Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

લોહીની ખંડણી 3

લોહીની ખંડણી 3

8 mins
7.6K


કીકાભાઈ વ્યાપારધંધામાં આગળ ને આગળ વધતા ચાલ્યા, જયંતીલાલ જેવા મૂર્ખ મિત્રને દૂર કરી તેઓ પોતાની અક્કલહોશિયારી વાપરવાની મુક્ત મોકળાશ મેળવી શક્યા. અદાલતમાં જયંતીલાલને હરાવીને તેમણે સિકંદર કે જંઘીઝખાન જેવી વિજ્યઊર્મિ તો અનુભવી ! એટલું જ નહિ, પરંતુ દિવસે દિવસે આર્થિક મુશ્કેલીમાં ડૂબતા જતા જયંતીલાલને નિહાળી તેમણે આનંદ પણ અનુભવ્યો !


– જોકે આનંદ વ્યક્ત કરતી વખતે તેઓ જયંતીલાલની મૂર્ખાઈને જ આગળ કરતા હતા અને વારંવાર કહેતા હતા :

'દુનિયા મૂર્ખાઓની નથી.'

કીકાભાઈની વાત બહુ સાચી ગણાય. જેની ગણતરી ખોટી પડે એ માણસને જ મૂર્ખ માનવો. મિત્ર દગો કરશે એમ ન માનનારનો મૂર્ખાઓમાં જ સમાવેશ થઈ શકે, અને ઘણી યે વાર એક જ મૂર્ખાઈ જીંદગીભરની આફત નીવડે છે. જયંતીલાલ નીચા અને નીચા ઊતરતા ચાલ્યા. વ્યાપારમાં તેમના મિત્ર કીકાભાઈની હરીફાઈ તેમને સતત ખોટમાં જ ઉતારતી. તેમણે ધંધો બંધ કર્યો, મિલકતો વેચી નાખવા માંડી, પત્નીનાં ઘરેણાં પણ વેચવાનો તેમને પ્રસંગ આવ્યો અને અંતે ભાડાના ઘરમાં રહી દિવસ ગુજારવાની પરિસ્થિતિ ઉભી થઈ. ધન આવવા માંડે છે ત્યારે આંખ મીંચીને આવવા માંડે છે; ધન જવા માંડે છે ત્યારે આંખ મીંચીને જવા માંડે છે. જયંતીલાલ આર્થિક કક્ષાએ જેટલા નીચે ઊતરતા ગયા તેટલા જ કીકાભાઈ આર્થિક કક્ષાએ ઉંચે ચઢતા ગયા. જયંતીલાલને માત્ર હવે એક જ આશા હતી : દિવસે દિવસે વધતી ગરીબાઈમાં પોતાના એકના એક પુત્ર પુષ્પકને સારી રીતે ભણાવવો. ગરીબી ભણતરમાં પણ ભારે વિઘ્નરૂપ ગણાય અને ભારતવર્ષમાં પણ ભણતર એવું મોંઘુ બનવા માંડ્યું છે કે ગરીબોથી ભાગ્યે જ ખર્ચાળ ભણતરનો લાભ લઈ શકાય. પત્નીના ઘરેણાં પુત્રના ભણતર માટે જ તેમને દૂર કરવા પડ્યા. સંતોષ એટલે જ હતો કે પુષ્પક સારું ભણતો હતો, કદી કદી ઇનામો લાવતો હતો અને ઉપલા વર્ગોમાં તો તેણે શિષ્યવૃત્તિની રકમો પણ લાવી પિતાના આર્થિક બોજને હળવો કરવા માંડ્યો.

ગરીબાઈમાં ઊંડા ઊતરતાં ઉતરતાં વર્ષો વીત્યાં અને પુષ્પક મોટો થતો ગયો, ભણતો ગયો અને સારા ભાવિની આગાહી આપતો ચાલ્યો. માનવી અંતે તો માનવી જ છે. એના મનમાં વેર વસી જાય છે. જયંતીલાલના મનમાં એક પ્રકારનું વેર તો જરૂર વસી ગયું હતું તે કીકાભાઈને નીચો પાડવો; અથવા તેમ બને એમ ન હોય તો એના સરખા બની આર્થિક રીતે તેની સરસાઈ કરવી. અંગત રીતે જયંતીલાલથી તે બની શક્યું નહિ. કીકાભાઈને નીચા નમાવવા જે પ્રયત્નો કર્યા તેમાં જયંતીલાલ નિષ્ફળ નીવડ્યા અને સરસાઈ કરવાની વાત તો બાજુ ઉપર રહી; પરંતુ આર્થિક દ્રષ્ટિએ તો તેઓ નીચે અને નીચે ઊતરતા ચાલ્યા. પુત્ર પોતાની આશા અને ઈચ્છા સફળ કરશે એ ભાવનામાં અંતે જીવવાનો પ્રસંગ આવી લાગ્યો; અને તેમને કદી કદી આશા પણ પડતી કે પુત્ર એક દિવસ કીકાભાઈની સામે જરૂર મોરચો માંડશે અને કીકાભાઈ કરતાં પોતાને વધારે ઝળકતો દેખાડશે.

જયંતીલાલને એક જ અસંતોષ રહ્યા કરતો. પુષ્પકમાં ધનઉપાર્જનના કે ધનની સાચવણીના સંસ્કાર જરા યે ખીલતા નહિ. ધન સાચવવાને બદલે પુષ્પક ધન વાપરી નાખતો. પોતાનાં ઈનામ અને શિષ્યવૃત્તિઓની રકમમાંથી તે પોતાના મિત્રોને કદી કદી ભાગ આપી આવતો પોતાનાં પુસ્તકો પણ બીજાઓને વાપરવા આપતો અને કદી કદી ભૂખ્યો રહી તે ગરીબ વિદ્યાર્થી ભાઈઓને પોતાનો ખોરાક પણ આપી આવતો. કસરત, સાદાઈ, દેશભક્તિ, સેવા, કવાયત, ગ્રામોદ્ધાર, દરિદ્રનારાયણ જેવી ભાવનાઓ સફળ કરવાને માટે તેને તાલાવેલી લાગી હોય એમ તેના વર્તન ઉપરથી લાગ્યા કરતું, આવા આદર્શોએ હિંદમાં તેમ જ જગતમાં કંઈક કારકિર્દીઓને ધૂળમાં મેળવી દીધી છે. જયંતીલાલ પોતે પણ આ ભાવનાઓના ભોગ અનેક વાર થઈ ચૂક્યા હતા અને પુત્રમાં એ ભાવનાઓ વધારે વિકસિત થતી તેમણે જોઈ ત્યારથી તેમનો અસંતોષ વધારે તીવ્ર બનતો ચાલ્યો. 'દગાખોર મિત્રને તેના દગાનું ફળ આપે એવો પુત્ર શું નીવડશે નહિ?' એમ નિસાસો નાખીને તેમનું મન કોઈક વાર બોલી ઊઠતું, જેમાં પુત્રમાં બીજો કોઈ પણ પ્રકારનો વાંધો કાઢી શકાય એમ ન હતું, એ સંતોષ તેમને રાત્રિએ સુખભરી નિદ્રા આપતો.

પુષ્પક કૉલેજના છેલ્લા વર્ષમાં આવી પહોંચ્યો. બહુ ઊંચા વર્ગમાં તે પરીક્ષા પસાર કરશે એમ સહુની ખાતરી સાથે માતાપિતાની પણ ખાતરી થઈ ચૂકી. પરીક્ષા પાસે આવતી જતી હતી; અને પુત્રની રાહ જોઈ બેઠેલાં માતાપિતાએ એક દિવસ પોતાના ઘર આગળ ઝબકારા મારતી મોટરકાર આવીને ઊભેલી જોઈ. પુત્રને મોડું થયું હતું એટલે તેનો ઊંચો જીવ માતાપિતાને તો હતો જ. આંગણે કાર આવીને ઊભી રહે એવા પ્રસંગને તે દસકા વીતી ગયા હતા. જયંતીલાલ અને તેમની પત્નીના હૃદયમાં ધ્રાસકો પડ્યો અને કારમાંથી પોતાના પુત્રને ઉતરતો જોયો ત્યારે તો તેમના મનમાં અમંગળની શંકા ઉત્પન્ન થઈ. પુષ્પક કારમાંથી નીચે ઊતર્યો; પરંતુ તેના મુખ ઉપર ફિક્કાશ દેખાતી હતી. કારની અને ઘરની વચ્ચે પાંચ ડગલાં ભરતાં પુષ્પકને ફેર આવી ગયા હોય તેમ લાગ્યું; અને પુષ્પક ઘરનાં પગથિયાં ઉપર બેસી ગયો એટલે ધડકતે હૃદયે જયંતીલાલ અને તેમની પત્નીએ તેને હાથ ઝાલી પૂછ્યું :

'પુષ્પક ! દીકરા ! શું થાય છે?'

'કાંઈ નહિ. ગભરાવાની જરૂર નથી. હું જરા સૂઈને વાત કરું.' પુષ્પકે સહજ બળપૂર્વક હસીને કહ્યું.

માતાએ ઝડપથી અંદર જઈ પથારી કરી અને પિતાએ હાથ ઝાલી પુષ્પકને પથારીમાં સુવાડ્યો. લાખ અંદેશા તેમના હૃદયમાં આવી ગયા ! લાખો પ્રાર્થનાઓ તેમના હૃદયમાં સ્ફુરી ! અને પુત્રની જિંદગીના બદલામાં માતાપિતા બન્નેએ પોતાની જિંદગી ન્યોછાવર કરવાની બાધા રાખી ! જરા સ્વસ્થતા નિહાળતાં માતાએ પુષ્પકને પૂછ્યું :

'દીકરા ! શું થયું?'

'મા ! કાંઈ નહિ. મારું...લોહી...સહેજ...એક દર્દીને આપી આવ્યો છું.' પુષ્પકે કહ્યું.

'લોહી ! દર્દી ને ? તેં આપ્યું ?' માતાપિતાએ ઉપરાછાપરી પ્રશ્નો કર્યા. માનવજાતની સેવા અર્થે પ્રત્યક્ષ લોહી આપવાની પણ યોજના વીસમી સદીએ શેાધી કાઢી છે; એટલું જ નહિ, પણ સ્વચ્છ, તંદુરસ્ત, અનુકૂળ ગુણધર્મવાળાં લોહી ભેગાં કરી 'બ્લડ બૅન્ક' નામની પેઢીઓ પણ કાઢવાનું આ પૈસાપૂજક યુગને યોગ્ય લાગ્યું છે. એક સેવાભાવી યુવક તરીકે પુષ્પકે આજે જ એક દર્દને પોષવા માટે, મૃત્યુથી બચાવવા માટે, પોતાનું રુધિર દવાખાને જઈ આપ્યું હતું. પુષ્પકે માતાપિતાની ખાતરી કરવા કહ્યું કે એવું રુધિરદાન જીવલેણ નીવડતું નથી. એમાં અઠવાડિયું પંદર દિવસ સહજ નબળાઈ આવે; એથી વધારે શરીરહાનિ તેમાં થાય નહિ.

'પણ તારી તો પરીક્ષા હમણાં આવે છે.' માતાએ કહ્યું.

'મા ! પરીક્ષા તો ફરી આવે; પણ દર્દીનો તો જીવ જાય એવી પરિસ્થિતિ હતી. આજે મેં લોહી ન આપ્યું હોત તો દર્દીને જીવવાની આશા પણ ન હતી.' પુષ્પકે કહ્યું.

'પણ એ દર્દી વળી કોણ હતો ?' પિતાએ પૂછ્યું.

'એ તો એક છોકરી હતી.' કહી પુષ્પક થાકની નિશાની તરીકે સહેજ આંખ મીંચી. ખરેખર પુષ્પકને થાક લાગ્યો હતો અને તેને આરામની જરૂર હતી.

‘જે હશે તે; હમણાં એને સૂઈ રહેવા દો. એને માટે બજાર માંથી દૂધ લઈ આવો.' માતાએ કહ્યું અને જયંતીલાલ દૂધ લેવા માટે ઊભા થયા. દૂધ લાવવા માટે પણ પત્નીની છેલ્લી રહી ગયેલી સોનાની બંગડીઓ ગીરો મૂકવાની હતી. શુન્ય મને જયંતીલાલ ઊઠી પત્નીની બંગડી લીધી, અને તેઓ બહાર નીકળ્યા. દૂધ લઈ પાછા આવ્યા ત્યારે પગથિયે ચઢતાં જ તેમણે પુષ્પકને મૂકી ગયેલી કાર ફરી આવતી જોઈ અને તેઓ ક્ષણભર પગથિયે ઉભા રહ્યા. શૉફરે ગાડીમાંથી નીચે ઊતરી ફળની ભરેલી ટોપલી ઓટલા ઉપર મૂકી દીધી અને કહ્યું :

'ભાઈને માટે ફળ મોકલ્યાં છે, શેઠસાહેબે !'

એક ક્ષણ જયંતીલાલને એક ઈચ્છા થઈ કે તેઓ ફળની ટોપલી લેવાની ના પાડે. પણ અશક્ત પુત્રને માટે આ વસ્તુ ઉપયોગી થઈ પડશે એમ ધારી પોતાના સ્વાભિમાનને તેમણે ઢાંકી દીધું. વધારામાં પોતાના ખિસ્સામાંથી એક પાકીટ કાઢી જયંતીલાલના હાથમાં મૂક્યું, જે ઉધાડતાં જ જયંતીલાલનું મુખ અને તેમની આંખ રાતાં થઈ ગયાં. તેમણે ફળની ટોપલીને લાત મારી ફળને રસ્તા ઉપર ફેંકી દીધાં, કાગળ ફાડી શૉફરના હાથમાં મૂક્યો, અને કહ્યું :

'તારા શેઠ સાહેબને જઈને કહેજે કે દીકરાનું લોહી પીવું બાકી હતું તે તેમણે હવે પૂરું કર્યું છે. હજી કાંઈ બાકી રહ્યું છે?' એટલું કહી પીઠ ફેરવી જયંતીલાલ ઘરની અંદર આવ્યા, અને પુત્રને દૂધ પાતાં પાતાં પૂછ્યું :

'પુષ્પક ! તને ખબર છે કે તેં કોને લોહી આપ્યું છે?'

'ના જી, એ તો ડોક્ટરો જાણે.'

માંદા પુત્રને વધારે લાંબી વાતમાં પિતાએ રોક્યો નહિ. એક આછો સંતોષ જયંતીલાલને થયો. પોતાના દુશ્મન બની ચૂકેલા મિત્ર કીકાશેઠનો હજાર રુપિયાનો ચેક તેમણે ફાડી નાખ્યો હતો !

પંદરેક દિવસ વીતી ગયા. પુષ્પક સહેજ હરતાફરતો થયો અને એક દિવસ એની એ જ કાર આવી તેનાં પગથિયાં આગળ ઊભી રહી. કારમાંથી કીકાભાઈ, તેમનાં પત્ની અને તેમની પુત્રી ત્રણ જણ નીચે ઊતર્યા અને જયંતીલાલના ઘરમાં પ્રવેશ્યાં. જયંતીલાલ ત્રણેને ફાટી આંખે જોઈ રહ્યા. તેમના હાથમાં હથિયાર હોત તો તેઓ ખૂન કરત. હથિયાર ન હતું એટલે હથિયારનો ઘા જયંતીલાલના પોતાના દેહ ઉપર પડતો હોય એવો ઝાટકો તેમણે અનુભવ્યો. કદાચ તેમને મૃત્યુપ્રેરક મૂર્છા આવી જાત. કીકાભાઈએ રુધિરભીની જયંતીલાલની આંખ નિહાળી અને પોતાની દીકરીને તેણે જયંતીલાલના

પગ પાસે બેસાડી કહ્યું :

'જયંતી ! મારી એકની એક દીકરીનો પ્રાણ તારા દીકરાએ બચાવ્યો છે.'

જયંતીલાલે કંઈ પણ જવાબ આપ્યો નહિ. કીકાભાઈએ વધારામાં કહ્યું :

'એકલી દીકરી જ નહિ; દીકરીની મા અને એ દીકરીનો બાપ તારે પગે પડવા આવ્યાં છે.'

'કીકાભાઈ ! શેઠસાહેબ ! માફ કરો. અને આપની મૈત્રી પૂર્ણ રીતે ફળી છે. મારું તો ઠીક, પણ મારા દીકરાનું પણ આપે લોહી પીધું છે. આટલેથી બસ રાખો.' જયંતીલાલથી બોલાઈ ગયું.

'તો આ છોકરી અને આ દસ્તાવેજ તારા પગમાં મૂકી હું ચાલ્યો જાઉં છું.' કહી કીકાભાઈ અને તેમનાં પત્ની બહાર નીકળી ગયાં. આશ્ચર્યચકિત જયંતીલાલ મૂઢ સરખા ઊભા રહ્યા. તેમનાં પત્નીએ દુશ્મન કીકાભાઈની દીકરી કનકલતાને કહ્યું :

'દીકરી ! તું પગે લાગી ચૂકી. તારી માંદગી ઓસરી ગઈ. ઈશ્વર તને દીર્ઘાયુષ આપે હવે તું જા. તારાં માબાપ બહાર કારમાં ખોટી થતાં હશે.'

'હું પાછી માબાપને ત્યાં જવા માટે આવી નથી; હું અહીં જ રહેવા માટે આવી છું. ' સાજી થયેલી કીકાભાઈની દીકરીએ કહ્યું.

'કનક ! મારા ઘરમાં, મારા ગરીબ ઘરમાં, તને ક્ષણ પણ ન રહેવું ન ગમે. છતાં તું આવી છે તો હવે જમીને જ જજે - મોં મીઠું કરીને જજે.' પુષ્પકની માતાએ કનકલતાને કહ્યું.

'સાચું કહું ? નાને મોંએ મોટી વાત થાય છે એ હું જાણું છું, છતાં કહી લઉં. જેણે મને જિવાડી છે તેને મારો જીવ અર્પણ કરવો છે, એટલે હું અહીંથી જરા યે ખસવા માગતી નથી. જમીશ પણ અહીં; પરણીશ પણ આ ઘરમાં; અને રહીશ પણ અહીં !' કનકલતાએ કહ્યું. અને બહાર મોટર ઊપડી ગયાનો અવાજ પણ સંભળાયો. અરે ! કનકલતાને અહીં મૂકી તેનાં માતાપિતા ચાલ્યાં જતાં હતાં ! પુષ્પકની માતાએ જયંતીલાલના પગ પાસે પડેલો. દસ્તાવેજ ઊંચકી તેના હાથમાં મૂક્યો.

તે જ ક્ષણે જયંતીલાલ વિચારમાં ને વિચારમાં ઊંડા ઊતરી હાથમાં મુકાયેલ દસ્તાવેજ ફાડતા ચાલ્યા. એ દસ્તાવેજમાં બધી જ મિલકત કીકાભાઈએ પોતાની પુત્રી કનકલતા અને તેના પતિને સોંપવાનો લેખ કરેલો હતો એની તેમને ખબર પણ ન હતી. તેઓ લેખ, દસ્તાવેજ અને ખતપત્ર કરતાં કાઈ વધારે ઊંચી દુનિયામાં વસતા હતા. હજાર રૂપિયાના ચેકને બદલે પોતાનું અને પોતાની મિલકતનું અર્પણ કરવા દુશ્મન કીકાભાઈની પુત્રી દૃઢ નિશ્ચય કરી તેમની સામે જ આવી ઊભી હતી !

પુત્રે બદલો લીધો એવી ભાવના જ તેમના હૃદયમાં શોધી જડી નહિ. દુશ્મનની દીકરી તેમને પોતાની જ દીકરી લાગી. તેમની મિલકત કીકાભાઈએ લૂંટી લીધી હતી ? કે વ્યાજ સાથે તે પાછી મળતી હતી ? કાંઈ પણ વિચાર કરવાની શક્તિ ગુમાવી બેઠેલા જયંતીલાલ કનકલતાના મસ્તક ઉપર આશીર્વાદભર્યો હાથ મૂક્યો. તેમની આંખમાં અશ્રુનાં બે બિંદુઓ ચમકી ગયાં.

કલ્પના કરતાં પણ સત્ય વધારે વિસ્મયપ્રેરક હોય છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational