વિદાય
વિદાય


વિદાય તો વસમી જ હોય, ભલે પછી એ લગ્ન કરીને સાસરે જતી દીકરીની, સ્વજનોનાં પરદેશગમનની કે અન્ય સ્થાળાંતર માટેની વિદાય ગમગીન કરે જ. જ્યારે આગમન, આવકાર આનંદોલ્લાસ ભર્યું હોય. આંગણે પધારેલ મહેમાનનું કેટલાં ઉમંગભેર સ્વાગત કરીએ !
જ્યારે આજે તો મને વિદાય આપવા સૌ થનગની રહ્યાં છે. સૌનો થનગનાટ અને હર્ષોલ્લાસ જોઈને મને દુઃખ થઈ રહ્યું છે.
મારું આગમન તો કોઈએ વધાવ્યું નહોતું, સૌ ચૂપચાપ પોતાનાં કામમાં મશગુલ. મારાં આગમનની જરાસરખી નોંધ પણ નહોતી લેવાઈ કેમ જાણે હું શ્રાપિત હોઉં !
મને વિદાય આપવાની કેટલાં દિવસથી તૈયારી ચાલે પૈસાનો ધૂમાડો કરશે ! હશે જેવાં મારાં નસીબ ! મેં તો વર્ષ દરમ્યાન તમારો સાથ નિભાવ્યો. જાઉં છું ફરી ક્યારેય મળવાનાં નથી એનો મને રંજ છે, દુઃખ છે. તમારાથી હંમેશનો વિયોગ વસમો તો લાગે જ ને ? ભલે આપ સૌ મારા વિયોગને આનંદ ઉલ્લાસથી મનાવો.
આપ સૌ સમજી જ ગયા હશો, "હું કોણ ?" ચાલો, ઓળખાણ આપી જ દંઉ, "હું છું ૨૦૨૨નું વર્ષ. આપ સૌને મારા પછી આવનારા ૨૦૨૩નાં વર્ષનાં વધામણાં.