Raman V Desai

Inspirational

2  

Raman V Desai

Inspirational

લોહીની ખંડણી ૧

લોહીની ખંડણી ૧

3 mins
7.4K


માનવીનાં મોટા ભાગનાં દુઃખ અને સુખ મુખ્યત્વે ધન ઉપર આધાર રાખે છે. નાનામાં નાના ઝઘડાથી માંડી ઍટમ બોમ્બ વાપરનારા વિશ્વયુદ્ધ સુધીના માનવકલહોની પાછળ નજર કરીશું તો પ્રત્યેક ઝગડા પાછળ પૈસો જ રમત કરતો આપણને દેખાશે.

બે જીવજાત મિત્રો હતા. એકનું નામ હતું જયંતીલાલ અને બીજાનું નામ હતું કીકાભાઈ. બન્ને મિત્રો એક જ ગામમાં ઊછર્યા હતા, સાથે ભણ્યા હતા અને સાથે જ સાહસ કરવાનો તેમણે નિશ્ચય કર્યો હતો. ધન એ સઘળા સુખનું મૂળ છે એવી પણ તેમની ખાતરી થઈ ચૂકી હતી. સેવા પણ ધનિક માણસની વધારે વહેલી સ્વીકારાય છે એમ તેમણે જોયું હતું. સત્તા પણ ધન ઉપર આધાર રાખી રહેલી છે એનાં દ્રષ્ટાંતો એમની પાસે ખૂબ ખૂબ હતાં. સુખના ફુવારા ઊડતા જોવા હોય તો ધનની ચાવી ફેરવવી, એ દ્રશ્ય પણ તેમની નજર બહાર રહ્યું ન હતું. એટલે બાળપણથી જ તેમણે નિશ્ચય કર્યો હતો કે બીજું બધું પ્રાપ્તવ્ય બાજુએ મૂકી ધન ભેગું કરવું. ધન હશે તો બીજાં બધાં પ્રાપ્તવ્ય આપોઆપ ઇચ્છા કરતાં બરોબર ઊભાં થઈ જશે એવી તેમની ખાતરી હતી.

બંનેના સ્વભાવમાં થોડો ફેર હતો. જયંતીલાલ ખૂબ ધન ઈચ્છતા હતા પણ તેમની પાછળ એવી ભાવના રહેતી કે પોતાના કુટુંબને તે ધનથી સુખી કરી શકે, પોતાના ગામને શાળા, દવાખાનું, કૂવા, તળાવ વગેરે બાંધી આપી શકે, દેશસેવકોની કોઈ સંસ્થા ઊભી કરી શકે, વર્તમાનપત્રો પ્રગટ કરી જનતામાં રાજકીય જાગૃતિ લાવી શકે અને દુષ્કાળ, ધરતીકંપ તથા રેલસંકટમાં પૈસા સારા પ્રમાણમાં ભરી પોતાની છબીઓ હિંદભરમાં જાણીતી કરી શકે. એ સર્વના પાયામાં પોતાનું અને પોતાના કુટુંબીઓનું અંગત સુખ સ્થાપિત કરવાની વૃત્તિ તો ખરી જ. એ માનવસહજ વૃત્તિ છે.

કીકાભાઈની વૃત્તિમાં અંગત સુખ સિવાય ધનનો બીજો કોઈ ઉદ્દેશ જાગ્યો ન હતો. મોટું વૃક્ષ વાવી તેનાં ફળ ખાવા ઈચ્છનારે આસપાસનાં નાનાંમોટાં ઝાંખરાને નીંદી નાખવાં પડે છે. કીકાભાઈની વૃત્તિ કુટુંબ, ગામ, દેશ કે દુનિયાના સુખવિચારમાં જરા યે ફંટાઈ ન હતી, કારણ તેઓ જાણતા હતા કે જો વૃત્તિને ધનપ્રાપ્તિમાં એકાગ્ર નહિ કરવામાં આવે તો ધન પણ નહિ મળે અને બીજા ઉદ્દેશો પણ સફળ નહિ થાય. બીજા ક્યા ઉદ્દેશો સફળ કરવા એ ધન પ્રાપ્ત કર્યા પછી જોયું જશે. એ વિચારમાં તેમણે જયંતીલાલના મનમાં ઊગ્યાં હતાં એવાં ઉદ્દેશ-ઝાંખરાં ઊગવા જ દીધાં ન હતાં.

આછું પાતળું ધન જયંતીલાલ પાસે હતું, જેને ઉત્પાદક ધંધાઓમાં રોકી વધારે ધન પ્રાપ્ત કરવાની યોજનાઓ જયંતીલાલ અને કીકાભાઈ બન્નેએ મળી હાથ ધરવાની હતી. કીકાભાઈ પાસે તો બિલકુલ ધન હતું જ નહિ; છતાં પણ બંનેની મૈત્રી એવા પ્રકારની હતી કે જેમાં પરસ્પરનાં ધન અને મહેનત એકબીજાની સહિયારી મિલક્ત સતત બની રહેતાં હતાં. ધંધામાં પડ્યા પછી જોતજોતામાં બંનેને ફતેહ મળવા લાગી અને રોકેલા પૈસા કરતાં દોઢા, બમણા અને તેથી પણ વધારે પૈસા થતા ચાલ્યા. જયંતીલાલે નફાની વહેંચણી સરખેસરખી કરવા માંડી. જાણે પોતે રોકેલી રકમ પોતાની સાથે કીકાભાઈની પણ હોય !

વર્ષો વીત્યાં.એક દિવસે કીકાભાઈએ નફો વહેચતાં વહેંચતા વાત કરી :

'જયંતી ! હવે તારી મૂડી તારે જોઈએ એટલા ગુણા કરીને તું તારી પાસે રાખ. આપણી બંનેની પાસે હવે એવી રકમ ભેગી થઈ ગઈ છે કે મૂડીમાં આપણે સરખો હિસ્સો રાખી શકીએ.'

'કીકા ! તને આ વિચાર ક્યાંથી આવ્યો ? મારી થાપણ મેં કદી મારી ગણી જ નથી. એને તારી અને મારી સહિયારી ગણીને જ હું ચાલ્યો છું.' જયંતીએ કહ્યું.

'આ તો મારા મનમાં કે આપણો હિસાબ ચોખ્ખો થઈ જાય. આપણે તો કંઈ ઝઘડો નહિ; પરંતુ આયપતવેરા બદલ કંઈક ગોટાળા કરવા પડે, મુનીમોને આપણા સંબંધની સમજ પડે કે ન પડે, અને આપણાં છોકરાં વચ્ચે આપણા જેવો જ સંબંધ ચાલુ રહે કે ન રહે. એ બધી ભાંજઘડ ટાળવા માટે ચોખવટ સારી.'

‘વારુ, ચોખવટ કરી નાખીશ.' કહી જયંતીલાલે જરાક મોં મોટું કર્યું.

'ચોખવટ કરવી હોય તો આ થાપણમાં મારી અરધી રકમ જમા કરાવી લઉં એટલે આપણી બન્નેની થાપણથી આપણો વેપાર ચાલ્યો એવું ચોપડા બોલી ઊઠશે.' કહી કીકાભાઈએ નોટના એક બે ચોડા જયંતીલાલ પાસે મૂકી દીધા. ધનિકોને રૂપિયા ખખડાવવાનો અગર નોટોના ચોડા ફેંકવાનો શોખ બહુ હોય છે.

‘જા, જા; શી મૂર્ખાઈ લઈને બેઠો છે ? તારે નામે અર્ધી થાપણ કરવામાં મને કઈ હરકત આવે એમ છે? ઈશ્વરે મને અને તને એટલું તો આપ્યું છે !' જયંતીલાલે કહ્યું.

કીકાભાઈને આ ગોઠવણ બરાબર લાગી તો નહિ, પરંતુ તાત્કાલિક તો તેઓ કંઈ બોલ્યા નહિ અને બીજે દિવસે તેમણે

આશ્ચર્યસહ જોયું કે જયંતીલાલે અર્ધી જ નહિ પણ પોતે રોકેલી આખી રકમ કીકાભાઈની થાપણ તરીકે ચોપડે ચઢાવી દીધી !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational