જાણી અજાણી વાત
જાણી અજાણી વાત


અનિયમિત પ્રવાહોનો દોર એટલે ન માંગેલી, અકાળે દીધેલી અને છતાય વહાલી એવી ગરીબની જીંદગી. એવી જ એકજણની જીંદગીની વાત....
સાંજ પડે ને ત્યારે ઢળતાં સૂરજ સાથે કાળુ મહેનત કરીને ઈશ્વરને પણ આડું જોવડાવે. અમીરોએ ન માણેલી અસહ્ય ગરમીમાં ખંજવાળ ઉપડી જાય એવા ભંઠીયા અને ખસવાળાં ખેતરે કાળુ દહાડી મજૂરીએ જાય.
માર્કેટ યાર્ડમાં પાંચ મણનાં કોથળા ઉપાડવાં પણ હવે તે જતો હતો. ગમે તે કરીને કાળુને સાંજ પડે એની ટીના અને લાલા માટે જરૂરી એક ટંકનો રોટલો પૂરો પાડવાનો હતો.
આપણી કે સૌની નજરમાં તો એ કર્તવ્ય જ ગણાય ને ! પણ કાળુના મને હવે એ કર્તવ્ય અપૂરતું હતું. માર્કેટનાં સામે નાકે આવેલી ઈંગ્લિશ સ્કૂલમાં ટીના અને લાલાને ભણાવવાનાં કાળુને મન સપનાં ઉગ્યાં હતાં.
એક દિવસ એ હિંમત ક
રીને સ્કૂલનાં પગથિયે ચડી જ જાય છે. માથે રહેલાં ફાળિયાંમાંથી અને અંગ પર રહેલાં પહેરણમાંથી પરસેવાની મહેનતવાળી ગંધ આવી રહી હતી. ચોકીદાર એને રોકીને પૂછે છે તો ગમે તે કરી એને સમજાવી અંદર ઓફિસે ઘૂસી જાય છે.
મેલાં કપડાં જોઈને કર્મચારીઓની નજરે ચડે છે અને ધારે છે કે કોઈ મજૂર કંઈ નાંખવા આવ્યો હશે. પણ કાળુ તરત જ કોઈ કર્મચારીને પૂછે છે કે છોકરાંને અહીં ભણાવવાનાં રૂપિયા કેટલાં થાય ? મારે'ય મારા છોકરાંને ઈંગ્લિશ મિડિયમમાં ભણાવવાં છે !
ત્યારે બધાં અટ્ટહાસ્ય કરે છે. અને કોઈ એક પૂછે છે કે શું કામ તે પોતાના બાળકોને ઈંગ્લિશ મિડિયમમાં ભણાવવાં માંગે છે ?
ત્યારે કાળુ એટલું જ બોલે છે કે ,"મારી ટીનાં અને લાલાને ભવિષ્યે,આપ જેવાં કોઈ એમનાં બાળકો વખતે પ્રશ્ર્ન ના પૂછે ને એટલાં માટે ! "