mariyam dhupli

Tragedy Children

4  

mariyam dhupli

Tragedy Children

મુક્ત આકાશ

મુક્ત આકાશ

7 mins
471


ઓરડાની અંદર પૂરાયેલું નાનકડું શરીર અત્યંત વ્યાકુળ હતું. ચહેરા ઉપર ગભરામણ હતી. બન્ને પગ વાળીને હાથ વડે આવરી લીધેલું શરીર અત્યંત શોક્ગ્રસ્ત હતું. એ નાનકડી આંખો રડી રડીને સૂઝી ગઈ હતી. સૂઝેલી આંખો હવે રડતા રડતા થાકી ગઈ હતી. ચારે તરફ સતત સાંભળેલા રુદન અને આક્રંદથી મગજની નસો દુઃખી રહી હતી. એના સંતાપ, એની પીડાને નજીકથી જોવામાં કોઈને રસ ન હતો, ન કોઈની પાસે સમય. અહીં અંદર તરફ એણે જાતેજ પોતાના શરીરને ગોંધી રાખ્યું હતું. બહારના ઓરડાનું એકસમાન દ્રશ્ય એકધારા ત્રણ દિવસથી નિહાળી એ ત્રાસી ગયો હતો. એ એકધારો સમૂહમાં ગૂંજતો રહેતો પઠનનો પડઘો એને હવે સ્વપ્નમાં પણ સંભળાતો હતો. એને બહાર જઈ બધાને કહી દેવું હતું. 

'બધા પોતપોતાના ઘરે જતા રહો. મારું ઘર મને પહેલા જેવું જોઈએ છે. આ ભીડ મને નથી ગમતી. આ વાતાવરણથી મને ડર લાગે છે. અમ્મી પણ એક જગ્યાએ બેસી રહે છે. મને આ જમણ નથી ગમતું. મને તો અમ્મીના હાથથી બનેલા દાલચાવલ ખાવા છે. ટીવી પણ બંધ છે. મને મારું કાર્ટૂન જોવું છે. મારા રમકડાંઓથી રમું તો બધા શા માટે "શશશ...અવાજ નહીં કર " "આમ મોટે મોટે નહીં હસ " એમ ટોક્યા કરે છે ? અમ્મી પણ મારી જોડે હસતી નથી. પહેલા જેમ મને ઊંઘવા પહેલા વાર્તા કેમ નથી સંભળાવતી ? દાદી પાસે ઊંઘવા મોકલાવી દે છે. મને દાદી પાસે નથી ઊંઘવું. એ તો દુઆ અને કલ્મા પઢાવી આંખ મીંચવાનું કહી દે છે. મને કશું ગમી રહ્યું નથી. આખા ઘરમાં  ફેલાયેલા લોબાનના ધુમાડાથી મારું માથું દુઃખે છે. મારો શ્વાસ રૂંધાય છે. કોઈ કોઈની જોડે વાત નથી કરતું. બધાજ આખો દિવસ કાંઈ ને કાંઈ પઢયા કરે છે. જો અબ્બુ હોત તો...

ઓરડાની બારીમાંથી ગૂંજેલી બૂમાબૂમ થકી એ નિર્દોષ વિચારોની સાંકળ તૂટી. હાથ ઉપર ટેકાયેલું ભોંયને તાકી રહેલું ઉદાસ માથું ધીમે રહી ઉપર ઉઠ્યું. છ વર્ષનો ઇલ્યાસ એને પહેરાવવામાં આવેલા લાંબા સફેદ ઝૂભ્ભા જોડે ધીરે ધીરે બારી નજીક પહોંચ્યો. અર્ધી ઉઘડેલી બારીને એણે પોતાના નાનકડા હાથ વડે ચોપાટ ખોલી મૂકી.બહારના ઓરડામાંથી એકધારો ગૂંજી રહેલો પઠનપાઠનો રવ ધીમે ધીમે આછો થયો.ઘરની બહારના વાતાવરણનો નાદ ધીમે ધીમે ઊંચો થયો. 

બારીના સળિયામાંથી બે સૂઝેલી આંખો ચારે દિશામાં ચક્કર કાપવા લાગી. આખું આકાશ રંગબેરંગી પતંગોથી શોભી રહ્યું હતું. ત્રણ દિવસ પછી કોઈ રમણ્ય દ્રશ્ય આંખોને સ્પર્શ્યું. એ સ્પર્શ થકી સૂઝેલી આંખોને બરફ જેવી ટાઢક મળી હોય એમ આંખના સ્નાયુઓ રાહતથી ઢીલા થયા. આંખની કીકીઓ આસપાસની અગાશીઓ સુધી વિસ્તરી. ચારે તરફ મસ્તીની છોળો ઉછળી રહી હતી. હાસ્ય કિલ્લોલ, ધીંગા મસ્તી જમીને થઇ રહી હતી. દરેક હાથોમાં માંજા અને પતંગ થમાયા હતા. 

"એ..ઢીલ આપ..ઢીલ આપ..."

"એ ખેંચ..ખેંચ...."

"એ કાઈપો છે...."

દરેક દિશામાંથી ઉત્સાહનો સાદ ઝીલાઈ રહ્યો હતો. અડોશપડોશની અગાશીઓ પર એની ઉંમરના એના મિત્રો ભેગા મળી પતંગબાજીની ઉજવણી કરી રહ્યા હતા. આખરે ત્રણ દિવસ પછી ઉદાસ હોઠ થોડા પહોળા થયા. એક કંજુસાઈ સભર સ્મિત ધીમે ડગલે ચહેરા પર ખેંચાઈ આવ્યું. 

ત્રણ દિવસથી માથામાં ભમી રહેલા ડરામણાં વિચારોની જગ્યાએ કશું આનંદીત આછું આછું હૈયામાં ઘેરાવા માંડ્યું. એક વિચારના ઝબકારા જોડે નાનકડું શરીર ત્વરિત બારી છોડી પોતાની અલમારી તરફ ધસી ગયું. ગડી કરી રખાયેલા ક્રમબદ્ધ વસ્ત્રોની વચ્ચે બે નાનકડા પંજા સંશોધનમાં વ્યસ્ત થયા. નીચે તરફના ખાનામાંથી આખરે એના માટે અગાઉથી ખરીદીને રખાયેલા પતંગ અને માંજો હાથમાં આવ્યા. 

"થેન્ક યુ, અબ્બુ. "

"સાચવીને મૂકી દે. ઉત્તરાયણ પર ચગાવીશું. "

અબ્બુનું વચન એમના સંવાદ જોડે એના નાનકડા કાનમાં ગૂંજી ઉઠ્યું. પતંગ અને માંજો લઇ એ તરતજ ઓરડામાંથી બહાર નીકળી આવ્યો. 

બહારના ઓરડામાં કતારબદ્ધ ગોઠવાયેલી દરેક સ્ત્રીની નજરનું એ કેન્દ્રબિંદુ બની ગયો. મોટાભાગની સ્ત્રીઓએ સફેદ કુર્તા કે બુરખા પહેર્યા હતા. જમીન ઉપર પાથરેલી શતરંજીઓ ઉપર મધ્ય ભાગમાં ઢગલો કરી રખાયેલા ખજૂરના ધોવાઈને સ્વચ્છ કરી રખાયેલા સૂકા બીજ મુઠ્ઠીમાં ભરી આયતોનું પઠન કરી એનો ક્રમાંક યાદ રાખવા એક પછી એક બીજ એ મુઠ્ઠીમાંથી પોતપોતાના ઢગલામાં ભેગું થઇ રહ્યું હતું. હોઠ ફક્ત પઠન દ્વારા ધીમું ધીમું ફફડાટ કરી રહ્યા હતા. મનોમન પઢવામાં આવી રહેલા કલ્મા ફક્ત હોઠના હલનચલન થકી બહાર તરફ પ્રતિબિંબિત થઇ રહ્યા હતા. કેટલીક સ્ત્રીઓના હાથમાં કુરાનના ભાગ હતા. તો વૃદ્ધ સ્ત્રીઓના હાથમાં તસ્બીહની માળા આંગળી વડે ગોળ ગોળ ચક્કર કાપી રહી હતી. એક ખૂણામાં સળગી રહેલી અગરબત્તીઓમાંથી નીકળી રહેલા ધુમાડા ઓરડાને એની ભારે સુગંધ વડે જકડી રહ્યા હતા. બીજા ખૂણામાં કરવામાં આવેલી લોબાનના ધુમાડા સીધા નાકમાં પ્રવેશ્યા કે આખો ઓરડો નિર્દોષ ઉધરસ વડે ગૂંજી ઉઠ્યો. 

એ ઉધરસના પ્રહારે ભીંતનો ટેકો લઇ બેઠી એક યુવાન અને બીજી વૃદ્ધ સ્ત્રીનું ધ્યાન તરતજ સતર્કતાથી બારણા બહાર આવી ઉભા રહેલા નાનકડા શરીર તરફ ખેંચ્યું. યુવાન સ્ત્રીની નજર અચરજ વડે નિર્દોષ હાથમાં થમાયેલા પતંગ અને માંજા ઉપર આવી પડી. કોઈ ખૂબજ મહત્વની વસ્તુ અંતિમ ત્રણ દિવસથી એક ખૂણામાં કરી મૂકી દીધી હોય અને અચાનક એનું સ્મરણ થતા જેવો અપરાધભાવ ઉત્તપન્ન થાય એવાજ અપરાધભાવના હાવભાવો એ યુવાન ચહેરા ઉપર ઘેરાઈ આવ્યા. આંખો નીચેના કાળા કુંડાળા અને અંદર ધસી ગયેલી આંખો સુકાઈને એવી લાગી રહી હતી જાણે અકાળમાં ઉજ્જડ થયેલું રણ. સફેદ ઓઢણીમાં ચુસ્ત બંધાયેલું માથું અસહ્ય પીડાથી જાણે હલનચલન વિસરી ગયું હતું. પડખે ગોઠવાયેલી વૃદ્ધ આંખોએ ઓરડામાં બેઠી અન્ય સ્ત્રીઓ ઉપર એક આંટો માર્યો. બધી નજર ઉત્સુકતાથી બારણે ઉભા એ છ વર્ષના બાળકને અવિરત તાકી રહી હતી. પોતપોતાના પઠન જોડે આગળ શું થશે એ અંગે જાણવાની ઉત્સુકતા એ દરેક નજરમાં આડકતરી રીતે ડોકાઈ રહી હતી. છોભીલાપણું અસહ્ય બનતા પરિસ્થતિને નિયંત્રણમાં લેવા વૃદ્ધ કરચલીવાળા હાથ દ્વારા એ નાનકડા શરીરને પોતાની નજીક આવવાનો ચતુર ઈશારો થયો. 

એ ઈશારાનું માન રાખવું ફરજીયાત હોય એમ એક હાથમાં પતંગ અને બીજા હાથમાં માંજાનું સંતુલન જાળવતું શરીર કતારબદ્ધ સ્ત્રીઓને સંભાળીને ઓળંગી બીજે છેડે પહોંચ્યું. જેવું એ શરીર નજીક પહોંચ્યું કે વૃદ્ધ હાથ દ્વારા બાજ જેવી તરાપ મરાઈ. માંજો અને પતંગ બધાની નજરથી અદ્રશ્ય થઇ જાય એ ઉદ્દેશ્ય જોડે વૃદ્ધ પીઠની પાછળ છુપાઈ બેઠા. 

એ તરાપથી ડરી ગયેલું શરીર યુવાન સ્ત્રીની ગોદમાં લપાઈ બેઠું. ચારે તરફથી થઇ રહેલા ઉચ્ચારણ અને પઠન જોડે ભેગી મળી રહેલી લોબાન અને અગરબત્તીની એકમેકમાં ભળી રહેલી સુગંધથી એ નાનું જીવ હચમચી ઉઠ્યું. દેગમાં તૈયાર થઇ રહેલી દાળની અણગમતી મહેક શ્વાચ્છોશ્વાસને અવરોધવા લાગી. એક ઉબકો આવ્યો અને આક્રન્દની ધરબાયેલી અગ્નિ અંતરમાંથી હૈયાફાટ રુદન જોડે બહાર ધસી આવી. 

"અબ્બુ.... "

એ રુદનની પીડાથી યુવાન સ્ત્રીની છાતી ધ્રુજી ઉઠી. પડખેથી વૃદ્ધ કરચલીવાળો હાથ નાનકડા માથા ઉપર પહેરાયેલી સફેદ ટોપી ઉપર ભારપૂર્વક ફરવા લાગ્યો. અત્યંત ધીમા સાદે કોઈ સાંભળી ન શકે એની તકેદારી સેવતો હેતના આવરણમાં મઢાયેલો હુકમ આદેશ દબાયેલા શબ્દોમાં નિર્દોષ કાન ઉપર ઝીલાયો. 

"ઇલ્યાસ, તું ઈચ્છે છે ને કે અબ્બા જન્નતમાં જાય. તો અહીં બેસ. અબ્બા માટે દુરૂદ મોકલાવ. એ તારા દુરૂદની રાહ જોઈ રહ્યા છે. એમની અંધકારમય કબરમાં આ દુરૂદ થકી અજવાળું થશે ને એમને પજવતા દરેક ભય શમી જશે. "

ત્રણ દિવસથી ધીમે ધીમે મનના ઊંડાણોમાં શમી ગયેલો ભય અચાનકથી ફેણ દર્શાવતા સર્પ સમો નજર આગળ ડોકાવા લાગ્યો. એનો સામનો ન કરવો હોય એમ એ નાનકડું માથું યુવાન સ્ત્રીની છાતીમાં ચુસ્ત ધપી ગયું. 

"મારે અબ્બા પાસે જવું છે... "

યુવાન આંખો એ શબ્દો સાંભળી શોકથી ફાટી પડી. ત્રણ દિવસથી જીરવી રહેલો શોક જાણે એની સામે કાંઈજ ન હોય. કોઈ ખૂબજ મોટી હાનીનું અનુમાન સાધતી ધમકી આપી રહેલી છઠ્ઠી ઇન્દ્રિયથી ભાનમાં આવી હોય એમ એ રણ જેવી સૂકી આંખોમાં ઝરમર વરસાદ વરસ્યો. એ વરસાદના છાંટા ગોદમાં ભરાયેલા સફેદ ઝૂભ્ભાને ભીંજવવા માંડ્યા. વૃદ્ધ કરચલીવાળો હાથ પડખેના શરીર તરફ પરત ખેંચાયો કે યુવાન આંગળીઓ છાતી પર આવી ટેકવાયેલા વાંકડિયા વાળમાં હેતસભર ફરવા લાગી. ત્રણ દિવસથી એક પણ શબ્દ ન ઉચ્ચારી શકેલા હોઠમાંથી એક ટૂંકો પ્રશ્ન ધીમેથી સરી પડ્યો. 

"પતંગ ચગાવવા જવું છે ? "

છાતીમાં ધસી ગયેલું માથું તરત જ ઉપર ઉઠ્યું. બે નિર્દોષ આંખો પોતાને પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન પૂછનારી આંખોમાં શોધવા મથ્યું. એ નિર્દોષ આંખોમાંથી વહી ગયેલી પાણીની ધારને પોતાની સફેદ ઓઢણી વડે સાફ કરતા માથું હકારમાં ધુણ્યું. પડખે ગોઠવાયેલા વૃદ્ધ શરીરથી હજી પણ ધ્રૂજતો હોય એમ ચહેરા ઉપર હજી પણ મળેલી હામી અંગે વિશ્વાસના ભાવો ન ડોકાયા. 

યુવાન હાથ ધીમે રહી આગળ તરફ પસરાયા. પીઠ પાછળ ધકેલી દીધેલા પતંગ અને માંજાની માંગણી તદ્દન અનૈતિક હોય એમ વૃદ્ધ ચહેરો વિફરેલી આંખો દેખાડતો કડક થયો. પડખેની યુવાન સ્ત્રીને દબાયેલા અવાજમાં દબાવવાનો અપેક્ષિત પ્રયાસ થયો. 

 "હજી ત્રણ દિવસ પણ પૂરા થયા નથી. ખતમ પઢાયું નથી. લોકો શું કહેશે ?"

યુવાન આંખોની જીદ મક્કમ થઇ આંખોમાં છલકાઈ ઉઠી. 

"આ છ વર્ષના બાળકને મનોચિકિત્સક પાસે લઇ જવો પડશે ત્યારે પણ લોકો તો જે કહેવાનું હશે એજ કહેશે."

યુવાન હાથે વૃદ્ધ પીઠ પાછળથી પતંગ અને માંજો ધીમે રહી ખેંચી બાળકના હાથમાં થમાવી દીધા. 

એક હાથમાં પતંગ અને બીજા હાથમાં માંજાનું સંતોલન પુનઃ સાધતું છ વર્ષનું શરીર કતારબદ્ધ સ્ત્રીઓને ઉતાવળે ચીરતું મકાનની બહાર તરફ ભાગી નીકળ્યું. બહારની શુદ્ધ હવાથી જાણે જીવમાં જીવ આવ્યો. 

"ઇલ્યાસ, ઉપર આવ. "

શેરીના નાકેની અગાશીની પાળી ઉપરથી મળેલા મિત્રનું આમંત્રણ સ્વીકારતા નાનકડા ડગલાં દોડ લગાવતા લોબાન અને અગરબત્તીના ધૂમાડાથી, દેગમાં બની રહેલી દાળની સુવાસથી, એકધારા પઠનના પુનરાવર્તનથી, વારેઘડીએ પડઘાતા રુદનના પડઘાઓથી અને દાદીની ડરામણી કાળજું કંપાવતી વાતોથી દૂર ભાગી નીકળ્યા. એ દૂર ભાગી નીકળેલા ડગલાંઓને નિહાળતી યુવાન આંખો પડખેની વૃદ્ધ નજરમાં ભરાઈ આવેલી ઘૃણા અને છોભીલાપણાની અવગણના કરતી તૃપ્ત હાવભાવો જોડે મુઠ્ઠીમાંના બીજ ઢગલામાં એક પછી એક ગણતરી જોડે ભેગા થતા નિહાળી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Tragedy