માંહ્યલો
માંહ્યલો
માંહ્યલો
અનુરાધાબહેન પૂજા કરવાં બેઠાં પણ પૂજામાં યે મન ન ચોટ્યું. માળા ફેરવવાં લાગ્યાં પણ હરિનામમાં પણ ચિત્ત ના ચોંટ્યું. આજે તેમનાં હૈયાની અંદર એક સ્ત્રીનો અને માનો માંહ્યલો યુદ્ધે ચડ્યો હતો. આંસુઓના વરસાદથી પણ આ માંહ્યલો ઠર્યો ના હતો પણ સળગતાં જ્વાળામુખીની માફક આગ ઓકતો હતો. નાછૂટકે તેમણે..
**
બારણે ટકોરા થયાં.
ટીવી પર રસોઈની શો જોતી વાણી હજી વિચારોમાં ખોવાયેલી હતી. ટીવી પર ચાલતાં શોનાં શબ્દો તેનાં કાનેથી અથડાઈને પાછાં ફરતાં હતાં. આંખો ભલે ટીવી પર અટકેલી હતી પણ મન તો સવારે બનેલી ઘટનાની આસપાસ ફરતું હતું. તનથી અસ્વસ્થ વાણી, સવારે બનેલી ઘટનાનો સ્વીકાર કરવાની હિંમત હજી કેળવી શકતી નહોતી. તેનો માંહ્યલો તરફડાટ કરતો હતો.
હજી પણ તેનાં શ્વાસમાં મૌન રુદનનો અવાજ સંભળાતો હતો. તેની રાતી રાતી આંસુ ભરેલી આંખોએ ઘણું બધું કહેવું હતું પણ તે મૌન હતી. 'પોતાનાં દુઃખની વાત કોને કહે ! શું કહે !'
તેના દાંપત્ય જીવનનાં બે વર્ષો તો સુખમય વિત્યા હતાં. આજે જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ સવારે..
ઉગતાં સૂરજની રતુંબડી સવાર જેવી સુંદર સવાર આજે થઈ હતી. શ્રવણ પણ ખુશ હતો. ઝરૂખે ઉભેલી વાણી સવારની સુંદરતાને નિહાળી રહી હતી. આકાશમાં દોડતાં સોનેરી વાદળો, પક્ષીઓનો મીઠો કલરવ, મધુમાલતીની મઘમઘતી સુવાસને... તે માણી રહી હતી અને ઊંઘમાંથી ઉઠેલો શ્રવણ... તેને નિહાળી રહ્યો હતો. ઠંડી ઠંડી હવામાં ઉડતી વાણીની વાળની લટોને શ્રવણ રમાડી રહ્યો હતો.
અચાનક એક ફોન મેસેજ આવ્યો અને શ્રવણનું મોઢું બદલાઈ ગયું. તે ક્રોધિત થઈ ગયો. તેનો અવાજ બદલાઈ ગયો અને ઘાંટા પાડીને જેમ ફાવે તેમ બોલવાં લાગ્યો.
વાણી કંઈક વધુ વિચારે અને બોલે તે પહેલાં તો શ્રવણનો હાથ ઉપડી ગયો. "સટાક..." કરતો તમાચો વાણીનાં ગાલ પર પડ્યો. વાણીનો અવાજ રૂંધાઇ ગયો. આંખોમાં આંસુ ધસી આવ્યાં. તે પૂછવા માંગતી હતી.' શું થયું શ્રવણ ? ' પણ તે બોલી ના શકી.
"આજે ને આજે તારાં બાપનાં ઘરેથી પાંચ લાખ રૂપિયા લઇ આવજે. મારે ઘણું અગત્યનું કામ છે. બપોર સુધીમાં આવી જવા જોઈએ.. નહીં તો..! "
ઉચ્ચકક્ષાનું ભણતર પામેલાં શ્રવણના મોઢામાં આવા હલકા શબ્દો સાંભળીને વાણી અચંબિત થઈ ગઈ.' શું થયું છે ! આખરે શું થયું છે શ્રવણને ! ક્યારેય ઊંચા સાદે નહીં બોલેલો શ્રવણ..આજે કેમ આવી રીતે વર્તે છે !'
આટલું સહન કર્યા પછી પણ તે મૌન રહી. ખામોશ રહી. તે અંદર આવી અને શ્રવણના ખભે હાથ મૂક્યો. "શું થયું છે?"
શ્રવણના મગજ પર હજી ક્રોધ સવાર હતો. આ ક્રોધની સાથે બીજું પણ કંઈક હતું, જે તે બોલી શકતો ન હતો. વાણી તેની લાલઘુમ આંખોમાં આરપાર જોતી બોલી ઉઠી," શું થયું છે..કંઈક તો કહે..!"
"બંધ કર બકવાસ અને આ બનાવટી પ્રેમ." શ્રવણે જોરથી વાળ ખેંચીને તેને પથારી પર પટકી, બહાર જતો રહ્યો.
પોતાનું, પોતાનાં સ્ત્રીત્વનું અને પોતાનાં પ્રેમનું હળહળતું અપમાન.. વાણી આ ઝેરનો ઘૂંટડો ખામોશીથી પી ગઈ. તેનો માંહ્યલો આક્રંદ કરવા લાગ્યો. તે પથારીમાં મોઢું છુપાવી રડવા લાગી. જેથી તેનો રડવાનો અવાજ બહાર ન જાય.
**
બગીચામાં ફૂલ લેવા આવેલાં અનુરાધા બહેને દીકરા- વહુનો ઝઘડો સાંભળ્યો. મનમાં ભયનો ઓથાર વ્યાપી ગયો. ભયનું લખલખું તેમનાં શરીરને ધ્રુજાવી ગયું. 'શું થયું હશે ! ચોક્કસ વાણી જ કંઈક બોલી હશે ! એ છે જ અવળચંડી ! અચાનક પોતાનાં આવાં હિન વિચાર પર ઘૃણા થઈ આવી. કદાચ શ્રવણની ભૂલ હોઈ શકે અને તો પણ વીણા માટે મારે આવું વિચારવાનું ! સાસુ છું એટલે ! ધારો કે મા હોત તો હું શું વિચારતે !'
ફૂલ લઈને ઘરમાં સ્થાપિત મંદિર પાસે આવી તો ગયાં, ભગવાનની મૂર્તિ સામે બેસી ગયાં પણ મન તો હજી ચકડોળે ચડ્યું હતું. હાર બનાવવા માટે સોય-દોરામાં ફુલ તો પરોવ્યું પણ... સોયની અણી આંગળીમાં છેદ કરી ગઈ. લોહીની ટશરો ફૂટી આવી.. લોહી જોઈને અચાનક ભૂતકાળ યાદ આવી ગયો. શ્રવણના પપ્પા યાદ આવી ગયા. પોતાના દાંપત્ય જીવનની એ ઘટનાઓ યાદ આવી ગઈ જેનાં માટે તેમને ખૂબ ઘૃણા હતી. શ્રવણના પપ્પા હતા તો ઉચ્ચ અધિકારી, પરંતુ અઠવાડિયામાં એકવાર તો તેમનાં પર હાથ ઉપાડતા જ.. તેમનાં પૌરૂષત્વનું અભિમાન બતાવતાં જ. સહુની સામે અપમાન તો કરતા જ. 'ન જાણે એમાં તેમને કંઈ ખુશી મળતી હતી..!' તેમનાં સાસુજી પણ આ જોઈને ખુશ થતાં. ત્યારે જ.. ત્યારે જ તેમણે એવું નક્કી કરી દીધું હતું કે 'હું મારાં સંતાનમાં આવાં ગુણો ઉતરવા નહીં દઈશ. તેને શ્રેષ્ઠ સંસ્કાર આપીશ. સ્ત્રીનું સન્માન કરતાં શીખવાડીશ. એક શ્રેષ્ઠ નાગરિક બનાવીશ. જે દુઃખ મેં સહન કર્યું છે તેવું દુઃખ મારી વહુને નહીં પડવાં દઉં. હું મારી વહુ માટે સાસુ નહીં પણ માં બનીને રહીશ.' પરંતુ આજે.. આજે શ્રવણે વાણી સાથે કરેલાં વ્યવહારથી પોતે ખૂબ દુઃખી થઈ ગયાં.
એક સ્ત્રી અને એક મા વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું.
***
બારણે ટકોરા થયાં.
"અત્યારે કોણ હશે ?" ઝડપથી તેણે આંખો લુછી લીધી. હજી ગુલાબીગાલ પર ઉપસેલી આંગળાની છાપ તેને ચચરતી હતી. ગાલ પર હાથ ફેરવ્યો. ઝડપથી વાળની લટો તેનાં પર ઢાળી, છુપાવી દઈ, એ ઉઠી પણ શરીર કળતર કરતું હતું.
તેણે બારણું ખોલ્યું.
અચાનક મમ્મીપપ્પાને આવેલાં જોઈને તે આશ્ચર્યમાં પડી ગઈ.
"મમ્મીપપ્પા, તમે અહીં..! આ ટાઈમે.. ! અંદર આવો. કાંઈ નવાજૂની..?"
"મેં બોલાવ્યાં છે." હાથમાં માળા લઈ અનુરાધાબહેન બહાર આવ્યાં.
"મેં ફોન કર્યો હતો." દુઃખી હૃદયે પણ સ્વસ્થ અવાજે તેઓ બોલ્યાં.
"વાણી, શ્રવણને કોલ કરીને ઘરે આવવા કહી દે."
'આ બધું શું થઈ રહ્યું છે?'વિચારતી વાણી અસમંજમાં પડી ગઈ.
"આવો વેવાણ, મેં જ આપને ફોન કર્યો હતો. વાત એવી હતી કે.." બોલતાં તેમનો અવાજ થોડો ધ્રૂજવા લાગ્યો."આજે મારાં દીકરાએ વહુ પર હાથ ઉપાડ્યો છે. તેનાં પર પિયરથી પૈસા લાવવાં દબાણ કર્યું છે." એક શ્વાસે,વ્યથિત મને અનુરાધાબેન બોલી તો ગયાં પણ આંખમાં આંસુઓનો સમુદ્ર ઉમટી આવ્યો.
"પણ.. મમ્મીજી, મેં તો કોઈ ફરિયાદ તમને કરી નથી કે નથી મારાં માવતરને. તો પછી આ બધું..!"
શ્રવણ ઝડપથી ઘરમાં આવ્યો. સાસુસસરાને જોઈને અવાચક થઈ ગયો. સવારની દુઃખદ ક્ષણો યાદ આવી ગઈ. લગ્નનાં આટલાં વર્ષોમાં પહેલી જ વાર પત્ની પર હાથ ઉપાડ્યો હતો. તેના પગ ત્યાં જ જડાઈ ગયાં. 'ઘરમાં જાઉં કે ભાગી જાઉં..' મનોમંથનમાં વ્યસ્ત શ્રવણનો હાથ પકડી અનુરાધાબહેન અંદર લઈ આવ્યાં.
થોડીક્ષણો સન્નાટો છવાઈ ગયો. કોઈ કશું બોલી ન શક્યું.
"મેં તને આવી ન હતી ધારી વાણી.." શ્રવણની આંખો તિરસ્કાર ઓકવા માંડી.
"શ્રવણ, મે તેમને બોલાવ્યા છે."
"મમ્મી, તેં તારાં દીકરાને આમ અપમાનિત કર્યો !" શ્રવણની આંખોમાં મા માટે ક્રોધનાં તણખાં ઝરવા માંડ્યાં.
"હાસ્તો ! શ્રવણ હું મા છું પણ એક સ્ત્રી પણ છું ! તને લાડ લડાવવામાં, દુનિયાભરનું સુખ આપવામાં, હું તને સ્ત્રીનું સન્માન કરવાના સંસ્કાર આપવાનું ભૂલી ગઈ. મારાથી સંસ્કાર આપવામાં ક્યાંક કચાશ રહી ગઈ અને એટલે જ તે આજે આ કૃત્ય કર્યું." તેમણે વાણીનાં ગાલ તરફ આંગળી ચીંધી.
"મમ્મી..." શ્રવણ આઘાતથી બોલી ઉઠ્યો.
"મમ્મી, નોકરીમાંથી ફાયર થઈ ગયો પણ કહી ના શક્યો. ગૃહસ્થી કઈ રીતે ચલાવીશ ! મા અને પત્નીને કઈ રીતે સુખી કરીશ ! તેમાં જ ગૂંચવાતો હું આ ખોટું પગલું ભરી બેઠો. મમ્મી, મને માફ કર પ્લીઝ !"
"માફી મારી નહીં, વાણીની માંગ."
"આ તો અમારો પતિ-પતનો અંગત ઝઘડો હતો..પ્લીઝ મમ્મીજી !"
"વાણી, એક વખત પુરુષને હાથ ઉપાડવાની આદત પડી જાય ને કે સાસરેથી પૈસા માંગવાની આદત પડી જાય ને.. પછી તે છૂટવી મુશ્કેલ હોય છે. વાણી, તને કોઈપણ પગલું ભરવાની છૂટ છે."
"વાણી.પ્લીઝ..!" શ્રવણની આંખોમાં આંસું તગતગી ઉઠ્યાં.
" મમ્મીજી, આપની વાત સાચી છે. શ્રવણ..તમે અમારી સાથે બેસીને મનની વાત કરી હોત તો પ્રશ્નનું નિરાકરણ થઈ જાત પણ તમે..!"
"ચાલ આપણાં ઘરે." વાણીનાં પપ્પાએ ઉઠીને વાણીનો હાથ ઝાલ્યો.
"પપ્પા, હું મારાં ઘરે જ છું." અચાનક વાણી ઊભી થઈને અનુરાધાબહેનને "મા" કહી ભેટી પડી.
મમ્મીજીમાંથી 'મા' બન્યાંનો આનંદ અને દીકરીનો હુંફાળો સ્પર્શ તેમનાં માહ્યલાને ઝંકૃત કરી ગયો.
પશ્ચાતાપના આંસુ વહાવતો શ્રવણ મા અને અનુરાધાને ભેટી પડ્યો.
*****
