મધુ-માલતી
મધુ-માલતી


આજે રવિવાર હોવા છતાં પણ માલતીની ઊંઘ વહેલી ઊડી ગઈ, રાત્રે સુતી વખતે નક્કી કરીને પથારીમાં લંબાવ્યું હતું કે મોડે સુધી નિંદ્રાને માણવી. સવારની ગુલાબી ઊંઘ એને હાથતાળી આપીને ચાલી ગઈ. જાગીને એ કેટલીય વાર સુધી પલંગ પર બેઠી રહી. એની મુલાયમ ચાદર પર ચિત્રાંકન કરેલાં પતંગિયાં પર નજર એટલી બધી સ્થિર થઈ ગઈ જાણે કે એની આસપાસ રંગીન અનેક પતંગિયાં ઉડી ન રહ્યાં હોય. . !!
માલતી હજી તો પતંગિયાના વિચારોમાં જ હતી અને એના ફોનની રીંગ વાગી. ગુલાબી પતંગિયા આકારના કવરમાં સચવાયેલા ફોનને એણે ખોલ્યો તો એની સખી મધુનો ફોન હતો. થોડીવારમાં તો આખા દિવસનો પ્લાન નક્કી થઈ ગયો. મધુ અને એ નાનપણથી બહેનપણીઓ હતી એટલે એની વાતને એ ટાળી શકે એમ હતી નહી. આમેય માલતીને આરામ સિવાયનો આજે કોઈ પ્રોગ્રામ હતો નહિ, હવે બસ આખો દિવસ મધુની ‘સ્કુટી’ પર પતંગિયાની જેમ ઉડીશું એવા વિચાર સાથે માલતી તૈયાર થવા માટે બાથરૂમ તરફ ચાલી.
મધુ અને માલતી અમદાવાદના કાંકરિયા નજીકના વિસ્તારમાં રહેતી હતી. મધુએ આજે સવારે જયારે એમ કહ્યું કે આપણે ‘કાંકરિયા’ તળાવને તો મનભરીને જોયું જ નથી. આખું ‘ગુજરાત’ જેને જોવા આવે છે એને આપણે એમ કહીને અવગણીએ છીએ કે એમાં શું જોવાનું ? એ આપણી બાજુમાં જ છે એટલે આપણને ઉત્સુકતા નથી,બાકી તો કાંકરીયામાં અનેક મસ્ત દ્રશ્યો પડેલાં,એને માણવા માટે દ્રષ્ટિકોણ જોઈએ,પણ આજે તો બંને સખીઓએ નક્કી કર્યું હતું કે રવિવારની ઉજવણી
તો કાંકરીયામાં જ કરવી. . !!
આગિયાર વાગ્યા આસપાસ બંને સખીઓ કાંકરિયાના “પતંગિયા પાર્ક”ની મોજ લઇ રહી હતી. સુંદર તાજાં ખીલેલાં ફૂલો પર રંગ-બેરંગી પતંગિયા ઉડી રહ્યાં હતાં. અનેક પ્રકારના છોડ પર વિવિધ રંગના પતંગિયા પોતાની ધૂનમાં ઉડી રહ્યાં હતાં. વીસ વર્ષ આસપાસની બંને બહેનપણીઓ પણ આજે તો પતંગિયાં જેવી જ દેખાતી હતી. એમની યુવાની અને એના પર મસ્તીની ચાલ એમને પતંગિયાં બનાવવા માટે પુરતી હતી. એમનાં કપડાની પસંદગી અને વાત કરવાની સ્ટાઈલ જાણે એ પણ પતંગિયાની બહેનપણીઓ હોય. . !!
મધુ-માલતીની ઉંમર ના જ હોય એવા ત્રણ છોકરાઓ પણ આજે આ પાર્કનો આનંદ માણી રહ્યા હતા. જેવી એ છેલબટાઉ ની નજર આ યુવાન પતંગિયાં પર પડી એટલે એમને અંદરો-અંદર કોમેન્ટ પાસ કરી ; “ અરે યાર આજે તો પતંગિયાને જોવા મોટાં પતંગિયાં આવી ગયાં” જે છોકરાના મોઢામાંથી આ વાત એવી રીતે નીકળી કે એનો અવાજ મધુ માલતીના કાને પડે.
મધુ –માલતીને આ દ્વિઅર્થી વાત સમજાય એના સાથે જ એ છોકરાએ એક નાની સરખી ચીસ પાડી. બંને બહેનપણીઓ નું ધ્યાન એમના તરફ ગયું ત્યારે ખ્યાલ આવ્યો કે એક મધમાખી એને કરડી ગઈ હતી. એના સાથી મિત્રો એને જોઈ રહ્યા હતા. અને મધમાખીનો કાંટો એટલે કે ડંખ શોધી રહ્યા હતા.
મધુએ માલતી સામે જોઇને કહ્યું આપણું કામ મધમાખીએ કરી દીધું. લાફો તો આપણે મારવાનો હતો પણ કુદરતે ઝડપ કરીને એનું કામ પૂર્ણ કરી દીધું.