મુક્તિ
મુક્તિ


"મિસીસ સુરભી તમે તમારા પતિ રોહનથી છૂટા થવા માગો છો?" સુરભીના છૂટાછેડાનો કેસ લડતાં વકીલે શરૂઆત કરી.
"હા સાહેબ હું આ ચરિત્રહીન વ્યક્તિ સાથે રહી મારી અને મારા દિકરા ઋષિની જિંદગી બગાડવા નથી માગતી. હું એની સાથેના સંબંધ ઉપર તાત્કાલિક પૂર્ણ વિરામ મૂકવાં માંગુ છું", રોહન તરફ આંગળી ચીંધતા સુરભીનો સૂર જાણે કોઈ મોટી વાત જાહેર કરી હોય એવો ઊંચો હતો.
"મિસ્ટર રોહન, તમે મિસીસ પીના સાથેના તમારા સંબંધને કબૂલ કરો છો? "
"હા કબૂલ કરું છું, હું પીના સાથે દિલથી જોડાયો છું. દુનિયાની મને પરવાહ નથી. તેને મારી જરૂર છે." રોહનના જવાબથી કોર્ટમાં જાણે પવન થંભી ગયો.
રોહન પર સુરભીએ લગાવેલો બેવફાનો આરોપ સિદ્ધ થતાં છૂટાછેડા પર તરત મહોર લાગી ગઈ. રોહનની સંપત્તિનો સુરભીને કોઈ મોહ ન હતો. કેસનો તરત નિવાડો આવી ગયો.
નાદાન દિકરા ઋષિનો કબજો લઈ સુરભી કોર્ટેની બહાર નીકળી પાર્કિગ તરફ વળી. હાથમાંના પેકેટને સાચવતો ઋષિ સુરભી દ્વારા ખેંચતો જતો હતો પણ નજર રોહન તરફ હતી.
"મમા હું હમણાં આવું છું." કહેતો ઋષિ પીના તરફ વળ્યો. સુરભીએ ઋષિનો હાથ જોરથી ખેંચ્યો એટલે સવારથી હાથમાં પકડીને બેઠો હતો તે પેકેટ નીચે પડી ગયું. ગુસ્સાથી વાંકા વળી ઉપાડ્યું, જોયું તેમાં એક ચિઠ્ઠી ભેરવેલી હતી. સુરભી સળગી ઉઠી. "છોકરા પાસે ખોટું કામ કરાવે છે?" પેકેટ નીચે નાંખી દીધું અને ચિઠ્ઠી વાંચવા માંડી.
પ્રિય બહેના,
મારા મિત્ર મિતેશને મરતી વખતે આપેલા વચન પ્રમાણે હું તારું અને તારી દીકરીનું બરાબર ધ્યાન રાખીશ. માફ કરજે આ વખતે ધંધાની અનિશ્ચિતતા અને સુરભીના ન ધારેલાં વર્તનને કારણે સમયસર મદદ ન કરી શક્યો. સુરભીને સમજાવવાની કોશિશ કરીને થાક્યો છું, પણ ચિંતા ન કર. વહેલી મોડી તે સમજી જશે આપણો પવિત્ર સંબંધ. મને આનંદ થયો કે તું સુરભીની ચિંતા કરે છે. ઋષિની ઉંમર નાની છે પણ બહું સમજદાર છે. જ્યાં સુધી બધું બરાબર ન થાય ત્યાં સુધી સુરભી તેના પિતાની છત્રછાયામાં રહી શકશે પણ તારે કોણ?
સધળુ સારું થશે ભગવાન પર શ્રદ્ધા રાખજે.
તારો ભાઈ.
સુરભિએ હળવેકથી પેકેટ ઉપાડ્યું,લેબલ પર નજર ગઈ, "રક્ષાબંધન નિમિત્તે સપ્રેમ."
સુરભીના દિલો-દિમાગ પર ભારે તોફાન પછી નાનકડી વાદળી ઊમટીને વરસી પડી. એક નધણિયાત સંબંધને બેડીમાંથી મુક્તિ મળી, સ્વમાન મળ્યું. સમગ્ર આકાશ શાંત અને સ્વચ્છ બની ગયું.