Heena Dave

Children Stories Horror

3.8  

Heena Dave

Children Stories Horror

ભૂત

ભૂત

2 mins
32


સાંજ પડી. અંધકારના ઓળા ઉતરવા માંડ્યા.એક તો શિયાળો અને વળી સાંજ. ધ્રુજાવી દે તેવી ઠંડી સાંજે જ પડે તો રાતનું તો શું કહેવું ! કાતિલ ઠંડીનો અણસાર બધાંને આવી ગયો. પક્ષીઓ ચૂપચાપ માળામાં ભરાઈને એકબીજાને હુંફ આપવા માંડ્યા.કુતરાઓ પણ એકબીજાને લપેટાઈને ખૂણામાં બેસી ગયાં.

એક નાનકડી બાળા સવલી જ હતી જે અડધાં ઉઘાડાં ડીલે રસ્તામાંથી કાગળ વીણવા નીકળી હતી અને બીજો તેનો નાનો ભાઈ રાજીયો. તે પણ ફાટેલાં કપડાં, અડધાં ઉઘાડાં ડીલે બહેન સાથે કાગળ વીણતો હતો.  રાત્રે તેમની ફાટેલી-તૂટેલી ઝુંપડીમાં તાપણું થાય તે માટે સવલી અને રાજીયાની મા, ગામથી દૂર લાકડાં વીણવા ગઈ હતી. વળી પાછાં આવતાં ગામમાંથી વધ્યુંઘટ્યું ખાવાનું માંગીને લાવવાની હતી.

રાત્રે સ્વચ્છ નભમાં ટમટમતા તારલીયા તો આવી ગયાં પણ સવલી અને રાજીયાની મા નહીં આવી. ઝુંપડીમાં બેઉ એકલાં, આવી કડકડતી કાતિલ ઠંડીમાં, ભૂખ્યા પેટે, એકબીજાને વળગીને હુંફ આપતાં હતાં. કારણકે માંડ રોટલાનો ટુકડો જ નસીબમાં ન હોય તો ગરમ ધાબળાની તો શું અપેક્ષા !

થરથર ધ્રુજતાં રાજીયાએ એક નાનકડું ડૂસકું મૂક્યું, " મુને મા હારે જાવું સ સવલી" 

"શશ..રડ.. મા..રાજીયા. ભૂત આવહે.."સવલીએ તેને જોરથી જકડી લીધો.

"ભૂટ ! ભૂટ હુ હોય સવલી? ભૂટ કારે આવે? મા ની હોય ટાલે ?" 

"હં "

"પેટમાં લાય-લાય બળે સ.. સવલી ભૂખ લાગી સ.."

 સવલીની આંખમાં આંસુ આવી ગયાં. ભૂખ તો તેને પણ લાગી હતી. જીવ તો તેને પણ મૂંઝાતો હતો. ડર લાગતો હતો. એક તો એકલાં અને ભેંકાર રાત્રી, થરથર ધ્રુજાવતી કાતિલ ઠંડી ! રાત વીતતી હતી. કાતિલ ઠંડીનો ચમકારો વધું તેજ થતો હતો. આવાં નાનાં અમથાં ફુલ જેવાં કોમળ બાળકો,અર્ધનગ્ન શરીરે થરથર ધ્રુજતાં હતાં.

ત્યાં જ બહાર પગલાંનો અવાજ આવ્યો.

"ચરરર...ચરરર.."ભારેખમ પગલાં.

"સવલી..." રાજીયો, સવલીને ચીસ પાડીને ભેટી પડ્યો.

" મા હારે જાવું સ.."

" શશ... ચૂપ..ભૂત આયવુ સ." 

રાજીયાની આંખો પહોળી થઈ ગઈ. 

"ભૂટ..!ભૂટ હુ લાયવુ સ?"

સવલી પોતે જ ડરની મારી ધ્રુજતી હતી. રાજીયાની મોટી, પહોળી થયેલી આંખો ઉપર હાથ મૂકી દીધો.

"ચૂપ. આંખ બંધ. ભૂત આપણને મારી નાંખહે. "

ભારેખમ પગલાંનો અવાજ નજીક આવ્યો. ખૂબ નજીક.  અચાનક એક કૂતરું ભસ્યું.સ્મશાનવત અંધારી રાતમાં જાણે હૃદય ધ્રુજી ઊઠે તેવો ચિત્કાર થયો. ભારેખમ પગલાં નજીક આવ્યાં. સવલી ડરની મારી જોરથી ધ્રુજવા માંડી.

"માડી....માડી.."

ભારેખમ પગલાં એકદમ નજીક આવ્યાં.

એક ગરમ ધાબળો બેઉ ફુલશા કોમળ બાળકોને ઓઢાડ્યો. થોડાં બિસ્કીટ મૂકી, એ જ રીતે "ચરરર.. "કરતાં ભારેખમ પગલાં પાછાં જતાં રહ્યાં.

"હેં સવલી...ભૂટ દલલોજ આવહે ને !" માસુમ રાજીયો મોઢામાં બિસ્કીટ મુકતાં બોલી ઉઠ્યો.


Rate this content
Log in