ઇશનો અવતાર
ઇશનો અવતાર
આજે હેતલ કોલેજનાં પુસ્તકાલયમાં બેસીને માવતર પર વકૃત્વ સ્પર્ધા માટે ચિંતન કરી રહી હતી. એકાએક પોતાના જીવનને યાદ કરતાં તેની કલમ કાગળ પર સરકવા લાગી. માવતર એટલે માતા-પિતા, જનક- જનની, માત-તાત, મા-બાપ, જન્મદાત્રી- જન્મદાતા. બંનેની આગવી લાક્ષણિકતા છે. મા માટે કવિઓએ ઘણું લખ્યું છે જેમકે,
"મા તે મા બીજા વગડાનાં વા", "ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસાર" મા ઈશ્વરે વહાવેલું નિઃસ્વાર્થ પ્રેમનું ઝરણું, પ્રેમ, વાત્સલ્ય અને સર્મપણની મૂર્તિ. "મને દુઃખી દેખી કોણ દુઃખી થાતુ, મહા હેતવાળી દયાળી જ મા તું."
પિતા પણ કવિ દ્વારા વખાણાયેલ છે જેમકે, "પિતા કુટુંબનો ઘેઘૂર વડલો, વર્લ્ડ હીરો, સંતાનના પ્રથમ શિક્ષક, જીવનની છત્રછાયા." તો માવતરની સંયુકત પ્રશંસા આ પંક્તિમાં જોવા મળે છે, "ભૂલો ભલે બીજુ બધુ માબાપને ભૂલશો નહી." "માત સમ ન વીરડી પિતા સમ ન તરુવર" "માના હાથનું ભોજન પિતાના હાથે માર" પણ આજે હું કહું છું કે,
મા ધરતી, પિતા આકાશ. મા છલકતી નદી,પિતા ધૈર્યના સમુદ્ર. મા શીતળ સવાર, પિતા ઢળતી સાંજ. માનો મમતામય ખોળો, પિતાનો મજબૂત સાથ. મા જીવનની નર્સ, પિતા સમસ્યાના ડોક્ટર. મા મીઠી છાયા, પિતા ઘનઘોર છત્રછાયા.
મા ત્યાગની મૂર્તિ, પિતા પરિશ્રમની મૂર્તિ અને માબાપ સાક્ષાત જીવંત ઇશનો અવતાર.
માવતર એટલે માવજત કરે મનની, વહાલ કરે તનને, ત્યાગ કરે સમયનો, રક્ષા કરે અસ્તિત્વની. માતા અસહ્ય વેદના સહી નવ માસ શરીરમાં આશ્રય સ્થાન આપી, પોતાના દૂધથી પોષણ કરી બાળકનું સંસ્કાર સીંચન અને ચરિત્ર ઘડતર કરે. તો પિતા રાતદિવસ એક કરી, પરસેવો રેલાવી, ઇચ્છા ત્યાગ કરી બાળકોની જિંદગી જીવવાની રાહ કંડારે છે. પિતા સંઘર્ષ સાથે લડતા શીખવાડે, સરળતા, સમજદારી, સ્નેહ, સ્પષ્ટતા જીવનમાં કેળવે, પુરુષાર્થી જીવન બનાવે છે. તે બાળકોના શ્રેષ્ઠ મિત્ર, શિક્ષક અને માર્ગદર્શક બને છે.
સમાજમાં એકલી મા કે એકલા પિતા સાથે ઉછેર પામતા સંતાનોમાં માવતરના પ્રેમની તડપ જોવા મળે છે. જેમને માવતર નથી તેનું જીવન અસહ્ય હોય છે. જાણે કહેતા હોય,
"કોણ મને લાગણી આપે,
જીવવાની દરેક પળ આપે,
સતત વરસતો વ્હાલ આપે,
અમૂલ્ય જીવનનો સમય આપે."
માતા પિતાની ભક્તિના ઉદાહરણ શાસ્ત્રોમાં ઘણાં છે. શ્રવણની માવતર સેવા, રામની પિતૃભક્તિ માતૃપ્રેમ, શિવાજીનો જીજાબાઇ પ્રતિ આદર. "માતૃ દેવ ભવઃ, પિતૃ દેવ ભવઃ" હિંદુ ધર્મના પવિત્ર મંત્ર ગણાય છે છતાંય વૃદ્ધાશ્રમો છલકાતાં જાય છે. સમય બદલાય, જીવનનો ઘટનાક્રમ બદલાય, સાથે બાળકોનો માવતર પ્રતિ અભિગમ પણ બદલાય. સમયનો અભાવ,કારકિર્દી બનાવવાની તડપ તેમને માવતરથી દૂર કરે છે.
આજે ચાલો એક નવા સંકલ્પ લઇ સમાજનું પરિવર્તન કરીએ,માવતરનું કર્જ અદા કરીએ.
૧- ઘરડા માવતર ને દત્તક લઇએ.
૨ - નવા ઘરડાઘર ખોલી માવતરને સંતાનોથી દૂર ન કરીએ પણ સંતાનોને માબાપની સંભાળ લેવા સમજાવીએ.
૩ - માબાપને પણ સંતાનો સાથે સ્નેહ સહયોગથી રહેવા સમજાવીએ.
આમ લખી હેતલે પોતાની કલમને વિરામ આપી અને મનોમન ગણગણી,
"વિષાદયોગ, માવતર વગર, મન વલખે."
