Heena Dave

Classics

3  

Heena Dave

Classics

મનનો માણીગર

મનનો માણીગર

2 mins
161


આખી રાત તે પડખાં ઘસતી રહી.નયણે નીંદર તો ! 

ખુલ્લી આંખે, વણદીઠેલી વ્યક્તિની મનોકામના કરી, હૃદયની ઊર્મિને પાંખો આપી,આકાશમાં ફેલાવી દીધી. સ્વયંવરની સ્વપ્નની દુનિયામાં ખોવાઈ ગઈ. પ્રાતઃકાળે મીઠી, મધુર મંદિરની ઝાલર અને શંખનાદે તેને જગાડી દીધી. ચકલી, કોયલ,મોર, બપૈયા, પોપટ જેવા અનેક પક્ષીઓના કલરવે તેના કાનમાં સુંદર, સમધુર ગીતો ભરી દીધાં. મિથિલાનરેશ જનકની માનીતી અંગજા, રાજકુંવરી સીતાને ચંદનહલ્દીનો લેપ કરી દાસીઓએ તેને મઘમઘતાં ફૂલો ચોળી સ્નાન કરાવ્યું. 

જનકદૂલારી સીતા. 

સદ્યસ્નાતા તે સુંદરી, તેના લાંબાલાંબા કેશ,જેમાંથી ટપ..ટપ.. પાણી પડતું હતું, તેનું ગૌરવર્ણ નાજુક, નમણું સુંદર મુખડું, સ્વપ્નોના ભારથી લદાયેલા, લજ્જા ભરેલા નયન,ઝળહળ થતી નાકની વાળી, એ સુંદરી બોલશે તો જાણે હમણાં ફૂલ વેરાઈ પડશે એવા નાજુક,નમણા અર્ધખીલેલા ફૂલ જેવાં હોઠ, પગમાં હૃદયની ઊર્મીઓને ખનખન કરી ખનકાવતી સુવર્ણ પાયલ તથા રેશમી,આછાં ગુલાબી રંગના વસ્ત્રો પહેરી, મહેલના પ્રાંગણમાં આવેલ બગીચામાંથી ફૂલો ચૂંટી, કુળદેવીના દર્શને જઈ રહી હતી. 

અચાનક બ્રાહ્મણ વેશમાં આવેલ બે સુકુમાર યુવાનો તેને બગીચામાં દેખાયા. મુખ પર ભવ્ય તેજ, ભાલપ્રદેશમાં ઝળહળ થતો સૂર્ય, આંખમાંથી નીતરતી કરુણા, હોઠો ઉપર ધીમું, મીઠું, મધુર હાસ્ય,ખભા પર ફેલાયેલી જટા અને હાથમાં ધનુષ ધારણ કરેલ યુવાન, અલૌકિક સુંદર લાગતો હતો. તેની સાથે, તેનો નાનો ભાઈ લાગતો, થોડાં ક્રોધથી ઝળહળતો, સુંદર મુખ ધરાવતો, તેજસ્વી યુવાન પણ હતો.

સુંદરી સીતા, તે મોટા લાગતા યુવાનને જોતી જ રહી ગઈ. તેને એવું લાગ્યું કે આ યુવાન સાથે જાણે જન્મોજન્મનો, યુગોયુગોનો સંબંધ છે. ઘડીક તેણે આંખ બંધ કરી અને પહોંચી ગઈ સમાધિમાં.

"શેષશાયી, ઘનશ્યામ, મુગટે મોરપિચ્છ,છાતીએ શ્રીવત્સ ચિન્હ ધારણ કરેલ શ્રીવિષ્ણુ ભગવાનનાં" દર્શન થતાં જ તે મલકાઈ ઉઠી. 

શ્રીલક્ષ્મીના અવતાર સમી સીતાએ આંખો ખોલી. આકાશ જાણે અનેક મેઘધનુષ્યના રંગોથી છવાઈ ગયું. તેનું હૃદય આનંદથી પુલકિત થઈ ઉઠ્યું અને પોકારી ઉઠ્યું.

"મારા મનનો માણીગર મળી ગયો."

રાજકુમારી સીતા ઝડપથી પહોંચી કુળદેવી માના શરણે. "શ્રીરામ જ મારા પતિ થાય" તેવો વર માંગવા.આશીર્વાદ પ્રાપ્ત કરવા.


Rate this content
Log in

Similar gujarati story from Classics