Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

વરાળની દુનિયા ૧

વરાળની દુનિયા ૧

7 mins
7.5K


સ્વપ્નનું રહસ્ય ઉકેલવા સહુ મથે છે; પરંતુ હજી તેનો શાસ્ત્રીય ઉકેલ આવ્યો જાણ્યો નથી. ઉશ્કેરાયેલું માનસ, રોગ, તીવ્ર ઈચ્છા, અનિયમિત રાત્રિભોજન, સુષુપ્ત માનસમાં સંગ્રહાયેલી વાસના: એવાં એવાં કારણો દ્વારા સ્વપ્નશોધનનું કાર્ય આગળ વધ્યું છે એ ખરું, શકુન, અપશકુન સાથે પણ સ્વપ્નને સાંકળી લેવાય છે, અને સ્વપ્નનો ઉકેલ આપનારા વિદ્વાનો પણ હતા એમ જૂનો જમાનો કહે છે. અધ્યાત્મ – આત્મઉડ્ડયન – સાથે પણ સ્વપ્નને સંબંધ હોય એમ કેટલાક વર્તમાન આત્મજ્ઞાની – વિજ્ઞાનીઓ પણ કહે છે. સ્પષ્ટ સમજ પડે એવો ઉકેલ હજી મળી શકતો નથી.

આપણે જેને જાગૃતાવસ્થામાં જોઈએ છીએ એવી જ બીજી કોઈ સૃષ્ટિ હશે ખરી? નિદ્રાનો અભેદ્ય પડદો પારદર્શક બની જાય અને આપણા સરખી જ – ભૂત કે ભાવિ – સૃષ્ટિમાં ઊતરી પડવાનાં પગથિયાં મળી જાય એવું કોઈ વણઓળખ્યું અંગ સ્વપ્નમાં ખૂલી જતું હોય તો ? અટકળ, કલ્પના, ફાંટા તરીકે એ સંભાવનાને ઓળખી શકાય. એ સંભાવના સાબિત ત્યારે જ થઈ શકે કે જ્યારે આપણે એ અંગને ઓળખી બતાવી આપણા અંકુશમાં લાવી શકીએ. ત્યાં સુધી બધી અટકળો માફક એ ય એક માનસિક રમત જ બની રહે.

જે હોય તે. આપણી સ્વપ્નસૃષ્ટિ વધારે ઊંડો અભ્યાસ માગે છે અને કેટલાંક ચોંકાવનારાં સ્વપ્ન એ અભ્યાસ ત્વરાથી માગે છે. કારણ ચોંકાવનારાં સ્વપ્ન કોઈ કોઈ વાર સત્ય પણ બની રહે છે. મેં હમણાં જ એક એવું દ્રશ્ય નિહાળ્યું કે જે સ્વપ્ન હશે કે સત્ય તે હું નકકી કરી શક્યો નથી.

ઊજળી નામની એક નાનકડી નદીના પ્રવાહ અંગે બે સામસામાં આવેલાં ગામ વચ્ચે ઝઘડો ચાલતો હતો. એ પતાવવા મારે એક ગામે મુકામ રાખવો પડ્યો. નદીની ભેખડ ઉપર ખુલ્લી જગામાં એક શિવાલય સાથે બાંધેલી જીર્ણ ધર્મશાળા હતી અને એની જ બાજુમાં ફકીરનો એક તકિયો હતો, જેની નજીકની ઝૂંપડીમાં એક વૃદ્ધ ફકીર પડી રહેતો હતો. વૃક્ષોની સરસ ઘટા પણ એ બંને ધર્મસ્થાનોને ઢાંકી રહી હતી. એ વૃક્ષધટામાં મારો તંબૂ નાખી હું દિવસભર ગામલોકોના ઝઘડાની તપાસ ચલાવતો અને નદીનાં પાણી, રેતી, ભાઠાં વગેરે બધું માપતો હતો. એક રાત્રે થાકીને હું તંબૂમાં આવ્યો અને અત્યંત ગરમી લાગવાથી મેં મારો ખાટલો તંબૂની બહાર ખેંચી કાઢ્યો. પાસે થઈને પસાર થતા ફકીરે મને કહ્યું :

'સાહેબ તંબૂમાં સૂઈ રહો તો કેવું?'

'કેમ એમ ? તાપ બહુ લાગે છે.' મેં કહ્યું.

'નદીકિનારો છે, હમણાં ઠંડક થઈ જશે.' ફકીરે કહ્યું.

‘જન-જનાવરનો ભય તો નથી ને?' મેં પૂછ્યું.

'ના, ના...એવું કાંઈ નથી... પણ ખુલી જગા છે...અને રાતવરત બહાર ન સૂવું...' એટલું કહી ફકીર ત્યાંથી પોતાની ઝૂંપડીમાં ચાલ્યો ગયો.


નિરર્થક આપણું ભલું ઈચ્છતા ઘણા માણસો જોવામાં આવે છે. જરૂર ન હોય તો ય આપણી કાળજી કરનાર માનવીઓનો હજી તોટો નથી. ફકીર પણ એવો જ એક માનવી હશે એમ ધારી તેની સલાહને બાજુએ મૂકી હું રાત્રે ખાટલામાં તંબૂની બહાર જ સૂઈ રહ્યો અને મને બહુ જ સરસ નિદ્રા આવી. ઠંડક એટલી સરસ વ્યાપી ગઈ કે હુ ગાઢ નિદ્રામાં પડ્યો.

શીતળતા ગમે જરૂર; પરંતુ એનો યે અતિરેક હોઈ શકે. થરમૉસ જેવી પેટીમાં જાણે મને સુવાડ્યો હોય એવી એકાએક લાગણી મને થઈ આવી. પ્રથમ તો એ લાગણી મને ગમી; પરંતુ ધીમે ધીમે મને લાગ્યું કે શીતળતા અસહ્ય બનતી જાય છે અને મારાં રોમ ઊભાં થઈ જાય છે. મારી આંખ ખૂલી ગઈ. હું કોઈ બરફની પેટીમાં નહોતો; પરંતુ વૃક્ષઘટા નીચે આવેલા મારા ખાટલામાં જ સૂતો હતો. પાસે પડેલું ઓઢવાનું સાધન લેવા હું બેઠો થયો અને એક વૃદ્ધ હાડપિંજર સરખા માનવદેહને. મંદિરની ધર્મશાળામાંથી દોડતો આવતો મેં નિહાળ્યો.

કોણ હશે એ? ફકીરને તો મેં જોયો હતો. આ તો ફફીર કરતાં પણ વધારે વૃદ્ધ કોઈ હિંદુ સાધુ હતો ! મારો ભણી જ તે દોડતો આવતો હતો. ધોળી દાઢી અને ધોળી જટાથી હિંદુ તરીકે ઓળખાઈ આવતો આ વૃદ્ધ કોઈ ચોર, લૂંટારો કે બહારવટિયો તો નહિ હોય ? કે પછી બેમાંથી એક ગામનો ઉશ્કેરાયલ કોઈ વૃદ્ધ ગામાત ઝગડાને અંગે મારું કાટલું કાઢવા તો મારા ઉપર નહિ ધસી આવતો હોય? હું સાવધ થઈ ઊભો થવા જાઉં છું, ત્યાં તો મને લાગ્યું કે મારા પગમાં ઊભા થવાનું જોર હતું જ નહિ મને વધારે કંપારી આવી.

એકાએક પેલા વૃદ્ધના કંઠમાંથી ઉદ્દગાર નીકળ્યો :

'ઊજળી ! ઊજળી !'

'શું આ ઘેલો વૃદ્ધ નદીને પોકારી રહ્યો છે? શા માટે ? નદીની

જમીનનો ઝગડો હતો એ વાત ખરી; પરંતુ નદીનો શોખીન વૃદ્ધ નદીને પોકારે એથી કાંઈ ઝગડાનો નિર્ણય ન જ આવી શકે !

દોડતો દોડતો વૃદ્ધ મારા ખાટલા નજીક આવી પહોંચ્યો. મરવાને આળસે જીવતા આ વૃદ્ધમાં દોડવાની શક્તિ ક્યાંથી આવી હશે એ મારાથી સમજાયું નહિ. એણે સહેજ અટકીને ફરી બૂમ પાડી :

'ઊજળી !'

વૃદ્ધનો સાદ જાણે કોઈ ગુફામાંથી આવતો હોય એવો અલૌકિક લાગ્યો! જીવતા માણસની આવી બૂમ ન હોય !

વૃદ્ધે મારી તરફ ફરીને જોયું અને આંખની પાંપણ પણ હલાવ્યા વગર મને પૂછ્યું :

'ઊજળી ક્યાં ગઈ?’

'નદીની વાત કરો છો? આ ભેખડની નીચે...'

'નદી નહિ, મારી ઊજળીની હું વાત કરું છું... આ રહી ! ..પેલી જાય...! ડાળી પાછળ સંતાઈ છે ! હવે...પકડાઈ...ખસવા નહિ દઉં...' કહી પેલો વૃદ્ધ ધસવા મથ્યો; પરંતુ એના પગ અમળાઈ પડ્યા અને એ નીચે બેસી ગયો. એણે દર્શાવેલી બાજુએ મેં નજર કરી તો ડાળી પાછળ કશું મારા જોવામાં આવ્યું નહિ.

'ત્યાં તો કોઈ જ નથી..કશું નથી...' મેં કહ્યું.

'જુઓ, જુઓ !..એની જ આંખો તગતગ થાય છે...' વૃદ્ધે કહ્યું, અને તે ઊભો થવા મંથન કરવા લાગ્યો.

'એ તો...તારા તગતગતા લાગે છે. મેં એ બાજુએ જોઈને કહ્યું.

'ત્યારે પેલું મુખ કેવું દેખાય છે? એ જ...ઊજળીનું મુખ. હવે એ ન ભાગે.'

'એ તો ચંદ્ર દેખાય છે, ભાઈ ! એ બાજુએ કોઈ માણસ છે જ નહિ.'

'તમારી ભૂલ થાય છે...એ જ ઊજળી ! એનાં જ કપડાં !'

એનો જ આકાર ! એનું જ મુખ ! જો જો... હાથ લાગી છે તે પાછી ભાગી ન જાય !'

હું જરા હસ્યો. વૃદ્ધને કાં તો સ્વપ્ન આવ્યું હશે અગર તે ઘેલો થયો હશે એમ મને ખાતરી થઈ. સ્વપ્ન અને ઘેલછા બન્ને એવી સ્થિતિ કહેવાય કે જેમાં દલીલને કશો અવકાશ હોય જ નહિ.

છતાં.. અરે... મને પણ કાંઈ માનવઆકૃતિ સરખું એ ડાળી પાછળ દેખાયું શું ? રાત્રીનો અંધકાર જ માત્ર નહિ; પરંતુ તેનું અજવાળું પણ અનેકાનેક ભ્રમ ઉપજાવી રહે છે ! વરાળનું માનવી ? આભલાંનું માનવી ? સ્ત્રીનો આકાર ?

વૃદ્ધના પગમાં નવું ચેતન આવ્યું. તેના દુર્બળ દેહને લઈ તેના દુર્બળ પગ દોડ્યા. મને લાગ્યું. કે ભાન વગર દોડતો આ વૃદ્ધ કાં તો ભેખડ નીચે ગબડી પડશે અગર નીચી આવેલી ડાળીમાં અથડાઈ પડશે. તેને રોકવા હું પાછળ દોડ્યો. અમારી બંનેની વચ્ચે કાંઈ વધારે છેટું ન હતું. છતાં હું તેને પકડી શક્યો નહિ. દોડતો વૃદ્ધ ખરેખર એક નીચી ડાળી જોડે અથડાયો, પરંતુ અથડાતાં બરાબર તેના મુખમાંથી એક હર્ષનાદ નીકળ્યો :

'એ જ ઊજળી ! પકડાઈ ! બસ...' કહી વૃદ્ધ ડાળીને હાથ ભેરવી રહ્યો. તેણે મારી સામે જોયું, તેના મુખ ઉપર પ્રસન્નતા છવાઈ રહી મેં નિહાળી. અને એકાએક ડાળીએ વળગેલા તેના બન્ને હાથ છૂટી ગયા અને વૃદ્ધનો દેહ ધબ અવાજ સાથે જમીન ઉપર પડ્યો. હુ પાસે જઈને જોઉં છું તો વૃદ્ધના દેહમાંથી તેનો પ્રાણ ઊડી ગયો લાગ્યું. મેં તેને સહેજ હલાવ્યો; તેની આંખ ઉઘાડી જોઈ; જીવ દેહમાં ન હતો. છતાં તેના મુખ ઉપર વ્યાપેલી પ્રસન્નતાની એક રેખા પણ અદૃશ્ય થયેલી મેં ન જોઈ. અને એક વૃદ્ધ મુખ ઉપર આટલી પ્રસન્નતા પ્રગટી શકે એ મેં અહીં જ જોયું.

પરંતુ હવે ? આ અજાણ્યો વૃદ્ધ મારા દેખતાં જ ઊજળીને શોધતો – પુકારતો મારા તંબૂની નજીક જ મૃત્યુ પામ્યો ! પોલીસને ખબર આપવાની ! પરંતુ તેની એ પહેલાં હું મારી સાથેનાં માણસોને પણ આ બનાવથી વાકેફ કરી લઉં એમ વિચારી મેં સહેજ પાછળ જોયું. ફકીરના તકિયા પાસે એક કૂકડો પ્રભાતનું આગમન પોકારી રહ્યો અને ફકીર તેની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો. મને એમ થયું કે આ ફકીરને જ પ્રથમ બનેલી બિના સંભળાવું. એટલે પગ પાછા ફેરવતાં પહેલાં મેં મૃત દેહને સહેજ જોઈ લેવાનો વિચાર કર્યો. પરંતુ મારા પરમ આશ્ચર્ય વચ્ચે મેં જોયું કે ત્યાં એ વૃદ્ધ પુરુષનું શબ તો હતું જ નહિ !

અરે ! મેં અબઘડી મારી સગી આંખે જીવંત વૃદ્ધને અને વૃદ્ધના શબને નિહાળ્યાં હતાં ! સહેજ પાછળ જોયું એટલામાં એ અદ્રશ્ય કેમ થાય ? કશો ખખડાટ પણ થયો ન હતો. કોઈ માનવી કે જાનવર શબને ખેંચી જાય તો જરૂર મને ખબર પડ્યા વગર રહે જ નહિ. હું શબની પાસે જ, લગભગ શબને અડકીને જ ઊભો હતો. પછી આ શું થયું ? વૃદ્ધનું મૃત્યુ ખરું ? કે મૃત દેહને હું એક હતો. પછી આ શું થયું ? વૃદ્ધનું મૃત્યુ ખરું? કે મૃત દેહને હું એક જ ક્ષણમાં જોતો બંધ થઈ ગયો એ ખરું ?

મારો તંબૂ પણ મને દેખાતો હતો. મારો ખાટલો ખાલી પડ્યો હતો એટલે હું જ જાતે ખાટલો છોડી અહીં સુધી દોડી આવ્યો હતો એ વાત પણ સાચી. ત્યારે ? હું સ્વપ્નમાં છું? જાગૃત છું? કે કોઈ પ્રેતસૃષ્ટિમાં ફરી રહ્યો છું ? મને એવી ગૂંચવણ ઊભી થઈ કે હું પાંચેક ક્ષણ સ્થિર ઊભો રહ્યો. ફરી મેં શબની બાજુએ જોયું. શબ હતું જ નહિ. ઝાડની ડાળીએ મેં હાથ અડાડી જોયો. ડાળીની પાછળ મોટી ભેખડ હતી અને તેની નીચે ઊજળી નદીનો પ્રવાહ વહી રહ્યો હતો. ચન્દ્ર પણ દેખાતો હતો. તારા પણ દેખાતા હતા, છતાં પ્રભાતનું સાન્નિધ્ય સૂચવતો કૂકડાનો ધ્વનિ મેં ફરી સાંભળ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational