નવી સફર
નવી સફર
લગભગ ત્રણ-ચાર મહિનાથી સુજલને નોકરી લાગી હતી. માધવપુર ગામથી તે નોકરીના સ્થળે જવા બસ સ્ટેશનથી બસ પકડતો. રોજ સવારે નવ વાગે ટિફિન લઈને નીકળી જતો અને રાત્રે આઠ વાગ્યે ફરી ઘરે પહોંચી જતો. સુજલને આમેય ટ્રાવેલિંગ ખૂબ ગમતું. બસની ઝડપ સાથે રસ્તાની બાજુએ સ્થિર ઉભેલા ઝાડવાઓની રફતાર જોવી તેને વધારે ગમતી. ચોમાસું બેસી જતાં વરસાદમાં ભીંજાતા વૃક્ષો તેને ખૂબ ગમતા. વરસાદમાં નાહીં- ધોઈને ઉભેલા વૃક્ષો જાણે તેનું અભિવાદન ન કરતા હોય.
સુજલ બસમાં ચડે, તેના પછીના સ્ટોપ પરથી સુરભી પણ તે જ બસમાં ચડતી. બસની સફર દરમિયાન બંનેની આંખો મળી, ધીમે ધીમે દોસ્તી અને દોસ્તી ક્યારે પ્રેમમાં પરિણમી બંનેને ખબર ના પડી. ખૂબ જ ટૂંકા ગાળામાં બન્ને એકબીજાની નજીક આવી ગયેલા. સુરભી નટખટ અને ઊંચા સપનાઓ જોવાવાળી હતી. જ્યારે સુજલ શાંત અને ઠરેલ હતો. સુજલ માટે પાણીના ફોરાંને મોં પર ઝીલવા, ભીની માટીની સોડમને હૃદયમાં ભરવી, હરિયાળી વનરાજીને મન ભરીને માણી લેવી... એ જીવન હતું. જ્યારે, સુરભી માટે ભૌતિક સુખસગવડો જ જિંદગી હતી. સુજલ હંમેશા કહેતો કે, 'વરસાદની ઋતું તો ભીંજાવા માટે જ આવે છે. ચોમાસુ તો કોઈની સાથે મળીને ભીંજાવાની મોસમ છે.' પણ, સુરભિને મન ચોમાસાની ઋતુ એટલે કાદવ-કીચડની ઋતુ. મોંઘી બ્રાન્ડના કપડાં ખરાબ ન થઈ જાય તે માટે તે વરસાદમાં બહાર નીકળવાનું પણ ટાળતી. કદાચ શારીરિક આકર્ષણ અને ઉગતી ઉંમરના સ્પંદનોએ બંનેને નજીક લાવી દીધા હશે.
સ્વભાવના આ વિરોધાભાસ છતાં બંનેને એકબીજાનો સાથ ગમતો હતો. બે મહિના પછી એ પ્રેમ માત્ર શારીરિક આકર્ષણ સાબિત થયો. જેમ જેમ બન્ને મળતાં ગયા તેમના વચ્ચેના વિરોધાભાસ વધતો ગયો. થોડા સમય પછી બંને વચ્ચે તણાવ પણ વધવા લાગ્યો. આખરે, સુરભીએ એક દિવસ સુજલને કહ્યું, "સુજલ, મને હવે બીજી નોકરી મળી ગઈ છે. હવે હું આ બસમાં નહીં આવું". સુજલ તેની વાતનો મર્મ સમજી ગયેલો. આમ પણ છેલ્લા અઠવાડિયાથી સુરભી તેની સાથે છેડો જ કરતી રહી હતી. તેણે સુરભીને કહ્યું,"વાંધો નહીં, સુરભી. આમેય આપણે એક બસના હમસફર છીએ જ નહીં. કદાચ આ જન્મે આપણું મિલનશક્ય નથી. આ જન્મે હું આ વિયોગ સહન કરી લઈશ. હું તો આપણા પ્રેમના વરસાદમાં ભીંજાયેલી, તરબતર થયેલી યાદોને સાથે લઈ જીવનમાં આગળ સફર કરતો રહીશ. તને તારી હવે પછીની નવી સફર મુબારક."

