STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

4  

Prashant Subhashchandra Salunke

Abstract Fantasy Inspirational

મને માફ કરો બાપુ

મને માફ કરો બાપુ

12 mins
299

"વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે."

સાંજના સમયે ભજનના સુમધુર સૂર સાબરમતી નદીના કિનારે ગુંજી રહ્યા હતા. ક્ષિતિજની પાછળ સૂર્ય ધીમેધીમે અદ્રશ્ય થઈ રહ્યો હતો. મેં અવાજની દિશામાં પગ ઊપાડ્યા. હજુ થોડુંક જ અંતર ચાલ્યો હોઈશ ત્યાં મારી નજર એક દિવ્યપુરૂષ પર ગઈ. તેમને જોતા જ મારા મુખમાંથી આનંદમિશ્રિત આશ્ચર્યનો સૂર સરી પડ્યો, "ગાંધીજી..."

મારો અવાજ સાંભળી મહાત્મા ગાંધીજીએ મારી તરફ જોયું. હું સ્તબ્ધ નજરે તેમને જોઈ રહ્યો. હજુ હું કંઈ સમજુ તે પહેલા તો ગાંધીજી લાકડીના ટેકે ઊભા થયા અને ત્યાંથી જવા માંડ્યા. હું તેમના આશીર્વાદ લેવાના ઈરાદે તેમની પાછળ દોડી પડ્યો. પરંતુ ગાંધીજી એ ગાંધીજી; તેમની ઝડપને કોણ આંબી શકે ? જોતજોતામાં સૂર્યની સાથોસાથ ગાંધીજી પણ મારી નજરોથી ઓઝલ થઈ ગયા. એ સાથે સર્વત્ર અંધકાર ફેલાઈ ગયું. નરી શૂન્યતા મને ખલી રહી. હું બેચેન બનીને અંધકારમાં ફાંફા મારી રહ્યો.

"સાંભળો છો ?"

મારી તંદ્રા તૂટી.

"અહીં ક્યારના ઊભા રહીને શું વિચારી રહ્યા છો ?"

મારી પત્ની દીપાએ પૂછેલા પ્રશ્નથી હું ભાનમાં આવ્યો. મેં ચોમેર નજર ફેરવી જોઈ તો હું અમદાવાદમાં આવેલ સાબરમતી આશ્રમની પિક્ચર ગેલેરીમાં ઊભો હતો. ગુજરાતના મહાપુરૂષ એવા મહાત્મા ગાંધીજીની યશોગાથા પ્રસ્તુત કરતી આઠ વિશાળ તસવીરો ત્યાં હતી. એ તસવીરોને નિહાળતા નિહાળતા મને જાણ જ નહોતી થઈ કે ક્યારે મારું અંતરમન સાબરમતી નદીના કિનારે વિહાર કરવા જતું રહ્યું હતું. જોકે આ થવું સ્વાભાવિક પણ હતું કારણ સાબરમતી આશ્રમના મગન નિવાસ, ઉપાસના મંદિર, હ્રદય કુંજ, વિનોબા-મીરા કુટિર, નંદીની, ઉદ્યોગ મંદિર, સોમનાથ છાત્રાલય, શિક્ષક નિવાસ વગેરેની મુલાકાત બાદ મારા દિલોદિમાગ પર બાપુ જ છવાઈ ગયા હતા.

"શું થયું ? ચાલો હવે." દીપા અચંબિત સ્વરે પૂછી રહી. "આપણે વ્રજેશભાઈના ઘેર જવું છે કે પછી અહીંયા જ રહેવાનું છે ?"

"અહીંયા જ રહેવાનું છે." નાનકડી વેદશ્રી બોલી પડી.

મેં વહાલથી વેદશ્રીના માથે ટપલી મારતા એ ખીલખીલાટ હસી પડી.

વ્રજેશ મારો નાનપણનો મિત્ર. અત્યારે ભલે તે મોટો વૈજ્ઞાનિક બની ગયો હોય પરંતુ મારા માટે તે માત્ર વ્રજેશ જ હતો. હું આજે તેના નિમંત્રણથી જ તેને મળવા અમદાવાદ આવ્યો હતો. પરંતુ માર્ગમાં સાબરમતી આશ્રમ જોઈ મારાથી કારની બ્રેક આપમેળે દબાઈ ગઈ હતી.

મેં મારી કાંડા ઘડિયાળમાં જોયું. બપોરનો દોઢ વાગ્યો હતો. વ્રજેશ સાથે મારી ત્રણ વાગ્યાની એપોઈન્ટમેન્ટ હતી.

"દીપા, હજુ આપણી પાસે ઘણો સમય છે. હવે ફકત પુસ્તકાલય વિભાગ જોવાનો બાકી છે."

"ચાલો આવ્યા છીએ તો એ પણ જોઈ લઈએ."

અમે ત્રણે આનંદથી પુસ્તકાલય વિભાગ તરફ ચાલી નીકળ્યા.

બરાબર પોણા ત્રણ વાગ્યે અમે વ્રજેશના ઘરે પહોંચ્યા. વ્રજેશના ઘેર અમારી સારી આગતાસ્વાગતા થઈ. દીપા અને વિભાવરીભાભી જાણે નાનપણની સખીઓ હોય તેમ વાતે વળગી ગઈ. વેદશ્રી ઓરડામાં મૂકેલી અજબ ગજબની વસ્તુઓને નિહાળી રહી.

વ્રજેશે ઊભા થઈને કહ્યું, "તમે બંને વાતો કરો ત્યાંસુધી હું પ્રશાંતને મારી પ્રયોગશાળા દેખાડવા લઈ જાઉં છું. મારે તેની સાથે થોડી ચર્ચા પણ કરવાની છે એટલે અમને નીચે આવતા જરા વાર લાગશે."

"વાંધો નહીં તમે બંને નિરાંતે ચર્ચા કરો." વિભાવરીભાભી આમ કહી પાછા દીપા સાથે વાતોએ વળગી ગયા.

અમે બંને ઊપરના માળે આવેલી પ્રયોગશાળામાં જવા ઝડપથી પગથીયા ચઢી ગયા. પ્રયોગશાળામાં પ્રવેશતા જ વ્રજેશે અંદરથી બારણું વાસી દીધું.

"પ્રશાંત, મેં તને એક ખાસ વસ્તુ દેખાડવા અહીં બોલાવ્યો છે."

હું કુતુહલતાથી વ્રજેશ તરફ જોઈ રહ્યો. તેણે અલમારીમાંથી એક બોક્સ કાઢતા કહ્યું, "બે વર્ષ પૂર્વે હું ગીઝાના પિરામીડની મુલાકાતે ગયો હતો ત્યારે મને આ નાયાબ વસ્તુ મળી હતી. મને જયારે આ વસ્તુ મળી ત્યારે તે એકદમ ખસ્તા હાલતમાં હતી. તેને દુરુસ્ત કરવા મેં પૂરા બે વર્ષની અથાગ મહેનત કરી છે."

વ્રજેશે બોક્સમાંથી એક અજબ જેવું યંત્ર કાઢી મારી સામે મુક્યું.

"શું છે આ ?"

"ટાઈમ મશીન."

"ટાઈમ મશીનઽઽઽઽ"

"શ... શ... શ... ધીમે બોલ. હજુસુધી આ મશીન વિષે મેં કોઈને જણાવ્યું નથી."

મેં ધીમા સ્વરે કહ્યું, "ટાઈમ મશીન ?"

"હા."

"મતલબ આના દ્વારા આપણે ભૂતકાળમાં જઈ શકીએ છીએ ?"

"માત્ર ભૂતકાળમાં નહીં પરંતુ ભવિષ્યકાળમાં પણ જઈ શકીએ છીએ."

"હું નથી માનતો."

"બોલ તારે ક્યાં કાળમાં ફરી આવવું છે ? ભૂતકાળમાં કે પછી ભવિષ્યકાળમાં ?"

"તું મારી સાથે મજાક તો કરી રહ્યો નથી ને ?"

"મજાક ! એટલે જસ્ટ મજાક કરવા મેં તને અમદાવાદ બોલાવ્યો છે એવું તારું કહેવું છે ?"

મારે શો જવાબ આપવો તે સુઝી રહ્યું નહોતું.

"પ્રશાંત, જલદી બોલ તારે ક્યાં કાળમાં જવું છે ?"

"મને હજુપણ વિશ્વાસ થઈ રહ્યો નથી. ચાલ, હું ટાઈમ ટ્રાવેલ કરવા તૈયાર છું. પરંતુ આ મશીન બરાબર કામ કરે છે કે નહીં તેનો શો ભરોસો. મતલબ હું ભૂતકાળ કે ભવિષ્યકાળમાંથી પાછો વર્તમાનમાં આવ્યો નહીં તો ?"

વ્રજેશ મારી તરફ જોઈ મુસ્કુરાયો અને તેણે ઝડપથી યંત્ર પરના બટનો દબાવ્યા. હું કંઈ સમજુ તે પહેલા મારી આંખો તીવ્ર પ્રકાશથી અંજાઈ ગઈ. અને જોતજોતામાં વ્રજેશ મારી આંખો સામેથી ઓઝલ થઈ ગયો. મેં મારી આંખો ચોળી જોઈ પરંતુ હું સ્વપ્ન જોઈ રહ્યો નહોતો. હું વ્રજેશની પાછા આવવાની રાહ જોવા લાગ્યો. પરંતુ દસ મિનિટ વીતી જવા છતાંયે જયારે વ્રજેશ પાછો આવ્યો નહીં ત્યારે મારો જીવ અધ્ધર થઈ ગયો.

"આ વ્રજેશને પણ ખરા તુક્કા સુઝી આવે છે."

"હવે જો એ પાછો ન આવ્યો તો હું વિભાવરીભાભીને શો જવાબ આપીશ ?"

મારા મગજમાં અસંખ્ય વિચારોના ઘોડા દોડી રહ્યા. એવામાં બોક્સ પરના રંગબેરંગી બટનો મને અકળામણ અપાવી રહ્યા. માનસિક તણાવને કારણે હું ચક્કર ખાઈને બેભાન થવાની અણીએ જ હતો ત્યાં ઓરડામાં ઝબકારો થયો. બીજી જ ક્ષણે મારી આંખો સામે વ્રજેશ મુસ્કુરાતો ઊભો હતો.

"અરે! તું આમ અચાનક ક્યાં જતો રહ્યો હતો ?"

"ભવિષ્યકાળમાં."

"ચલ જા હવે... ગાયબ આયા જેવા જાદુના ખેલ દેખાડી મને મૂરખ બનાવવાનો પ્રયત્ન કરીશ નહીં."

વ્રજેશે મુસ્કુરાઈને તેનો મોબાઈલ મારી સામે ધર્યો. તેની સ્ક્રીન પર એક વ્યક્તિ સાથે વ્રજેશે ખેંચેલી સેલ્ફી દેખાતી હતી.

"તસવીરમાં તારી સાથે આ ઘરડો કોણ છે ?"

"તું."

"વોટ રબીશ. હું!"

મેં તસવીરને ધ્યાનથી જોયું. તેમાં દેખાતા વૃદ્ધ પુરૂષનો ચહેરો મહોરો મારા જેવો જ ભાસી રહ્યો હતો.

"પ્રશાંત, હું ભવિષ્યકાળમાં જઈને તારી સાથે સેલ્ફી પડાવી આવ્યો છું. અને હજુપણ ખોટું લાગતું હોય તો તસવીરને જરા ઝૂમ કરીને જો."

મેં તસવીરને ઝૂમ કરીને જોયું.

"તસવીરમાં આપણા બંનેની પાછળ આવેલા લેપટોપની સ્ક્રીન પર જરા નજર ફેરવી જો."

હું ધ્યાનથી નિરીક્ષણ કરી રહ્યો. અજબ જેવા દેખાતા લેપટોપની સ્ક્રીન પર સ્ટોરીમિરર એપ્લીકેશન ઓપન હતી. તેમાં એક ઈ-પુસ્તકનું મોશન કવર હાઈલાઈટ થઈ રહ્યું હતું. તેનું શીર્ષક ધ્યાનથી વાંચતા મારા હાથમાંનો મોબાઈલ છટકતા રહી ગયો. ઈ-પુસ્તકનું શીર્ષક હતું, "કિનારો છોડી શિખરો સુધી... સિઝન ૭"

"કેમ તસવીર જોઈને ધક્કો લાગ્યો ને ?"

"તસવીરને જોઈને નહીં પરંતુ આગળ જતા મારું સ્વપ્ન સાકાર થશે એ જાણીને મને આનંદનો ઝાટકો લાગ્યો."

"હવે તો ખાતરી થઈને કે આ યંત્ર ખરેખર ટાઈમ મશીન જ છે."

મેં હકારમાં માથું હલાવ્યું.

"તો પછી તું ટાઈમ ટ્રાવેલનો આનંદ લેવા તૈયાર છું ?"

મારું માથું ફરી એકવાર યંત્રવત હકારમાં હલી ગયું. આ જોઈ વ્રજેશે બોક્સના એક ખાનામાંથી બેલ્ટ કાઢી મારા હાથમાં મુકતા કહ્યું, "કાળમાંથી પાછા ફરવા માટે; બેલ્ટ પર લાગેલ આ ભૂરા રંગનું બટન તારે દબાવવાનું રહેશે."

મેં બેલ્ટને ધ્યાનથી જોઈ પૂછ્યું, "આ લાલ રંગનું બટન શા કામનું છે ?"

"તેને દબાવવાથી તારી આસપાસ દસ ફૂટ વ્યાસનો અદ્રશ્ય ઘેરાવો બની જશે. એ પછી તેં જ્યાં ઊભા રહીને બટન દબાવ્યું હતું તેના દસ ફૂટના ઘેરાવામાં જ તું જે તે કાળમાં હાજર રહી શકીશ. બાકી ઘેરાવાની રેંજમાંથી બહાર નીકળતા જ તું વર્તમાનમાં પાછો આવી જઈશ."

"આવું બટન આ બેલ્ટ પર શું કામ રાખ્યું ?"

"ક્યારેક કયારેક કાળમાં પ્રવેશતી વખતે આપણે ત્યાંની પરિસ્થિતિથી અજાણ હોઈએ છીએ. ખાસ કરીને આવું ભવિષ્યકાળની મુસાફરીમાં બનતું હોય છે. કેટલીકવાર ઓચિંતી મુસીબત આવી પડતા આપણને બટન દબાવવાનો પણ સમય મળતો નથી. આવા સમયે જો લાલ રંગનું બટન પહેલેથી દબાવી રાખ્યું હોય તો આપણને વર્તમાનમાં આવતા આસાની રહે છે."

"સરસ."

"બોલ તું ક્યાં કાળમાં જવા માંગે છે ?"

ગાંધીજી વિષે રિસર્ચ પેપર સબમિટ કરતી વેળાએ મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં મેં આપેલા વ્યક્તવના શબ્દો મારા મસ્તિષ્કમાં ગુંજી રહ્યા. "ગાંધીજીની હત્યાના પ્રસંગે એક અધિકારીએ કહ્યું હતું કે, ભારતમાં અમારા ખિલાફ માહોલ વધુ ન બગડે એ માટે જે ગાંધીને અમે આટલા વર્ષો સંભાળી રાખ્યા; એ ગાંધીને સ્વતંત્ર ભારતના ભારતવાસીઓ એક વર્ષ પણ સંભાળી શક્યા નહીં."

મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, "ભૂતકાળમાં"

વ્રજેશે યંત્ર પરનું પાસ્ટનું બટન દબાવી પૂછ્યું, "કઈ સાલમાં ?"

"૧૯૪૮"

મશીન પર ૧, ૯, ૪, ૮ના આંકડા દબાવી વ્રજેશે પૂછ્યું, "સ્થાન ?"

"બિરલા હાઉસ, ન્યુ દિલ્લી. પ્રાર્થના સભા મેદાન."

મશીનમાં લોકેશન ફિક્સ કરી વ્રજેશ આગળ બોલ્યો, "કોઈ ચોક્કસ સમય ?"

"પાંચ વાગીને દસ મિનિટ."

સમય સાંભળી વ્રજેશ બટન દબાવતો અટકી ગયો. તેણે યંત્ર પરનું રીસેટ ઓલનું બટન દબાવતા કહ્યું, "પ્રશાંત, આ તો ગાંધીજીની હત્યા પહેલાની સાત મિનિટનો સમય છે ? અરે! હા તેમની હત્યા બિરલા હાઉસના પ્રાર્થના સભા સ્થાન પર જ થઈ હતીને! એક મિનિટ... એટલે એટલે તું ક્યાંક ભૂતકાળમાં જઈને તેમનો જીવ બચાવવા તો માંગતો નથી ને ?"

મેં હકારમાં માથું હલાવતા કહ્યું, "ગોળી વિંધાશે ત્યારે હું બાપુને દૂર ધકેલી તેમનો જીવ બચાવવા માંગું છું."

"બેવકૂફ, તું ભૂતકાળમાં જઈને કોઈપણ વ્યક્તિને સ્પર્શી શકતો નથી. વળી ભૂતકાળને બદલવા જતા વર્તમાનમાં તેની ગંભીર અસરો પડી શકે છે. તું કદાચ બટરફ્લાય ઈફેક્ટથી વાકેફ જ હોઈશ."

"હા."

"છતાંયે તેં આવી મુર્ખામી કરવાનું કેવી રીતે વિચાર્યું ? ભૂતકાળમાં જઈને આપણે ઈતિહાસને બદલવાની નહીં પરંતુ તેને જાણવાની કોશિષ કરવી જોઈએ. ટાઈમ ટ્રાવેલથી ઈતિહાસના ગર્ભમાં છુપાયેલી ઘણી અજાણી માહિતીઓથી આપણે વાકેફ થઈ શકીએ છીએ."

"ઠીક છે બાબા હું ઈતિહાસને બદલવાની કોશિશ નહીં કરું બસ." મેં કંઈક વિચારીને આગળ કહ્યું, "પરંતુ ભૂતકાળના કોઈ વ્યક્તિ સાથે દૂર ઊભા રહીને વાતો તો કરી શકાય ને ?"

"જરૂર કરી શકાય. પરંતુ હવે મને તારા પર વિશ્વાસ નથી. તને ભૂતકાળમાં મોકલવામાં મને જોખમ દેખાઈ રહ્યું છે."

વ્રજેશની વાત સાંભળી હું ચોંક્યો. બાપુને મળવાની સોનેરી તક આમ હાથમાંથી સરી જતા જોઈ મેં કાલાવાલા કરતા કહ્યું,"દોસ્ત, કૃપા કરીને આમ ન કરીશ. હું બાપુની અંતિમ ઘડી પહેલા તેમના દર્શન કરવા માંગું છું."

મારી વિનવણીઓ સાંભળી વ્રજેશે કહ્યું, "ઠીક છે. હું તને ભૂતકાળમાં મોકલીશ ખરો પરંતુ એ માટે મારી કેટલીક શરતો હશે."

"કેવી શરતો ?"

"સૌથી પહેલા મેં આપેલો બેલ્ટ તારે મને પાછો આપી દેવો પડશે."

"તો પછી ભૂતકાળમાંથી હું વર્તમાનમાં પાછો કેવી રીતે આવીશ ?"

"તેની ચિંતા તું જરાયે કરીશ નહીં. હું તારા પાછા ફરવાનો ટાઈમ સેટ કરીને જ તને અહીંથી ભૂતકાળમાં મોકલીશ. વળી તું ભૂતકાળમાં પહોંચતા જ તારી આસપાસ દસ ફૂટનો ઘેરાવો આપમેળે બની જશે. તને ભૂતકાળમાં કોઈપણ જોખમ જણાય તો તું ઘેરાવામાંથી બહાર નીકળીને વર્તમાનમાં નિયત સમય કરતા વહેલો પાછો આવી શકીશ."

હું ભૂતકાળમાં જઈને કોઈ ચાલાકી કરી શકું નહીં એટલે વ્રજેશ વર્તમાનમાં મારી સાથે ચાલાકી કરી રહ્યો હતો.

"બોલ તને મંજુર છે ?"

"મંજુર છે."

વ્રજેશે ફરી એકવાર યંત્ર પરનું પાસ્ટનું બટન દબાવ્યું. હવે તેણે મશીન પરના ૧, ૯, ૪, ૮ના આંકડા દબાવ્યા. ત્યારબાદ લોકેશન ફિલ કર્યું, "બિરલા હાઉસ, ન્યુ દિલ્લી. બેઠક ખંડ."

આ જોઈ હું થોડો નિરાશ થયો.

વ્રજેશે મારી તરફ જોઈને કહ્યું, "ભૂતકાળમાં તને સમય જોવામાં તકલીફ ન પડે એટલે તારી કાંડા ઘડિયાળમાં પાંચ વાગ્યાનો સમય ગોઠવી દે. તું ભૂતકાળના પાંચ વાગે બિરલા હાઉસમાં બાપુ સામે ઊભો હોઈશ. ત્યારબાદ પાંચ વાગીને સત્તર મિનિટે તું આપમેળે વર્તમાનમાં પાછો આવી જઈશ. તું ભૂતકાળમાં પૂરી સત્તર મિનિટ સુધી હોઈશ. આ સત્તર મિનિટમાંથી દસ મિનિટ તું બાપુ જોડે હોઈશ. કારણ પાંચ વાગીને દસ મિનિટે બાપુ સાંજની પ્રાર્થના સભામાં જતા રહેશે. પરંતુ ઘેરાવાને કારણે તું તેમની પાછળ જઈ શકીશ નહીં."

મેં સહમતિમાં ડોકું ધુણાવ્યું.

વ્રજેશે બટન દબાવ્યું.

એ સાથે હું પ્રકાશપુંજમાં નહાઈ ઊઠ્યો.

તેજ પ્રકાશને કારણે મારી આંખો અંજાઈ ગઈ હતી. હું મારી આંખો ખોલવાનો પ્રયત્ન કરતો જ હતો ત્યાં કોઈકનો ભરાવદાર અવાજ મારા કાને પડ્યો, "એ ભાઈ તું પૂછ્યા વગર અંદર કેવી રીતે આવ્યો ?"

મેં ઝીણી આંખ કરીને જોયું તો સરદાર વલ્લભભાઈ પટેલ મારી તરફ અચરજભરી નજરે જોઈ રહ્યા હતા. મેં ડાબી બાજુ જોયું તો મને ગાંધી બાપુ દેખાયા. તેમની ડાબે જમણે મનુબેન અને આભાબેન બેઠા હતા.

"અરે! બોલતા કેમ નથી ? આમ પૂતળાની માફક શું ઊભા છો ?"

આભાબેન કંઈક કહેવા માટે બાપુની નજીક સરક્યા. મેં મારી કાંડા ઘડિયાળમાં જોયું. પાંચ વાગીને એક મિનિટ થઈ હતી. હું જાણતો હતો કે બાપુનો પ્રાર્થનાનો સમય થઈ ગયો હતો. બાપુને પ્રાર્થનામાં મોડું થાય એ વાત સહેજે પસંદ નહોતી. આજદિન સુધી તેઓ નિયમિતપણે પાંચના ટકોરે પ્રાર્થના સભામાં પહોંચી જતા. પરંતુ આજે! મેં બાપુની કમર તરફ જોયું તો ત્યાં હંમેશા રહેતી કમર ઘડિયાળ ગેરહાજર હતી. આભાબેન બાપુને પ્રાર્થના વિષે જ કહેવા જતા હશે આ જોઈ હું તરત બોલ્યો, "બાપુ."

બધાએ મારી તરફ ચોંકીને જોયું. મેં ત્યાં હાજર સહુ મહાભુનવોના પગને ચરણ સ્પર્શ કરી મારી જાતને ધન્ય કરી.

"યુવાન, તું અહિયાં કેમ આવ્યો છે ?" આ વખતે બાપુએ પૂછ્યું.

"બાપુ, હું તમને એક વાત કહેવા આવ્યો છું."

"તો સંકોચ શેનો ?"

"બાપુ, હું ફક્ત તમારી સાથે જ વાત કરવા માંગું છું."

બાપુએ મારા તરફ અપલક નજરે જોયું. ત્યારબાદ કંઈક વિચારી તેઓ પોતાની જગ્યાએથી ઊભા થતા બોલ્યા, "ઠીક છે ત્યારે અંદરના ઓરડામાં બેસી આપણે વાત કરીએ."

મેં જોયું તો હું જ્યાં ઊભો હતો તેનાથી વીસેક ફૂટના અંતરે અંદરનો એ ઓરડો આવ્યો હતો. હું ઘેરાવાના બંધનમાં બંધાયેલો હોવાથી અંદરના ઓરડામાં જઈ શકતો નહોતો. હવે કરવું શું ? મને વ્રજેશ પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. પરંતુ સદનસીબે મારી મનની મૂંઝવણને દૂર કરતા સરદાર વલ્લભભાઈ બોલ્યા, "તમે શાંતિથી વાતો કરો હું ઘરે જઉં છું."

સરદાર વલ્લભભાઈ આમ કહી પાછલા પ્રવેશદ્વારથી બહાર નીકળી ગયા. હવે આભાબેન અને મનુબેનની હાજરી મને ખલી રહી.

આ જોઈ બાપુ બોલ્યા, "આમની હાજરીની ચિંતા કરીશ નહીં."

મેં ચોમેર નજર ફેરવીને કહ્યું, "બાપુ, તમે આજે આ ઓરડામાંથી બહાર નીકળશો નહીં."

"કેમ ?"

"આજે ઠીક પાંચ વાગીને સત્તર મિનિટે તમારી ગોળી વીંધીને હત્યા થવાની છે."

આભાબેન અને મનુબેન ચોંક્યા.

પરંતુ મારી વાત સાંભળી ગાંધીજીએ શાંત સ્વરે કહ્યું, "તો તારી શું ઈચ્છા છે કે, મૃત્યુના ભયથી હું આજની પ્રાર્થના છોડી દઉં! બેટા, જીવનમરણ તો ચાલતું જ રહે છે. મૃત્યુથી ઘબરાઈને આપણે કામોથી દૂર ભાગીશું તો આ દુનિયા આગળ કેવી રીતે વધશે ?"

"પરંતુ બાપુ તમારી હત્યા થતી હું કેવી રીતે જોઈ શકું ?"

"જેમ મારા આદર્શોની હત્યા થતી ચુપચાપ જોઈ રહ્યો તેમ."

હું અચરજથી બાપુને જોઈ રહ્યો.

જાણે મારા મનની મૂંઝવણ જાણી ગયા હોય તેમ બાપુ આગળ બોલ્યા, "કદાચ તું ભૂલી ગયો કે આપણે આ અગાઉ સાબરમતી નદીના કાંઠે મળ્યા છીએ."

આ સાંભળી મારા પગ નીચેની ધરતી સરકી ગઈ.

"આજે સવારે ૩ વાગે મને અજબ સ્વપ્ન દેખાયું. દેશના ભવિષ્યની ચિંતામાં જાણે મારું અંતરમન ભવિષ્યમાં સરી ગયું ન હોય! પહેલા તો મને લાગ્યું કે મેં કોઈ સ્વપ્ન જ જોયું હતું પરંતુ તને જોઈ મને ખાતરી થઈ કે મેં સ્વપ્ન નહીં પણ દેશનું ભવિષ્ય જ જોયું હતું. એકબાજુ મને એ વાતનો આનંદ છે કે, તમે મારા સત્યાગ્રહ આશ્રમની ખૂબ સારી રીતે જાળવણી કરી છે. પરંતુ બીજી બાજુ દુઃખ એ વાતનું થઈ રહ્યું છે કે તમે મારા આદર્શો અને વિચારોને સાવ વિસરી ગયા છો. તમે રૂપિયાની નોટ પર મને સ્થાન આપવાને બદલે; મારા આદર્શો અને વિચારોને જીવનમાં સ્થાન આપ્યું હોત તો મને વધુ આનંદ થયો હોત. પરંતુ તમે એમ કર્યું નહીં. ઊલટાનું મારી તસવીરને રૂપિયાની નોટ પર છાપીને તમે મને વિસરી ગયા અને રૂપિયાને તમારા હ્રદયમાં સ્થાન આપી દીધું." થોડુક અટકીને બાપુ આગળ બોલ્યા, "બાપુ જીવી જશે એ આશાએ મને બચાવવા વર્તમાનમાંથી ભૂતકાળમાં દોડી આવવાને બદલે; તારે વર્તમાનમાં બાપુ જેવું જીવી દેખાડવું હતું. મારા આદર્શો અને મુલ્યોનું પાલન કરી દેશને પ્રગતિના પંથે વાળવો જોઈએ. 'બાપુ કેમ જીવ્યા નહીં' તેના બદલે 'આપણે બાપુની જેમ કેમ જીવ્યા નહીં' એ વાતથી દુઃખી થવું જોઈએ."

મનુબેને કહ્યું, "બાપુ, ચાલો આજે પ્રાર્થના માટે આપણને ઘણું મોડું થઈ ગયું છે."

"કેટલા વાગ્યા ?"

"પાંચ વાગીને નવ મિનિટ થઈ છે."

"હે પ્રભુ મને માફ કર." આમ કહેતા બાપુ પોતાની જગ્યાએથી ઊભા થયા. મનુબેન અને આભાબેને તેમને ટેકો આપ્યો. ધીમે પગલે બારણા પાસે જઈ તેમણે પગરખા પહેર્યા. ઠંડી હોવાને કારણે આભાબેને તેમને ખભે શાલ ઓઢાઢી."

ઓરડામાંથી બહાર નીકળતા પહેલા બાપુ બોલ્યા, "આજે સવારે જ મેં મનુને કહ્યું હતું કે, 'જો બીમારીથી મારું મૃત્યુ થયું તો એમ સમજ જે કે હું મહાત્મા નહોતો. પરંતુ જો મારું મૃત્યુ બોમ્બમારીમાં કે ગોળીથી થયું અને જીવ છોડતી વેળા મારા મુખમાંથી પ્રભુનું નામ નીકળે તો સમજજે કે હું સાચો મહાત્મા હતો."

મેં અશ્રુભીની આંખે કહ્યું, "બાપુ રોકાઈ જાઓ. દેશને તમારી જરૂરત છે."

બાપુએ આગળ વધતા કહ્યું, "દેશને મારી નહીં પરંતુ મારા વિચારોની જરૂરત છે."

આમ કહી બાપુ જતા રહ્યા.

હું બેચેનીથી મારા દાયરામાં લટાર મારતો રહ્યો.

બરાબર પાંચ વાગીને સત્તર મિનિટે ત્રણ ધડાકા થયા. એ સાથે મારા કાન પર અસ્પષ્ટ અને ધીમો અવાજ સંભળાયો, "હે રામ ! હે રામ ! હે રામ !"

ધીમેધીમે હું ભૂતકાળમાંથી વર્તમાનમાં સરી રહ્યો.

"શું થયું ? મળી આવ્યો બાપુને ?" મારી સામે ઊભેલા વ્રજેશે મને પાછો આવેલો જોઈ પૂછ્યું.

"હા."

"ઈતિહાસની કોઈ અજાણી માહિતિ તારા હાથે લાગી ?"

"હા." હું શૂન્યમનસ્કપણે બોલ્યો, "મેં જાણ્યું કે બાપુ એક એવા મહાત્મા હતા કે જેઓનું અવતરણ ભારતભૂમિ પર અમર થવા માટે થયું હતું. હકીકતમાં તેમની હત્યા ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના શુક્રવારના રોજ થઈ નહોતી. ના... જરાયે નહીં... પરંતુ તેમની સાચી હત્યા આપણે કરી છે. તેં કરી છે, મેં કરી છે. આપણે સહુએ મળીને કરી છે. રોજેરોજ જાણ્યે અજાણ્યે આપણે તેમની હત્યા કરતા આવ્યા છીએ. જો બાપુના આદર્શો અને વિચારોનું આપણે પાલન કર્યું હોત તો તેઓ આજે પણ આપણા સહુની અંદર જીવતા હોત. પરંતુ લોભ, લાલચ અને મોહના જાળમાં ફસાઈ આપણે તેવું કરી શક્યા નહીં. ગુજરાતના એ મહાપુરૂષની યશોગાથા માત્ર આપણે ગાઈ પરંતુ અફસોસ કે તેને જીવનમાં ઊતારી નહીં. આપણે બાપુને અમર બનાવી શક્યા હોત પરંતુ આપણે તેમ કરવાનો ક્યારે પ્રયત્ન જ કર્યો નહીં."

ધ્રુસકે ધ્રુસકે રડતા હું બોલી રહ્યો.

"મને માફ કરો બાપુ."

"મને માફ કરો બાપુ."

"મને માફ કરો બાપુ."


Rate this content
Log in

Similar gujarati story from Abstract