STORYMIRROR

Vallari Achhodawala

Inspirational

3  

Vallari Achhodawala

Inspirational

દીકરી મારી લાડકવાયી

દીકરી મારી લાડકવાયી

2 mins
203

આજે કૃતિકા ખૂબ જ ખુશ છે, ઘરમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે કેમકે તેની દીકરી વિભાને અમેરિકા ભણવા જવાના વિઝા મળી ગયા. તેણે શુકનનો કંસાર કરી સૌને જમાડયાં.

હવે એને જવાને ૧૦ દિવસ જ બાકી, કેટલી તૈયારી કરવાની એ વિચારે કૃતિકા રઘવાયી થઈ ગઈ પણ તરત દીકરો, વહુ, ભાઈ, ભાભી, નણંદ અને સાસુએ કહ્યું, "આપણે સાથે મળીને કામ વહેંચીને વિભાના જવાની દરેક તૈયારી કરી લઈશું." 

દરેકની લાડકી, ઘરની ચુલબુલી, અલ્લડ, આખાબોલી વિભા ઘરની રોનક, એ ચૂપ તો ધર ભેંકાર લાગે.

આજે પરવારીને કૃતિકા પરદેશ જતી દીકરીને પત્ર લખવા બેસી ગઈ એમ વિચારીને કે પરદેશમાં વિભા એકલી પડશે તો આ શબ્દો તેને શક્તિ આપશે.

મારી લાડકવાયી,

તું મારું પ્રતિબિંબ, પપ્પાના જીવનનો પડછાયો,ભાઈ ભાભીની લાડકવાયી, દાદા દાદીનું ગૌરવ, મામા મામીનું અભિમાન છે. દરેકની આંખોમાં તારા માટે સજાવેલ સપનાઓ પલપે છે અને હું તો મારા જીવનમાં અધવચ્ચે અપૂર્ણ રહી ગયેલા સપનાઓની પૂર્ણતા તારી આંખોમાં શોધું છું. તું મારું સ્વાભિમાન છે માટે કહું છું," બેટા, પરાયા દેશમાં સંસ્કારથી જીવન દિપાવજે, સંસ્કારનો ભાર નથી લાગતો, એ તો અમારી તને આપેલ શ્રેષ્ઠ મૂડી, એનાથી બનશે જિંદગી તારી રૂડી."

 મારી ભોળી વ્હાલી દીકરી," મે વરસાદમાં ભીંજાયા પછી તારો તાવમાં તડપડાટ જોયો, તને કાલીધેલી ભાષામાં ગીતો ને જોડકણાં ગાતા જોઈ, પહેલીવાર જાતે રંગેલા ચિત્રોની ખુશીનો રંગ તારી આંખોમાં જોયો, મારી જ ચંપલ પહેરીને ચાલતાં -પડતા ને કડવી દવાનો ઘૂંટ રડી રડીને ઉતારતા તને જોઈ પણ ત્યારે જીવનની સમજણ આપવા અમારો સાથ હતો. જૂહીની ક્ળીની જેમ તું અમારા જીવનનાં આંગણામાં ખીલતી રહી પણ હવે આંગણાથી દૂર, અમને છોડીને તારા સપના શણગારવા એકલી અજાણ્યા દેશે ઉડશે ત્યારે અમે તારાથી દૂર હોઈશું પણ અમને તારા પર અખંડ વિશ્વાસ, અતૂટ શ્રધ્ધા છે કે તું ડગલે ને પગલે અમારી પરવરીશ દિપાવશે."

વિશ્વની અજાયબીઓથી બિલ્કુલ અલગ તારા પપ્પાના જીવનની અજાયબી એટલે પપ્પાની આંખોમાં ડોકાતો તારી પ્રત્યેનો વિશ્વાસ ! તું જેવી જિંદગી જીવશે, જે વર્તન કરશે તે જ અમારી ઓળખ અમારા વગર પરદેશમાં બીજાને કરાવશે.

તારો જન્મ અમને કુદરતે આપેલી સોગાત છે, જેને અમે પ્રેમે અને સંસ્કારોથી સજાવેલ છે.

અમારા જીવનનું હવે તો એક સપનું તને સુખી જોવાનું છે.

ઊડ ઊંચા આકાશે..

અજાણ્યા દેશાવરે..

માવતરના આશિષ સંગાથે..

પૂરા કરવા તારા સપનાને.

તારા જીવનની પરીક્ષામાં સદા સફળતા તને મળતી રહે તેવા આશિષ સાથે,

 મમ્મી પપ્પા.

આટલું લખી પેન નીચે મૂકી કૃતિકા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ત્યાંજ એની પુત્રવધુ આવી અને એના આંસુ લૂંછતા બોલી, " મમ્મી, હું પણ તમારી દીકરીને, જરા પણ દુઃખી ન થવા દઈશ પરિવારને." આ સાંભળીને કૃતિકા એને મારી દીકરી કહી ભેટી પડી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational