આભાસ
આભાસ
સ્વચ્છ નીલા ગગનમાં મસમોટા ધવલ વાદળાઓ ઉમટી રહ્યાં હતાં. દરિયાનાં મોજા એક ગેબી અવાજ સાથે કિનારા પર અફડાતાં અને પછી દૂર ફંગોળાઈ જતા હતાં. પ્રકૃતિની ગતિવિધિ નિહાળીને, ભારે હ્દયે શ્રીકૃષ્ણ પોતાના મહેલના ઝરૂખે આંખ બંધ કરીને ઊભા રહ્યા. કંઈક આભાસ થયો.
"દરિયાના રાક્ષસી મોજા સમગ્ર દ્વારિકાને ગળી જવા આતુર..." શ્રીકૃષ્ણની આંખમાંથી અશ્રુબિંદુ ખરી પડ્યું.
"હે યોગેશ્વર, પૂર્ણ પુરુષોત્તમ, આપની આંખમાં આંસુ ?" પોતાની હથેળીમાં શ્રીકૃષ્ણનું અશ્રુબિંદુ ઝીલી લેતા પટરાણી રુક્ષ્મણી બોલી ઉઠ્યાં.
"મૌન"કશો જવાબ નહીં.
"મારા પ્રાણથી પણ પ્યારા શ્રીકૃષ્ણ,શું થયું છે ? કંઈક તો કહો."
શ્રીકૃષ્ણે આંખો ખોલી. નભમાં ઉમટતા ધવલ વાદળો તરફ ઉદાસ નજરે જોતાં બોલ્યાં,"પ્રિયે, હવે સમય થઈ ગયો છે."
"શેનો ?..અને આપ તો ભગવાન છો."
ધીમું હસી, શ્રીકૃષ્ણ બોલ્યાં," ભગવાન કરતાં પણ કર્મ મોટું છે. સારાખોટા કર્મનો હિસાબ અને તે પ્રમાણેનું ફળ તો ભગવાને પણ ભોગવવું જ પડે છે."
"તો હવે શું થશે ?"
શ્રીકૃષ્ણને ગાંધારીનો શ્રાપ યાદ આવી ગયો. "જે રીતે મારા કુળનો અંદરોઅંદર લડાવીને નાશ કર્યો તે જ રીતે યદુકુળનો પણ.."
"શ્રીકૃષ્ણ.." ધીમે રહીને પટરાણી રૂક્ષ્મણીએ શ્રીકૃષ્ણના ખભે હાથ મૂકી ઝંઝોળ્યાં. "કહો ને.. હવે શું થશે પ્રભુ ?"
"વિનાશ.. યદુકૂળનો.." માત્ર હોઠ ફફડાવી, મંદ અવાજે શ્રીકૃષ્ણ બોલી ઉઠ્યા.
"શ્રીકૃષ્ણ, આ કર્મનો હિસાબ કોણ રાખતું હશે ?" રુક્ષ્મણી બોલ્યા તો ખરા પણ શ્રીકૃષ્ણ સમાધિ અવસ્થામાં જતા રહ્યા હોય તેવો આભાસ થતાં તે મૌન થઈ ગયા.
