નિર્ણય
નિર્ણય


આજે ઘરમાં પાર્ટી હોવાથી, સવારથી જ ચહલપહલ હતી, તે સ્વાતિને જરા સારું લાગી રહ્યું હતું. આમ એણે તો કંઈ કરવાનું નહોતું ...પણ મહારાજની રસોડામાં ચાલતી ધમાલ...બાઈની સફાઈકામની ધડાધડી...અને સૌથી વધારે તો રજાને દિવસે પોતાના રૂમમાં જ ભરાઈ રહેતા દિકરા-વહુની આ બધા પર દેખરેખ રાખવા માટે, ડ્રોઈંગ રુમમાં હાજરી.....આ બધી બોલાશ સ્વાતિનાં સૂનાં મનને સારી લાગી રહી હતી.
સ્વાતિ પોતે બહુ બોલકી હતી એવું નહોતું. પણ અહીં દિકરાને ત્યાં છ મહીના પહેલાં રહેવા આવી એ પહેલાં ની જિંદગી આટલી સૂની તો નહોતી જ ! સમીર હતો ત્યાં સુધી તો એની આસપાસ ચહકતાં શબ્દ ને સૂરનું જ સામ્રાજ્ય હતું......પણ એના મૃત્યુ પછી પણ શહેરની મધ્યમાં આવેલા એમનાં ચાલીનાં જૂના પણ મોટાં -વ્યવસ્થિત ઘરમાં જૂના સબંધી-પડોશીઓએ એને ક્યારેય એકલું કે સૂનું નહોતું લાગવા દીધું. છ મહીના પહેલાં દિકરા-વહુના આગ્રહને વશ એ અહીં રહેવા આવી ગઈ... બાકી એ પોતે તો ક્યારેય ક્યાં કંઈ નક્કી કરી શકતી ? સાડી કે દાગીના પસંદ કરવાનાં હોય, ઘરમાં નવી કામવાળી રાખવાની હોય, કંઈ વ્યવહાર કરવાનો હોય કે દિકરાના ભણતર-ઉછેરને લગતો નિર્ણય હોય એનું ગભરૂ મન તો સમીરના નિર્ણય પર જ અવલંબિત રહેતું. સમીર અકળાઈ ને ઘણીવાર ગુસ્સે પણ થતો કે......" આટલું તે કેવું ગભરુ મન? કંઈ નક્કી જ ન કરી શકે....! જો, સામે બે-ત્રણ રસ્તા દેખાતાં હોય, તો આંખ બંધ કરી દેવાની .....અને પછી જે રસ્તે ડગ ભરતાં મન-હૃદયમાં આનંદ ને હળવાશ અનુભવાય તે રસ્તે એક નિર્ણય કરી આગળ વધી જવાનું.... કંઈ શંકા રાખ્યા વગર......"
પાર્ટીમાં આટલા લોકો આવવાના હતા એટલે સાંજે સ્વાતિ સરસ તૈયાર થઈ. કોટનની આર કરેલી સાડીમાં એ સુંદર લાગી રહી હતી......મહેમાન આવી ગોઠવાણા એટલે બધાની સાથે સ્વાતિને પણ વેલકમ ડ્રીન્ક સર્વ કરતાં પુત્રવધુ બોલી....." મમ્મીજી...હવે અહીં મ્યુઝિક મૂકશું પછી તો ખૂબ અવાજ થશે. તમારું તો માથું જ દુ:ખી જશે. એના કરતાં તમારા રુમમાં જ દરવાજો બંધ કરી બેસો ને......બાઈ તમને જમવાનું પણ ત્યાં જ આપી જશે........." સ્વાતિને લાગ્યું કોઈએ એને અચાનક જ ધક્કો મારી ઉંડી ખીણમાં ગબડાવી દીધી છે ! ......વેગમાં ફંગોળાતી એ શ્વાસ પણ નથી લઈ શકતી.....રુમમાં આવ્યા પછી ....એરકન્ડીશનરની ઘરઘરાટીમાં એના ભારે ચાલતાં શ્વાસનો અવાજ ભળી જતો હતો........બંધ દરવાજા ને આ પાર એકલતા અને અંધકાર જાણે ઘેરા થતાં જતાં હતાં......એને લાગ્યું ક્યાંક ભાગી જવું જોઈએ ? પણ ક્યાં ?...
પેલું જૂનું ઘર પણ હવે થોડા દિવસ જ પોતાનું છે. દિકરાએ તેને વેંચવા જ કાઢ્યું છે.....બે ત્રણ ખરીદાર પણ આવ્યા છે. ડીલ નક્કી થાય ને પોતે એના પેપર્સ સહી કરે એટલી જ વાર ! કારણ એ ઘર એના નામ પર છે.
બીજે દિવસે સવારે ઉઠી ત્યારે એનું મન ખૂબ ભારે હતું. આજે તો દિકરો-વહુ જોબ પર ગયાં હતાં......માંડ સાંજ પડી....એને યાદ આવ્યું નજીક જ એક ગાર્ડન છે તે ત્યાં આંટો મારી આવું....ગાર્ડનમાં એક ગ્રુપ યોગ કરી રહ્યું હતું એ પણ એમાં જોડાઈ. એક્સરસાઈઝ પત્યાં પછી બે-ત્રણ જણે કંઈ -કંઈ પૂછતાં, ઔપચારિક જવાબવાળી એ હજી ગૂમસૂમ શી, એક બેન્ચ પર બેઠી....થોડીવારે અચાનક એક ફૂલ એના ખોળામાં પડ્યું. ચોંકીને ફૂલ હાથમાં લેતાં એણે ક્યા વૃક્ષ પરથી પડ્યું એ જોવા ઉપર જોયું....અરે ! અહીં તો એકે વૃક્ષ નથી ! તો ? અચાનક એના મનમાં એક ચહેરો ઉપસ્યો અને ત્યાં તો પાછળથી કોઈ ના ખડખડાટ હસવાનો અવાજ અફળાયો...અને એ જોતી જ રહી ગઈ ....એજ..એજ..ચહેરો !! પાંત્રીસ વર્ષ પછી પણ ખાસ કંઈ ન બદલાયેલો....પહેલાંની જેમ જ ફૂલ ફેંકી પોતાને ચમકાવતો-ચીડવતો......અસીમ !! ........અસીમ તો પાસે આવી એને લગભગ ભેટી જ પડ્યો.
" સતિ.....તું તો હજી એવી ને એવી લાગે છે..હા ! સમયે થોડા સળ જરુર પાડ્યા છે......"અસીમ સ્વાતિ ને સતિ જ બોલાવતો.
બચપણના મિત્રો અને પડોશી એવા આ બંને મોટા થતા પોતપોતાની દુનિયામાં ખોવાઈ એકબીજાને લગભગ ભૂલી જ ગયેલાં.
અસીમ તો અસ્ખલિત બોલતો જ ગયો....પોતે હવે એકલો જ છે...પત્નીનાં મૃત્યુ પછી દિકરો પણ કેનેડા સેટલ થયો છે. રીટાયર્ડ થયા પછી કંપનીનો આલિશાન ક્વાટર્સ છોડી હવે એ અહીં નજીકમાં આવેલ પોતાના ફ્લેટમાં રહે છે. રોજ આ ગાર્ડનમાં યોગ-વોક માટે આવે છે.....પોતાના મ્યુઝિક ને ટ્રાવેલનાં શોખને માણે છે..વગેરે...વગેરે ....ને એણે ખડખડાટ હસતાં -હસતાં વાગોળેલી, બચપણની... મસ્તીની... યાદોથી તો સ્વાતિ પણ હસી પડી.
ઓહ ! હું ફક્ત જીવતી જ નહીં ..... જીવંત પણ છું ! એણે વિચાર્યું.
પછી તો રોજ ગાર્ડનમાં યોગ કરતાં, બીજા મિત્રો અને અસીમ સાથે કંઈ -કંઈ વાતો કરતાં, અસીમનો આનંદ- રંગ એને પણ અડતો ગયો. હવે તો કોઈ વાર બંને નજીક જ આવેલી કોફી શોપમાં કોફી પીવા પણ જતાં. સ્વાતિ ને ઘણાં દિવસથી ફોન માટે સારા ઈયરફોન્સ લેવા હતાં. ઘરે પણ વાત કરી હતી. પોતાના કામમાં બીઝી એવો દિકરો તો ભૂલી જ જતો હતો ને સ્વાતિને તો આવી વસ્તુઓમાં કંઈ ખબર જ ન પડતી. આખરે અસીમે એને મોલમાં લઈ જઈ સારી બ્રાન્ડના ઈયરફોન્સ અપાવી દીધા. શોપીંગમાં થોડું મોડું થયું એટલે એ પોતાની કારમાં સ્વાતિને ઘર સુધી મૂકી ગયો.
એ રાત્રે સ્વાતિ સૂવા ગઈ પછી થોડી વારે, બંધ દરવાજાના પેલે પારથી આવતા શબ્દોએ એના કાનને ચમકાવ્યા.
પુત્રવધુ: તું મને જ સલાહ ન આપ...તારા મમ્મી ને પણ અક્કલ આપ...રોજ સાંજે બહાર રખડવાનો ચસ્કો લાગ્યો છે તે ....અને આજે તો કોઈ અંકલની કારમાં ઘરે આવ્યા ! આ ઉંમરે શરમાતા પણ નથી ! મારા ઘરમાં આ બધું નહીં ચાલે.
પુત્ર ના મૌને જાણે એને સંમતિ આપી.
સ્વાતિને મન થયું એ ચીસો પાડી ને કંઈ કહે.....પણ આંખમાં ધસી આવતાં આંસુઓને રોકતાં એણે મન મક્કમ કર્યું ને સૂવાના પ્રયત્નરુપે આંખો બંધ કરી.
આંખ બંધ કરતાં જ.....અચાનક સમીર ... સમીરના શબ્દો ....." આવી તે કેવી ગભરુ છે........" એ જાણે એને ઘેરી લીધી.
બીજે દિવસે બ્રેકફાસ્ટ ટેબલ પર
સ્વાતિ : તમને બંનેને મારે કંઈક કહેવું છે.
સ્વાતિનો આ અવાજ પુત્ર -પુત્રવધુ ને અજાણ્યો લાગ્યો. એમણે આશ્ચર્ય થી તેની સામે જોયું એટલે સ્વાતિ આગળ બોલી..
મેં નિર્ણય લીધો છે કે મારું જૂનું ઘર મારે નથી વેચવું.
કંઈ કહેવા જતાં એ બંને ને રોકતાં એ આગળ બોલી..
આ મારો અંતિમ નિર્ણય છે .......મારે મારું ઘર વેચવું નથી ......ને હું આજે જ, ત્યાં રહેવા જાઉં છું.