Vallari Achhodawala

Others

4  

Vallari Achhodawala

Others

સાચી સમજ

સાચી સમજ

3 mins
296


અચાનક પપ્પાના મૃત્યુએ સોનલને હચમચાવી મૂકી. નાનપણથી જ ગીતાને ભગવાનરૂપે મારનાર પપ્પાએ પોતાનું જીવન ગીતાના સિદ્ધાંતો અનુસાર જ પસાર કર્યું હતું. સતોગુણી રહેવુ, કર્મનિષ્ઠ જીવન પસાર કરવું, કૃષ્ણને પોતાના જીવનના હીરો બનાવનાર, પપ્પા હવે સાથે નથી એ વિચારે એ દુઃખી થઈ ગઈ.  

નાનપણથી જ મૃત્યુ પછી શું થાય એ જાણવાની એને ખૂબ જ તાલાવેલી હતી. "ખરાબ કાર્ય કરનાર સુખેથી જીવે અને સારા કર્મ કરનારની જિંદગીમાં દુઃખ ભમ્યા કરે" એની સમજ પડતી ન હતી. એક દિવસ અચાનક પપ્પાએ એના હાથમાં ગીતા મૂકી અને કહ્યું કે આને તારા જીવનમાં ધારણ કરજે. આ પુસ્તકમાં તને જીવનના દરેક પ્રશ્નોનો જવાબ મળી જશે.

બાર વર્ષની ઉંમરેથી ખૂબ જ આસ્થાથી ગીતાનો પાઠ સોનલ કરતી. કર્મ, આત્મા, યોગ, પ્રકૃતિ, ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ વગેરે શબ્દોની જરા પણ સમજ ન હતી છતા કંઈક જાણવા મળશે એ હેતુથી તેનો તે પાઠ કરતી અને તેની ચર્ચા દાદી તથા પપ્પા જોડે કરતી. સોનલનું બાલમાનસ ગીતાને સ્પષ્ટ રીતે સમજી શકતું ન હતું પણ "ગીતા મહાત્મયમાં દર્શાવેલા ફળની પ્રાપ્તિ તો થશે ને!" એ લાલચે રોજ સોનલ ગીતા પાઠ કરતી.

સમય પસાર થતા તેનાં લગ્ન થયા અને એક પુત્રની માતા બની તો યે સમય કાઢીને તે નિયમિત ગીતા પાઠ કરતી. અર્જુનને પૂછેલ દરેક પ્રશ્ન જાણે એને એના મનનો હોય તેવું લાગતું. મનુષ્ય એક શ્રેષ્ઠ જીવન કેવી રીતે પસાર કરી શકે અથવા કેવી રીતે પસાર કરવું જોઈએ તેની સાચી સમજ તેને ગીતામાંથી મળી. જ્ઞાનયોગ, ભક્તિ યોગ, કર્મયોગ, હઠયોગ કોઈપણ સાધના દ્વારા પ્રભુને પામવા જોઈએ. ભક્તિની નમ્રતા અને સમર્પણતા સિવાય જ્ઞાન મળતું નથી અને જ્ઞાન વગરની ભક્તિ અંધશ્રદ્ધામાં પરિણામે છે એની સમજ તેને હવે મળી ગઈ. ગીતામાં યોગીજીવન, કર્મયોગી જીવનનું કરેલ વર્ણન સોનલને કર્મનિષ્ઠ બનવાની પ્રેરણા આપતું. "મૃત્યુ પછી શું?" એનો જવાબ પણ સોનલને ગીતામાંથી પ્રાપ્ત થયો. જન્મે તેનું મરણ અવશ્ય છે, મરણ પણ શરીરની એક અવસ્થા છે, દેહ તો આત્માનો પોશાક છે, તે હણાતો નથી, આ સમજ સોનલને ગીતાના બીજા અધ્યાયના ચિંતન મનનથી પ્રાપ્ત થયો તો પણ આજે તેનું મન ખૂબ જ ઉદાસ અને એકલતાનો અનુભવ કરી રહ્યું હતું. મૃત્યુનો ડર ન હતો પરંતુ એક સંબંધનો ખાલીપો મન અનુભવી રહ્યું હતું.

પપ્પા કર્મનિષ્ઠ વ્યક્તિત્વ ધરાવતા હતા. ગીતાને પોતાનું જીવન બનાવનાર પપ્પા કર્મ, કર્મનું ફળ અને કર્મબંધનની વિસ્તૃત જાણકારી ધરાવતા હતા. કર્મથી સંસાર જોડાયેલો છે, તેનું સારું કે ખરાબ ફળ અવશ્ય મળે છે, કર્મ નહીં કર્મના ફળની આશા બંધન રૂપ છે. જે કર્મથી ઉપજતા જય પરાજય કે લાભહાનિની દરકાર છોડે તે કર્મથી બંધાતો નથી, આપણે માત્ર નિમિત છે એવી બુદ્ધિ કેળવવાની સલાહ સોનલને પપ્પા આપતા. હવે તે નથી પણ તેમની આપેલી ગીતા તેના જીવનનો આધાર બની.

ઇન્દ્રિયોનો સંયમ, સતોપ્રધાન, રજોપ્રધાન, તમોપ્રધાન અવસ્થાની સમજ, સાચા ભક્તનાં લક્ષણ, દેવી સંપ્રદાય, આસુરી સંપ્રદાયની માહિતી સોનલને ગીતામાંથી મળી.

ગીતાના રોજ અધ્યયનથી એક શુદ્ધ મનનું નિર્માણ સોનલે કર્યું. હવે તેની બુદ્ધિ પણ સ્થિર અને એકાગ્ર થઈ. કર્મેન્દ્રિયો પર નિયંત્રણ કરી કર્મયોગી જીવન જીવતી સોનલ માટે ગીતા સદગુરુ, શિક્ષક બની. દરેકને માટે તેના મનમાં હવે મૈત્રીભાવ અને કરુણા ભાવ વહે છે. વિષયો વચ્ચે રહેવું, પ્રવૃત્તિમય જીવન જીવવું છતાં મનને નિર્લેપ રાખવાની કોશિશ હવે નિરંતર સોનલ કરતી રહે છે.  

ગીતાને બુદ્ધ અને મહાવીરની જેમ સંસાર છોડવાનો માર્ગ મંજૂર નથી પણ સંસારમાં રહી કર્મનિષ્ઠ અને યોગી જીવન જીવતા શીખવાડે છે. કાચબાની જેમ સંયમી જીવન જીવતા હવે સોનલ ગીતા દ્વારા શીખી ગઈ છે.


Rate this content
Log in