પ્રભુ સાથે સંવાદ
પ્રભુ સાથે સંવાદ
પ્રભુ સાથેનો સંવાદ. દાંડી ભાગલનાં દરિયાકિનારે બાંકડા પર બેસી, રેતીમાં રમતાં બાળકને નિહાળી રહી હતી, ત્યાં જ પ્રભુ પ્રગટ થયા.મને પૂછવા લાગ્યા," વિભૂ, તું શું વિચારમાં છે,આવા સરસ માહોલમાં કોઈ કવિતા વિચારે છે કે વાર્તાનો પ્લોટ?" પ્રભુની વાત સાંભળીને મેં કહ્યું," તું તો અંતર્યામી છે, ઘડી પહેલાં અંહીયા બનેલી ઘટના તારાથી આજાણી તો ન જ હોય છતાં મારાં મુખે સાભળ," બાળકે રેતીનું ઘર બનાવ્યું અને નજીકમાં જ મોટાં ભૂંગળામાં એની મા સાથે રહે ત્યાં પહોંચ્યું,મા પાસેથી તિરંગો લેવા, એટલામાં જ એક હેલિકોપ્ટર આવ્યું,ઘર ઘર તિરંગો ફરકે છે કે કેમ એ જોવા માટે નેતાને લઈને. રેતીના ઘરની નજીકથી પસાર થતા હેલિકોપ્ટરના પંખાએ બાળકે બનાવેલ રેતીનું ઘર નેસ્ત નાબૂદ કરી નાખ્યું. તિરંગો લઈને આવેલા બાળકે પોતાનું રેતીનું ઘર પડી ભાંગેલું જોઈને રડતાં રડતાં મા પાસે જઈને કહેવા લાગ્યો," મા, આપણું ઘર નથી એટલે રેતીનું ઘર બનાવ્યું અને એની ઉપર તિરંગો લગાવવા પરંતુ એ તો પડી ભાંગ્યું" ત્યારે માતાએ દીકરાને શાંત પાડીને કહ્યું," બેટા, પ્રભુ જે કરે એ સારા માટે જ.આમ પણ રેતીનું ઘર તિરંગો લગાવ્યા બાદ મોજાની થપાટે તૂટતે તો તિરંગો પડી જતે મોજા ભેગો પાણીમાં જતે અને એ તો તિરંગાનુ અપમાન કહેવાય.લાવ હું તને લગાવી આપું." એમ કહી માએ ઝાડ પરથી મજબૂત ડાળી કાપી, માર્ગ પર નાખવાનું ગરનાળું કે જેને ઘર માનીને એમાં રહેતા ત્યાં ડાળી જમીનમાં ખોસી સાથે તિરંગો મજબૂત બાંધીને ફરકાવ્યો. હવામાં લહેરાતા તિરંગાને જોઈ ખુશ થયેલા બાળકે સલામી આપી ખુશ થતાં બુલંદ અવાજે બોલ્યો , "વંદે માતરમ્,શહીદો અમર રહો." બસ, પ્રભુ આ દ્રશ્ય જોઈને હું વિચારતી હતી કે હર ઘર તિરંગાનું સૂત્ર મળ્યું એટલે જે તિરંગા ઘર પર ફરક્યા એ રાજી પરંતુ ફરક્યા વિના રહી ગયેલા તિરંગા કહે છે કે એવું સૂત્ર આપો," હર તિરંગા કે પાસ એક ઘર" બોલ પ્રભુ," છે આનો કોઈ ઉપાય તારી પાસે?" પ્રભુ મારી તને એક જ અરજ કે" કોઈ તિરંગો ઘર વિહોણો ન રહે એવી સદ્બુદ્ધિ આપજે." ' પ્રભુ..... પ્રભુ.... પ્રભુ કંઈક તો બોલ. અરે....અરે...આમ જવાબ આપ્યા વિના જાય તે કેમ ચાલે!" હું બોલતી રહી અને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
