Vrajlal Sapovadia

Classics Inspirational

3  

Vrajlal Sapovadia

Classics Inspirational

મોટા મન

મોટા મન

4 mins
653નાનડિયા ગામમાં ચોરાની જમણી બાજુ એ બે મકાન મૂકીને મારું ઘર. ચોરો એટલે રામજી મંદિર પણ એનાથી વિશેષ એનું મહત્વ ગામના માહિતીકેન્દ્ર તરીકે, દિવસ પૂરતું ઘરડા ઘર તરીકે ને વાર તહેવારે કે જાહેર સભાના સ્થળ તરીકે. નાનડીયાનુ રામજી મંદિર સૈકા જૂનું હશે, દશકા પહેલા જીર્ણોદ્ધાર કર્યો તે પૂર્વે નું જૂનું મંદિર જેને અમે ચોરો કહેતા તે ગામની મધ્યે ઊંચા ઓટલા અને ગોખલા વાળુ હતું. મંદિરના ગર્ભમાં રામ, સીતાની મૂર્તિ હતી. દ્વારકાદાસ બાપુ ને એનું પરીવાર ચોરામાં સવાર સાંજ પૂજા આરતી કરે. અમે સાંજનુ વાળુ આરતી પછી જ કરતા. સવારે આઠ વાગે એટલે 45-50 વરસની ઉપરના પુરુષો ચોરાને ઓટલે બેસવા માંડે. ભાતભાતની વાતો ને ગામ ગપાટા બપોરે જમવા જાય ત્યાં સુધી ચાલે. કેટલાક જમીને તરત ચોરે આવીને પાઘડીનું ઓશીકું કરીને સુઈ જાય ને બાકીના 3-4 વાગે ચા પાણી પી ને આવે તે અંધારું થાય ત્યાં સુધી બેસે ને આરતી પછી ઘરે જાય. નવરાત્રીના ગરબા, નાટક ને જાહેર સભા ચોરા આસપાસ થાય.


ચોરાની ડાબી બાજુએ એક ગલીમાં સવાબાપા પટેલ રહે. સાત વીઘા પાંણી કુવા વગરની ખેતીની જમીન, છ - સાત જણ નું કુંટુંબ એટલે પેટનો ખાડો પુરવા બીજાને ખેતર દાડીયે મજુરી કરે ને થોડું ઘણું શાક બકાલું વેંચી ગુજરાન ચલાવે એટલે બાપા બકાલાં વાળા તરીખે ઓળખાય. સવાબાપાની એક દીકરી કાંતા મારી જોડે ભણે એટલે ઘરના બધા સભ્યોને નામથી ઓળખું, એની નાની બેન મંજુ અમારી ઘણી પાછળ ભણે. સવાબાપાની સામેના મકાનમાં જગો કરી ને મારી ઉંમરનો એક છોકરો રહે. જગો અમારી પાછળ ત્રણ ચાર વરસ પાછળ ભણે. એના બાપાનું નામ છનાબાપા. અમને એટલી ખબર કે જગો નાનડિયાનો વતની નહીં પણ એની બા જોડે આંગળીયાત આવેલ. છનાબાપા ઘરભંગ થયા એટલે બીજું ઘર કર્યું એટલે મણીબા આગલા ઘરના દીકરા જગાને આંગળીયાત નાનડિયા લાવેલ.


મેં વતન છોડ્યે લગભગ પચાસ વરસ થઇ ગયા એટલે ગામની સાથે સીધો કોઈ નાતો નહીં. વરસમાં દિવાળી એ ઘરે જવાનું ને એકાદ વાર રજા માં જવાનું . બા બાપુજી એ પચીસેક વરસથી ગામ છોડી દીધું. વારેતહેવારે કે પ્રસંગે ગામ જવાનું પણ ત્રીસેક વરસથી બંધ થઇ ગયું. ગામ જવાનું થાય કે ઘરનું કે ગામનું કોઈ સભ્ય મળે એટલે ગામની પાછલા વરસોની વિગતવાર વાત થતી રહે. સમય જતા એમાં ખૂબ જ ઓટ આવતી જાય છે. મોબાઈલ, વૉટ્સઅપ ને ફેસબુકના જમાનાની પેઢી ને ગામની વાતો કરવાનો ટાઇમ પણ નહીં ને રસ પણ નહીં.


નેવું વરસ વિતાવી ચુકેલા મારા બા જયારે પણ મળે એટલે છેલ્લા વરસોની ગામની રજેરજ વાત કરી ને મને આશ્રર્યચકિત કરી મૂકે. કોણ ક્યાં ભણવા ગયું ને કોણ ક્યાં નોકરીએ ચડ્યુંથી માંડી જન્મ મરણના હિસાબ શેરીએ શેરીના આપે, ઉંમર, જ્ઞાતિ કે ધર્મ ના ભેદભાવ વગર ઝીણી ઝીણી વાતો ત્રણ ચાર દિવસ ચાલે  ત્યારે એમ થાય કે આટલી વિગત બા ક્યાંથી મેળવતા હશે ને કેમ યાદ રાખતા હશે. મારા ધર્મપત્નિએ ગઈ જન્માષ્ટમી ગયા ત્યારે પૂછ્યુ કે તમે આ વાતો બધા ને કરીને થાકતા નથી? એનો ઉત્તર સીધો ને સરળ હતો, આવી વાતો હું ખાલી મારા દીકરા માટેજ ભેગી કરી રાખું છું.


એમાંય કોઈ દીકરા દીકરી ખૂબ સારી જગ્યાએ ભણે તો એની વાત ખૂબ ગર્વથી કહે. બા એ માહિતી આપી કે મંજુની દીકરીને મેડીકલમાં એડમીશન મળ્યું ને એના જન્મ વખતે એ જીવશે એવી કોઈને આશા નહોતી. આવી વાત આ વખતે કોઈ ખૂબ ગરીબ ઘરની ને શરીરથી ખૂબ દુબળી દીકરી ને મેડિકલમાં એડમિશન મળ્યું એની વાત કરી તો હું એની મા ગામની હોવા છતાં ન ઓળખ્યો. બા કહે દીકરી ની મા એ જગાની બહેન થાય ને મને ગળે ના ઉતરે કે જગાને કોઈ બહેન હતી કે છે.

મને એટલું યાદ કે સવાબાપા ની દીકરીનું નામ મંજુ હતું. બાએ ફોડ પાડ્યો કે છનાબાપા ઘરભંગ થયા ત્યારે એક દીકરી હતી ને મા મરી ગઈ એટલે પડોશી ધર્મ બજાવી સવાબાપા મંજુને પાંચ સાત દિવસ સાચવવાં લાવેલ. થોડા દિવસ પછી સગાસંબંધી મંજુ ને ઘરે લઇ ગયા પણ ઘરભંગ સવાબાપા ઘર માં એકલા ને જોડે ઢોર ઢાંખરનું અને ખેતી નું કામ. એકલી પડે એટલે મંજુ સવાબાપાને ઘરે આવતી રહે ને સવાબાપાના ધર્મપત્નિ લાધીમા ખાવા ટાણે મંજુને જમવા બોલાવી લાવે. મંજુને રાતે ઘરે સૂવા લઈ જાય પણ કકળાટઃ કરે એટલે સવાબાપા ના ઘરના કોઈ બૂમ પાડે એટલે મંજુ રાહ જોઈને જ બેઠી હોય, કૂદી ને સીધી આવતી રહે. આવો ક્રમ બે ત્રણ વરસ ચાલ્યો એટલામાં છનાબાપાએ બીજું ઘર કર્યું. નવી મા આવી જોડે આંગળીયાત ભાઈ પણ લાવી. નવી મા ને શરમ આવે કે ગામના લોકો ટીકા કરશે કે પોતાની દીકરી નથી એટલે મંજુને સાચવતી નથી. ફોસલાવી ને લઈ જાય પણ એકાદ દિવસમાં હતા ત્યાં ને ત્યાં. મંજુને સવાબાપાનું ઘર પોતાનું લાગે ને છનાબાપાનું ઘર પારકું લાગે. પાંચ છ વરસની થઈ એટલે નિશાળે ભણવા બેસાડી. નિશાળે જાય છનાંબાપાને ઘરેથી પણ આવે સવાબાપાને ઘરે. હારી થાકી ને કે પ્રેમથી સવાબાપાએ કહ્યું કે મારા પાંચ ભેગા છ જણ્યાં છે એમ માનશું એને રોવડાવો નહીં, મારા ઘરે રહેવા દો મોટી થાશે એટલે સમજશે. વરસ પૂરું થાય ને વેકેશન માં છનાબાપા મંજુને ઘરે લઈ જાય, પણ બે ત્રણ દિવસમાં મંજુ પાછી સવાબાપાને ને ત્યાં આવતી રહે. ભણી રહેલી મંજુના લગ્નના પ્રસ્તાવ આવવાં લાગ્યા એટલે પાછી મંજુને સમજાવાનું ચાલુ કર્યું, પણ એનું દિલ ના લાગે એટલે સવાબાપાએ મંજુને પોતાની દીકરીની જેમ પરણાવી. મંજુને ને ગામ ના લોકોને મંજુ સવાબાપા ની દીકરી એવી છાપ અકબંધ રહી. આજે પોતાના પેટ ના દીકરા દીકરી ના પોસાય એવા સમય માં પાડોશીની દીકરી ને મોટી કરવામાં કેટલું મોટું મન જોઈતું હશે? જો કે સંબધ અને મિત્રતા નિભાવવાનો તો ઇતિહાસ નાનડીયાથી 40 માઈલ દુર સુદામાપુરી ઉર્ફ પોરબંદરના સુદામા અને ક્રુષ્ણના નામે છે. એટલે તેજના લીસોટા સુદામા કૃષ્ણ જેટલા ના ઝળકે તો સંબંધને ઉજાગર તો કરે જ. 

 

 Rate this content
Log in

Similar gujarati story from Classics