ગરમીમાં ટાઢકની અનુભૂતિ
ગરમીમાં ટાઢકની અનુભૂતિ


અમે ચાર વાગ્યે રોજ ચા પીવા લાઈબ્રેરી બહાર જઈએ. પણ આ વખતની ગરમીમાં ચાર વાગ્યે પણ ધગધગતો તાપ હોય. તેથી સાંજ જેવું ઓછું અને ભરબપોર વધારે લાગે.
આટલી ગરમીમાં ચા પીવી પણ ન ગમે એવી સ્થિતિ ઊભી થાય,પણ રોજની આદત એ વાતને દબાવી કાઢે. અને મોં ને ચાનો ઓર્ડર આપવા મજબૂર કરે.
આજે ગરમી એની સીમા વટાવી ગઈ હતી. છાંયડે બેસેલું અમારું શરીર છાંયડો હોવા છતાંય તપી રહ્યું હતું. અને પરસેવાના રેલાઓએ જાણે હારમાળા સર્જી હોય એમ ઉમટ્યા હતા. હવે હાથરૂમાલ લૂછવાની ના પાડતો હતો. કારણ કે એ પણ હવે ગરમીથી કદાચ ત્રાસી ગયો હતો.
ચાની ચૂસ્કી હજી માંડ પૂરી થઈ હશે ત્યાં અચાનક ઉંચે આકાશમાંથી ઉડતો એક કાગડો જમીનદોસ્ત થયો. એ કાગડાને જોઈ અમે તરત ગરમીને ભૂલાવીને એની તરફ દોડ્યા. ત્યાં જઈ જોયું એક પગવાળા આ બહાદુર કાગડાની બહાદુરીની દુશ્મન ગરમી બની ગઈ હતી. અમે તરત જ વિના કોઈ વિલંબ ઠંડા પાણીની બોટલ લાવીને એના પર રેડી. તે તરફડવા માંડ્યો. પણ પછી એની આંખો ખૂલી. અમે તેને છાંયડે લઈ ગયા અને પાણી પીવડાવ્યું.
કાગડો થોડીવારમાં સ્વસ્થ થયો અને એ જ હિંમતથી ફરી એક પગની છલાંગ લગાવી ઉડી ગયો. મને અને મારાં મિત્રને આનંદ હતો કે અમે એક અણબોલ્યા જીવની મદદ કરી. અમારે કાળજે આટલી બધી ગરમીમાં પણ ટાઢક વળી.
પણ પછી એક ભયાનક વિચાર આવ્યો કે જો બધાં જ પક્ષીઓની આવી સ્થિતિ આવે તો કોણ કોને બચાવશે. શું ગરમીથી ત્રાસતા અબોલ પશુ પંખીઓ માટે આપણે પર્યાવરણને ના બચાવી શકીએ?