Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

લોહીની ખંડણી 2

લોહીની ખંડણી 2

4 mins
7.3K


માનવીની સારપ બેવકૂફી પણ મનાય છે. આશ્ચર્યની લાગણી ચાલુ હતી ત્યાં સુધી જયંતીલાલ માટે કીકાભાઈને સદ્ભાવ ખૂબ રહ્યો. જયંતીલાલને કીકાભાઈએ સલાહ પણ આપી કે આટલા બધા સારા થવું જોખમ ભરેલું છે. જેનો જવાબ જયંતીલાલે એમ વાળ્યો : 'તને મિલકત સોંપવી એમાં જો જોખમ હોય તો જિંદગીમાં જોખમ સિવાય બીજું કાંઈ નથી.'

અને થોડાં વર્ષ બન્નેનો વેપાર ભેગો ચાલ્યો, અને બન્ને મિત્રો સારા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરતા ચાલ્યા.

કોઈ પણ સહકાર્યમાં - ભેગા વ્યાપાર વ્યવહારમાં એક ભારે મુશ્કેલી છે. નફો મળતો હોય તો પણ એ નફામાં કોનો કેટલો ભાગ ગણવો એ પ્રશ્ન અનેકાનેક માનસિક અને વ્યાવહારિક ગૂંચવણો ઊભી કરે છે. મૂળ થાપણ જયંતીલાલે આપી એ વાત ખરી; પરંતુ એમાં કીકાભાઈએ પોતાની બુદ્ધિ અને મહેનત ઉમેર્યાં ન હોત તો જયંતીલાલની મૂડી એમની એમ પડી રહી હોત ! અરે પડી રહી હોત એમ નહિ; પરંતુ તે શોષાઈને અદ્રશ્ય પણ થઈ ગઈ હોત. મૂડી હોય તેથી કંઈ મૂડી વાપરતાં આવડી એમ કહેવાય નહિ. વળી જયંતીલાલ રાકેલી મૂડીનો અર્ધો ભાગ આપવા કીકાભાઈ ક્યાં તૈયાર જ હતા ? જયંતીલાલે માગી હોત તો જયંતીલાલની થાપણ કરતાં ત્રણચારગણી થાપણ કીકાભાઈ મૂકી શકયા હોત અને જયંતીલાલનો આખો વેપાર ખરીદી શક્યા હોત. એટલે જયંતીલાલની થાપણ અંગે કીકાભાઈએ બહુ ઉપકારની લાગણી સેવવાની જરૂર ન હતી. ધીમે ધીમે એ ઉપકાર ઓસરી ગયો, એટલું જ નહિ પણ વેપારમાં જયંતીલાલની ભાગીદારી કીકાભાઈને અડચણરૂપ લાગવા માંડી.

એ અડચણ દૂર કરવાનું સાધન પણ કીકાભાઈ પાસે હતું, જયંતીલાલે પોતે જ આખી થાપણ જાણે કીકાભાઈએ મૂકી હોય એવી રીતે શું ચોપડા તૈયાર કર્યા ન હતા? જયંતીલાલની એમાં ઉદારતા હતી કે સાવચેતી હતી તેની વિમાસણમાં પડી કીકાભાઈએ નક્કી કર્યું કે એમાં જયંતીલાલની ઉદારતા કરતાં લુચ્ચાઈ વધારે કારણરૂપ હતી. આખી થાપણ પોતાને નામે કરી બધી જવાબદારી કીકાભાઈને માથે નાખવાનો પ્રયત્ન હોય એમ કોણ કહી શકે? નફો મળે ત્યાં સુધી તો ઠીક, પરંતુ વખતે વ્યાપારમાં લથડિયું ખાઈ જવાય ત્યારે જયંતીલાલની જવાબદારી શી? થાપણ પણ કીકાભાઈના નામે કરી લીધી એટલે જવાબદારી આખી કીકાભાઈને માથે પડે એવી સફાઈથી જયંતીલાલ અળગા થઈને બેસે તો તેને અટકાવવા માટે બીજું શું સાધન મળી શકે ?

એક દિવસ કીકાભાઈએ જયંતીલાલને કહ્યું : 'ભાઈ આપણે હવે આપણી ભાગીદારી લેખી કરી લઈએ.'

‘આટલા દિવસના ચોપડા શું આપણી ભાગીદારીની વાત નહિ બોલે ?' જયંતીલાલે જવાબ આપ્યો.

'એમ નહિ. પણ જરા વધારે સ્પષ્ટતા કરવી એ સારું છે. નફા ભેગી જવાબદારી પણ આપણે કાયદેસર કરી લઈએ.'

'જે દિવસે કાયદેસર લખાણ કરવાની ઈચ્છા થાય તે દિવસે આપણે છૂટા પડવું એ વધારે સારું. આપણે છૂટા પડીએ એમ હું પણ માનતો નથી, દુનિયા પણ માનતી નથી અને તું પણ ન માને.' જયંતીલાલે કહ્યું.

'હું શા માટે ન માનું ? જિંદગીભર ભાગીદારી ગોળગોળ રાખવી એ મને હવે તો ફાવતું નથી. એનાં કરતાં છુટા પડવું એ શું ખોટું ?' કીકાભાઈએ કહ્યું.

'કીકા ! આ તું બોલે છે? થાપણથી માંડી નફા સુધી મેં

તને કોઈ દિવસ કશો પ્રશ્ન કર્યો નથી, છતાં તને મારો અવિશ્વાસ આવે છે? તારી ઈચ્છા હોય ત્યારથી આપણે છૂટા પડીશું.' જયંતીલાલે જરા દુઃખપૂર્વક કહ્યું,

‘છૂટા પડવું હોય તો વાર શી ? અબઘડી છૂટા પડીએ. થાપણ તેં મને લખી આપી છે તે મારી ઉપર મહેરબાની કરવા માટે નહિ. મહેનત અને બુદ્ધિ મારાં ! અને અર્ધો નફો તું મેળવી ગયો છો ! અત્યારથી જ હું કહું છું કે તું છુટો છે. તારે અને ધંધાને, તારે અને ધંધાના નફાને આ પળથી કંઈ લેવાદેવા નથી એમ માની લેજે.' કીકાભાઈએ કહ્યું,

આરામથી બેઠેલા જયંતીલાલ જરાક ચોંકીને સ્થિર બેઠા અને સખતાઈપૂર્વક તેમણે કહ્યું : 'કીકા ! મગજ ઠેકાણે નથી લાગતું, ખરું ?'

'મારું મગજ ઠેકાણે છે. સવાલ તારા મગજનો છે. આ ધંધામાં તારે કંઈ લાગતું વળગતું નથી અને કાંઈ પણ હોય તો અદાલતમાં શોધી કાઢજે.'

વેપાર અને નફાને અંગે બે જીવજાત દોસ્તો એકબીજા સાથે આમ લડી છૂટા પડ્યા. જયંતીલાલ પાસે લેખી પુરાવો કંઈ પણ ન હતો. અસલ થાપણ પણ કીકાભાઈના નામે ચોપડે ચઢી ગઈ હતી. ઉપકાર જયંતીલાલે કર્યો હતો તે બદલાઈ જઈ કીકાભાઈએ જયંતીલાલ ઉપર ઉપકાર કર્યો હોય એવો દેખાવ થયો. કૃતધ્નતા માનવીને ઘેલો બનાવી દે છે. ગમે તેમ કરી ન્યાય મેળવવો એવો મમત ચઢાવી જયંતીલાલે અદાલતમાં ન્યાય મેળવવા માટે પ્રયાસો કર્યા. ન્યાય મેળવવાના પ્રયાસનો અર્થ વકીલોમાં પૈસા વેરવા એટલો જ થાય છે. વર્તમાન યુગની કચેરીઓ ન્યાય આપી શકે એવું એમનું બંધારણ જ નથી. કીકાભાઈએ જયંતીલાલના ભાગની સમૂળગી ના પાડી; જયંતીલાલે પોતાનો ભાગ નહિ પણ મુખ્ય ભાગ હોવાની સચ્ચાઈ ઉપર અદાલતનો આશ્રય લીધો, જેમાં તેમને ન મળ્યો

ન્યાય કે ન મળ્યો ભાગ ! રાષ્ટ્રો વચ્ચેના કરારોને સુધરેલા મુત્સદ્દીઓ કાગળનો ટુકડો ગણાવી ઠોકર ચઢાવે એ મુસદ્દીપ્રેરિત દુનિયાની અદાલતો ન્યાય આપી પણ કેમ શકે ? જયંતીલાલ ત્રણ અદાલતો સુધી ગયા, હાર્યા, ન્યાય ન જ મળ્યો અને એવી પરિસ્થિતિમાં આવી પડ્યા કે જેમાં તેમની મિલકત, રોકડ ને ઘરેણાં બધુ જ ગીરો-વેચાણ થઈ ગયું. શેઠની કક્ષાએ બિરાજેલા જયંતીલાલ સામાન્યતામાં ઊતરી ગયા; મોટરકારમાં ફરતા હતા તે હવે પગે ચાલતા થઈ ગયા; મહાલયમાં રહેતા હતા તે હવે નાનકડા તૂટેલા મકાનમાં રહેવા લાગ્યા; એટલું જ નહિ પણ તેમનાં મન અને તન વિશ્વાસઘાતી મિત્રના વલણથી એટલાં લથડી ગયાં કે તેમને જીવવું પણ અકારું લાગ્યું. તેમનાથી પોતાને હાથે મરી શકાયું નહિ એટલા પૂરતા જ તેઓ જીવતા રહ્યા. જીવતા રહેવામાં તેમને બે પ્રેરણાઓ માત્ર હતી : એક માનવજાતની કૃતઘ્નતા ઉપર – મિત્રોના વિશ્વાસઘાત ઉપર શાપ વરસાવવાની અને બીજી, પોતાના પુત્રને ભણાવીગણાવી જીવનયુદ્ધ માટે તૈયાર કરવાની. કૃતઘ્નીઓને શાપ આપી થાકી ગયેલું તેમનું મન ધીમે ધીમે માત્ર નિ:શ્વાસ લેતું જ બની ગયું; અને ઠીક ઠીક ભણતા પુત્રને મહામુસીબતે ભણાવતાં ભણાવતાં સારા થવાની શિખામણ સાથે કોઈનો પણ – સગા બાપનો – પણ વિશ્વાસ ન રાખવાની શિખામણ આપતા તેઓ થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational