પ્રભુનાં આશીર્વાદ
પ્રભુનાં આશીર્વાદ
બાગમાં હીંચકે ઝૂલતાં ઝૂલતાં તાજા ખીલેલાં ફૂલો અને એ પર ઊડતાં પતંગિયાં અને પક્ષીઓનો કલરવ સાંભળી હું આંખમાં આંસુ સાથે મનોમન પ્રભુને વંદી રહી હતી ત્યાં જ પ્રભુ પ્રગટ થયાં અને કહેવા લાગ્યાં," કેમ, આટલાં સરસ વાતાવરણમાં તારી આંખમાં આંસુ !" મેં કહ્યું," પ્રભુ, આજે પિતૃદિન છે અને પિતૃ વિષેનું બધાનું લખાણ વાંચીને ઉદાસ થઈ ગઈ."
પ્રભુએ કહ્યું," એમાં ઉદાસ શું થવાનું તું પણ લખ પિતા વિશે." આટલું સાંભળતા જ હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પ્રભુએ મને રડવા જ દીધી.
થોડીવાર પછી મારે માથે પ્રેમભર્યો હાથ મૂકીને મને શાંત કરી અને હું બોલી ઊઠી, "વાહ, પ્રભુ આપનાં હાથનો સ્પર્શ મને પિતાની યાદ અપાવી ગયો. આજે પિતૃદિને આશીર્વાદ આપનાર પિતા હયાત નથી ત્યારે તમે આજે પિતાની ગરજ સારી એ માટે આભાર માની હું પિતાની લાગણી ન દુભાવતા હું તમને પ્રણામ કરું છું." એટલું સાંભળતા જ પ્રભુ મંદ મંદ સ્મિત રેલાવતાં અંતરધ્યાન થઈ ગયાં !