નિરાંતની પળ
નિરાંતની પળ


ગામને ગોંદરે ઊભેલો સો વર્ષ જુનો વડલો આજે ૧૦૧ માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ગામલોકોએ એનો ૧૦૧મો જન્મ દિવસ ઉજવવાનું નક્કી કર્યું.
બધાએ વડ નીચે ભેગા થઈ પોતાની સ્મૃતિ તાજી કરવી.
કેટલાક વયસ્ક નાગરિકો પોતાના ભૂતકાળની વાતો વાગોળે છે. નાનાં હતાં ત્યારે વડની વડવાઈએ હીંચકા ખાતા. પિતાની ઉંમરના, દાદાની ઉંમરના બધા સાંજ પડે, વડ નીચે આવી, વાળું નો સમય થાય ત્યાં સુધી અલકમલકની વાતો કરે, છોકરાઓને રમાડે.
કેવાં મજાનાં દિવસો હતા ! નાનાં ટાબરિયા વડની વડવાઈએ હીંચકા ખાતા, મોટા છોકરાઓ વડ પર ચઢી કૂદકા મારવાની રમત રમતા.
ખાસ તો સ્ત્રીઓ માટે પાદરે ઊભેલો આ વડલો પિયરની ગરજ સારતો. બપોરના સમયે ઘરના વડીલો આરામ કરતા હોય ત્યારે સ્ત્રીઓ અહીં આવતી. એકબીજા આગળ વાત કરી દિલનો ઊભરો ઠાલવી નિરાંત અનુભવતી. ઘડીક મળતી આ નિરાંતની પળ જ તો જીવવાનું બળ પુરું પાડતી.
આજે વડલાની ૧૦૧મી વર્ષગાંઠની ઉજવણીમાં લોકો હરખાય પણ વડલો આંસુ સારે. મોબાઈલ અને ટી.વી. માં વ્યસ્ત બાળકો, યુવાનો સાથે મોટેરાં અને સ્ત્રીઓ પણ વડલાને ભૂલી ગઈ. સૂનો પડી ગયો વડલો. રાહ જોઈ રહ્યો છે વડલો, કોઈક તો આવે નિરાંતની પળ માણવા.