Heena Dave

Tragedy Inspirational

4  

Heena Dave

Tragedy Inspirational

બુધની ઝીણી રેખા

બુધની ઝીણી રેખા

2 mins
254


"સુનુ.. સુનુ ..અહીં આવ. સુનુ પ્લીઝ.. ! જો દાદાજી બોલાવે છે.અહીં આવ."

નાના નાના પગમાં પહેરેલી ઝાંઝરી ઝનકાવતી, બેઉ પગે કૂદાકડાં મારતી, બેઉ ચોટલીઓ આમતેમ ઝુલાવતી, મોઢું ફુલાવી, સુનુ ઉર્ફે સુનયના દાદાજી પાસે આવી.

" સુનુ,પગે લાગ બેટા. જો દાદાજી તારા માટે શું લાવ્યાં છે ગામડેથી..!"

" નહીં લાગું જા.."

" કેમ મારી વહાલી સુનુ આવું બોલે છે ?"

" તમે મારી પાસે જ કેમ નથી રહેતા ? મને વાર્તાઓ કેમ નથી કહેતા ? મંદિર પણ નથી લઈ જતા. જાઓ.. હું નહીં બોલું તમારી સાથે. તમે હવે મને છોડીને ગયા છો તો તમારી કીટ્ટા."

 દાદા અને બાએ કાન પકડ્યા." હવે અમે તને છોડીને નહીં જઈએ. હવે તો અમારી પાસે આવ."

" આવી ગઈ.. આવી ગઈ.." કહેતા સુનુ બા-દાદાને ભેટી પડી. દાદાએ માથે હાથ ફેરવ્યો. સુનુની હથેળી લઈ તેમાં ચૂમી ભરી. વાલીવાલી કરી અને અચાનક બોલ્યાં,"સુનુ, તારી હથેળી તો જો ..કેટલી પોચી છે અને આ શુક્રનો પર્વત,આ બુધની ઝીણી રેખા.. ઓહોહો ! આ બુધની ઝીણી રેખાઓ જેના હાથમાં હોય તે બહુ બુદ્ધિશાળી હોય. તું મોટી થઈને ચોક્કસ કવિ કે લેખક બનીશ."

" હેં.. સાચું દાદાજી ?"

" હો..મારી બેટી બહુ મોટી લેખક બનશે."

નાનકડી સુનયનાના મોઢા પર ખુશી અને સંતોષની લહેર દોડી ગઈ. જોરથી દાદાજીને ભેટી પડી.

" ક્યાં ખોવાઈ ગયા મહારાણી ? હજી રસોઈ બાકી છે. એક ચાર વાસણમાં તો કલાક કરી નાંખ્યો. બીજા કામ કોણ કરશે ? તારો બાપ.. ?" સાસુમાની હાક આવી.

સુનયના એકદમ જબકી ગઈ. પોતાના બચપણની યાદમાં ખોવાયેલી સુનયના, જાણે ઊંઘમાંથી જાગીને નીચે ધરતી પર પટકાઈ પડી. તેની આંખોમાં ડબડબ આંસુ ઉભરાઈ આવ્યાં.

 એક તરફ ચોકડી ભરીને એંઠા વાસણ અને બીજી તરફ કામ કરી કરીને ઘસાઈ ગયેલી હથેળી, તદ્દન ઝાંખી થઈ ગયેલી હસ્તરેખા, શુક્રનો પર્વત, બુધની ઝીણી રેખા અને હથેળીમાં ઠેર ઠેર પડેલા ચીરામાંથી નીકળતું લોહી, તેમાં થતો ચચરાટ અને તેની વેદના.

વેદનાની આગોશમાં સમાયેલી સુનયના દુઃખ ભરેલ અવાજે બોલી ઊઠી,"દાદાજી, તમારી સુનુની આ હસ્તરેખા ફરીથી જોવા ક્યારેક તો આવો ! જલ્દી આવો દાદાજી.. તમને ખૂબ યાદ કરું છું." કહેતાં સુનયના ખોબલે ખોબલે આંસુ વહાવતી રડી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy