Mariyam Dhupli

Action Crime Inspirational

1.8  

Mariyam Dhupli

Action Crime Inspirational

મર્દ

મર્દ

5 mins
791


એ દિવસે બસ સ્ટોપ ઉપર દરરોજ જેવીજ ભીડ હતી. કોલેજની પરીક્ષાનો છેલ્લો દિવસ હતો. ફક્ત એકાઉન્ટનું જ પેપર બાકી હતું. બસની રાહ જોવા માટેનો સમય એકાઉન્ટના પુસ્તકને સમર્પિત કરી દીધો હતો. મારી બન્ને આંખો પુસ્તકમાંથી અંતિમ ઘડીઓમાં જેટલું ગ્રહણ કરી શકાય એટલું ગ્રહણ કરવાનો પ્રયાસ કરી રહી હતી. ગરમીનો પારો ખુબજ ઊંચે ચઢ્યો હતો. વહેલી સવારથીજ તાપમાન શહેરને પીગાળી રહ્યું હતું. બસ સ્ટોપ ઉપરની ભીડ જેવી બસ આવે કે એ અસહ્ય તડકામાંથી છુટકારો મેળવવા અધીરી બની હતી.

અચાનક મારી આગળની ભીડ થોડી અહીં -ત્યાં વિખેરાય. કોઈના આગમનનો માર્ગ મોકળો કરવામાં આવ્યો હતો. પુસ્તકમાંથી મારી નજર અનાયાસે ઉપર તરફ ઉઠી. મારુ શરીર થોડું ધ્રુજવા માંડ્યું. છતાં હિમ્મત ભેગી કરતી હું એ ટોળાનો સામનો કરવા માનસિક રીતે સજ્જ થઇ રહી. એ ટોળું મારા માટે અજાણ્યું ન હતું. કોલેજથી આવતા જતા ઘણીવાર હું એનો સામનો કરી ચુકી હતી.

ત્રણ -ચાર બાઈક અને એ બાઈક ઉપર સવાર એક ગુંડાઓની નાની ગેંગ. એ ગેંગનું નેતૃત્વ કરતો એક ઊંચો કદાવર પુરુષ. વાત એકની એકજ, એ મને પ્રેમ કરે છે અને ઈચ્છે છે કે હું પણ એને પ્રેમ કરું. જાણે પ્રેમ નહીં જબરદસ્તીનો સોદો. લાગણી શૂન્ય, સંવેદનાવિહીન, સ્નેહ વિનાનો પ્રસ્તાવ. આ બળજબરીના પ્રસ્તાવનો અનેકવાર હું લક્ષ્ય રહી ચુકી હતી. ઘરે પરિવારના સભ્યો આગળ પણ બધુજ શબ્દેશબ્દ કહી દીધું હતું. બધાનો એકજ નિર્ણય હતો. જો હવે એક પણ વાર આ ક્રમ પુનરાવર્તિત થાય તો સીધા કાયદાકીય પગલાં ભરવા.

પરંતુ એ પગલાં ભરવામાં જરા મોડું પડાયું એમ મારું ગભરુ હૃદય મને ઢંઢોળી રહ્યું. આજે પાણી માથા ઉપરથી વહી રહ્યું. ગુંડાઓના નેતાના હાથમાં થમાયેલી નાનકડી બોટલ કોઈ મોટી ભયાનક ઘટનાની આગાહી

આપી રહી હતી. એ બોટલનું ઢાંકણું ખુલતાં જ મારી આસપાસની ભીડ મારા શરીરથી અંતર બનાવતી ઘણા ડગલાં પાછળ હટી રહી. અચાનક ભીડ વચ્ચે હું એકલી કોઈ અછૂત હોવ એવી ભાવના મનમાં ઉઠી રહેલા ડર જોડે ભળી મને વધુ તાણ આપી રહી.

બસ સ્ટોપ ઉપર મારી આયુની કેટલીક યુવતીઓ હતી. પરંતુ મોટા ભાગના યુવાનો અને પુરુષો હતા. મારી મૌન નજર મદદ માટે એ દરેક પુરુષોને આજીજીભર્યા ભાવો જોડે નિહાળી રહી. આટલા બધા પુરુષોની વચ્ચે પાંચ - છ હથિયારધારી પુરુષો મારું કઈ બગાડી ન શકે, એવી મારા મનની ધારણા જડ -મૂળમાંથી ખોટી ઠરી. મારો બચાવ તો દૂરની વાત,પોતાના સ્વ બચાવ માટે એ તમામ યુવાનો અને પુરુષો શીઘ્ર પાછળ હટ કરી ગયા. પોતાની બહેન અને પત્નીઓ માટે સુરક્ષિત જીવનની અપેક્ષા સેવનાર એ દરેક પુરુષ અન્યની બહેનની સુરક્ષા સામે અંધ બની ઉભા રહી ગયા.

પુલીસ કે અન્ય મદદના સ્ત્રોત સુધી પહોંચવાની જગ્યાએ એ તમામે તમામ મફતનો તમાશો આરામથી નિહાળવાને પ્રાધાન્ય આપી રહ્યા. કેટલાકને એ તમાશો એટલો આનંદ આપી રહ્યો કે પોતાના મોબાઇલમાંથી કોઈ મહત્વના આંકડાઓ દબાવવાની જગ્યાએ તેઓ આખા દ્રશ્યનું મજાથી રિકોર્ડિંગ કરવા લાગ્યા. દુર્ભાગ્યે પુરુષનું શરીર લઇ ઉભેલા એ તમામ પુરુષોમાં એક પણ મર્દ હાજર ન હતો. ન એસિડ થામી પ્રેમ મેળવવા ઉભેલા એ જિમ -બોડી બનાવેલા પુરુષમાં, ન એના કાયર મિત્રોમાં, ન બસ સ્ટોપ ઉપર બધો તમાશો ચુપચાપ નિહાળી રહેલા એ કાયર પુરુષધારી શરીરોમાં.

"કોઈ પુલિસને બોલાવો..." બસસ્ટોપ ઉપર હાજર કેટલીક યુવતીઓ એકબીજાને સાથ આપતી મદદ માટે દોટ મૂકી રહી. સદભાગ્યે એક યુવતીના મોબાઈલમાંથી ઇમર્જન્સી આંકડાઓ દબાયા.

"જો તું મારી ન થાય તો કોઈની નહીં."

એસિડની બોટલ ઉપરની પકડ ધ્યેયબઘ્ધ થઇ ઉઠી. મારો ચ્હેરો જાણે હું મારી નજરો સામે પીગળતો અનુભવી રહી. એકજ ક્ષણમાં જાણે જીવન હાથમાંથી સરી રહ્યું. બચાવના એક આખરી પ્રયાસ રૂપે મારી આત્મા ચીખી ઉઠી.

"હેલ્પ, સમબડી, પ્લીઝ, હેલ્પ."

અને બસ એજ ક્ષણે એનું આગમન થયું. તદ્દન ફિલ્મના કોઈ દ્રશ્ય સમું. પોતાના હૃષ્ટ પૃષ્ટ શરીરનો સદુપયોગ કરતા એણે એસિડની બોટલ થામી લીધી. મારું જીવન બચાવવા એણે પોતાનું જીવન દાવ પર લગાવી

દીધું. એ એસિડ એના શરીરને બાળીને રાખ કરી શકતું હતું. એ હકીકતથી સભાન હોવા છતાં એણે બહાદુરીથી એ બોટલ છીનવી પાસેની એક કચરાપેટી તરફ ડોટ મૂકી બધુંજ પ્રવાહી સંભાળીને રેડી દીધું. હથિયારધારી ગુંડાઓ મને છોડી એની ઉપર ત્રાટક્યા. હું ધારતે તો

ત્યાંથી સહેલાઈથી ભાગી ગઈ હોત. પણ એની નીડરતાએ મારી અંદરનો ડર ઓગાળી દીધો હતો. હું ત્યાંજ મક્ક્મતાથી ઉભી રહી. એ એકલો જીવ બધા પર ભારી પડી રહ્યો હતો. એક વિચિત્ર શક્તિ એની આત્માને સશક્ત કરી રહી હતી. મારી જોડે એનો કઈ પણ સંબંધ ન હતો છતાં એક સંબંધને નિભાવવા એ દરેક ખતરો નિર્ભયપણે સહી રહ્યો હતો, અને એ હતો માનવતાનો સંબંધ.

થોડાજ સમયમાં પુલીસ આવી પહોંચી. મારું કેટલુંક ઔપચારિક બયાન લઇ એમણે ગુંડાઓની ટોળીને હિરાસતમાં લીધી. જરૂર પડ્યે પુલીસ સ્ટેશન કે અદાલતમાં આવી ગવાહી આપવાનું એક ફરજદાર નાગરિક તરીકે મેં વચન આપ્યું. આ બધી ઔપચારિકતાઓ વચ્ચે એ ખબર નહીં ક્યાં અદ્રશ્ય થઇ ગયો ? મારી આંખો ચારેકોર એને શોધી રહી. પણ એ ક્યાંય ન જડ્યો. મને તો એ 'હિરો'ને મળવું હતું. એનો આભાર વ્યક્ત કરવો હતો. મારું સરનામું અને કોન્ટેક્ટ નંબર આપવો હતો. મારા પરિવાર સભ્યો જોડે એની મુલાકાત કરાવવી હતી. મારા મિત્રો જોડે એનો પરિચય કરાવવો હતો. પણ એ ક્યાં હતો ?

સિગ્નલ ઉપર અટકેલી મારી ઓટોમાં હું પણ ભૂતકાળની એ ક્ષણ ઉપર અટકી પડી હતી. મારી ઓટોની આસપાસ ચક્કર કાપી રહેલા અને તાળીઓ પાડી રહેલા એ મનુષ્યો નિહાળી આજે ફરી એ 'હિરો'ની યાદ મનને ભાવભીનું કરી રહી. મારી આંખોમાં આવી સરી પડેલું એક નાનું આંસુ પ્રેમથી હસી પડ્યું.

"કુછ તો દે... દુઆ લગેગી."

હું શીઘ્ર ઓટોમાંથી નીચે ઉતરી. સ્નેહના આવેગમાં વારાફરતી એ ચારેચાર કિન્નરને ગળે લગાવ્યા. પહેલાતો એ ડઘાઇ ગયા. એક વિચિત્ર અગવડતા અનુભવી રહ્યા. પણ પછી એમના હસતા સંતુષ્ટ ચ્હેરા મૌનપૂર્વક કહી રહ્યા કે એમને મિત્રતાની મારી અભિવ્યક્તિ ગમી. અને કેમ ન ગમે ? એક માનવીને અન્ય માનવી તરફથી મળતા માન, સન્માન, આદર,પ્રેમ અને સ્નેહ ન ગમે એ શક્યજ નથી. ઝડપથી મારા પર્સમાંથી કેટલીક નોટો નીકાળી એમને સહ આદર થમાવી. સિગ્નલ લીલું થયું અને હું ફરી ઓટોમાં ગોઠવાઈ ગઈ. એમની આંખોમાં આછું ભેજ હું જોઈ શકી. પણ એ ભેજને મળેલી રકમ જોડે કોઈ સંબંધ ન હતો.

ઓટો ઝડપથી આગળ વધી અને દર વખતની જેમ મનોમન હું એ કિન્નરનો આભાર માની રહી જેણે એ દિવસે એસિડની બોટલ મારા

ચ્હેરા પર ઉંધી વળવા ન દીધી અને મારા જીવનને 'મર્દ' ની નવી વ્યાખ્યા ભેટમાં આપી.


Rate this content
Log in

Similar gujarati story from Action