રોડના કિનારે
રોડના કિનારે


પોસ્ટમાસ્તર બાબુરાવની ચાલ આજે કાયમના કરતાં વધારે ઉતાવળી હતી. છતાં પણ એમણે કોઈ પણ વાહન તરફ જોયા વગર સીધા રોડે ચાલવાનું ચાલુ રાખ્યું. તેમનો એક ગોલ્ડન નિયમ હતો. આ સાડા ચાર કિમી જવા અને આવવા માટે ક્યારે પણ કોઈ વાહનનો ઉપયોગ કરવો નહી. ધોળી કાર તો ન મળે પણ કોઈ ગામડાનો ખેડૂત બળદ ગાડા પર બેસવાનું કહે તો પણ બાબુરાવ અધમાણીયું માથું હૈદરાબાદી સ્ટાઈલમાં હલાવીને ના પાડી દે.
બાબુરાવના ગામથી બાજુમાં આવેલું રાણીપુરા એ એમની નોકરીનું સ્થળ. રાણીપુરા જવાના કાળા રોડને તેઓ કસરતનું સાધન ગણતા એટલે આ બાર વર્ષની નોકરીમાં કાળા રોડને જ વ્હાલો ગણ્યો હતો, શરૂઆતમાં બાબુરાવને જોઇને લોકો પોતાનું ખાનગી વાહન ઊભું રાખતા પણ તેમણે ના પાડવાનુ શરુ કરું એટલે હવે જાણીતું કોઈ વાહન એમની પાસે ઊભું રહેતું નહિ.
બાબુરાવના ચાલવાના લીધે એમનો લોક-સંપર્ક ઘણો જ વધી ગયો હતો. સવારે ચાલે એટલે એમને ખ્યાલ આવી જ જાય કે આજે કોણ સૌપ્રથમ સામે મળશે અને કેવી પ્રશ્નોતરી કરશે. શરુ-શરુ માં લોકો કહેતા કે તમે પણ પોસ્ટમાસ્તર થઈને પાકા માસ્તર જેવા થઈ ગયા છો. હવે લોકોએ કોમેન્ટો ઓછી કરી દીધી હતી અને ચાલવાનું વધારી દીધું હતું. એક કિલો મીટર દૂરથી પણ એમની ચાલવાની સ્ટાઈલના લીધે લોકો કહી દેતા કે બાબુરાવ આવી રહ્યા છે. એમનું પણ એવું જ હતું કે એ ભલા અને એમનો કાળો રોડ ભલો. . !!
ગામથી ચાલવાનું શરુ થયા પછી આઠમું ખેતર ભુરીનું આવે. સવાર સાંજ બંને સમયે બાબુરાવ અને ભુરીએ વાત કરી ન હોય એવું બન્યું ન હતું. ભૂરી હવે બાબુરાવ માટે એક બંધાણ થઈ ગઈ હતી. ભૂરીને કામ હોય કે ન હોય બાબુરાવનો રોડ પર આવવાનો સમય થાય એના પહેલાં ભૂરી કાળા રોડના કિનારે હોય જ. . ! અન્ય લોકો માટે બાબુરાવ સામાન્ય માણસ હતો ભૂરી માટે તો એ ખાસ હતો. ધીરે –ધીરે બાબુરાવે પણ નક્કી કરીને પોતાના મનને મનાવી લીધું હતું કે એક દિવસ તો આ ભુરીની આંખોમાં ડૂબી જાવું છે. ભુરીના મનની વાત ભૂરી જાણે, એણે ડૂબવું તું, તરવું તું, કે તારવું તું એ વાત ભૂરી જાણે પણ બાબુરાવે હવાઈ કિલા બાંધવાના શરુ કરી દીધા હતા. આજે પણ રોડના કિનારે અને ભુરીના આંખના કિનારે ઊભા રહીને બાબુરાવે થોડી વાતો કરી.
બાબુરાવ રોડની આસપાસ આવેલાં ખેતરોનો ઈતિહાસ જાણતા થઇ ગયા હતા. આ ખેતરોની ભૂગોળ તો એમની નજર સામે જ હતી. ક્યાં ખેતરમાં કોણ રહે, એનો સ્વભાવ કેવો, ભેસો કેટલી રાખે અરે ઘણી વાર તો કોની ભેસનું દૂધ વધારે ફેટ વાળું છે એની પણ એમને ખબર હોય. કોને આ સાલ ધોરા ઉતરાવ્યા, અને કોના ખેતરની બોરડીના બોર મીઠાં છે. કઈ પીલુડીને આછાં ગુલાબી પીલુ આવે એની પણ બાબુરાવને પાક્કી ખબર. આવા બાબુરાવ ભુરીની આંખોના કિનારે જ ઊભા હતા.
એક દિવસ સાંજના સમયે બાબુરાવ પોસ્ટનું કામ પૂરું કરીને વચ્ચેના એક ખેતરમાંથી લીલી શાકભાજી લઈને ચાલ્યા આવતા હતા. એમની જેવી નજર ભુરીના ખેતરના શેઢે પડી તો આજે ભૂરી ત્યાં હાજર હતી નહિ. એમના મગજના ખૂણે કેટલાય વિચારો આવી ગયા. . ! ક્યાં ગઈ હશે ભૂરી ? થોડા નજીક આવ્યા એટલે ભુરીની જગ્યાએ એનો આઠ વર્ષનો છોકરો વેણુ ઊભો હતો.
વેણુએ બાબુરાવને કહ્યું કે “ મારી બાઈ તમને બોલાવે” બાબુરાવ ના દિમાગમાં વીજળી ના ચમકારા થવા લાગ્યા કે કોઈ દિવસ નહિ ને આજે છેક ઘેર આવવાનું આમંત્રણ . . ! વળી એ વાત પણ યાદ આવી કે સવારે એવી કોઈ વાત થઇ ન હતી કે મારે છેક ઢાળીએ આવવું પડે ? બાબુરાવના બધા જ પ્રશ્નોના જવાબ ખેતરની વચ્ચોવચ બનેલા વિલાયતી નળિયાં વાળા ઢાળીએ હતા. વેણુ આગળ અને બાબુરાવ પાછળ.
બાબુરાવ ઢાળીયે પહોચતાં જ એમનું સ્વાગત રામરામ કરીને ભુરીના પતિએ કર્યું. રંગીન ઓછાડ પાથરેલા ઢોલીયા પર બાબુરાવે ઓશીકા તરફ બેઠક લીધી. “ શું સાયબ કોઈ દિ ચા પીવા પણ આવતા નથી” એવી મીઠપ ભરી વાત સાથે ભુરીના પતિએ ઠંડા પાણીનો લોટો બાબુરાવના હાથમાં આપ્યો, પાણી ગળાની નીચે ઉતારતાં બાબુરાવ બોલ્યા “એ આ આવી ગયાને ” વૃક્ષોમાંથી ગળાઈને આવતી હવા બાબુરાવના પરસેવાવાળા શરીરને ગમી.
થોડીવાર થઇ એટલે ભેંસના દૂધનો કડક ચા બનાવીને ભૂરી આવી. જે આંખમાં ડૂબવાનાં ઓરતાં હતાં એ આંખ થોડી લાલ થયેલી હતી. ભુરીનો પતિ બોલ્યો સાયબ તમે ચા પીને ભુરીની આંખમાં જોઈ આપજો,કઈક તણખલા જેવું પડ્યું હોય એવું લાગે છે. આ નવી વાત સાંભળ્યા પછી ચાને કઈ રીતે પીવો એ મહાપ્રશ્ન બાબુરાવ માટે થઇ ગયો.
ચા પીવો કે ભુરીની આંખનો અમી રસ પીવો એ વાત પર બાબુરાવ ક્યાંય સુધી અટવાયેલો રહ્યો. છેવટે કડક ચા પીધા પછી એની આંખોમાં નવું તેજ આવ્યું એને ચાની ખાલી તાંસળી નીચે મૂકી એટલે ભૂરી નજીક આવીને બેઠી. બાબુરાવ ભૂરીની આંખમાં ક્યાંય સુધી ઊંડાણમાં જોઈ રહ્યો.
ભુરીનું તણખલું તો નીકળી ગયું પણ બાબુરાવ એ આંખમાંથી ક્યારેય બહાર આવી શક્યો નહી.