચાવવા.....
ગંગાના તટ પર
દૂર દૂર દૂર કહીં
તું મુજને બોલાવ
તારી સમીપે આવું હું
તુજને ભાળી હરખું હું
તું મુજને બોલાવ
ઓરી આવ તું આઘી જા
તારું સાંનિધ્ય માણું હું
તું મુજને બોલાવ
તારી પાવનતાની કાચલ હું
જગની વ્યાધી ભૂલું હું
તું મુંજને બોલાવ
તારામાં ડૂબકી લગાવું હું
મનડું નિર્મળ અનુભવું હું
તું મુજને બોલાવ
ગંગા તટે શાંતિ પામું હું
સોહામણી માને નિરખું હું
તું મુજને બોલાવ
તારા દર્શનની પ્યાસી હું
તું મુજને બોલાવ
જળ વિના જીવન શું ?
વહેતી નદીઓના,
ત્રિવેણી સંગમના નીર છું
પરોઢિયે પથરાયેલ,
ઝાકળની ભીની લહેર છું
તરસ છીપાવનાર,
અમૃતજળ છું
કૂવા કાંઠે ભરેલી,
ગાગરનાં નીર છું
જળની ગાથા ગાય,
એવા જળની લીલ છું
ઝરણું વહેતું જયાં,
એવા જળનો ધોધ છું
વાપરે વિવેકથી જળ,
જળ વિના જીવન શું?
સમજે માનવી આજ,
જળ એ જીવન !
મહામૂલ્ય જરૂરી અમૃત સમું.
એકએક ટીપું બચાવો તો એ આપણને બચાવશે ને પાણી આપણને.પાણી કયાં કયાં છે..?
તો વઙીલો કહેશે...!
દાદા, દાદી ખૂબ નદીઓ જોઈ..!
માતા, પિતા કહેશે કૂવામાં જોયું..!
આપણે નળમાં ને બોરીંગમાં જોઈએ ..!
આપણા બાળકો તો બોટલમાં જોવે..!
પાણીને સાચવશું નહીતો..! સમુંદરમાં 97 %
ગ્લેશિયર રૂપે 2.4%
ને નદી, તળાવમાં 0.6%
સ્તર ઘટતું જાય છે. તંગી વખતે સાવચેતી થી વાપરવું. નિષ્ફળ જાય ચોમાસું તો વિકટ પરિસ્થિતિ પેદા થાય. વધતી જતી વસ્તીના લીધે પથ્થરની ખાણનું પાણી પીવે છે લોકો. જળસંચય તેજ જળસંવધઁનને લોકોએ ચળવળ બનાવવાનો આહવાહન કર્યું. કદાચ ત્રીજું વિશ્વયુધ્ધ થશે તો પાણી માટે. ધરતીને આપીએ તેટલું પાછું લે છે. કહેવાય છે જર્મનીમાં એક જ પાણીનો પ્યાલો નવ વ્યકિતઓના પેટથી પસાર થાય છે. ભૂગર્ભ જળ નીચા થઈ ગયાં. પૃથ્વી પર ત્રણ ભાગ પાણી હોવા છતા પીવાના પાણી માટે તઙપવું પઙે છે. મોટા ભાગનું ગ્લેશિયરોમાં છે. પાણીનો બગાડ નહી અટકાવીએ તો વરસાદનું પાણી દરિયામાં જતું રહેશે. પાણીતો પારસમણીની જેમ કિંમતી છે. કુદરત તો ઘણું આપે છે પણ ભરવાનું પાત્ર ટૂકું છે.
ત્રીજું વિશ્વયુધ્ધ અટકાવવું હોય તો વરસાદના એકએક ટીપાંને ઝીલવું પઙશે. લાઈફ સ્ટાઈલ બદલીએ. ભૂગર્ભમાં જમા કરશું તેથી જળ સપાટી ઉપર આવે. પાણીનું શુદ્ધીકરણ કરી પુન ઉપયોગમાં લઈએ. ડરીને હાથમાં હાથ ધરી બેઠા રહીશું.
મીઠું પાણી બચાવતા નથી તો કોઈની આંખમાં ખારું ન વહે એનું ધ્યાન રાખીશું..?
અણમોલ અમૃત સમું જળને રડ્યુસ , રિયુઝ, રિસાઈકલ આ ધ્યેય રાખશું.
"માણસની નીચે રેલો આવે ત્યારે જ ખબર પઙે કિમંત “
ના રૂપ, ના રંગ કે આકાર,
તો ય વિશ્વમાં તારો હાહાકાર.
વિશાળ પૃથ્વીનો તું મોટો હિસ્સો,
તારી પ્રાપ્તિનો અનોખો કિસ્સો.
ક્યારેક હિમશીલામાં થિજેલ તું,
તો ક્યારેક આભેથી વરસે તું.
ભળે છે સિંધુની ખારાશે,
સરિતા કેરા નીર મિઠાશે.
વેરાન રણે મીઠી વીરડી સમાન,
ઝાંઝવાના મૃગજળની ભીનાશ.
અલ્લડ યૌવના સરીખો ધોધ તું,
ખળખળ ઝરણે વહેતું તું.
ગામતળાવનું અમૃત સરીખું,
કૂવાતળે ઊંડું સ્તર તારું.
પાણિયારાનાં માટલાની શોભા તારી,
બદલાઈ ગઈ આર.ઓ.ની લહેરમાં.
વિવિધ સ્વરૂપે જગમાં સ્થાન તારું,
વિશ્વ જળ દિને તને હું સ્મરૂ.
બની પર્યાવરણનો અદનો રક્ષક
લીધો સંકલ્પ તારા ઉપયોગનો વિવેકપૂર્વક.
