STORYMIRROR

Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

મારું અપરાધનિવેદન

મારું અપરાધનિવેદન

10 mins
14.5K



ન્યાયાધીશ સાહેબ ! હું મારો ગુનો કબૂલ કરું છું. મારી રાજીખુશીથી આ કબૂલાત કરું છું. ગુનો કબૂલ કરવાની મારી ફરજ નથી એ આપે કહ્યું તે મેં સાંભળ્યું. મારા ઉપર કોઈએ દબાણ કર્યું નથી, મને કોઈએ ધમકી આપી નથી. દબાણ કર્યું હશે કે ધમકી આપી હશે તો ય એ દબાણ કે ધમકીને હું વશ થઈ કબૂલાત કરું છું એમ પણ નથી. સાચી વાત હું જાણીબૂજીને કહું છું. પુરાવો થયો છે એટલે હું કબૂલાત નહિ કરું તો ય આપ મને સજા તો કરશો જ. તેની બીક લાગવાથી પણ હું સાચી વાત કહું છું, એમ ન માનશો બસ અત્યારે મને સત ચઢ્યું છે; હું સાચું જ બોલીશ અને મારો ગુનો કબૂલ કરીશ.

મારે માથે નાખેલો ગુનો એ મારો પહેલો ગુનો નથી. હું તો નાનપણથી જ ગુના કરતો આવ્યો છું, પરંતુ મારો એક પ્રશ્ન છે: ગુના કોણ નહિ કરતુ હોય ? જેને સગવડ ન મળે તે ગુનો ન કરે અગર જેનામાં હિંમત ન હોય તે ગુનો ન કરે. મને ગુનો કરવાની સગવડ ઠીક ઠીક મળી. મારામાં ગમે તેવા કઠણ ગુના કરવાથી હિંમત પણ હતી; હજી પણ હિંમત છે. મને છોડશો એટલે પાછો હું એમાં જ પડીશ. જરા કહું એનું કારણ? મેં જૂઠ, ચોરી અને ઠગાઈ કેમ અને ક્યારથી કરવા માંડી તેનું કારણ?

મારી જિંદગીની મેં નોંધ રાખી છે– મહાપુરુષોની માફક. વચમાં વચમાં મને વિચાર આવે છે પણ ખરા કે હું મહાપુરુષ કેમ ન થાઉં? મહાપુરુષો પણ ચોર તથા ઠગ નથી હોતા એમ ન માનશો. માત્ર પકડાવામાંથી એ બચી ગયા હોય છે એટલું જ. હું પણ પકડાઈ ગયો ન હોત તો આજ મહાપુરુષ બની બેસી ગયો હોત. વગરપકડાયેલા કૈંક ચોર આજ ન્યાયાધીશની ખુરશીઓ શોભાવે છે. નામ આપું થોડાં ? હશે, જવા દઉં! મારે મારાં કામ સાથે કામ !

ચોરીની વૃત્તિ નાનપણથી જાગે છે અને નાનપણમાં તો એ ખૂબ ખીલી નીકળે છે. અમે ત્રણ મિત્રો હતા–બાલમિત્રો. એક હવેલી શોભાવતો ધનિક, બીજો મધ્યમ સ્થિતિના ઘરમાં રહેતો–ધનિકના અને પોતાનાં સુખસગવડની તુલના કરતો અસંતોષી જીવ અને ત્રીજો ગરીબ, જેને ધનિક તેમ જ મધ્યમ વર્ગ બન્નેની હાડછેડ સહન કરવી પડતી હતી. એ ત્રીજો તે હું. ધનિકને રમવા માટે મિત્રો તો જોઈએ જ ને? તે તેમને બાલ્યાવસ્થામાં મધ્યમ અને ગરીબ વર્ગમાંથી મળી આવે છે. પછીથી – જીવનનાં વર્ષો વધ્યા પછીથી ધનિકો પોતાના સરખા જ ધનિકોની મૈત્રી કરી લે છે એ જુદી વાત.

બાળપણમાં શું શું થાય છે તેની વાત કહી લઉં. ધનિક કાચની લખોટીએ રમે. મને અને મારા મધ્યમ સ્થિતિના મિત્રને કાચની લખોટીઓનું મન થાય એ સ્વાભાવિક ગણાય. ધનિક બાળકોની સારી વસ્તુઓ જોઈ કયા ગરીબને તે મેળવવાનું મન નહિ થતું હોય ? મારો મિત્ર તેને સૂચન કરતો અને હું કાચની લખોટીઓ ચોરી લાવી મારા મધ્યમ સ્થિતિના મિત્રને આપી તેની સાથે રમતો. એટલું જ નહિ; એ જ ચોરેલી લખોટીઓ જાણે અમારી ખરીદ કરેલી, માલિકીની હોય એમ અમે ધનિક મિત્રને બતાવતા અને તેની ઘમંડ ભરેલી ધનિકતાને જરા નીચે ઉતારતા હતા. નાની નાની ચીજો ચોરાય તેનું ભાન ધનિકપુત્રોને ભાગ્યે જ હોય છે. એટલે ચોરાતી લખોટીઓને સ્થાને તેને માટે તો બીજી આવતી. પરંતુ માનવીને હૈયે માલિકી એટલી જડાયલી છે કે અમારી પાસે કાચની સરસ લખોટીઓ નિહાળી તે કદી સૂચન પણ કરતો કે તેની લખોટીઓ પણ ચોરાઈ જાય છે.

આ સૂચનનો અમે સામનો જરૂર કરીએ. ‘હવેલીમાં રહે તેને જ કાચની લખોટીઓ રમવા મળતી હશે, એમ?' કહી અમે તેનું ધનિકપણું તેના માથામાં મારતા. લખોટીઓ ચોરનાર ભમરડા પણ ચોરે, ગીલીદંડા પણ ચોરે અને આગળ વધતાં બૅટબૉલ પણ ચોરે. મારી પાસે તો એ કશું ય મેળવવાનું સાધન ન હતું. મધ્યમવર્ગી મિત્ર પાસે ઓછું સાધન હોય, પણ એમાંથી બૅટબૉલ તો ન જ આવે. એટલે અમારે આવાં રમતનાં સાધનોની માલિકી કરવી હોય તો ચોરી કે ઝૂંટ-લૂટ સિવાય બીજો કર્યો માર્ગ અમને જડે ? અમે એ ધનિકના ભમરડા, રમકડાં, બૅટબૉલ ચોરી લેતા અને અમારી તથા ધનિકોની વચ્ચેનો ગાળો ઘટાડી દેતા. અમારાં માબાપ અમે ચોરી કરીએ એમ માનવા કદી તૈયાર ન જ હોય; અને આવાં તેમની જાણ બહાર અને તેમના ખર્ચ બહારનાં સાધનો ઘરમાં માબાપ જોતાં અને પૂછપરછ કરતાં ત્યારે કલ્પિત ભાઈબંધોનાં નામ અમે જરૂર ઉદારતાપૂર્વક આપી શકતા.

ચોરી કરવી એ ગુનો છે ! ચોરી કરવી એ અપ્રતિષ્ઠિત છે ! આવાં સૂત્રો તો અમે નાનપણથી સાંભળતા. એ સાચું ભલે હોય, તો ય અમારે જોઈતી ચીજ મેળવવી હોય તો ચોરી સિવાય બીજો ક્યો માર્ગ અમારે માટે ખુલ્લો હતો? ધનિકની બાઈસિકલ જોતાં અમને પણ બાઈસિકલ મેળવવાનું મન થયું; અને અમે કોઈની સાઇકલ તફડાવી તેના નંબર અળગા કરી સાઈકલને અમારી બનાવી માતાપિતાની ધમકીથી બચવા અમે શાળાની સ્કૉલરશિપનું જૂઠું નામ આગળ કરતાં અથવા બેસવાની લાલચે સાઈકલ વાપરવા આપનાર મિત્ર તરીકે ઓળખાવા ઘણા મિત્રો તૈયાર રહેતા. આમ ધનિકની માલિકીની દેખાદેખીમાં અમારી ચોરી ચાલ્યા જ કરતી હતી. ચોરીનું સૂચન પેલા મધ્યમ વર્ગના મિત્રનું અને તેની અમલ બજવાણી મારી; ઉપયોગ અમારા બન્નેનો.

આમ ચોરીમાંથી બંધાયેલી અને ઘટ્ટ બનેલી અમારી મૈત્રી ચાલુ રહી. મિત્રના સૂચન વધતાં ચાલ્યાં અને ચોરીની મારી હિંમત વધતી ચાલી. અમે કદી પકડાતા નહિ. અને પકડાવાનો પ્રસંગ આવતાં કોઈ કલ્પના ઉપજાવી તેને સત્ય તરીકે ઠસાવી શકતા, જે પુરવાર કરવા અમને ખોટા સાક્ષીઓ પણ મળી રહેતા.

અમે ત્રણે જણ ભણતા પણ સાથે. ધનિકને ચોપડીઓ જોઈએ એટલી મળે; મને અને મારા બીજા મિત્રને તેની પણ મુશ્કેલી; પરંતુ સર્વે મુશ્કેલીઓમાં પાર ઉતારનાર ચાવી અમને ચોરીમાં મળી આવી હતી. ધનિક મિત્રની ચોપડીઓ તો અમે જરૂર ચોરીએ; સાથે સાથે અમારી હાથચાલાકીનો લાભ અમે બીજાઓને પણ શા માટે ન આપીએ ? સ્લેટ, પેન, પેન્સિલ, નોટ પણ આમને આમ મળી રહેતાં. કહેવું જોઈએ કે મારો અને મારા મિત્રનો અભ્યાસ કોણ જાણે કેમ પણ સરસ ચાલતો, એટલે શિક્ષકોની અમારા પ્રત્યે સહાનુભૂતિ હતી અને વિદ્યાર્થીઓમાં અમારે માટે માન હતું. મોટે ભાગે તો અમારા ઉપર વહેમ કોઈને જતો પણ નહિ. એ પરિસ્થિતિનો અમે લાભ પણ લેતા. શા માટે નહિ? એ વગર અમારાથી આગળ વધી શકાય એમ હતું જ નહિ. પુસ્તકાલયમાંથી પુસ્તકો ઉઠાવી જનાર અસંખ્ય વિદ્યાર્થીઓ તો આપે જોયા જ હશે, ન્યાયાધીશ સાહેબ ?

બહુ શિક્ષકો રાખવા છતાં ધનિકપુત્રનો અભ્યાસ જરા મંદ ચાલતો. તેને બહુ અભ્યાસની જરૂર પણ ન હતી, પરંતુ કેટલાક

શિક્ષકોએ સૂચન કર્યું કે ભાઈને પરદેશ મોકલી અભ્યાસ કરાવો. નેતાઓ અને ધનિકોને એમાં કશી હરકત આવતી નથી. 'સ્વદેશી ભણતર સારું ! પરદેશી કેળવણીની ચમકમાં ન ફસાવું ! પશ્ચિમની કેળવણી એ ગુલામી ઉપજાવનાર મોહજાળ !' એમ વારંવાર કહી ચૂકેલા નેતાઓ પોતાના પુત્ર-પુત્રીને પહેલી જ તકે યુરોપ-અમેરિકાની કેળવણી લેવા અને પરદેશી ડિગ્રીઓના ભાવિ લાભ અપાવવા પરદેશ મોકલી જ દે છે. ધનિક નેતાઓની માફક બનતાં સુધી ભાષણ કરતા જ નથી. એટલે કાંઈ પણ બોલ્યા વગર પિતાનાં પુત્ર-પુત્રીને એ લાભ અપાવી શકે છે.

આપણે પણ પરદેશ કેમ ન જઈએ ? ગરીબો અને મધ્યમ વર્ગનાં બાળકોને–વિદ્યાર્થીઓને આવી ઈચ્છા ન થાય એમ તો આપ માનો જ નહિ. ધનવાનના દીકરાને કે અમલદારના દીકરાને, પરદેશની કેળવણીનો લાભ મળતાં એ પાછો ધનિક કે અમલદાર જ થવાને પરંપરાની કારકુની કરી જીવન ગુજારતા આપણે દેશના ભણેલા લાખો માનવીઓને ખબર હોય જ. એટલે પરદેશ જઈને પરદેશી ડિગ્રી મેળવી ઊંચા અમલદાર બનવાની ગરીબ વિદ્યાર્થીએને પણ ઈચ્છા થાય એમાં ગરીબનો દોષ શો?

દોષ માત્ર તેમનાં નસીબનો કે તેમને પરદેશ જવાનું સાધન ન મળે ! તેમને પૈસા પણ કોણ ધીરે? શા ઉપર ધીરે ? તેમના સાધનમાં માત્ર ચોરી ! લૂંટ કરવા જરા હલકો ગુનો, ખરું સાહેબ ? માગ્યે તો પૈસા મળે જ નહિ !

અડગ નિશ્ચયને કશું અશક્ય નહિ. મારી નજર ચારે પાસ ફરી વળી. મેળાની ગીરદીમાં ફરતા કોઈ સજ્જનની ઘડિયાળ સાથે સોનાનો અછોડો, સિનેમાના અંધકારમાં કોઈ પુરુષનો હાથ શોધતા સ્ત્રીના હાથ ઉપરની બંગડી, લગ્નગાળામાં બાળકને પહેરાવાતા ખીચોખીચ અલંકાર : એમ ચોરનારને ઈશ્વરદીધા ધન્ય સંજોગો અને સાધનો ઊભાં થયાં; એને ચોરીનો માલ રાખનાર અનેક

પ્રતિષ્ઠિત શાહુકારો મળી આવતા હોવાથી જોતજોતામાં મેં ત્રણેક હજારની રકમ તો ઊભી કરી. પરંતુ એટલી રકમ ઉપર અમે બને મિત્રો પરદેશ જઈ શકીએ એવી હિંમત થઈ શકી નહિં, અને નિરાશાના વાદળને દૂર કરતા પ્રકાશ સમી એક સુંદર સૂચના મારા મિત્રે મને કરી.

'તું કહે તો આ રકમમાંથી પ્રથમ હું જાઉં; ભણીને ત્રણ વર્ષે પાછો આવું. નોકરી તો મને સારી મળશે જ, એટલે એવડી રકમ હું પછી ઝડપથી ઊભી કરી શકીશ. એમાંથી તું જઈ ભણી આવજે.'

નિષ્ણાત મિત્રનું આ સૂચન મને ગમી ગયું. જ્યાં ત્યાં બેત્રણ વર્ષનો જ તફાવત ને? ભલે એ પહેલો જાય, એ આવી જરૂર મારે માટે પૈસા ઊભા કરી આપશે, વળી હું ગરીબ અને એ મધ્યમ વર્ગનો રહ્યો, એટલે પહેલી તક એ ભલે લે. આવા વિચારે કરી મેં મારી હિંમતથી મેળવેલી એ બધી રકમ તેના હાથમાં મૂકી દીધી અને તે વિલાયત જઈ બેરિસ્ટરીના અભ્યાસમાં પડ્યો.

અહીં મારાથી મિત્ર વગર રહેવાતું નહિ... અને જે ઢબે મેં મારા મિત્રને મોકલ્યો તે જ ઢબે હું ચારછ માસમાં કેમ ન જઈ શકું? સોનાના અછોડા પહેરનાર એક જ માનવી ન હોય; સોનાની બંગડીઓ પહેરનાર એક જ સ્ત્રી દુનિયામાં નથી. લગ્નગાળા તો વર્ષોવર્ષ–અરે, વર્ષમાં કેટલા યે માસ ચાલે.

મારા જ ધનિક મિત્રની બહેન પણ કૉલેજમાં ભણતી હતી; લૂગડાંઘરેણાંની બહુ શોખીન ! બહુ સંખ્યામાં ઘરેણાં ન પહેરે; પરંતુ જે થોડાં પહેરે તે ઘરેણાં બહુ જ કીમતી હોવાનાં. એની આંગળીએ નિત્ય વળગેલી હીરાની વીંટી, કીમતી નંગ જડિત સાડી ઉપરની ક્લિપ, તથા ગળે લટકતો મોતીનો હાર મારી વિલાયતની મુસાફરી માટે બસ થાય એમ હતું. ધનિક મિત્રના પરિચય ઓથે મેં તેની મૈત્રી કેળવવા માંડી. ચોરને કયો વેશ ભજવતાં ન આવડે ?

એક દિવસ એના જ બગીચાના અંધકારમાં અમે વાત કરતાં બેઠાં હતાં. મારો ચપળ હાથ તેની બંગડીનો પીછો પકડી રહ્યો હતા. મને ખાતરી હતી કે તેને મારી હાથચાલાકીની જરા ય ખબર ન હતી, પરંતુ એક અકથ્ય કારણે તેને મારા નિષ્ણાત હાથનો જરાક સળવળાટ સમજાઈ ગયો.

'બંગડી જોવી છે? હમણાં જ કરાવી.' તેણે કહ્યું.

'બંગડી નહિ, બંગડીવાળો હાથ જોવો છે!' પકડાઈ જતાં હું પ્રેમી બની ગયો.

'એમ તો મેં કાનનાં નવાં કુંડળ કરાવ્યાં છે. તું તો કહી શકે તારે મારું મુખ જોવું છે !'

'એ તો હું જોઉં છું જ ! તારી આંખ મારી આંખને મળેલી ન હોય ત્યારે પણ !'

'બધું જાણું છું ! કેટલા યે દિવસથી તું મને ધારી ધારીને જોયા કરે છે તે !'

'માફી માગું ? કે આગળ વધું ?'

'જેવી તારામાં અક્કલ.'

'મારી અક્કલ એક જ વાંધો ઉઠાવે છે. હું ગરીબ છું, એટલે તવંગર યુવતીને ચાહી ન શકું; મારો એ અધિકાર તવંગર યુવતી ન સ્વીકારે.'

'તવંગર યુવતીને તેં પૂછી જોયું છે?'

'પૂછીને નિરાશ થવા કરતાં....'

'શા ઉપરથી જાણ્યું કે તું નિરાશ થઈશ?'

'એમ? ખરેખર, આ યુવતી તો મને ચાહતી હતી ! હું એને ખુલ્લી રીતે એની લાગણીનો લાભ લઈ ફાવે એમ લૂંટી શકત અને વિલાયત ચાલ્યો જાત; પરંતુ આ એક જ પ્રસંગ હતો જેમાં ચોરી કરવાનું મારું મન ચાલ્યું નહિ. મને ચાહતી છોકરીનાં ઘરેણાં હું ચોરું ? બહેતર છે કે હું વિલાયત ન જાઉં !

અને હું વિલાયત ન જ ગયો...અને વિચિત્ર ઢબે હું એ યુવતીએ ઉઘાડેલા પ્રેમપ્રદેશમાં પગ મૂકી ચૂક્યો, એનાં ઘરેણાં તો મારાથી ન ચોરાયાં; એટલું જ નહિ, યુવતીના પ્રેમની પાત્રતા મેળવવાના તરંગી વિચારે મેં ચોરી કરવી બિલકુલ બંધ કરી દીધી. પ્રેમની ઘેલછા જેમ માણસને બગાડી મૂકે છે તેમ તે સુધારે પણ છે; નહિ સાહેબ?

આ પ્રસંગ પછી બે વર્ષે મારો મિત્ર બેરિસ્ટર થઈ પાછો આવ્યો. હું બહુ રાજી થયો; પરંતુ એના મિલનમાં મને સહજ પણ ઉમળકો દેખાયો નહિ. હું થયું હશે ?

મેં તેને પૂછ્યું પણ ખરું. જવાબમાં તેણે કહ્યું :

‘જો, હવે હું બૅરિસ્ટર બન્યો છું. મારે માટે ન્યાયખાતામાં સારી નોકરી તૈયાર થઈ રહી છે. મારે નવી પ્રતિષ્ઠા સ્થાપવાની છે ... અને...માફ...કરજે... પણ મારી જૂની અપ્રતિષ્ઠાને ઢાંકણું દેવાનું બાકી છે...એટલે બને એટલું ઓછું મળે તો વધારે સારું.'

મિત્રની વાણી સાંભળી હું આભો બની ગયો. આશ્ચર્યનો આંચકો શમ્યો એટલે પૂછ્યું :

'પણ...તેં મને પેલા પૈસા આપવા જણાવ્યું છે તેનું શું ? એ આપે તો હું વિલાયત જઈ આવું.'

'કયા પૈસા ?'

'જે પૈસા વડે તું વિલાયત જઈ શક્યો તે.'

'એના ઊપર પડદો પાડી દે...એ મારા પણ પૈસા હતા... સૂચના કોની ?'

'અડધો ભાગ તો મારો ખરો ને ?'

'એનો પુરાવો શો ?’

'પુરાવામાં તું.'

'જો. હું ન્યાયાધીશ નિમાઈ ચૂક્યો; આ મને મળેલો હુકમ. હું તો માત્ર ન્યાય તોળું; સાક્ષી પુરાવા મારે ઊભા કરવા નહિ.'

અને તે હસ્યો. એ હાસ્યની છબી મારા હૃદયમાં સદા જડાઈ ચૂકી છે !

હતાશ બનેલે હું મારી પ્રિયતમા પાસે ગયો. એને મેં નિહાળી. એના પ્રેમમાં પડતાં હું સજ્જન બનતો ચાલ્યો હતો. એનું દર્શન મારે મન આશ્રયસ્થાન હતું, પરંતુ મારું આશ્રયસ્થાન પણ વીંખાઈ ગયું હતું . જેની સાથે લગ્ન કરી હું સુધરવા તથા મોટો માણસ થવાના અભિલાષ સેવી રહ્યો હતો તે કલ્પનાની પૂતળી મારી પાસે આવી તો ખરી, પણ તેણે મને કહ્યું :

'આપણું આ મિલન છેલ્લું છે. હવે ફરી મને મળવા ન આવીશ.'

'કેમ? શું થયું ?'

'તું એક ભયંકર ચોર છે... તેં તે દિવસે મારી બંગડી નિહાળી, તેં મારો હાથ જોવા નહિ, પણ બંગડી કાઢી લેવા.'

'તને કોણે કહ્યું?'

'ભાઈના જ..અરે તારા જ મિત્ર બૅરિસ્ટરે...'

'અને એ તારા પ્રેમને યોગ્ય તને લાગ્યો છે, ખરું?'

'અમારી વાત અમારા ઉપર છોડી દેજે. તને એમાં કાંઈ લાગેવળગે નહિ.'

હું તુર્ત ઊઠ્યો... અને ત્યારથી....મારો જૂનો ચોરીનો ધંધો કર્યે જાઉં છું. મને લાગે છે કે પ્રધાનથી માંડી પટાવાળા સુધી અને ન્યાયાધીશથી માંડી પુરવાર ગુનેગાર સુધી બધા જ ચોર છે એમ કહું તો આપ પુરાવા વગર ન જ માની શકો, પરંતુ પુરાવા વગર સાબિત ન થતી કૈંક ક્રિયાઓ ચોરી હોય છે એ મારો જાત અનુભવ છે. વળી જે મિત્રની મેં વાત કરી તે આપ જ હતા, એમ હું કદાચ કહું તે તો આપ તે હરગિજ માનવાના નથી; અને દુનિયા તો મને સાંભળે જ શાની ? આપ પ્રતિષ્ઠિત ન્યાયાધીશ છો; બહુ ધનિક, સુશીલ, રૂપવાન અને સમાજ આગેવાન યુવતીને પરણ્યા છો; આપની છબી પણ આ અદાલતમાં મોટા સમારંભ સહ લટકવાની છે એ હું જાણું છું. પકડાય નહિ ત્યાં સુધી સહુ પ્રતિષ્ઠિત. હું પકડાયો છું.. .આ ગુનો મેં ન કર્યો હોત તોપણ સજાને પાત્ર ઘણા ગુના મેં કર્યા છે – જેમાં આપનો ભાગ હતો એમ હુ કહું તો કોઈ માનશે નહિ. આપ પણ પકડાઓ નહિ ત્યાં સુધી ભલે પ્રતિષ્ઠિત રહો ! હું પકડાયો છું; મને જરૂર સજા કરો....મારું કથન આપને ચમકાવી શકતું નથી એટલા સ્થિતપ્રજ્ઞ આપ બની શક્યા છો એથી હું બહુ રાજી થયો છું. કાં તો ગુનેગાર કે કાં યોગી જલકમલવત્ રહી શકે. ને જે સ્થાને આપ બિરાજો છો એ સ્થાન આપને યોગી તરીકે ઓળખાવી રહે એમાં આશ્ચર્ય નહિ; હું તો ગુનેગાર છું જ.

આટલું જ મારું નિવેદન. હવે આપ સજા ફરમાવી શકશો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational