Vibhuti Desai

Abstract Others

4.5  

Vibhuti Desai

Abstract Others

પિતા સાથેની અંતિમ વાત

પિતા સાથેની અંતિમ વાત

2 mins
402


પિતાજીને બ્લડ કેન્સર માલુમ પડતાં તારીખ ૧૦/૬/'૯૦નાં રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાં, ડોક્ટરે છ મહિનાની જિંદગીનું એલાન કરી દીધું જે પિતાજીને જણાવ્યું જ નહીં. પથારીમાંથી ઊઠવાની મનાઈ છતાં પણ એકદમ સ્વસ્થ લાગે. મારી સાથે વાત કરતાં કહે," વિભૂ, મારા નસીબમાં પૈસા જ નથી, અમદાવાદમાં ઘર વેચ્યું અને પૈસા આવ્યાં તે આ માંદગીમાં વપરાઈ જવાના." મેં એમને સાંત્વન આપતા કહ્યું," એવું નહીં બોલવાનું, કુદરતને ખબર હતી આ માંદગી આવવાની છે એટલે ઘર વેચાવીને પૈસાની સગવડ કરી આપી. નહીં તો અત્યારે તમે આટલાં સ્વસ્થ ન રહી શક્યા હોત." તો કહે કે, "એ વાત પણ સાચી." એમની સાથે આટલી વાત કરતાં તો દિલ ભરાય આવ્યું. માંડ આંસુ રોકીને સ્વસ્થ છું એવો ડોળ કરી વાત કરીને એમને હસાવતી રહી.

 હું છેલ્લા દિવસોમાં મળવા ગઈ ત્યારની વાત. મારા ભાઈનાં લગ્ન બાકી હતાં. એકના એક દીકરાને પરણાવવાની હોંશ કોને ન હોય ! મારાં ફોઈની દીકરીએ જ્યોતિષની વાત કરતાં મને જ્યોતિષને મળવા જવા કહ્યું, એમની સાથે મળવા ગઈ. જ્યોતિષે કહ્યું," તમારાં પિતા વધારેમાં વધારે બે જ મહિનાનાં મહેમાન છે." આ સાંભળીને હતભ્રત ! પરંતુ પિતાજી સામે જુઠ્ઠું બોલવાની હિંમત કરી. મારાં બહેનને પણ જો એમને પૂછે તો સત્ય છુપાવવાની વિનંતી કરી અને કહ્યું,"ભઈને (અમે પિતાજીને ભઈ કહેતાં) એમ જ કહેવાનું બે વર્ષ સુધી તમને કંઈ જ થવાનું નથી અને તમારાં હાથે જ તમારાં દીકરાના લગ્ન થશે." હોસ્પિટલમાં આવ્યાં એટલે ભઈએ પૂછ્યું ," શું કહ્યું જ્યોતિષે ?" અને મારી વાત સાંભળતા જ ખુશ ખુશાલ મને કહે ,"વાહ સરસ સમાચાર લાવી, મારાથી બેસાશે નહીં તો સૂતાં સૂતાં ગ્રહશાંતિ કરીશ, પરંતુ બાબાને તો હું જ પરણાવીશ." પણ રે કુદરત ! આ વાત થઈને એક જ મહિનામાં પિતાજીએ અંતિમ વિદાય હોસ્પિટલમાંથી જ લીધી.

ફરી મળવા ગઈ ત્યારે છેલ્લા ત્રણ દિવસ હું સાથે હતી. ૧લી ઓગસ્ટે રજા આપવાનાં જાણી એકદમ ખુશ. આ ખુશી કુદરતને ક્યાં મંજૂર હતી !

૩૧ જુલાઈએ મને અમદાવાદથી મોકલીને કહ્યું,"બીજે દિવસે ડુંગરી જઈને ઘર સાફ કરાવજે, રાત્રે કવીનમાં આવવાનાં એટલે."

કેવું નસીબ ! પહેલી ઓગસ્ટનો સૂર્યોદય થયો પરંતુ સૂર્યાસ્ત પહેલાં જ હોસ્પિટલમાંથી નીકળતાં પહેલાં હેમરેજ થયું અને જીવનદીપ બુઝાયો.

ઘરે તો આવ્યાં પરંતુ નિર્જીવ દેહે. મેં તો ભઈનાં સ્વાગતની તૈયારી કરેલી, સાંજે ફોન આવતાં જ ભારે હૈયે ભઈને વળાવવાની તૈયારી કરવી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract