મધુ રંગારો
મધુ રંગારો
ડેલીએ ટકોરા પડયા, સવાર –સવારમાં કોણ આવ્યું હશે ? આવા વિચાર કરીને મધુ રંગારા એ ડેલી બાજુ એનાં પગલાં ઉપડયા. મધુની યુવાન સ્ત્રી જેણે મધુની રંગેલી ચુંદડી માથા ઉપર સરખી કરીને ડેલી બાજુ નજર કરી. મધુએ ઉતાવળી ચાલે ડેલી પાસે જઈને ડોકા બારીમાંથી બહાર નજર કરી. બહારનું દ્રશ્ય જોતાંની સાથે જ એની આંખો પહોળી થઈ ગઈ.
મધુ રંગારાની ડેલીના સામેના ભાગે બે માંડવગઢ રાજના સૈનિકો ઘોડા ઉપર બેઠા હતા અને આસપાસનાં માણસો ગુપચુપ આ દ્રશ્ય જોઈ રહ્યાં હતા. અરબી ઘોડાઓ ઉપર મજબુત રીતે ખેંચીને પલાણ બાંધેલા હતાં. એ પલાણ ઉપર બે કરડા ચહેરા વાળા અને વાંકડી મૂછો વાળા સૈનિકો પોતાના હથિયારો સાથે બેઠા હતા. ઘોડાઓ પોતાના પગ એક જગ્યાએ સ્થિર રાખતા ન હતા, એ જ રીતે મધુના મનમાં પણ એક સરખા વિચાર આવતા ન હતા. રાજના સૈનિકો જોઇને એના ચહેરા ઉપર ચિંતાનાં વાદળ છવાઈ ગયાં હતાં.
મધુ બે હાથ જોડીને ઉભો રહ્યો એટલે એક સૈનિક બોલ્યો : “રાજાજી એ તને તરત જ બોલાવ્યો છે. ” આટલું કહીને સૈનિકો ઘોડાઓના ડાબલા બોલાવતા ચાલ્યા ગયા. ઘોડાઓ દોડવાથી આસપાસના લોકો એની રજકણો આંખોમાં ન જાય એ માટે ચહેરાની આસપાસથી પોતાના હાથ વડે ધૂળ દુર કરવા લાગ્યા.
મધુ રંગારાની સાથે એના આડોસી –પાડોસી પણ ચિંતામાં પડી ગયા, કે હવે મધુનું શું થાશે ? મધુના ઘેર રાજના માણસોની આવન-જાવન હમેશાં રહેતી પણ સૈનિકો ક્યારેય ન આવતા. દાસીઓ અને વાણોતર આવતાં. રાજપરિવારનાં કપડાંને રંગ કરાવવા માટે અને રંગાયેલાં કપડાં પાછાં લઇ જાવા માટે.
મધુ ઉતાવળા પગલે ઘરમાં પાછો ગયો તો મધુની પત્ની રેવતી એમનો ચિંતાતુર ચહેરો જોઈ રહી. એણે પણ બહારનું બિહામણું દ્રશ્ય થોડું-થોડું જોયું હતું. એને એ વાતની ખબર હતી કે જો રાજના સૈનિકો જયારે બોલાવી જાય તો ત્યાં માણસોની શું હાલત થાય ? થોડાં કપડાં સરખાં કરીને મધુએ રાજની કચેરી એ જાવાની તૈયારી કરી. આ વખતે એને સતત એ વાતની ચિંતા થતી કે રાજાનાં કપડાં રંગવામાં કોઈ ભૂલ તો છેલ્લા દિવસોમાં થઇ ન હતીને ?
ઘરમાંથી બહાર નીકળતાં પહેલાં મધુએ એના પાંચ વર્ષના વ્હાલા દીકરા ગડુને વ્હાલ કર્યું, રેવતી સામે પ્રેમભરી નજર નાખી અને ધીમેથી કહ્યું 'ચિંતા ન કરતી હું હમણાં જઈને આવું છું.' પછી પુજાના રૂમમાં જઈને એની કુળદેવી માતા ને નમી-નમીને પ્રાર્થના કરી. મધુને મનમાં એમ હતું કે માતાજીને વધારે નામીશ તો ત્યાં મુશ્કેલીઓ ઓછી પડશે. રાજની મુશ્કેલીમાંથી તો માતા જ બચાવશે એવી એને દ્રઢ આસ્થા હતી. જેવો મધુ ડેલીમાંથી બહાર નીકળ્યો એટલે એની આખી શેરીનાં માણસો એને જોઈ રહ્યાં. મધુ ધીરી પણ મક્કમ ચાલે રાજની કચેરી તરફ ચાલ્યો ગયો.
અડધો દિવસ વીત્યા પછી મધુ રાજની કચેરી જઈને પરત હસતા ચહેરે ઘેર આવ્યો. મધુ ગયો ત્યારથી કરીને અત્યાર સુધી ગડુ કે રેવતી એ કશું પણ ખાધું કે પીધું ન હતું. બન્ને સુનમુંન અને ચિંતામાં એક જ જગ્યા એ બેઠા જ રહ્યાં હતા. હસતો ચહેરો જોઇને રેવતીનાં મનને ઠંડક થઈ.
મધુએ પોતાની કાયમની બેઠક પર બેસતો બોલ્યો, 'નવું અને મને ખુબ ગમતું કામ મળ્યું છે.' માટીના લોટામાં ઠંડુ પાણી આપતાં રેવતી બોલી, 'એવું તો કયું નવું કામ મળ્યું, અમને તો કહો ?' બન્નેની વાત ચાલુ હતી એ સમય દરમિયાનજ ગડુ દોડીને મધુના ખોળામાં બેસી ગયો. મધુએ પછી માંડીને બધી વાત કરી. આપણા રાજાજીએ માંડવગઢથી વીસ ગાઉ દુર એક પોતાના માટે હવાખાવાનો મહેલ બનાવ્યો છે. આ મહેલની આસપાસ બાલાજીની નાની-નાની ટેકરીઓ આવેલી છે. રાજાજીની અહી આવન જાવનના લીધે એમની નજર અહીંની જમીન અને વનસ્પતિ ઉપર પડી હતી. અહી ઘણી વિવિધ પ્રકારની વનસ્પતિઓમાંથી જુદાજ પ્રકારના રંગ બની શકે એવો વિચા
ર પણ એમને આવ્યો. રાજાજીની ઈચ્છા થઇ છે કે અહીંની વનસ્પતિઓમાંથી નવા અને આંખને ગમે એવા રંગ મારે બનાવીને લાવવાના, એના માટે મારે એક મહિનો માટે બાલાજીની ટેકરીઓમાં જાવાનું છે. રાજાજીએ મને વચન આપ્યું છે જો હું એમને ગમી જાય એવા રંગ લાવી આપીશ તો મને ઇનામમાં સોનામહોરો મળશે.
સોનામહોરોનું નામ સાંભળીને રેવતીની આંખોમાં નવી ચમક આવી ગઈ પણ બીજી જ ક્ષણે દુર-દુર નિરાશાની વાદળી પણ દેખાઈ કે એક મહિનો મધુ વગર એ કેવી રીતે રહેશે ? નવા રંગોની શોધ માટે મધુએ બાલાજીની ટેકરીઓ તરફ પ્રસ્થાન કરું અને અહી મધુની ડેલીમાં રેવતી અમે ગડુની પળે-પળ રંગ વગરની થઇ ગઈ. રંગોનો તહેવાર કોણ જાણે હવે ક્યારે આવશે એવા વિચારો સાથે રેવતીએ ડેલી બંધ કરી દીધી. રેવતી માટે રંગોનો તહેવાર એક જ મધુ રંગારોજ હતો.
મધુ રંગારા માટે નવી દુનિયાનાં દ્વાર ખુલી ગયાં હતાં. પાંચ નોકરો સાથે એને હવામહેલને પોતાનું કાર્ય ક્ષેત્ર બાની દીધું હતું. વહેલી સવારે એ નીકળી પડતો અને બપોર થાતાંમાં તો ઘણું બધું લઈને આવતો, જેમાં પાન, મૂળ અને છાલ એવું હોતું. આખો દિવસ એ મહેનત કરીને રંગનો ભુક્કો બનાવતો, કેટલીક વનસ્પતિઓને ઉકાળીને પ્રવાહી રંગ પણ બનાવતો. પ્રવાહી રંગોને એ ત્રાંબા કે પીતળના મોટા ગોળાઓમાં ભરી રાખતો.
મધુ રંગારો કામ કરતાં-કરતાં ઘણી વાર ઊંડા વિચારોમાં સરી પડતો. વિચારોમાં એને રેવતી નાચતી, હસતી અને મધુર ગીતો ગઈ રહી હોય એવી દેખાતી. રાત્રીના ઉજાગરા કરીને એણે રેવતી માટે જે ઓઢણી રંગી હતી એ પણ યાદ આવતી. ગડુ માટે એણે એક મસ્ત ટોપી રંગી હતી. આ ટોપીમાં રેવતીએ ભરત ભરીને એક મજાનું ફૂમતુ બનાવ્યું હતું. ગડુ જ્યારે ચાલતો ત્યારે એનું ફૂમતુ પણ લય સાથે હાલક-ડોલક થાતું, આવાં અનેક રંગીન ચિત્રો મધુની આંખોમાં તરવરતાં રહેતાં.
એક દિવસ મધુ એના કામ અને વિચારોઆ લીન હતો એવા સમયે રાજાજી હવામહેલમાં આવી ગયા. જ્યારે મધુને રાજાજી સમક્ષ ઉપસ્થિત થવાનું થયું ત્યારે એણે વિચાર કર્યો કે કઈ રીતે રાજાને મળું તો મારા કામની વાહ-વાહ થાય.
જ્યારે રાજાજીએ મધુને બોલાવ્યો ત્યારે મધુએ બધાજ કુંજાઓમાં એક એક વાર પોતાના હાથ નાખીને બધાજ રંગોનો એક ખોબો ભર્યો. અનેક રંગોનો એકજ ખોબો મનોહર દ્રશ્ય ખડું કરી રહ્યો હતો. જ્યારે રાજાજીની નજર મધુના ખોબા ઉપર પડી તો તેઓ ખુબ જ ખુશ થઇ ગયા અને એમના ગળામાં રહેલો મોતીઓનો હર કાઢીને મધુને આપી દીધો. મધુ રંગારા માટે આ ખુબ જ મોટું ઈનામ હતું.
હવામહેલમાં રહેવાનો સમય મધુનો હવે પૂરો થઇ ગયો હતો. એ પાછો માંડવગઢ આવી ગયો, રેવતીએ ઓવારણાં લીધાં અને અને ગડુને વ્હાલ મળ્યું. રાત્રે મોડે સુધી બાલાજીની ટેકરીઓ, વનસ્પતિ અને હવામહેલની વાતો કરીને, કેવી રીતે રંગ બનાવતો અને કેવી રીતે જંગલમાં જાતો, કેવી રીતે ચૂલા ઉપર રંગો અને વનસ્પતિના અંગોને ઉકાળતો એની પણ વાતો કરીને મધુ રંગારો પરિવાર સાથે સુઈ ગયો.
સવારે ઉઠી ને રેવતીએ મધુને જગાડયો પણ મધુ તરત જાગ્યો નહી એટલે એને એમ લાગ્યું કે એ થાક્યા હશે થોડીવાર ભલે આરામ કરતા. થોડીવાર પછી મધુ એકા એક ખાટલામાંથી બેઠો થઇ ગયો અને જોરથી બુમ પડી એટલે રેવતી દોડતી આવી. અને બોલી શું થયું ? મધુ એક જ શ્વાસે બોલી ઉઠયો મને કઈ દેખાતું કેમ નથી. એણે એની આંખોને ખુબ મસળી પણ એને અંધારા સિવાય કઈ જ દેખાયું નહિ. મધુની આંખો હવે આ દુનિયાનાં રંગ જોવા માટે રહી ન હતી. રંગોના લીધે એની આંખોએ જવાબ આપી દીધો હતો.
રેવતીએ ઠંડુ પાણી લાવીને આંખો ઉપર છંટકાવ કર્યો પણ ગયેલી રોશની પાછી આવી નહિ. મધુ રંગરા માટે હવે એક રંગ રહ્યો હતો જે હતો કાળો ધબ્બ.