STORYMIRROR

Raman V Desai

Classics Crime Others

0  

Raman V Desai

Classics Crime Others

મિત્રનો બંદીવાન

મિત્રનો બંદીવાન

7 mins
1.1K


હું આમ મારા વિચારમાં મશગુલ હતો. જ્યોતીન્દ્ર મને શકદાર કહીને ફસાવવા માગતો હતો કે કેમ તેનો પણ એક ક્ષણ વિચાર આવ્યો. એટલામાં કમિશનર સાહેબે કહ્યું :

‘આ ગૃહસ્થ જો આપણા શકદાર હોય તો તેમને આપણી સાથે બેસાડી શકાશે નહિ. આપણી ચર્ચા ખોટે માર્ગે ચડી જશે. એમનું નામ શું?'

'સુરેશ !’ જ્યોતીન્દ્રે જવાબ આપ્યો. તેના મુખ ઉપર ન સમજાય એવું સ્મિત રમી રહ્યું. મને તેમાં ભયંકરતા લાગી. હિંદી અને યુરોપિયન અમલદારો એકદમ મારી સામે જોઈ રહ્યા, અને એક ગુનેગારને બારીકીથી નિહાળે તેમ મને નિહાળવા લાગ્યા. કમિશનર સાહેબે મેજ ઉપરનું બટન દાબ્યું અને બહારના ખંડમાં ઘંટડી વાગી. તુરત પેલો સાર્જન્ટ બારણું ઉઘાડીને અંદર આવ્યો અને કમિશનરને સલામ કરી ઊભો રહ્યો.

'આ ગૃહસ્થને બહારના ખંડમાં તમારી પાસે બેસાડો. તેમને કશી હરકત ન પડે તેની કાળજી રાખજો.' મને ઉદ્દેશીને કમિશનરે સાર્જન્ટને હુકમ કર્યો. અજાણ્યા સ્થળે અજાણી મંડળીમાં મારે શું કરવું ? મને અહીં લાવનાર જ્યોતીન્દ્ર અને શકદાર તરીકે ઓળખાવનાર પણ જ્યોતીન્દ્ર ! છતાં તે મારો અંગત મિત્ર તો હતો જ. મેં તેની સામે જોયું. તેણે તો મને કહી દીધું :

'સુરેશ ! બધાની ઈચ્છા છે તો તું બહાર બેસ ને ?’

'તો પછી હું ઘેર જાઉં તો શું ?' જરા ચિડાયલે અવાજે મેં કહ્યું.

‘પણ તને મારા વગર જવા નહિ દે ને !’ જ્યોતીન્દ્રે કહ્યું.

હું સમજ્યો. હું અત્યારથી જ બંદીવાન હતો. અત્યારથી જ કેમ ? જ્યોતીન્દ્રે મને તેની મોટરમાં બેસાડ્યો ત્યારથી જ હું બંદીવાન બન્યો હતો !

જગતમાં મૈત્રી એ જ મોટામાં મોટો ભ્રમ હોય એમ મને લાગ્યું. સાર્જન્ટની સાથે બહાર નીકળ્યા સિવાય મારો છૂટકો નહોતો. બારણું ઉઘાડી તે મારી રાહ જોઈને જ ઊભો હતો. મને રીસ ચડેલી જ હતી; કોઈના પણ સામું જોયા વગર અને આવા મોટા પોલીસ અધિકારીઓને સલામ કર્યા વગર હું બહાર નીકળ્યો. સાર્જન્ટ પણ મારી પાછળ બહાર આવ્યો અને બારણું બંધ કર્યું. અંદરથી ખડખડાટ હસવાનો અવાજ મારે કાને પડ્યો. શું આ બધા મને હસે છે ? હું ત્યાં જ ઊભો રહ્યો. કમિશનરના ઓરડાની અને બહારના ઓરડાની વચમાં આવેલો આ ખંડ હતો. મારી ઈચ્છા થઈ કે બારણે કાન દઈ અંદર ચાલતી વાત હું સાંભળું. મારી આગળ વધવાની આનાકાની જોઈ સાર્જન્ટે કહ્યું :

'આપ બહાર આવો.'

‘હું અહીં જ ઊભો રહું તો શી હરકત છે?' મેં પૂછ્યું.

'આ કાંઈ બેસવા માટે સ્થળ નથી. બહાર તમે આરામથી બેસી શકશો.' સાર્જન્ટે નમ્રતાથી પરંતુ દૃઢતાથી જણાવ્યું.

‘તમારા આરામને જહન્મમાં નાખો !’ મેં કહ્યું. છતાં અહીં ઊભા રહ્યે ચાલે એમ નહોતું. હું બહારના ખંડમાં આવીને બેઠો અને કપાળ ઉપર હાથ દઈ બધી ઘટનાનો વિચાર કરવા લાગ્યો. આરોપ છેવટે મારા જ ઉપર ? અને કોના ખૂનનો ? બંસરીના ? જેને માટે હું પ્રાણ આપું તેના જ હું પ્રાણ લઉં ?

પણ કેમ નહિ ? જ્યારે બંસરીએ મારો સ્વીકાર કરવા ના પાડી ત્યારે એક વખત મારા મનમાં શું આવ્યું હતું ? મારો સ્વીકાર ભલે ન થાય, પરંતુ બીજા કોઈનો પણ નહિ જ. જો બંસરી બીજાને સ્વીકારે તો બંનેનું ખૂન...! અરે, મને કેવો ભયંકર વિચાર એક સમયે આવ્યો હતો ! એ જ વિચાર મૂર્ત સ્વરૂપ કેમ ન લે ? પ્રેમી પણ ખૂની બની શકે નહિ ? વિચાર કર્યો એ જ દોષ શું પૂરતો નથી ? મનુષ્યની વૃત્તિ ઉપરથી જો ગુનેગારી નિશ્ચિત થતી હોય તો શું હું ખૂનનો ગુનેગાર નહોતો ?'

પરંતુ એ બિચારીએ મારો અસ્વીકાર ક્યાં કર્યો હતો ? હું એકાએક નિર્ધન બની ગયો, સટ્ટામાં એકેફેરે બધી મિલકત ગુમાવી બેઠો, અને હજારોનું પોષણ કરવાની શક્તિ ધરાવનાર હું મારું પોષણ કરવા પણ અશક્ત બની ગયો ! બંસરી સાથે લગ્ન કરીને હું શું કરું ? તેને જ દુઃખમાં નાખું ? પ્રેમી તરીકે મારી શી ફરજ હતી ? બંસરીએ મારા પ્રત્યે બતાવેલી માયાનો દુરુપયોગ કરી મારા સરખા કંગાલ માનવીની સાથે તેનો જન્મારો ગુમાવવો, કે પ્રેમી તરીકે ઉદારતા બતાવી પથ્થર સરખું હૈયું બનાવી બંસરીને છૂટી કરવી ? ઉદારતાના આવેશમાં મેં તેને પત્ર લખ્યો, અને બંસરી સરખી સુખમાં ઊછરેલી યુવતીનો મારા પ્રેમની ખાતર ભોગ આપવા મેં અનિચ્છા દર્શાવી. તે બિચારીએ પુછાવ્યું કે મારે તેની દયા ખાવાની જરૂર નહોતી. મને સ્વીકારી તે જરા પણ પોતાનો ભોગ અપાયાની કલ્પના કરી શકતી નહોતી; માત્ર નવીન સંજોગોમાં તે મારા ઉપર ભારરૂપ થઈ પડવાની જ ના પાડતી હતી. ‘જો આપ મને ભારરૂપ માનતા હો તો હું ખસી જાઉ છું.' મારી ઉદારતાએ માજા મૂકી. પ્રેમી હાથે કરીને કેમ દુઃખી બને તેનું મેં દૃષ્ટાંત પૂરું પાડ્યું. મેં લખ્યું : ‘મારી વર્તમાન સ્થિતિમાં હું જ મારી જાતને ભારરૂપ છું તો પછી હું તને શો જવાબ આપું ?' બિચારીએ લખ્યું : 'હું તો આપનો ભાર હળવો કરત, પરંતુ આપને એમ લાગતું હોય કે આપ મારાથી જ કચડાયેલા રહેશો તો ભલે, આપ આજથી છૂટા છો એમ માનજો. મારો વિચાર ન કરશો, અને હું શું કરીશ એ પૂછશો નહિ.’ અને પછી મેં વાત સાંભળી કે એના કાકાએ એનું લગ્ન બીજે નક્કી કર્યું. કોનો દોષ? એનો ? જરા પણ નહિ. ત્યારે મારો ? મેં શું ખોટું કર્યું હતું ? કોઈનો જ દોષ નહિ તો પછી આ વાત સાંભળી મને સહુનું ખૂન કરવાની કેમ ઈચ્છા થાય? મારો પ્રેમ સ્વાર્થી તો ખરો જ ને ?’

આ હું વિચારોમાં રોકાયો હતો. એટલામાં મારી નજર પેલા સાર્જન્ટ ઉપર પડી. જરા પણ હાલ્યાચાલ્યા વગર ઊભી રહેલી તેની આકૃતિમાં ઝડપ દેખાઈ. તે ઓરડામાંથી બહાર ઉતાવળથી જતો જણાયો. હું સાવધાન બન્યો. આ માણસ મારા ઉપરથી આંખ દૂર કરે તો હું અંદર જઈ, બારણા પાસે ઊભો રહી, કમિશનરની મસલત સાંભળી લઉં. જેવો તે બહાર નીકળ્યો કે તરત હું ખુરશી ઉપરથી ઊભો થયો અને કોઈને ખબર ન પડે એવી રીતે કમિશનરના ખંડના બારણા પાસે જઈ ઊભો. મેં વાતચીત સાંભળવાનો પ્રયત્ન કર્યો. જ્યોતીન્દ્ર બોલતો હતો :

'તમને બધાને આ સંજોગોમાં સુરેશ ઉપર વહેમ આવે એ સ્વાભાવિક છે. મને પણ વહેમ આવે.'

આગળ વાતચીત સંભળાય તે પહેલાં પાછળથી મારા ખભા ઉપર મજબૂત પંજો પડ્યો. પાછળ જોયું તો પેલો સાર્જન્ટ કડક મુખ કરી ઊભો રહ્યો દેખાયો. ‘કેમ ? શું છે ? જરા કડકાઈથી પૂછ્યું.

‘આપને આગલા ખંડમાં બેસવા કહ્યું હતું; પછી અહીં કેમ આવ્યા?'

'મને તમારો બંદીવાન ધારો છો ?’

'પણ જેમાં આપનો સંબંધ નથી તે વાત આપ છૂપી રીતે કેમ સાંભળી શકો?

‘મારો સંબંધ નથી ! ઓ ભલા માણસ ! તને શી ખબર છે કે આ કાર્ય સાથે મારે કેટલો સંબંધ છે ?'

'તે ગમે તેમ હોય. મને હુકમ છે કે આપને આગલા ખંડમાં બેસાડવા. પછી મારાથી તે વિરુદ્ધ આપને વર્તન કરવા ન દેવાય !’

‘ધારો કે હું ન આવું. તમે શું કરશો ?’

‘હું તમારો હાથ પકડી બહાર લઈ જઈશ.’

‘તો હું અહીંથી ખસતો નથી. તમને ફાવે તે કરો !’

સાર્જન્ટે ઝડપથી મારો હાથ પકડ્યો. દુનિયામાં હું બધી બાબતોમાં નિષ્ફળ નીવડ્યો હતો, તથાપિ તંદુરસ્તી અને શારીરિક બળ મારાં સચવાઈ રહેલાં હતાં. મેં તેનો હાથ છોડાવી દીધો અને તેની સામે થવાનો નિશ્વય કરીને હું ઊભો. આ કાર્ય બેવકૂફીભરેલું અને બિનજરૂરી જ હતું. પરંતુ કોણ જાણે તે વખતે મને એવી ઝાળ ચઢી કે મારું સઘળું ભાન ભૂલી પારકા ઘરમાં ઘરધણીના રખવાળ સાથે હું લડવા તૈયાર થયો ! સાર્જન્ટે ફરી ધીમે રહીને મારો હાથ ઝાલ્યો, અને મેં એવા જોરથી સાર્જન્ટને ધક્કો માયોં કે તે કમિશનરના ખંડના બારણા સાથે અથડાયો. અંદરની વાતચીત એકાએક શાંત પડી. સાર્જન્ટ ઊભો થયો અને મારા તરફ મુક્કો ઉગામી ધસી આવ્યો. એવામાં ઓરડો ઊઘડ્યો અને કમિશનર તથા અંદર બેઠેલા સઘળા બહાર આવ્યા.

‘સાર્જન્ટ ! જરૂર નથી, એમને છૂટા મૂકો.’ કમિશનરે કહ્યું.

જ્યોતીન્દ્ર મારી પાસે આવ્યો. તે મને મારો મિત્ર નહિ પરંતુ દુશ્મન લાગ્યો. તેનું મુખ શાંત હતું. તેણે શાંતિથી મને કહ્યું :

‘હવે ચાલ, બીજે ક્યાંક લઈ જાઉં.’

‘તું એમ કહે ને કે તું મને તારા કબજામાં જ રાખવા માગે છે ?’ મેં જણાવ્યું.

'તોયે શી હરકત છે ? તું કયે દિવસે મારા કબજામાં નહોતો ?'

‘તું મને ગુનેગાર માને છે, નહિ ?' મેં વાત બદલી સ્પષ્ટ પૂછ્યું.

‘એ પૂછવાની જરૂર નથી. તું ગુનેગાર છે ખરો ?’ તેણે પૂછયું.

‘જરૂર નહિ.'

‘તો પછી ભલે હું કે આખી દુનિયા તને ગુનેગાર માનીએ તને શી હરકત છે ?'

‘એટલે તમે બધા મારી તપાસ કરશો, અને હું ગુનેગાર નથી એવો મારે પુરાવો કરવો, ખરું ને ?'

‘ચાલ ચાલ હવે, બેવકૂફ ન બન !'

‘નહિ, હું તો ઘેર જઈશ.’

‘ઘેર કોણ તારી રાહ જોઈ બેઠું છે ?’ જ્યોતીન્દ્રે જણાવ્યું.

મને એની વાત ખરી લાગી. જો મને ગુનેગાર ગણવાનો જ હોય તો જ્યોતીન્દ્રને કબજે રહેવું કાંઈ ખોટું નહોતું. મેં પૂછ્યું :

‘આ બધા ક્યાં જશે ?'

'પોતપોતાને કામે.'

‘અને તું ?'

‘હું તારે કામે !'

‘જ્યોતીન્દ્ર ! મને એક સ્પષ્ટ વાત કહી દેવા દે. મને તારો ભરોંસો હવે પડતો નથી.’

‘ભરોસો ન જ રાખીશ. સાથે એક પિસ્તોલ રાખીને ફર. લે.' | એમ કહી તેણે મારા હાથમાં એક પિસ્તોલ તેના પહેરણના એક ખિસ્સામાંથી કાઢીને આપી. આવા સાદા પહેરણમાં તેણે પિસ્તોલ ક્યાં સંતાડી રાખી હશે તેની મને સમજ પડી નહિ.

'મારો ભરોંસો નહિ પડતો હોય તો હું તને થોડી વાર પછી એકલો મૂકીશ, ચાલ.' કહી તેણે મને આગલા ખંડમાં દોર્યો. કમિશનરે જ્યોતીન્દ્રને પૂછ્યું:

'સુરેન્દ્રને તમે સાથે જ રાખો છો ને ?'

‘અલબત્ત. હું આપને આવતી કાલે મળી જઈશ.’

એટલું જ્યોતીન્દ્રે કહ્યું અને અમે બંને જણ બહાર નીકળ્યા. મોટર તો જ હતી. તેમાં તેણે મને બેસાડ્યો. મેં કહ્યું :

'હવે ક્યાં ?'

‘મોટરને પૂછ.’ અને મોટર આગળ ચાલી.


Rate this content
Log in

Similar gujarati story from Classics