Heena Dave

Tragedy Inspirational

4.5  

Heena Dave

Tragedy Inspirational

વહાલની કટારી

વહાલની કટારી

2 mins
22


"મમ્મી, હવે હું સાસરે નહીં જાઉં. "

સુનયનાબેન ચૂપ રહ્યાં.

"મમ્મી, ત્યાં બહું કામ હોય છે. વળી. . . "

સુનયનાબહેને દીકરી તરફ ધારદાર નજરે જોયું.

"સાસુમાને પેરાલીસીસનો એટેક આવેલો છે. મમ્મી, આખી જિંદગી તેમની સેવામાં વીતી જશે. સવારે ઊઠો, તેમને નવડાવો, ધોવડાવો પછી બધાં માટે રસોઈ બનાવો અને. . . . "

"સુનિતા બેટા. . "સુનયનાબહેને વહુને બોલાવી કહ્યું, "જા બેટા, દાદીમાને થોડું ખવડાવી આવ. ભૂખ્યાં થયાં હશે. સુની. . એમની પાસે થોડું બેસજે. ગીતા વાંચી સંભળાવજે. "

"હા મમ્મી, કાલે જ મારાં યુટ્યુબના પ્રોગ્રામમાં મેં એક ભજન રજૂ કર્યું હતું, તે ગાઈ સંભળાવીશ બરાબર ને !"

"વાહ ! ખૂબ સરસ. "

પોતાની દીકરી તરફ ફરી ધારદાર નજરે જોતાં બોલ્યાં, "હા, બોલ આગળ. . "

"મમ્મી, મારી ઊડાન, મારાં સ્વપ્નાં, મારી જિંદગીની કોઈ કિંમત નહીં ! હું ત્યાં ગુંગળાઈને મરી જઈશ. હું ત્યાં નહીં જાઉં. "

"બોલી લીધું !. . " સુનયનાબેન હજી આગળ બોલવા જતાં હતાં ત્યાં જ રમેશભાઈ આવ્યાં. પોતાની લાડકી દીકરીની આંખોમાં આંસુ જોઈ બોલી ઊઠ્યાં, "મારી દીકરીને ત્યાં દુઃખ હોય તો ત્યાં નહીં જાય. "

વહાલી દીકરી પપ્પાને ગળે વળગી ગઈ. " મારા વહાલા પપ્પા. . "

"કટારી કમરે ખોંસાય પેટમાં નહીં ! તમને દીકરી વહુ વહાલી છે. મને પણ ખૂબ વહાલી છે. . પણ આમ તુચ્છ કારણોસર ઘર છોડે તે બરાબર ન કહેવાય. જવાબદારીમાંથી છટકે તે બરાબર ન કહેવાય. પોતાની જિંદગી બગાડે તે બરાબર ન કહેવાય. "

" તુચ્છ કારણ ! મારી આખી જિંદગીનો સવાલ છે મા. . . "

"સુનયના. . " રમેશભાઈ આગળ બોલવા ગયા ત્યાં સુનયનાબહેને મોઢા પર આંગળી મૂકી.

" હા. તુચ્છ કારણ. વડીલોની સેવા કરવાનો અવસર ભાગ્યશાળીને જ મળે. તેમનાં આશીર્વાદથી જ આ સુખ સાહિબી મળે બેટા ! એક વાતનો વિચાર કર, કાલ ઊઠીને મને કંઈ થાય અને તારી ભાભી મને છોડીને જતી રહે તો તને કેવું લાગશે ? અને બીજી એક વાત સ્વપ્નાની. . . તો દરેક વ્યક્તિને સ્વપ્ના પૂરા કરવાનો અવસર જીવનમાં એકવાર તો મળે જ છે. કોઈકને મોડો કોઈકને વહેલો. . . "

"સાંભળ્યું ? તમને કહું છું. વહાલી દીકરીને અત્યારે જ સાસરે મૂકી આવો. ત્યાં આખુંય ઘર તકલીફ સામે ઝઝૂમે છે અને આ બહેનબા અહીં લહેર કરે તે બરાબર નથી. જમાઈરાજને કંઈક પણ તકલીફ હોય તો પૂછજો અને મદદ કરજો. હવે એ ઘર પણ આપણાં ઘરનો જ એક ભાગ છે. દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભાં રહેવાનો અવસર પણ વારેઘડીએ નથી મળતો. . સમજ્યાં !

સુનયનાબહેને પોતાનાં જીવના ટુકડાને અલગ તો કર્યો પણ આંખ ભરાઈ આવી. હૈયડું હીબકે ચઢ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy