ક્રિમવાળી બિસ્કીટ
ક્રિમવાળી બિસ્કીટ
ખેતરનાં પેલાં ભેખડવાળાં નેળિયે થોડોક શોર હતો. મેલનાં લપેટામાં લપાયેલો અને ગરીબાઈથી લથબથ જીગરભાઈનો લાલો રસ્તે ધમપછાડા કરી રહ્યો હતો. રડીને આંસુઓ એનાં ચહેરાંની રેખાઓ બની ગયાં હતાં.
લાલાની બાળપણની યારી પહેલેથી જ ગરીબી જોડે હતી. બાજરીનો કકડતો અને ભારે ભરખમ થેપેલો રોટલો એનું રોજનું ખાણું. પેટમાં ભૂખ કકડે એટલે બાજરીનો એ રોટલો પણ પકવાન લાગે.
જીગાભાઈ દહાડી મજૂરી કરે અને ઘરનું ગુજરાન સ્વમાનથી ચલાવે. નાનો લાલો રોજ જીગાભાઈ સાથે રોડ પર આવેલાં ચાર રસ્તાની દૂકાને જાય. જીગાભાઈ ચા-ખાંડ કે પેટ ઠરે એટલો સામાન એમની દહાડી મજૂરીનાં રૂપિયામાંથી ખરીદે.
ગઈકાલની રાતથી જીગો થોડો આકુળવ્યાકુળ હતો.સાંજે મનિયો એને એક અણસાજતી લત આપીને ગયો હતો. ચોકડીની બાબુલાલની દૂકાનેથી મનિયો ક્રિમવાળી બિસ્કીટ લઈ આવ્યો હતો. અને બધાને બતાવી બતાવીને ખાઈ રહ્યો હતો. અને લાલો મોંમાં પાણી પાડતો જોઈ રહ્યો હતો. લાલા એ જ ઘડીએ નક્કી કરી લીધુ કે હું કોઈ પણ ભોગે આ બિસ્કીટ લઈને જ રહીશ.
રાત્રે જીગાભાઈને લાડ કર્યુ. લાડ તો મમ્મીને પણ કરત પણ મમ્મી તો ભગવાનને ત્યાં હતી ને !
પણ સીધેસીધું જીગાભાઈને ના કીધું. એને ડર હતો કદાચ કામથી થાકીને આવેલાં પપ્પા વઢશે તો સવારે વાત નહી બને. તેથી વાત સવાર પર છોડી અને મૌન રહ્યો.
સવાર પડી ત્યાં ગોદડાંમાંથી આંખ ચોળતો લાલો પપ્પાને પૂછે છે "પપ્પા, દૂધ લઈ આવ્યા!"
પપ્પા ના પાડે છે. તો અચાનક સફાળો જાગીને તેમની સાથે જવાં તૈયાર થઈ જાય છે. જીગાભાઈ આખી વાતથી અજાણ હતા તો તેને ધ્યાને ના લીધો. નેળિયે આગળ જીગાભાઈ અને પાછળ લાલો દુકાને પહોંચે છે.લાલો બાબુલાલની દુકાનમાં કાચવાળાં કબાટને પકડીને ઉભો રહી જાય છે કે જ્યાં પેલી ક્રિમવાળી બિસ્કીટ હતી.
જીગાભાઈ હજુ દૂધ વગેરે લે તે પહેલાં લાલાની ધતિંગબાજી શરૂ થઈ.
"પપ્પા, મને આ બિસ્કીટ લઈ આપો ને.
મારે આ જોઈએ જ !"
પપ્પા કહે છે, "મારાં દીકરાં એ બહુ મોંઘી બિસ્કીટ છે અને એવું ના ખવાય. એમાં તો એકલું ડાલ્ડા ઘી આવે માંદા પડાય."
અહીં લાલાએ રડવાનું ચાલુ કર્યુ. જીગાભાઈએ સમજાવ્યો પણ તે હઠ છોડવા તૈયાર નહોતો. તેથી વધારે ધ્યાન ના આપ્યું અને ઘર તરફ વળ્યાં. લાલો પાછળ પાછળ બૂમો પાડતો રડતો રડતો આવે છે. અને ભેખડવાળાં નેળિયે આવીને પછી ધૂળમાં જ આળોટવાં માંડે છે. જીગાભાઈ એને રોકે છે પણ કાબૂ બહાર છે. કંટાળીને તેઓ ઘરે જતાં રહે છે.
લગભગ કલાક સુધી રડ્યા બાદ માયૂસ થઇને લાલો ઘરે પરત ફરે છે. ખાટલે આવીને બેસે છે. પપ્પા આવે છે. એનાં માથાં પર હાથ ફેરવીને તેડી લે છે. અને કહે છે,
"બેટા, હું તને એનાથી સારી બિસ્કીટ લાવી આપીશ. જ્યારે આપણી પાસે વધારે પૈસા આવી જશે ને એટલે."
લાલો વળતો જવાબ આપે છે,
"પપ્પા, ભગવાન બધાને પૈસા આપે છે ને ! મેં સાંભળ્યું તે બહું ઉપર રહે છે.સાચી વાત છે તે?"
"હા,બેટાં ભગવાન બધે જ રહે છે."
પછી લાલો પપ્પા સાથે ખેતરે જાય છે અને શેઠના ટયૂબવેલનાં ધાબે ચડી જાય છે અને ત્યાં પડેલી નિસરણી ભીંત પર મૂકીને ઉપર ચડી જાય છે. પછી જોરથી બૂમ પાડે છે,
" ભગવાન ! મને ક્રિમવાળી બિસ્કીટ મળી રહે તેટલાં પૈસા આપો ને !"