મહેનતની કમાણી
મહેનતની કમાણી


રોજ ઉઠીને જાગૃત માનવીને મન એક જ ચિંતા હોય,કામની ચિંતા. પછી કોર્પોરેટ જગતનો કિંગ હોય, કોલેજનો પ્રોફેસર હોય, સ્કૂલનો ટીચર હોય, દેશનો વડાપ્રધાન હોય કે પછી દહાડી મજૂરી કરતો મજૂર હોય !
દરેક પોતાના કામ પ્રત્યે સભાન હોય. જીવનની ફિલસૂફી જ એવી સમજાણી હોય કે પેટ અને પેટ માટે કામ, શોખ.. તો એ પૂરાં કરવાં નાણાં અને નાણાં માટે ફરી પાછું કામ, જીવનની જન્મથી માંડીને મૃત્યુ સુધીની કહાની નાણે અને નાણાંના ભાઈ કામને માથે જ લખાણી છે. એટલે જ તો ગ્રંથોમાં પણ કર્મને જ મહાન ગણાવ્યું છે.
કર્મમાં પણ હવે જો શ્રેષ્ઠ શોધવાની વાત આવે તો મતમતાંતરો દરેકને મોંઢે સાંભળવા મળે. કોઈ કહે કલેકટરનું કાર્ય શ્રેષ્ઠ, કોઈ વડાપ્રધાનનું, કોઈ શિક્ષકનું, કોઈ ખેડૂતનું, કોઈ કહે મજૂરનું ..! કોઈ એવું પણ કહે છે કે દરેક પોતપોતાના ક્ષેત્રે શ્રેષ્ઠ છે. અને આમ જોવાં જઈએ તો તે વાત સત્ય પણ છે. દરેક એકબીજા પર અવલંબિત છે અને દરેકને એકબીજાની પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે જરૂર પડતી જ હોય છે.
પણ આ બધી વાતોથી દૂર અને એકદમ પ્રફુલ્લિત મને હું સાંજે ટહેલવા માટે નીકળ્યો. રસ્તામાં આવતાં જતાં વૃક્ષોને જોયાં, એના પરનાં કલરવ કરતાં પક્ષીઓને જોયાં, મેદાને રમતાં બાળકો અને એમની તોફાની મસ્તી જોઈ, વાહનો અને એનાં ઘોઘાંટને અવગણ્યાં ને અંતે કામથી પાછાં ફરતાં મજૂર જોયાં.
હું એ મજૂરોનાં કામની સાઈટ પાસેથી હજું પસાર થઈ રહ્યો હતો. ત્યાં મેં એક દ્રશ્ય જોયું.
મજૂરોનો કોન્ટ્રાકટર મજૂરોને એમની દહાડી આપી રહ્યો હતો. સૌ કોઈ વારાફરતી જઈને પૈસા લઈ રહ્યા હતા.
ત્યાં તરત મેં પૈસા લઈને પોતાને ઠેકાણે જતાં એક મજૂરને જોયો.
એ મજૂર પોતાની દહાડીનાં રૂપિયાને કયારેક પાકીટમાં મૂકતો, તો કયારેક પાકીટમાંથી કાઢીને નોટને ગણતો અને કયારેક પાકીટમાંથી કાઢીને કાગળની ગડીમાં સંતાડતો.
પહેલી નજરે જોતાં સૌને એમ લાગે કે તે ગાંડો છે. પણ તે ગાંડો નહોતો...
એ તો ફકત.... ને ...ફકત ....એની 'મહેનતની કમાણી' ને સાચવી રહ્યો હતો.
તત્વચિંતકોની પેલી કામની વાત કે સૌનું કામ પોતપોતાના ક્ષેત્રે મહાન છે એ વાત આ દ્રશ્ય પછી ઝાંખી પડી રહી હતી.....
મહેનતની કમાણી ખરેખર ગજબની હોય છે!