મહિમા
મહિમા
લખવા બેસું જો મહિમા ભોળાનાથનો,
તો સાત સમુદ્રની શાહી પણ ઓછી પડે,
લખી દઉં માત્ર 🕉 જો આંગળીઓથી;
તો એ લેખ વિધાતાને પણ ભારે પડે..!!
ભારતીય પંચાગ પ્રમાણે વર્ષના દરેક મહિનાઓનું કોઈ ન કોઈ ધાર્મિક મહત્વ છે, પરંતુ શ્રાવણનું મહત્વ વિશેષ છે. આ જ મહિનામાં શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોવા છતાં પુરો મહિનો ભગવાન શિવનો મનાય છે. આ મહિનામાં નદીઓમાં નવા નીર આવે છે. અષાઢમહિનામાં સંતૃપ્ત થયેલ ધરતીમાં ખેડૂતો બીજારોપણ કરે છે, વનસ્પતિઓને અંકુર ફૂટે છે. વર્ષાઋતુનો બીજો મહિનો હોવાથી શ્રાવણમહિનામાં ઉપવાસ કરવો સ્વાસ્થ્યની જાળવણી માટે, આર્યુવેદની દ્રષ્ટિએ પણ યથાયોગ્ય છે.
મહાદેવના પત્ની શ્રી સતીએ તેમના પિતાશ્રી દક્ષના યજ્ઞ પ્રસંગે પોતાના પતિને આમંત્રણ ન હોવાથી ક્રોધિત થઈને અગ્નિમાં કુદીને પોતાનીઆહુતિ આપી હતી અને હિમાલય પુત્રી પાર્વતી સ્વરૂપે પુનર્જન્મ લીધો હતો, અને ભગવાન શિવને પ્રાપ્ત કરવા શ્રાવણ મહિનામાં આકરાંઉપવાસ કર્યા હતા, જેની ફળશ્રુતિ રૂપે શિવ ભગવાને પ્રસન્ન થઈને પાર્વતી માતાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો.
એક માન્યતા અનુસાર શિવ ભગવાન આ મહિનામાં કૈલાસ પર્વતનું સ્થાન છોડી પૃથ્વી પર વિચરણ કરવા આવે છે અને ક્ષીરસાગરમાં ચાર મહિના નિવાસ કરે છે. શિવલિંગ પર જળાભિષેક, બિલ્વપત્રાભિષેક, મધ તથા દૂધનો અભિષેક કરાય છે.
જળાભિષેક માટેની એક કથા એવી છે કે સમુદ્ર મંથન વેળાએ અમૃતની સાથે હળાહળ વિષ નિકળ્યું જેના અગ્નિ જેવા તાપથી દેવો, દાનવોઅને સમગ્ર સૃષ્ટિ ત્રાહિમામ પોકારી ગઈ. શિવ ભગવાને વિષ ગ્રહણ કરી કંઠમાં રોકી દીધું તેથી એમનું ગળું નીલા રંગનું થઈ ગયું ત્યારથી તેઓ નીલકંઠ કહેવાયા. કિન્તુ એ હળાહળ વિષના તાપથી શિવ ભગવાન અસ્વસ્થ થઈ ગયા તો દેવો, દાનવો અને અન્ય ભક્ત ગણોએ એમના પર ગંગાજીના શીતળ જળનો અભિષેક કરીને અગ્નિ શાંત કર્યો, માટે જ શિવાલયમાં શિવલિંગ પર સતત જળાભિષેક થતો હોયછે.
શ્રાવણ મહિનામાં થતી વર્ષાની એક વિશેષતા એ છે કે જાણે જળાભિષેક થતો હોય તેમ આકાશથી પાણી પડતું હોય છે, જેને લોકો શ્રાવણના સરવરિયા કહે છે. આ કારણથી પણ શિવ ભગવાનને શ્રાવણ વધુ પ્રિય છે.
આપ સહુ ને પવિત્ર શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ..!! 🕉 નમ: શિવાય
