STORYMIRROR

Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

જાતશત્રુ ૧

જાતશત્રુ ૧

5 mins
15K


અજાતશત્રુની કલ્પના તો સમજાય એવી છે. હરિશ્ચંદ્ર, યુધિષ્ઠિર, ગાંધીજી જેવા મહાપુરુષોને માટે તો કોઈ શત્રુ જન્મતો જ નથી,એટલે એવી વિરલ વ્યક્તિઓ અજાશત્રુને નામે ઓળખાય.

પરંતુ આપણા જેવી સામાન્ય વ્યક્તિઓની ઝેરભરી નજરે તો ચારે બાજુએ દુશ્મનો જન્મેલા દેખાય છે, જે આપણું જીવન, સવાર, બપોર, સાંજ અને રાત ઝેર બનાવી દે છે અને તેમાં ય જ્યારે આપણે આપણી જાતના દુશ્મન હોઈએ છીએ ત્યારે તો આપણા દુઃખનો અવધિ આવતો નથી. દુઃખમાં અને દુઃખમાં રાખી આપણને મારનાર આપણો દુશ્મને આપણે પોતે જ હોઈએ છીએ. જેની જાત જેનો દુશ્મન હોય એવા અસંખ્ય માનવીઓને જાતશત્રુ કહેવા ઠીક છે. નેવું ટકા માનવીઓ જાતશત્રુ હોય છે.

હું ખરેખર બહુ દુઃખી હતો. પિસ્તાળીસ વર્ષે તો મને લાગ્યું કે મારું જીવન આમ ને આમ દુ:ખમાં વીતી જશે તો મારે જરૂર આપઘાત કરવો પડશે. એક દિવસ મધરાતે પડતું નાખી મારા દેહનો અને મારા દુઃખનો અંત લાવવા હું અગાશીમાં ગયો અને રાત્રિની નિઃશબ્દ શાંતિ પડતું નાખવા મને પ્રેરી રહી. મેં ઊંડા આકાશમાં નજર કરી અને તકતકતા હસતા તારાઓ નિહાળ્યા. જાણે એ મને કહેતા ન હોય : 'હા, હા, પડ ! માર કૂદકો ! તારા જેવા કંઈક માનવીઓએ ઊંચાઈથી કૂદી પડી પોતાનાં દુઃખ-દર્દ મિટાવી દીધાં છે.'

મારાથી ગુસાના આવેશમાં તારાઓ સામે જ બોલાઈ ગયું :

'તો હરામખોર ! તમે કેમ પડતા નથી? યુગયુગથી ઉપર રહ્યા રહ્યા સહુને હસ્યા કરો છો તે !'

જવાબમાં તારાઓએ મારી સામે આંખ મીંચકારી અને મને હસી કાઢ્યો. જાણે તેઓ મને કહેતા હોય કે જેને દુઃખ હોય તે મરે ! ચમકતા, હસતા, તેજ:પુંજ સરખા તારાઓને હજી કંઈ દુ:ખ પડ્યું જાણ્યું નથી.

એકાએક મારી પાછળ એક માનવ સાદ મેં સાંભળ્યો :

‘પણ તમને દુ:ખ શું છે? આમ સૂતા કેમ નથી ? રાતની રાત જાગો છો !'

મારી પત્નીનો એ સાદ હતો. એ સાદ હવે મને બહુ જ અણગમતો બની ગયો હતો. પાછા ફરી મેં જવાબ આપ્યો :

'તારે મને સુખે મરવા દેવો પણ નથી; ખરું ?'

'પણ એવું છે શું કે તમારે એવો વિચાર સુધ્ધાં કરવો પડે ? સારી આવક છે, કુટુંબ છે, છૈયાં છોકરાં છે...'

'એ બધાં ય મારાં દુશ્મન છે, અને તું પણ મારી દુશ્મન છે.' મેં કહ્યું. અને મારી પત્નીની આંખમાંથી મોતીની સેર સરખાં આંસુ વહી રહ્યાં.

વર્ષો પહેલાં અમારા લગ્નનાં બેત્રણ વર્ષની જ સીમામાં કોઈ કારણસર મારી પત્નીની આંખમાં આંસુ ઉભરાયેલાં, મારું કાળજું ચિરાઈ ગયેલું, અને મેં એ પ્રસંગ ઉપર એક કવિતા લખી કાઢેલી; એ કવિતા મેં પ્રસિદ્ધ કરી ત્યારે તેનાં બહુ વખાણ પણ આવ્યાં હતાં. વર્ષો વીત્યાં હતાં છતાં મારી પત્નીનું રૂપ ખાસ બદલાયું ન હતું. એની વાણીમાં એની એ જ ઋજુતા હતી, એની આંખોમાં એનો એ આર્જવ હતા, અને મારે માટેની એની કાળજી પહેલાં હતી એના કરતાં તો વધી ગઈ હતી.

પરંતુ એ જ મારા દુઃખનું કારણ હતું. શરૂઆતમાં તો તેનું રૂપ મને ગમતું, પરંતુ ધીમે ધીમે હું જોઈ શક્યો કે એનું રૂપ બહુ માણસોને આકર્ષતું હતું. રસ્તે સાથે જતાં હોઈએ ત્યારે ચારે પાસથી તેની તરફ નજર દોરાતી ! મારા ઓળખીતાઓ મને સલામ કરવી ભૂલી જઈ મને ઉવેખી તેને જ નિહાળતા હતા ! અને મારાં લગ્ન પછી મારા મિત્રોએ મારે ત્યાં વધારે આવવા માંડ્યું ! એનું મુખ્ય કારણ મારી પત્નીને નિહાળી તેની સાથે વાત કરી આનંદ મેળવો એ જ હોઈ શકે ! આ મારું પ્રથમ પરમ દુ:ખ !

હું પત્નીને કહેતો :

'તું કેમ બધાને તારી સાથે વાતો કરવા દે છે? '

મને જવાબ મળતો :

'એમાં હું શું કરું ? તમારા જ મિત્રો અને ઓળખીતાઓ આવે છે અને વાતો કરે છે; તમે જ એમને રોકો ને ?'

નૂતન યુગમાં મિત્રો પરસ્પરની પત્નીઓ સાથે વાત કરતાં રોકાય એમ નથી. એટલે મારાથી કાંઈ બનતું નહિ, અને હું દુઃખી થયા કરતો અને મારી પત્નીનું રૂપ જોઈ બળ્યા કરતો. મને તેના રૂપનો પણ અણગમો આવવા માંડ્યો ! એના કરતાં પત્ની રૂપાળી ન હોત તો સારું થાત એમ પણ મને લાગવા માંડ્યું.

અલબત્ત, પછી તો હું પિતા બન્યો. એક, બે, ત્રણ, ચાર બાળકો પણ થયાં; અને મારા ઘરની શાંતિનો ભંગ થવા માંડ્યો. હું છાપું વાંચતો હોઉં અને બાળકો લડી ઊઠે અને રડી ઊઠે ! બલ્ગેરિયા અને તુર્કી વચ્ચેની લડાઈ વાંચવાથી મને શો ફાયદો

થવાનો છે કે તે બન્ને દેશોને શું ફાયદો થવાનો છે એ પ્રશ્ન આપણે વર્તમાનપત્ર વાંચતી વખતે કદી કરતા નથી, છતાં વર્તમાનપત્રના વાચનનો રસ જીવનનો એક મહારસ છે; અને એમાં બાળકો ખલેલ પહોંચાડે એ અસહ્ય બની જાય છે. હું ગુસ્સાથી બૂમ મારતો :

'આ તારાં બાળકો બહુ જંગલી છે!'

'કેમ, શું થયું ? શું કરે છે બાળકો ?'

'જો ને, આ કેટલો ઘોંઘાટ કરે છે ? એક ઘડી જંપીને પેપર વાંચવા દેતા નથી.'

'બાળક છે, રડે પણ ખરાં ! અને ધાંધલ પણ કરે. જરા રમાડો તો ખરા કો'ક કો'ક દિવસ !'

પરંતુ બાળકો કરતાં વર્તમાનપત્ર મને વધારે વહાલું હતું એટલે બાળકો અને બાળકોની માતા પ્રત્યે મારો કંટાળો વધતો જતો હતો. બાળકો આમ નિત્યક્રમમાં ખલેલ પહોંચાડે; ઉપરાંત ઊંઘમાં પણ તેઓ ખલેલ પહોંચાડે ! શાન્ત, સ્વસ્થ નિદ્રા આવતી હોય, અને તેમાંથી હૃદયના ધબકારા વધારી દેતી ચીસ પાડી આપણને બાળકો જગાડે, એ બાળકો આપણને કેટલાં વહાલાં લાગે? અને બાળકોની માતાને તો જીવનમાં બાળકો સિવાય બીજું કંઈ જ હોય નહિ ! — મારી પત્નીની માફક સારું ભણેલી માતા હોય તોપણ ! બાળકનું રુદન એ માતાને મન વિશ્વયુદ્ધ જેવો મહત્વનો બનાવ ! બાળક કેમ રડ્યું ? તેને શું થયું હશે ? તેને શું જોઈતું હશે? એની ધમાલમાં એ આખી દુનિયાને વીસરી જાય. અને દુનિયા સાથે પોતાના પતિને પણ ! મિત્રોએ મારી પત્ની તરફનો મારો અણગમો ઊભો કર્યો હતો, એમાં બાળકોએ જન્મી એ અણગમામાં વધારો કર્યો.

બાળકો કંઈ સતત બાળકો રહેતાં નથી. બાળક જેમ જેમ મોટાં થતાં ગયાં, તેમ તેમ મને લાગવા માંડ્યું કે બાળકો બાલ્યાવસ્થામાં જ રહ્યાં હોત તો વધારે સારું ! બાળકોને શાળામાં મૂકો,

તેમને માટે પુસ્તકો મંગાવો, તેમના અભ્યાસ અને વર્તન ઉપર દેખરેખ રાખો, ઝડપથી વધતા તેમના દેહ માટે છ છ મહિને અને વષે વર્ષે કપડાં સિવડાવો. તેમની છબીઓ પડાવો, તેમને સિનેમા-સરકસ દેખાડો, શાળામાં શિક્ષકો ન શીખવે એ પાછું ઘેર શીખવો, તેમને સદ્વાચન તરફ દોરો, પ્રેમનાં અને જાતીય વિજ્ઞાનનાં ચારે પાસ ઊભરાતાં પુસ્તકો તેમના હાથમાં ન જાય એવી વ્યૂહરચના કરો; અને અંતે બાળકો સોળ કે અઢાર વર્ષનાં થાય ત્યારે તેમને યોગ્ય પતિ-પત્ની શોધી આપો ! આવાં આવાં ભયંકર જવાબદારીવાળાં કામોએ મારા જીવનને ઝેર બનાવી દીધું અને આફતોનાં વધતાં જતાં પોટલાંરૂપ બાળકો આપનારી માતા પ્રત્યેનો મારો અણગમો વૈરવૃત્તિ ધારણ કરી રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational