mariyam dhupli

Tragedy Crime

4.2  

mariyam dhupli

Tragedy Crime

મોજડી

મોજડી

3 mins
438


જર્જરિત કાચી ઝૂંપડી જેવી ખોલી અર્ધી રાત્રીએ અંધકારમાં ડૂબેલી હતી. ખોલીની બહાર પ્લાસ્ટિકથી ચુસ્ત ઢંકાયેલી હાથલારીમાં પુસ્તકો અને સામાયિકો સુરક્ષિત સૂર્યોદય થવાની રાહ જોઈ રહ્યા હતા. આખો દિવસ રેલવે સ્ટેશન બહાર ઊભી ઊભી એ હાથલારી થાકીને નિષ્પ્રાણ દીસી રહી હતી. ખોલીની અંદર ઊંઘી રહેલું આધેડ શરીર આખા દિવસની હાડમારીથી થાકેલું નિષ્પ્રાણ જેવું એક ખૂણે પડ્યું હતું. વચ્ચે વચ્ચે ગૂંજી રહેલા નસકોરા એ શરીરમાં પ્રાણ બચ્યા હોવાની બાતમી આપી રહ્યા હતા. ઉપર તરફની ભીંત ઉપર એક સ્ત્રીની તસ્વીર હતી. જેના ઉપર ચઢાવેલી ફૂલોની માળા સુકાઈને કરમાઈ ચૂકી હતી.

ખોલીમાં સળગી રહેલી મીણબત્તીના અજવાસમાં એક ઝાંખો તરુણ ચહેરો ઝળહળી રહ્યો હતો. વિખરાયેલા વાળ, મેલાઘેલા વસ્ત્રો, તેજ વિનાનો ચહેરો અને હાડમારીથી વધારે પડતી પાતળી રહી ગયેલી કાયા. એ આખા શરીરના દરેક અંગો થાકથી નિધાળ હતા. ફક્ત બે આંખો સિવાય કોઈ પણ અંગમાં ચળકાટ ન હતો. મોટી મોટી આંખોમાંથી અહીંથી ત્યાં ફરી રહેલી કીકીઓ ખરબચડા હાથમાં થમાયેલ વાર્તાના પુસ્તક ઉપર ફરી રહી હતી. મેળવેલા નામનાજ અક્ષરજ્ઞાનથી વાંચન કરી શકાય એટલું સામર્થ્ય તો કેળવાઈ ગયું હતું. એ વાતનો ગર્વ ધીમા છતાં સ્પષ્ટ વાંચનમાં ઉભરાઈ રહ્યો હતો. 

ફક્ત પોતાને સંભળાઈ શકે એટલા દબાયેલા અવાજમાં વાર્તાનો રસપ્રદ ભાગ વાંચતા વાંચતા તરુણ હોઠમાં આછો આછો કંપારો છૂટી રહ્યો હતો. છાતી આવેગથી વધુ ઉપરનીચે થઈ રહી હતી. 

"....અને રાજકુમારે એ મોજડી આગળ ધરતા પૂછ્યું, આ તમારી મોજડી છે ? યુવાન આંખો ઢળી ગઈ. એ કોઈ ઉત્તર આપી ન શકી. એનું હૃદય જોર જોર ધડકી ઉઠ્યું. રાજકુમારે ધીમે રહી એ મોજડી એના પગમાં પહેરાવી અને બે યુવાન હૈયા એજ ક્ષણે...."

અચાનકથી ખોલીની બહાર તરફ પ્રકાશનો લિસોટો અહીંથી ત્યાં ફર્યો. એ લિસોટામાં ખોલી બહાર ઊભી હાથલારી ક્યારેક દેખાતી અને ક્યારેક ફરી અલોપ થઈ રહી હતી. ખરબચડા તરુણ હાથે તરતજ પુસ્તક સંકેલી લીધું. જાણે એ ટોચના પ્રકાશના સંકેતની સદીઓથી રાહ જોઈ રહી હોય એમ શીઘ્ર એ ઊભી થઈ ગઈ. ખોલીમાં પોઢી રહેલા પુરુષ તરફ એણે ધીમે રહી એક નજર કરી. એ શરીરે પડખું ફેરવ્યું કે જાણીતા નસકોરા વાતાવરણમાં ફરી ગૂંજી ઉઠ્યા. 

પગનો અવાજ ન થાય એ રીતે ચોર ડગલે ખોલીના અંધકારભર્યા ખૂણામાં જઈ તરુણ શરીરે એક થેલી ખોલી. એમાંથી એક નવો પોશાક અને એક નવી મોજડી બહાર નીકાળી. ધીમે રહી નવો પોશાક અને નવી મોજડી બગલમાં ભેરવી ખોલીની પાછળની બારીમાંથી તરુણ શરીરે ચોરની જેમ કૂદકો લગાવ્યો. ખોલીની અંદર મીણબત્તીના પ્રકાશમાં પાછળ છૂટી ગયેલા પુસ્તકનું શીર્ષક ઝાંખું ઝાંખું ઝળહળી રહ્યું હતું.

' સિન્ડ્રેલા '

વહેલી પરોઢે ખોલીનું ખખડધજ બારણું ધમધમ્યું. બહાર તરફથી થઈ રહેલ લાકડીનો પ્રહાર જાણે એ અશક્ત બારણાં માટે અસહ્ય હોય એમ એ નખશીખ ધ્રુજી રહ્યું હતું. 

ખોલીની અંદર પોઢી રહેલું શરીર ઝબકીને જાગી ઉઠ્યું. ઘેનમાંથી ઉઠેલી લાલચોળ આંખો અને છિન્નભિન્ન વાળ જોડે એ શરીર તરતજ બારણાં તરફ ધસી પડ્યું. બારણું ખોલતાંજ એક મોજડી એના મોઢા આગળ સીધી ધરી દેવામાં આવી. 

" આ મોજડી કોની છે ? "

ચહેરા આગળ ધપાયેલી એ મોજડી નિહાળતાંજ આધેડ શરીર પાછળ તરફ ફર્યું. ખોલી ખાલી હતી. મીણબત્તી ઓલવાઈ ચૂકી હતી. પુસ્તક એમનું એમ પડ્યું હતું. નવા વર્ષ માટે ભેટમાં લાવેલી સોગાત અદ્રશ્ય હતી. ફક્ત ખાલી કોથળી એક ખૂણે પડી હતી.

" સાંભળ્યું નહીં ? જવાબ આપ. મોજડી કોની છે ? " હવલદારે પોતાની લાકડી ફરી ખોલીના અશક્ત બારણાં ઉપર અફાળી.

" સાહેબ એ મારી દીકરીની..."

" ચાલ મારી જોડે..."

હવલદાર મોજડી જોડે આગળ વધી ગયો. આધેડ પુરુષે એની પાછળ પાછળ લગભગ દોટ મૂકી. ખોલીથી દૂર જઈ રહેલા હવલદારના શબ્દો ખોલી સુધી આછા આછા સંભળાઈ રહ્યા હતા. 

" લાશ મળી છે. બળાત્કાર કર્યા પછી હત્યા..."

ખોલીથી વધુ અંતરે પહોંચી ગયેલા હવલદારના એટલાજ શબ્દો ખોલી સુધી ઝીલાયાં. એ અવાજ ઉપર હાવી થતું ખાલી ખોલીમાં નિષ્ક્રિય પુસ્તકમાંથી જાણે રાત્રિનું વાંચન ચારે તરફ જોરજોર પડઘાઈ ઉઠ્યું.

"....અને રાજકુમારે એ મોજડી આગળ ધરતા પૂછ્યું, આ તમારી મોજડી છે ?........"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy