Vrajlal Sapovadia

Classics Inspirational

4  

Vrajlal Sapovadia

Classics Inspirational

નરસી કરમણ: નખશીખ ઈમાનદાર, જન્મજાત વેપારી

નરસી કરમણ: નખશીખ ઈમાનદાર, જન્મજાત વેપારી

5 mins
301


આમ તો મને દેશ અને દુનિયાની ખ્યાતનામ બિઝનેસ મેનેજમેન્ટ સંસ્થાઓ - આઈ. આઈ. એમ., બી.કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ, હાર્વર્ડ, વહાર્ટન, લંડન બિઝનેસ સ્કૂલ, અને વર્લ્ડ બેન્ક - વોશિંગટન અમેરિકામાં ભણાવવાની અને સંશોધન કાર્ય કરવાની અમૂલ્ય તક મળી. ફાયનાન્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ, ટેક્નોલોજી એ બિઝનેસ મેનેજમેન્ટના મહત્વનાં સ્તંભ છે. બિઝનેસ મેનેજમેન્ટ એક કલા અને વિજ્ઞાન છે જે શીખવી શકાય છે પણ કેટલાક લોકોમાં એ જન્મજાત હોય છે. આજ વાત કરવી છે મારાં વતનનાં એવા જ એક નખશીખ ઈમાનદાર, જન્મજાત વેપારી - નરસિંહ કરમણની, જે આશરે 1922-23માં જન્મ્યાં અને 2019માં અવસાન પામ્યાં. જૂનાગઢ જિલ્લાના નાનડિયામાં એમની પેઢી 1950-60ના દાયકાથી હશે. જો કે મેં એમને 1970-80 પછી ક્યારેય જોયા નથી. 

સુઘડ સફેદ વસ્ત્રમાં સજ્જ, ગોરે વાન, પાંચ હાથ પુરા ઊંચા, પાતળાં સોટી જેવા ટટ્ટાર અને સદાય હસતો ચહેરો, પ્રથમ દ્રષ્ટિએ જ વેપારી લાગે. બે ચાર ચોપડી ભણેલા હશે, પણ ફાયનાન્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ, ટેક્નોલોજી, નીતિમત્તા જેવા વિષય એમની ગળથુથીમાં જ હતાં. 


ગામની મુખ્ય બઝારમાં ઝાંપાથી દાખલ થતાં જ થોડું ચાલ્યે એમની દુકાન આવે અને ડાયારામ આશ્રમથી પાદર વચ્ચે એમનો ડેલો, જ્યાં દર વરસે ઉનાળામાં હાથથી કાલા ફોલવા માટેનું યાર્ડ. દુકાન એ એમની કચેરી અને બેઠક. છૂટક તથા જથ્થાબંધ કરિયાણાની દૂકાન, ત્યાં જ ખેડૂતોની મગફળી/કપાસ જેવી જણસો ખરીદવા માટેનું સ્થળ. ગામમાં બે-ત્રણ જગ્યાએ વર્તમાન-પત્ર આવે, નરસીબાપાની દુકાને ફૂલછાબ આવે, મારાં પિતા ત્યાં અથવા બીજા એક વેપારી ગોરધનભાઈને ત્યાં નિયમિત છાપું વાંચે અને અમને ઘરે આવી જાણવા લાયક સમાચાર આપે. અને આમ જ મારી સમાચાર જાણવાની ઈચ્છા જાગૃત બની અને સમય જતાં બળવત્તર બની. મને દુનિયાના 35-40 દેશ ફરવાનો મોકો મળ્યો એમાં આ કેળવણીનો ઘણો ફાળો રહ્યો. 

નરસીબાપા ખેડૂતોની જથ્થાબંધ મગફળી ખરીદે. વેંચનાર કે ખરીદનાર ગ્રાહક ઉંમરમાં, મિલકત કે વ્યવસાયે નાનો હોય કે મોટો, ભણેલ હોય કે અભણ પણ ભાવતાલ અને વ્યવહાર ઈમાનદાર અને દરેક જોડે સરખો. એક વખત અમારાં પાડોશી વિધવા બહેને મગફળી વેંચેલી, પેઢીના માણસો વજન કરી માલ લઇ ગયાં એમાં ભૂલથી 3-4 કોથળા ઓછા ગણ્યાં અને એ પ્રમાણે બહેનને હિસાબ આપી માણસો દુકાને પાછા આવી ગયાં. બહેન તો બિચારા અભણ, છોકરાં નાના અને પૈસા ઓછા મળ્યા એ કોઈને ખબર નહીં. નરસીબાપાએ પોતે કોથળા ગણ્યાં અને હિસાબમાં ભૂલની ખબર પડ્યે પોતે જાતે આવીને બહેનને હાથમાં પૈસા આપ્યાં. 

પોષ-મહા મહિને ખેડૂતો ખેતરમાંથી મગફળી વીણી લ્યે પછી ગામનાં બાળકોને રહી સહી મગફળી વીણવા છૂટ આપતાં જેને 'ઓહલો' કરવો કહેતા. બધાં છોકરાં હોંશે હોંશે ''ઓહલો' કરવા જાય અને 5-7 કિલો મગફળી વીણી લાવે. આવી 'સેકન્ડ ક્વોલોટી'ની મગફળી ગામમાં દૂકાને ઓછા ભાવે વેંચે. એ સમયમાં મગફળી, તેલ, કેરોસીન, કપાસ વગેરેનો જથ્થો રાખવા અંગે મર્યાદા હતી. મારા ભાઈ 8-10 વરસના, 5-7 કિલો એવી 'ઓહલાની' મગફળી લઇ બાપાની દુકાને ગયાં. વજન કરતા બાપા બોલ્યાં કે તારી બધી મગફળી હું લઉં તો મારો સ્ટોક મર્યાદા કરતા વધી જાય છે, હું 4 કિલો લઇ શકું, એના કરતાં તું બધી મગફળી ગોરધનભાઈને ત્યાં વેંચી દે. આજે જ્યાં લાખો ટન માલનો ગોટાળો કરતા હજારો વેપારી શરમાતા નથી ત્યાં બાપા 2-4 કિલોની પણ ચિંતા કરે છે!

આસપાસના ઘણા વેપારી મગફળી અને તેલનો સટ્ટો રમે. સટ્ટામાં માલનું વેંચાણ કે ડિલિવરી ના હોય, ફક્ત ભાવ ફેરનો નફો નુકશાન લેવા દેવાનો હોય. અમુક વેપારી પોતાની ક્ષમતા કરતા ખુબ વધારે વેપાર કરે. એમાં નુકશાન થાય અને એવા કેટલાય વેપારી ઉઠી જતા અને ખેડૂતોને પૈસા ગુમાવી રોવાનો વારો આવતો. નરસીબાપા હાજર માલનો અને પોતાની ક્ષમતા પ્રમાણે જ વેપાર કરતા.  

આખા તાલુકામાં ગણ્યા ગાંઠ્યા વાહન હતા તે સમયમાં નરસીબાપા મોટર સાયકલ લઇ આસપાસના ગામના ખેડૂતોને ત્યાં મગફળી/કાલા ખરીદવા જતા તો બાંટવા-માણાવદર કપાસ/મગફળી વેંચવા કે સીંગતેલ ખરીદવા જતાં.   

નાનડિયાની ખેતી ને જમીન મોટાભાગે ચોમાસુ, રામ પાક લઇ શકાય એવી વ્યવસ્થા. ઉનાળામાં ખેતીને લાગતું કોઈ મજૂરીનું કામ ના મળે. નરસીબાપા એ સમયમાં પોતાના ડેલામાં વાંસના 50-100 મંડપ ઉભા કરી શામિયાણા બનાવે. જથ્થાબંધ કાલા ખરીદી ગામના લોકોને કાલા ફોલી કપાસ કાઢવાનું મજૂરી કામ આપે. ગામની સ્ત્રીઓ અને બાળકો આ શામિયાણામાં દિવસે બેસી કાલા ફોલે અમે એને યાર્ડ કહેતા. ગામમાં બીજા 3-4 ખેડૂત પણ આવા યાર્ડ ખોલતાં પણ નિયમેટ દર વરસે નરશીબાપા અને ગોરધનભાઈનો યાર્ડ ચાલુ રહેતો. ગોરધનભાઈ થોભણભાઈ કટારીયા પણ આવા જ એક યુવા સાહસિક વેપારી હતા જેનું 1980 આસપાસ મોટર સાયકલ અકસ્માતમાં કસમયે અવસાન થયેલું. ગામમાં ઇલેકટ્રીસિટી છેક 1969માં આવી, એટલે યાર્ડમાં દિવસે જ કાલા ફોલવાનું કામ થાય. એના વિકલ્પે યાર્ડમાંથી કાલા લઇ ઘરે ફોલી કપાસ યાર્ડમાં લાવવાની પ્રથા હતી જેને 'ધારણ' લઇ જવી કહેતા. પણ 100 ઉપરાંત કુટુંબ સવાર સાંજ કાલા લઇ જાય તેનું વજન કરવાનું તથા, ફોલીને કપાસનું વજન કરવાનું કામ રૂડા બાપા કોળી કરતા. આ વજનની નોંધ એન્ડ ફોલવાની મજૂરીનો હિસાબ બાપા પોતે એમના દીકરા કાંતીભાઈની સહાયથી કરતા. દરેક શુક્રવારે સાંજે 'ચૂકાવો' થાય. દરેકનો હિસાબ તૈયાર હોય. આટલો ઝીણવટ ભર્યો વજન અને મજૂરીનો હિસાબ કેલ્કયુલેટર કે કોપ્યુટર વગર દરેક વખતે શુક્રવારે સમયસર તૈયાર હોય.   

1965 ભારત પાકિસ્તાન યુદ્ધના કારણે ખાંડ અને ચોખાની અછત હતી, જરૂર પ્રમાણે મજૂરીના પૈસાને બદલે ભીલી (શણનો ગોળ) આપવામાં આવતો. 51 પૈસામાં 15 લીટર કેરોસીનો ડબ્બો (ડબ્બા સહીત) મળતો!

ગામમાં વીજળી આવી પછી તરત 1970-72માં પહેલો ફોન (77 નંબર) નરસીબાપાને ત્યાં આવ્યો તો બીજો ફોન (87) ગોરધનભાઈને ત્યાં. ગામમાં કોઈનું કામ હોય તો આ બે દુકાને કોઈનો ફોન આવે. ફોન ડાયલ વગરનો, રીસીવર ઉપાડે એટલે સીધો અને ફક્ત બાંટવા ટેલિફોન એક્સચેન્જ જ લાગે. ટેલિફોન એક્સચેન્જનો કર્મચારી તમે બોલો એ નંબર લગાડી આપે. બહાર ગામનો ફોન હોય તો પાછો કલાકો પછી વારો આવે. હું એ સમયમાં અમદાવાદ હતો, કામ હોય અને ફોન કરવાનો હોય તો અમદાવાદ ટેલિફોન એક્સચેન્જ જવાનું અને 10-12 કલાક બેસો ત્યારે વારો આવે એટલે ફોન લાગે. ફોનની કોઈ કંપની નહોતી, ફક્ત ટેલિફોન ડિપાર્ટમેન્ટનો જ ફોન હોય.

1985માં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે સામ પિત્રોડાની સલાહથી દેશમાં ફોનનું માળખું બદલાયુ અને ફોન કરવા સરળ બન્યા. નરસિંહા રાવના સમયમાં ઉદારીકરણ નીતિ 1991માં અમલમાં આવી, ટેલિફોન કંપની બી.એસ.એન.એલ. બની અને બીજી ખાનગી કંપનીઓ આવી. તે પછી 1995માં મોબાઈલ ફોન આવ્યા, ઈન્ટરનેટ આવ્યા અને સંદેશા વ્યવહાર ક્ષેત્રમાં ક્રાંતિ આવી. પણ બાપા ગમે એટલા વ્યસ્ત હોય ને બહારગામથી કોઈનો ફોન આવે તો મોડું બગાડ્યા વગર ગામમાં જેનું કામ હોય તેને બોલાવી આપે કે સંદેશો પહોંચાડે. પાંચ પૈસાની ખીલી લેવાની હોય ને આખી દુકાનનો સામાન જોવા માંગો તો ય બાપા ધીરજ ગુમાવ્યા વગર બધું બતાવે. સેકંડો વસ્તુ દુકાનમાં પડી હોય તે એક મિનિટમાં ખોળી કાઢે અને ભાવતાલ મોઢે હોય. ઉધારીનો એ જમાનો. ટૂંકા સમયના વહેવાર પાટીમાં માટીની પેનથી લખે ને લાંબા સમયના વહેવાર પાકા ચોપડામાં કાળી શાહી વળી ઈન્ડીપેનથી લખે. કાંતિભાઈ અને નરસીબાપાના અક્ષર મોતીના દાણા જેવા. દિવાળી ઉપર ચોપડા પૂજન થાય અને ધનતેરસે ચોપડાની પૂજા કરી, પ્રસાદ વહેંચાય, ફટાકડા ફૂટે ને દુકાન અને બઝારમાં વાતાવરણ રંગીન બની જાય. 

ગ્રાહક, નોકર, વેપારીઓ અને ગ્રામ્યજનો જોડે બાપાનો વહેવાર સૌમ્ય. માંગ અને પુરવઠાની એમને પુરી સમજ. હિસાબમાં ચોકસાઈ, વહેવારમાં પ્રામાણિકતા, વેપારનું જોખમ લેવામાં પરિપક્વતા, પારદર્શિતા, નિયમિતતા અને સખત પરિશ્રમ એમનો જીવન મંત્ર. ફાયનાન્સ, હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માર્કેટિંગ, ટેક્નોલોજીમાં કુશળતા, ઉચ્ચ નૈતિક ધોરણો અને દીર્ઘ દ્રસ્ટી દ્વારા પાંચ દશકા ઉપરાંત ગામડામાં વેપાર ટકાવવો એ નાનીસૂની બાબત તો નથી જ! એ પણ આપ બળે !


Rate this content
Log in

Similar gujarati story from Classics