મિલાપ
મિલાપ
"ઓહ..! આ આંસુ પણ માવઠું વરસ્યું હોય તેમ કટાણે જ વરસી પડ્યાં. મારે તો હજી ચહેરો જોવો છે.. મારા રામનો." વાત્સલ્યના સાગરથી છલોછલ છલકાતી મહારાણી કૌશલ્યા સ્વગત બોલી ઊઠી.
મહારાણી કૌશલ્યા, રામને જોતાજોતા વેરી બનેલી આંસુની ધારા, પાલવથી લૂછવા માંડી. "મારા રામ .."બોલતાં બોલતાં અવાજ ગળગળો થઈ ગયો.
ગુરુકુળ માટે જ્યારે રામને વિદાય આપી હતી ત્યારે તો સાવ જ બાળક હતાં. નાના-નાના કુમળા ચરણ, નાજુક, પોચીપોચી હથેળી, માસુમ પણ દિવ્ય તેજભર્યુ મુખડું, વાંકડિયા ઘુંઘરાળા વાળ અને ગજબની સંમોહન આંખો.. અને આજે ?
" તરુણ રામ."
રામના ચેહરા
પર વાત્સલ્યથી હાથ ફેરવતાં કૌશલ્યા, રામનાં તરુણ ચહેરામાં.. "બાળક" રામને શોધવા માંડ્યા."મા..મા.." કહી પાલવ પકડીને પાછળપાછળ ફરતા, છમછમ ઘૂઘરી ઘમકાવતાં, રડતાંરડતાં આંખોનું કાજલ ગાલે વહેડાવતાં રામને શોધવા.
" મારા રામ .."ફરી એકવાર ગળગળાં અવાજે બોલ્યા અને રામની આંખોની મોહિનીમાં ખોવાઈ ગયાં.
કૌશલ્યાની નાભિમાંથી ઊઠતો, હૃદયને આનંદિત કરતો એક અવાજ આવ્યો. ઘેઘુર પણ વાત્સલ્યથી માંડ્યાં ભરેલો," રામ.."
આંસુઓનો બંધ ફરી છલકાયો. માત્ર કૌશલ્યાની આંખમાંથી જ નહીં પણ રામની આંખમાંથી પણ.
મિલાપની ઘડીમાં આંસુનો વરસાદ રામને પણ "માવઠાં" જેવો જ લાગ્યો.