એકલ માવતર
એકલ માવતર
રાધાની મા બાળપણમાં એને મૂકી દેવલોકને પામ્યા હતાં. સંયુક્ત કુટુંબમાં દાદીના સથવારે મોટી થઈ. ઉંમર થતાં રાધાના લગ્ન શ્યામ સાથે થયા. સાસુ મા સમાન પ્રેમાળ તો સસરા બાપની જેમ તેને સાચવતા હતાં. તેનું સાસરીયું સમાજમાં ખાનદાની રઈશ ગણાતું. સમય પસાર થતાં લગ્ન જીવનનાં ફળ સ્વરૂપે એક રૂપાળી દીકરીનો તેનાં ખોળે જન્મ થયો. ઘરનાં સભ્યોની અનુમતિ લઈ શ્યામ મુંબઇ ભણવા માટે ગયો. ભણતાં ભણતાં શ્યામને તેની સહપાઠી સાથે પ્રેમ થઈ ગયો. ઘરે આવીને તેણે કુટુંબ સમક્ષ છૂટાછેડા લઈ બીજા લગ્ન કરવા માટે મંજૂરી માંગી, પણ મા બાપની ધાકધમકીથી તે ડરી ગયો અને રાધા સાથે ફરી લગ્નજીવન પસાર કરવા લાગ્યો. વળી પાછા રાધાને સારા દિવસો ચઢયાં.
એક દિવસ સવારે ઊઠતાં જ એને પથારીમાં એક કાગળ દેખાયો. જેમાં શ્યામે તેની પ્રેમીકા સાથે હવે રહેશે એમ જણાવ્યું, જે વાંચી તે ચોધાર આંસુએ રડવા લાગી. "જે બાળપણ એણે પસાર કર્યુ તેવું જ શું એનાં બાળકોએ પસાર કરવું પડશે" એ વિચારે રાધા હચમચી ઉઠી. ઘણી સમજાવટ, કોશિશ કરવા છતાં શ્યામ ઘરે ન ફર્યા. નવ માસ પૂરા થતા તેની કુખે એક દીકરાનો જન્મ થયો. ઘરમાં બંને બાળકો ખૂબ સારી રીતે સચવાતા પણ પિતાની ખોટ તો કોણ પૂરે ! સમાજના સવાલોથી બચાવવા દીકરાને તો એણે ભારે હૈયે હોસ્ટેલમાં મૂકી દીધો પણ દીકરીની એણે પોતાની પાસે રાખી.
સમય પસાર થતાં તેણે બંને બાળકોને બેસાડીને પિતાની વાસ્તવિકતા જણાવી દીધી. સાસુ સસરાનાં ખૂબ આગ્રહ છતાંય તેણે પોતાનાં બાળકો માટે બીજીવાર લગ્ન કર્યા નહીં અને એકલ માવતર થઈ બંને બાળકોનો ખૂબ જ સ્નેહ અને કુનેહર્વક ઉછેર કર્યો. ડિવોર્સ પેપર પર સહી ન કરીને એણે શ્યામને પણ આજીવન એની પ્રેયસી સાથે લગ્ન વગર રહેવા મજબૂર કર્યો. તેણે બાળકોને દરેક પ્રવૃત્તિમાં નિપુણ બનાવ્યાં પણ બંને માટે સારા જીવનસાથી શોધવાની જવાબદારી તેને ભારે લાગી. પિતાના "ભાગેડુ સંસ્કાર" તેમના વિવાહ માટે અડચણરૂપ થતા ત્યારે તેની આંખો ભરાઈ આવતી. બંને જણની કાબેલિયત, ખાનદાની ઘર હોવા છતાં સમાજ પિતાએ કરેલું કર્મ આગળ કરતું અને વાતો અટકી પડતી.
આખરે દીકરીના લગ્ન વિદેશ નક્કી કર્યા અને દીકરા માટે એક ભણેલી ગણેલી વહુ આવી. બાળપણથી જ બાળકો સાથે મિત્રની જેમ રહેતી રાધા નવા રચાયેલ સંબંધોમાં પોતાને ગોઠવવા લાગી. દીકરા દીકરી પોતાના જીવનમાં વ્યસ્ત થતા હવે તેને પોતાના જીવનમાં એકલતાનો અહેસાસ થવા લાગ્યો. વળી, હવે મેનોપોઝને લીધે પણ વ્યવહારમાં ચીડચડાપણું દેખાવા માંડ્યું. પણ દીકરાને માની સંઘર્ષ ગાથાની ખબર હતી ને, તેણે રાધાનું નામ બે ત્રણ કીટી પાર્ટીમાં, ભજન મંડળમા, ક્લબમાં અને એનજીઓમાં નોંધાવી દીધું. આ દરેક જગ્યાએ તેને એક નવું મિત્રવર્તુળ મળ્યું, જેની સાથે તે પોતાની એકલતા ભૂલી જતી. એનજીઓમાં કામ કરતા તેને પોતાનું જીવન સાર્થક થઈ રહ્યું હોય તેવો અહેસાસ થવા લાગ્યો.
પતિ વગર, સ્વાવલંબી જીવન જીવી, એકલ માવતર બનીને, રાધાએ બાળકોનું સુંદર ઘડતર કર્યુ અને હવે દીકરાનાં પ્રયાસથી તેણે પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરી. એકલતાનો અભિશાપ એક નવા આરંભથી સમાપ્ત થયો અને હવે રાધાએ પોતાની એક નવી દુનિયા બનાવી દીધી, જેમાં તે વ્યસ્ત અને ખુશ રહે છે.
