મહત્વાકાંક્ષા
મહત્વાકાંક્ષા
દેવી નાનકડી પરીને હાથમાં લઈ દવાખાનામાં આમતેમ ફરી રહી હતી.
આ એ જ હોસ્પિટલ..જ્યાં છેલ્લે તેણે ગર્ભપાત કરાવ્યો હતો. ભૂતકાળમાં સરી પડેલી દેવીની આંખમાં વેદનાની લહેરખી છવાઈ ગઈ. ટૂંક સમયમાં બીજા ગર્ભ ધારણ કરવા તે તૈયાર ન હતી.
યુવાનીનો સમય,
કારકિર્દી બનાવવાનો સમય,
સંબંધોમા તાલમેલ લાવવાનો સમય,
પહેલા બાળકને સારી રીતે ઉછેરવાનો સમય,
પતિને સમજવાનો સમય,
ત્યાં તો બીજો ગર્ભ..
વિચારે ચઢેલી દેવીએ તરત જ ડોક્ટરને ફોન કર્યો અને બોલી, "મેડમ, કાલે હું સાસુ સાથે ચેક-અપ માટે આવું છું, તમે એમને કોઈપણ કારણ આપી ગર્ભપાત કરાવવા મનાવી લે જો. હું આ ગર્ભ રાખવા મનથી તૈયાર નથી ." ડોક્ટરના સમજાવવા છતાંય તે માની નહી ગર્ભ ધારણ કરવા માટે .
બીજે દિવસે ચેક-અપ માટે દેવીને લઈ આવેલ તેના સાસુને ડોક્ટરે કહ્યું," બાળકનો વિકાસ બરાબર નથી માટે ગર્ભપાત કરાવવો પડશે." આ સાંભળીને એના સાસુ નિરાશ થઈ ગયાં. ગર્ભપાત તો થઈ ગયો પણ આજદિન સુધી કયારેક પણ જૂઠું ન બોલનાર દેવીને આ વાતો આજે પણ દુભાવી રહી કે,
" એણે પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ખાતર બાળ હત્યા કરી, ગર્ભપાત ડોક્ટરના કહેવાથી કરાવેલ હતો એ જૂઠ મનમાં છૂપાવી રાખ્યું પોતાના પતિથી પણ, તથા ભગવાન જેવા ડોક્ટર પાસે જૂઠું બોલાવી પાપના ભાગીદાર બનાવ્યાં."
જિંદગીની સાંજે આ અપરાધભાવ પોતાની પૌત્રીને હાથમાં લેતા અચાનક પ્રગટ થઈ ગયો વેદના રૂપે.. જિંદગીની સાંજે મહત્વાકાંક્ષારૂપી બીજથી ઉદભવેલ દર્દ આંખોમાં આંસુ રૂપે છલકાઈ ગયું.
મનની મહત્વાકાંક્ષા..
જિંદગીની એક ભૂલ..
દિલમાં દર્દનો ધૂંધવાટ.
